શરીર પર વાગેલા ઘા એક દિવસ રૂઝાય જાય છે, પણ શબ્દોના લાગેલા ઘા કોઈ’દી રૂઝાતા નથી. આ કહેવત જરાય ખોટી નથી. સામાન્ય જીવનમાં પણ કોઈના કહેલા શબ્દો તલવારના ઘાની જેમ વાગતા હોય છે. અત્યારનો સમય બદલ્યો છે, નાની કે મોટી તમામ ઘટનાનો અભિપ્રાય સોશિયલ મીડિયામાં ગણતરીની સેકન્ડોમાં ફરવા લાગે છે. એ પછી ભલે કોઈ સામાજીક મુદ્દો હોય કે કોઈ લોકપ્રિય કલાકાર કે રમતવીરનું નિજી જીવન હોય. પરંતુ શું દરેક વસ્તુ પર વિચાર કર્યા વગર આપવામાં આવેલી ટિપ્પણી સાચી હોય છે ખરી?
તાજેતરમાં એક ભારતીય ક્રિકેટર પર એક રાજકારણીએ ટિપ્પણી કરી હતી. જે પછી રાજકારણી નેતા વિવાદના વંટોળમાં ફસાયા હતા. આવી જ રીતે ઘણા લોકો અવારનવાર જાણીતી પર્સનાલિટી પર ટિપ્પણીનો વાર કરતા હોય છે. વિચાર મુકવો વાણી સ્વતંત્રતાનો ભાગ છે પણ કલાકાર કે રમતવીરનું અપમાન કરવું કેટલું યોગ્ય છે.? આ વખતેના ઓપિનિયન વિભાગમાં જાણો અલગ અલગ વર્ગના લોકો આ મુદ્દે શુ કહે છે…
ડૉ. રામાશંકર, M.D. મનોચિકિત્સક, માનસિક આરોગ્યની હોસ્પિટલ, અમદાવાદ
કોઈ પણ રાજનેતા હોય કે સામાન્ય માણસ હોય, કોઈને પણ સેલેબ્રિટીઓ કે કોઈ સામાન્ય માણસ પર ટિપ્પણી ન કરવી જોઈએ. હા, એ વાત અલગ છે કે કોઈ મિત્ર ઓળખાણમાં વ્યક્તિની હાજરી અને સહમતીથી તેના પર કોઈ પણ ટિપ્પણી કરો. જો કોઈ પણ ટિપ્પણી કરે તો તેના પર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. ઘણી વખત એવુ પણ થતું હોય છે, કે લોકોને જાણકારી નથી હોતી કે તે બીજા વ્યક્તિ માટે અયોગ્ય ટિપ્પણી કરી રહ્યા છે, તે માત્ર પોતાના અભિપ્રાય જાહેર જનતા વચ્ચે મુકવા માગતા હોય છે. તેને સોશિયલ મીડિયા પર ધડાધડ લોકો વખોડવા લાગતા હોય છે. જ્યારે ઘણા લોકો જાણી જોઈને સામાન્ય જનતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે આવી ટિપ્પણીનો પ્રયોગ કરતા હોય છે. મોટા ભાગના કેસમાં લોકોનું ધ્યાન ખેંચવા માટે આ પ્રકારના સ્ટન્ટ કરવામાં આવે છે. જે આજકાલની જનરેશન પ્રમાણે સામાન્ય વાત છે.
જાણીતા વ્યક્તિ પર કોઈ પણ ટિપ્પણી થાય, ત્યારે જે તે વ્યક્તિને દુ:ખ થાય. આવા કેસમાં ઘણા લોકો કોઈ પણ રિએક્શ નથી આપતા, કોઈ પણ કેસ નથી કરતા કે પછી કોઈ વાતનો મુદ્દો નથી બનાવતા, આ પ્રકારના લોકોને કોઈ પણ અપ્રિય ટિપ્પણીનું સૌથી વધુ દુ:ખ થાય છે, પરંતુ તે કોઈની સામે પોતાના દુ:ખનો દેખાવ કરતા નથી. જે લાંબા કે ટુંકા સમય તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. જેની સીધી અસર તેના કામ પર થાય છે. જ્યારે અમુક લોકો થોડું રિએક્શન આપી વાતને જતી કરતા હોય અને ઘણા લોકો આવી વાતનો જડબાતોડ જવાબ આપવામાં માનતા હોય છે.
