સત્તરમું બેઠેલું ત્યાં તો વિનીતા ભલભલાના મન મોહી લે તેવી સુંદર યુવતી થઇ ગઈ હતી. સુંદર ચેહરો, વાતોકડી આંખો અને ચેરી જેવા સુંદર લાલ ચટાકેદાર હોઠ. આ બધું જ નેચરલ. મેકઅપ લગાવે તો તો કયામત આવી જાય. આવી સુંદરતા અને તેમાં વળી તેના પપ્પા ફિલ્મ પ્રોડયુસર. પરિણામે વિનિતાએ કોલેજ જવાનું શરુ કર્યું ત્યારે જ પ્રથમ ફિલ્મમાં કામ કરવાનું પણ શરુ કરી દીધેલું. તેનું પહેલું વર્ષ પૂરું થયું ત્યાં તો ફિલ્મ પણ રિલીઝ થઇ ગઈ. ભણવામાં તો એટલું સારું પરિણામ ન આવ્યું જેટલું ફિલ્મી દુનિયામાં મળ્યું. વિનીતાની પ્રસંશા ચાહકોમાં જ નહિ પણ ફિલ્મ-વિવેચકોમાં પણ થવા લાગી.
રૂપેરી પર્દાની દુનિયામાં લોકોને પસંદ પડે તેવી જ વાર્તા લખાઈ હતી, તેવો જ રોલ વિનીતાને આપવામાં આવ્યો હતો અને તેના રૂપનો ભરપૂર ઉપયોગ કરીને પ્રથમ ફિલ્મ દ્વારા જ તેનો ડંકો આખી ઇન્ડસ્ટ્રીમાં વગાડી દેવાના તેના પિતાના ઈરાદા પુરી રીતે સફળ થયા હતા.
તરત જ વિનીતાને છ બીજી ફિલ્મો સાઈન કરવા મળી અને તેનાથી કોલેજ તો બિલકુલ બાજુ પર રહી ગઈ પરંતુ ક્યારેક ક્યારેક તે જઈ આવતી. ભણવા કરતા ત્યાં લોકો તેને જોઈને જે પ્રસંશા કરતા તે વધારે ગમતું વિનીતાને. તેની ઉંમરની અને કેટલીક તેના જેટલી સુંદર યુવતીઓ હાથમાં ચોપડી ઉઠાવીને એક ક્લાસથી બીજા ક્લાસમાં લેક્ચર એટેન્ડ કરવા દોડતી રહેતી ત્યારે વિનીતા સ્ટારડમની ગેલેક્ષીમાં સિતારો બનીને ચમકી ગઈ હતી. પહેલા વર્ષમાં કોલેજમાં આવતી ત્યારે યુવાનો શ્વાસ લેવાનું ચુકી જતા અને ટોળે વળીને તેને જોવા ઉભા રહેતા. હવે તો તે સ્ટાર બની ગઈ હતી એટલે યુવાનો અને યુવતીઓ ઓટોગ્રાફ લેવા પણ ધસી આવતા. આવો અનુભવ તેને બહાર થાય તેમાં એટલો રોમાંચ ન થતો જેટલો કોલેજમાં થતો. કેમ કે તે પોતાની કોલેજ હતી.
એક પછી એક હિટ ફિલ્મ આપીને વિનીતા ટોપની હીરોઇનોના લિસ્ટમાં આવી ગઈ અને તેને પોતાની ફિલ્મમાં સાઈન કરવા પ્રોડ્યુસર્સની લાઈન લાગી જતી. પૈસા પણ મોં માંગ્યા મળવા લાગ્યા. તેના પિતા ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ હતા એટલે તેમને માર્કેટિંગ કરતા પણ ખુબ સારી રીતે આવડે. ખરેખર તો વિનીતાને કેવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવી, કેવા પ્રકારની ફિલ્મો કરાવવી તેનો નિર્ણય અને માર્ગદર્શન તેના પપ્પા જ આપતા.
