2005 થી સળંગ નવ વર્ષ પ્રકાશિત નવી-મુંબઈ, વાશીના “નૂતન-નગરી” ગુજરાતી સાપ્તાહિક વર્તમાન-પત્રના ‘વન-મેન-શૉ’ તંત્રી, મુદ્રક અને માલિક તથા મહાપાલિકાના પ્રારભમાં પત્રકાર-સંઘના ઉપપ્રમુખ જિતેન્દ્રભાઈ પાઢની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ અમદાવાદ, બે ભાઈ, પાંચ બહેનનું માધ્યમ-વર્ગનું કુટુંબ. પિતાશ્રી હેરિટેજ-નોંધણી-કૃત કાળા રામજી મંદિરમાં પુજારી, માતા ધાર્મિક,સંસ્કારી. ફેલોશીપ હાઈસ્કૂલ, ઘીકાંટામાં શાળાનો અભ્યાસ, H K ARTS કૉલેજથી BA, ગુજરાત યુનિવર્સીટીમાંથી MA કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદની દીક્ષા-પરીક્ષા પાસ,ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ ફર્સ્ટ ક્લાસમાં પાસ, હિન્દી પત્રકારિતા સર્ટિફિકેટ કોર્સ તથા અન્ય કોર્સ કર્યાં. પત્ની, વત્સલાબહેન ગ્રેજ્યુએટ. ચાર સંતાનો ઉચ્ચ-અભ્યાસ બાદ અમેરિકા સ્થાઈ. (8 પૌત્ર-પૌત્રીઓ) યુવાનીમાં મળતી તકો સ્વીકારી: ટ્રાવેલિંગ-સેલ્સમેન, ટેક્સટાઇલ્સ-આર્ટિસ્ટ, ટાઈમકીપર, ગુજરાતી કોપી-રાઇટીંગ, SNDTમાં સુરેશ દલાલના RA, ફ્રિલાન્સ-પત્રકારત્વ… નવી-મુંબઈની ઘણી સામાજિક-સંસ્થાઓમાં પદાધિકારી, ટ્રસ્ટી. વાશીના મોતા-ચેરીટેબલ ટ્રસ્ટના સક્રિય સમાજ-સેવક, દર રવિવારે આદિવાસી વિસ્તારોમાં અનાજ-કપડાં-દવાઓ આપવા જતા. વિવિધ શૈક્ષણિક અને સામાજિક-સંસ્થાઓ તરફથી સન્માન-સત્કાર એનાયત. ખાસ સમસ્ત બ્રાહ્મણ-સમાજ તરફથી ૨૦૨૨માં ‘લાઈફ એચિવમેટ એવોર્ડ, ગુજરાતી-સમાજ નવી-મુંબઈ તરફથી બહુમાન. મરાઠી વર્તુળમાં વિશેષ માન.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
જનસસેવા, વાચન, લેખન, ઉમરને લીધે ઓછી ઊંઘ, સાધારણ કસરત બાદ ઊઠીને નિત્ય-કાર્યથી પરવારી તરત લેપટોપ પર લખવા બેસે. સ્માર્ટફોન મેસેજના જવાબમાં નિયમિતતા. નવોદિતો અને સરસ લખનારને અભિનંદન આપે. જ્ઞાનની મિત્રોમાં લહાણી કરે. જનસંપ્રકનો શોખ, ઘરકૂકડી ન થાય! ચાલવાનો શોખ, જમીને કલાક આરામ કરે. જામનગરથી પ્રકાશિત સાંજના દૈનિક ‘ગુડ-ઇવનિંગ’માં છેલ્લા ચારવર્ષથી નિયમિત કોલમ ‘વિદેશના ઝરુખેથી’ લખે; અમરેલીના ‘આગમન’માં તથા ઘણાં ગુજરાતી સામયિકોમાં તેમની કોલમ અમેરિકા-નિવાસ દરમ્યાન ચાલુ. સમાચાર, ડિબેટ, રામાયણ-મહાભારત જેવી સીરીયલો ટીવીમાં અવશ્ય જુએ. સાહિત્ય કોઈપણ ભાષામાં હોય અચૂક જોએ. રાતના બ્લેક-એન્ડ-વ્હાઈટ સીરીયલ જોઈને જ સુઈ જાય! સામાજિક-સંસ્થાઓમાંથી રાજીનામું આપી હવે માત્ર માતૃભાષાની સેવામાં રસ. પ્રેરણા આપે, ટીકાથી દૂર. સંયમિત, સરળ જીવનશૈલી. જાતે કામ કરવાની ટેવ. હાલમાં નવી-મુંબઈની (નીલેશ ઉપાધ્યાયની) ફર્સ્ટ ગુજરાતી ચેનલ “મંથન” સાથે સંકળાયેલા છે.
