ફ્રાન્સના નવા PMએ એક મહિનામાં આપ્યું રાજીનામું

પેરિસઃ ફ્રાન્સમાં રાજકીય સંકટ ઓછું થવાનું નામ નથી લેતું. રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોનની મુશ્કેલીઓ ઓછી થઈ રહી છે. રાષ્ટ્રપતિ મેક્રોએ નવા નિયુક્ત પ્રધાનમંત્રી સેબાસ્ટિયન લેકોર્નુનું રાજીનામું સ્વીકારી લીધું છે. નવી કેબિનેટની જાહેરાતના થોડા જ કલાકો પછી PMએ આપેલું આ રાજીનામું આ યુરોપિયન દેશને વધુ ઊંડા રાજકીય સંકટમાં ધકેલી ગયું છે.

મેક્રોએ ગયા મહિને જ લેકોર્નુને વડા પ્રધાન તરીકે નામિત કર્યા હતા, પરંતુ રવિવારે રાત્રે મેક્રોએ મોટા પાયે કોઈ ફેરફાર કર્યા વિના નવી કેબિનેટની યાદી જાહેર કરી હતી, જેની ભારે ટીકા થઈ હતી. હવે આ જાહેરાતના થોડા કલાકો પછી જ વડા પ્રધાને રાજીનામું આપ્યું છે.

રાષ્ટ્રપતિ મેક્રોએ રવિવારની રાત્રે નવી સરકારની રચના જાહેર કરી હતી. વડા પ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુના નેતૃત્વ હેઠળ કેબિનેટમાં મોટા ભાગના ઓળખીતા ચહેરાઓને જ સ્થાન મળ્યું હતું. મેક્રોનના શાસન દરમિયાન સાતમા પ્રધાનમંત્રી બનેલા લેકોર્નુની નિમણૂકને એક મહિનો પણ પૂરો ન થયો હતો કે નવી કેબિનેટ જાહેર થઈ ગઈ હતી. પરંતુ હવે પ્રધાનમંત્રીએ પોતે જ રાજીનામું આપી દીધું છે.

ફ્રાન્સની હાલત ખરાબ

ગયા અઠવાડિયે જાહેર થયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે ફ્રાન્સનું જાહેર ઋણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ફ્રાન્સનું લોનથી GDP પ્રમાણ હવે ગ્રીસ અને ઇટલી પછી યુરોપિયન યુનિયનમાં ત્રીજા ક્રમે છે અને તે યુરોપિયન યુનિયન દ્વારા નક્કી કરાયેલા મર્યાદા  60 ટકાના લગભગ બે ગણા છે.

પાછલી સરકારોએ છેલ્લાં ત્રણ વાર્ષિક બજેટો વિના મતદાન સીધા સંસદમાં રજૂ કર્યા હતા. બંધારણ મુજબ આ રીત મંજૂર છે, પરંતુ વિરોધ પક્ષે તેની ભારે ટીકા કરી છે. લેકોર્નુએ ગયા અઠવાડિયે વચન આપ્યું હતું કે સાંસદોને બિલ પર મતદાન કરવાની તક મળશે.

મેક્રોનો દાવ ઊલટો પડ્યો

હકીકતમાં, મેક્રોએ પોતાની સ્થિતિ મજબૂત કરવાની આશામાં ગયા વર્ષે મધ્યમાં અચાનક સંસદીય ચૂંટણી બોલાવી હતી. ત્યારથી ફ્રાન્સ રાજકીય સંકટમાં ફસાઈ ગયો છે. મેક્રોનનો આ દાવ ઊલટો પડ્યો હતો અને રાષ્ટ્રીય સભામાં તેમનું ગઠબંધન અલ્પમતમાં આવી ગયું છે.