પાંચેક વર્ષ થયા, વિનીતાને અનેક સફળતાઓ મળી એટલે હવે તેને લાગ્યું કે તેને ઇન્ડસ્ટ્રીના સૌથી નામાંકિત અને આદરણીય ગણાતા નિર્દેશક સમર સિંહા સાથે કામ કરવું જોઈએ. તેને પપ્પાને વાત કરી કે તે સમર સિંહા સાથે ફિલ્મ કરવાનું વિચારે છે. ‘ના દીકરી, સમર સિંહાની ફિલ્મો તને સૂટ નહિ કરે.’ તેના પિતાએ પ્રોત્સાહન ન આપ્યું.
‘કમ ઓન પપ્પા, ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટું નામ એમનું છે. અને તેમની સાથે ફિલ્મ કરીશ તો લોકો મને પણ એક સ્થાપિત અભિનેત્રી તરીકે સ્વીકારશે.’
‘હું વાત કરી જોઉં.’ તેના પપ્પાએ કહ્યું પણ તે જાણતા હતા કે સમર સિંહાને અભિનય જોઈએ છે ગ્લેમર નહિ.
બે-ત્રણ મહિના વીતી ગયા પણ તેના પપ્પા તરફથી કોઈ પ્રતિભાવ ન મળતાં વિનીતાએ નક્કી કર્યું કે પોતે જ સમર સિંહાને વાત કરશે. એક દિવસ સાંજે પાર્ટીમાં તેમને મળવાનું થઇ ગયું એટલે વિના સંકોચે વિનીતાએ પૂછી લીધું, ‘સર, હું તમારી ફિલ્મમાં રોલ કરવા માંગુ છું.’
‘ચોક્કસ. મારી પાસે એક સરસ ફિલ્મ છે જેની સ્ક્રીપટ લગભગ ફાઇનલ થઇ ગઈ છે. આવતા મંગળવારે ઓડિશન કરું છું. આવી જાઓ સવારે અગિયાર વાગ્યે.’ સમર સિંહાએ જવાબ તો ઉમળકાભેર આપ્યો પણ તેમાં કોઈ કમિટમેન્ટ નહોતું.
‘ઓડિશન?’ વિનિતાના મોંમાંથી નીકળી ગયું.
‘હા, હું કોઈ જ ફિલ્મમાં, કોઈ જ અભિનેતાને ઓડિશન વિના લેતો નથી. બેસ્ટ લક ફોર ટ્યુઝડે. એક્સયુઝમી.’ કહીને તે બીજા લોકો સાથે વાતચીતમાં વળગ્યો.
મનોમન ડંખાયેલી વિનીતાએ તેના પપ્પાને આ વાત કરી. ‘મેં તને કહ્યું હતું તે અલગ પ્રકારની ફિલ્મો કરે છે.’ ‘હા, પણ હવે તો હું ઓડિશનમાં જઈશ અને એ ફિલ્મ લઈને જ રહીશ.’ વિનીતાએ ગુમાનથી કહ્યું.
મંગળવારે તે ઓડિશનમાં પહોંચી પણ ગઈ. બીજા લોકો સાથે તેને પણ લાઈનમાં લગાવવામાં આવી, ફોર્મ ભરાવાયું અને બેસવાનું કહેવામાં આવ્યું. વિનીતાના ગુસ્સામાં જાણે તેલ રેડાયું. થોડીવાર પછી એક યુવાન અંદરથી આવ્યો અને તેણે કહ્યું, ‘મેડમ, સમર સરે કહ્યું તમારે લાઈનમાં રાહ જોવાની જરૂર નથી. તમારું ઓડિશન પહેલા લઇ લઈએ.’
વિનીતા અંદર ગઈ. તેને આપવામાં આવેલી લાઈન શક્ય હોય તેટલી સારી રીતે બોલી. ‘વિનીતા જી, ફરીથી એકવાર પ્રયત્ન કરો.’ સમર સિંહાએ કહ્યું. વિનીતાનો મગજ છટક્યો પણ તેણે ફરીથી પ્રયત્ન કર્યો. એક વાર, બીજીવાર, ત્રીજીવાર, દશેકવાર તેની પાસે રિપીટ કરાવ્યા પછી સમર સિંહાએ કહ્યું, ‘વિનીતા જી, શાયદ આપ ઇસ રોલકે લિયે ફિટ નહિ હૈ.’