વિવેકા પટેલ, અભિનેત્રી, અમદાવાદ
સેલેબ્રિટી હોય કે, સામાન્ય માણસ હોય કોઈના પર રંગ કે રૂપની ટિપ્પણી કરવી તે યોગ્ય નથી. પરંતુ વર્ષોથી કોઈને કોઈ રીતે સમાજ કે સામાન્ય ઘરોમાં ટિપ્પણી થતી જ આવી છે. એમા પણ રાજકારણ સાથે જોડાયેલા દેશના સેલિબ્રિટી પર આમ ટિપ્પણી કરે તે યોગ્ય નથી, આપણે વ્યક્તિના કામ અને યોગદાનને મહત્વ આપવું જોઈએ. પ્રોફેશન કોઈપણ હોય વ્યક્તિ પોતાના કામ દેશની ભલાઈને ધ્યાને રાખી નિષ્ઠા પૂર્વક કરે તે વધારે જરૂરી છે. સામાન્ય નાગરિક અને એક સુઘડ સમાજ તરીકે વ્યક્તિના રંગ રૂપને મહત્વ આપ્યા કરતા માણસના કર્મોને વધારે મહત્વ આપવું જોઈએ.
ભરતભાઈ રાઓલ, ફિટનેશ ટ્રેનર, અમદાવાદ
આજની સોશિયલ મીડિયાની દુનિયામાં, સેલેબ્રિટીઓ દેખાવને લઈને ઘણીવાર ચર્ચા આવતા હોય છે. પણ સાચી વાત તો એ છે કે, કોઈપણના દેખાવ કરતા તેનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું હોય છે. દરેક વ્યક્તિની શરીરરચના અને જીવનશૈલી અલગ હોય છે અને ફક્ત દેખાવના આધારે કોઈ પણ માણસ પર ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. આપણે બોડી શેમિંગ કરતા, સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવી જોઈએ. ફિટનેસ એટલે માત્ર સિક્સ પેક અથવા ઝીરો ફિગર નહીં, પણ મજબૂત અને તંદુરસ્ત શરીર. સેલેબ્રિટીઓ પણ માનવી છે અને પરફેક્ટ દેખાવ માટે દબાણ અનુભવે છે. જો આપણે તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ, તો સ્વસ્થ શરીર અને મજબૂત મન બંને મેળવી શકીએ. એટલે આપણે દેખાવ નહીં, પણ આરોગ્ય અને તંદુરસ્તી પર ધ્યાન આપવું જોઈએ.
અમિત પટેલ, હાઈકોર્ટ ધારાશાસ્ત્રી & પૂર્વ સિવિલ જજ, અમદાવાદ
સેલિબ્રિટીના દેખાવ વિશે ટિપ્પણી કરવી યોગ્ય નથી, જાણીતા લોકોની પ્રતિભા અને સિદ્ધિઓ કરતાં તેમની શારીરિક રૂપરેખા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એટલું જ નહીં, તેમના પર નકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવે છે, જે વ્યક્તિના આત્મવિશ્વાસ ઘટવાનું કારણ બની શકે છે, તેમના માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડી શકે છે. સેલિબ્રિટીઓ ઘણીવાર અવાસ્તવિક સૌંદર્ય ધોરણો હેઠળ રહે છે, અને આવા અભિપ્રાયો અપ્રાપ્ય અને બિનઆરોગ્યપ્રદ આદર્શોને પ્રોત્સાહન આપે છે. કોઈપણ વ્યક્તિ તેમના દેખાવ પર ટિપ્પણી માટે સંમતિ આપતા નથી, અને તે ઘૂસણખોરી કે અનાદર રૂપ બની શકે. આ પ્રકારની ઘટનામાં કાનૂની કાર્યવાહી પણ થઇ શકે છે. તેના બદલે, આપણું ધ્યાન તેમની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજ માટેના મહત્વપૂર્ણ યોગદાન પર હોવું જોઈએ. સકારાત્મક અને સંવેદનશીલ અભિગમ અપનાવીને, આપણે સેલિબ્રિટીઓ અને અન્ય લોકો માટે વધુ પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કરવું જોઈએ.
(તેજસ રાજપરા, અમદાવાદ)