શોખના વિષયો :
ચિત્રકલા, ડેકોરેશન, રંગોળી, અભિનય ,વકતૃત્વ સ્પર્ધા ,પાદપૂર્તિ સ્પર્ધા, નાટ્ય પ્રવૃત્તિ, કાર્યક્રમ આયોજન, પ્રવક્તા, લેખન, સંકલન, સંશોધન, સંપાદન, નવું નવું જાણવા-શીખવાની તાલાવેલી, પ્રવાસ કરવો, ઉર્દુ-ગુજરાતી મુશાયરા, કવિ-સંમેલનમાં હાજરી આપવી અને તેમનું આયોજન કરવું, ચિંતન-શિબિર, ધાર્મિક-પ્રવચન, સમાજસેવાના કામમાં રુચિ, સાયકલિંગ, પ્રકૃતિ-દર્શન માટે રઝળપાટ કરવો, સતત લોક-સંપર્કમાં રહી મિત્રો સાથે સંબંધો બાંધવા અને ટકાવી રાખવા, ગુજરાતી-અસ્મિતાના પ્રચાર-પ્રસાર માટે ઝઝૂમવું…યાદી ઘણી લાંબી છે!!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે. ઘૂંટણની થોડી તકલીફ છે, લાંબુ ચાલવામાં ધ્યાન રાખવું પડે. હરતા-ફરતા, મસ્ત, ખુશમિજાજી છે! સિંગાપુરની કાર્ડિયોલોજીસ્ટ વિઝીટમાં ડોક્ટરે તેમને સરસ તબિયત સાચવવા માટે અભિનંદન આપ્યા હતા! તેમનો નિયમ છે: રોજ પાંચ માણસોને મળે તો જ ચેન પડે! 35 વર્ષ જમતી વખતે મૌન રાખ્યું હતું!
યાદગાર પ્રસંગ:
નાની ઉંમરથી સાહિત્યનો ઘણો શોખ. એકવાર અમદાવાદમાં ઘર-આંગણે ગઝલકાર જમીયત પંડ્યાના નેજા હેઠળ મુશાયરો ગોઠવ્યો. સંજોગોવશાત તે દિવસે તેમની એસએસસીની પરીક્ષાનું રિઝલ્ટ. તેઓ પરીક્ષામાં ફેઈલ થયા છતાં કોઈને જાણ કર્યા વિના રંગેચંગે મુશાયરો ઉજવ્યો! કવિશ્રી ઉમાશંકર જોશીએ તેમને MAના ક્લાસમાં “માતૃભાષા માટે યોગદાન આપીશું” તેવા સોગન લેવડાવ્યા હતા. તેમણે અમેરિકામાં ચાર યુવાન-લેખકોને ગુજરાતીમાં લખતા કર્યા! દિગજ્જ સાહિત્યકારો સાથે સતતસંપર્કમાં “લાડકા વિધ્યાર્થી”નું બિરુદ.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
72 વર્ષની ઉંમરે લેપટોપ પર લખતા શીખ્યા બાદ ક્યારેય કાગળમાં લખ્યું નથી! 800થી 1000 આર્ટીકલ જાતે લેપટોપ ઉપર લખ્યા છે. સ્માર્ટફોન વાપરતા પૂરેપૂરો નથી આવડતો તેવું તેમને લાગે છે! બધું જાતે શીખે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેમના શબ્દોમાં: “અમારા પ્રોફેસરો સરસ રીતે ભણાવતા. આજના પ્રોફેસરને ભણાવવામાં રસ નથી, અથવા તેમની પાસે ઊંડું નોલેજ નથી, સમય નથી. ઓછી મહેનતે ઘણું પ્રાપ્ત કરવું છે, વાહ-વાહ કરાવવી છે. મોબાઈલ પછી લેખકો-કવિઓમાં ગ્રુપ-વાડા-બંધી વધી ગયા છે. ગાંઠના પૈસે પુસ્તક છપાવી લેખક-કવિ કહેવડાવવાની હોડ આજનું દૂષણ છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
યુવાનો સાથે સારો સંબંધ..આજના યુવાનો માત્ર પૈસા અને આજીવિકા રળવામાં જ વ્યસ્ત છે! તેમને માતૃભાષામાં કે બીજા સામાજિક-વ્યવહારમાં કોઈ રસ નથી. આજની પેઢી લગભગ સેલ્ફીશ બની ગઈ છે. ગુજરાતી-સમાજના કાર્યક્રમમાં પણ અંગ્રેજી બોલાય છે! સારા ગુજરાતી એન્કરો મળતાં નથી.
સંદેશો :
માતૃભૂમિ, માતૃભાષા અને કર્મ-ભૂમિ પ્રત્યે વફાદાર રહેવું.