વિનીતાની આંખ ભરાઈ આવી અને તે સીધી પોતાના ઘરે પહોંચીને બેડરૂમમાં દોડી ગઈ. તેનું અભિમાન ઘવાયું હતું. પોતે આટલી મોટી સ્ટાર અને આટલી હિટ ફિલ્મો આપી છતાં સમર સિંહાએ તેના દશ દશ રીટેક લીધા પછી પણ રિજેક્ટ કરી. આખી સાંજ તેણે રોતા રોતા વિતાવી. આઠેક વાગ્યા તો દરવાજે ટકોર થઇ. ‘વિનીતા, ડિનર કરી લે.’ તેના પપ્પાનો અવાજ દરવાજા બહારથી આવ્યો.
‘મને ભૂખ નથી પપ્પા.’ વિનીતાએ અંદરથી જ કહ્યું.
‘સમર સિંહાજી આવ્યા છે તને મળવા માટે. આપણી સાથે જ ડિનર કરશે.’ તેના પપ્પાએ કહ્યું.
વિનીતાને લાગ્યું હવે તેના પરિવાર સામે બેઇજ્જતી કરવા આવ્યો હશે એ માણસ. જો કઈ એવું બોલશે તો ઘરની બહાર કાઢી મુકીશ તેવું નક્કી કરીને તેને પોતાના અંશુ લૂછ્યાં અને રૂમની બહાર આવી. તેના પિતા સાથે ડિનર ટેબલ પર આવી જ્યાં તેના પરિવારના બીજા લોકો અને સમર સિંહા વાતો કરતા હતા.
‘વિનિતાજી, આજ આપણે બહોત અચ્છી કોશિષ કી. આઈ એમ ઈમ્પ્રેસ.’ સમર સિંહાએ કહ્યું. વિનીતાને ખબર હતી ઇન્ડસ્ટ્રીમાં સમર સિંહાની છાપ હતી. તેઓ ક્યારેય કોઈના વિશે ખરાબ ન બોલતા પણ તેનો શું અર્થ. તેને રોલ તો ન મળ્યો ને.
‘હા, કોશિશ કરવાથી શું થાય. રોલ તો ન મળ્યો ને.’ વિનીતાએ નિરાશાથી કહ્યું.
‘વિનીતા, મારે અભિનેત્રી જોઈએ છે, સ્ટાર નહિ. તારા બધા જ પ્રયત્નોમાં સ્ટારડમ આવી જતું હતું. પરંતુ તું સક્સેસફુલ હિરોઈન હોવા છતાં સામેથી મને મળવા આવી, ઓડિશન આપવા પણ આવી અને એક પછી એક દશેક શોટ આપ્યા, તે તારી વિનમ્રતા અને કમિટમેન્ટ બતાવે છે. હું ખરેખર જ તેનાથી પ્રભાવિત થયો છું. એટલે જ હું તને ફિલ્મમાં અભિનેત્રીના રોલ માટે તો નહિ પણ બીજી એક ઓફર આપવા આવ્યો છું. જો તારે ખરેખર જ અભિનય શીખવો હોય તો સ્વીકારજો નહીંતર યુ આર ઓલરેડી અ સ્ટાર. જો તું ના કહીશ તો મને ખોટું નહિ લાગે.’
‘શું ઓફર છે તમારી?’ વિનીતાએ આશ્ચર્યથી પૂછ્યું. તેના પપ્પા અને પરિવારના બીજા લોકો પણ સાંભળવા આતુર હતા.
‘મારી આસિસ્ટન્ટ ડાઈરેક્ટર બનીને આ ફિલ્મ કર. તને કેમેરાની પાછળથી કામને સમજવાથી ફાયદો થશે. તું અભિનય શીખીશ અને તારી ધગસ છે એટલે તું સારી અભિનેત્રી બની શકીશ.’ સમર સિંહાએ પોતાની ઓફર આપી.
‘આંખ બંધ કરીને સ્વીકારી લે બેટા.’ તેના પપ્પાએ કહ્યું અને પરિવારના બીજા લોકોએ સહમતીમાં માથું હલાવ્યું.
વિનીતાની આંખોમાંથી ખુશીના આંસુ છલકી રહ્યા હતા.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)