સપ્તકમાં આ વખતે છેડાશે આ અનોખો રાગ…

તમે આજસુધીમાં કોઇ પોતાના ઘરનું, પોતાના પાળીતા કૂતરાં કે અન્ય પ્રાણીઓનું નામ રાખે, એમને એ નામથી બોલાવે એ જોયું હશે, પણ તમે ક્યારેય એ જોયું છે કે, કોઇએ પોતાની ગમતી ચીજવસ્તુનું નામ રાખ્યું હોય? અને એ પણ બહારથી સાવ નિર્જીવ દેખાતી ચીજનું? તમને થશે કે આવું તો કાંઇ હોતું હશે? કોઇ પોતાના ઘરની ચીજવસ્તુના તે નામ રાખતું હશે? રાખે, જરૂર રાખે, જો એ વ્યક્તિ એ ચીજને બેહદ પ્રેમ કરતી હોય તો, જો એ વ્યક્તિ માટે એ ચીજ જ પોતાના જીવનનું સર્વસ્વ હોય તો. અને પોતાની ચીજને આ હદે ચાહનાર વ્યક્તિ તો કોઇ કલાકાર જ હોઇ શકે ને?! હા, આ કલાકારનું નામ છે અમિતા દલાલ.

શાસ્ત્રીય સંગીતની દુનિયામાં સિતાર વાદક તરીકે અમદાવાદ સ્થિત અમિતા બહેનનું નામ અજાણ્યું નથી. વિદૂષી મંજુબહેન મહેતા અને ગ્રેમી એવોર્ડ વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ જેવા સમર્થ કલાકારોની તાલીમ અને આશીર્વાદ મેળવીને તૈયાર થયેલા અમિતા બહેનને મોસ્કો ઓલિમ્પિક, પ્રિન્સ કાર્લ થિયેટર અને બનારસના સુપ્રસિધ્ધ સંકટ મોચન સમારોહ સહિત અનેક કાર્યક્રમો-સંગીત સમારોહમાં પોતાની સિતારના તારથી શ્રોતાઓને ડોલાવ્યા છે અને પોતાની એ જ સિતારને એમણે નામ આપ્યું છેઃ અમૃતવર્ષિની. કદાચ સંગીતની દુનિયામાં અમિતાબહેન પહેલા એવા કલાકાર છે, જેમણે પોતાના વાદ્યને કોઇ નામ આપ્યું હોય!

સિતારનું નામ અમૃતવર્ષિની રાખ્યું

ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં અમિતા બહેન કહે છે, દસેક વર્ષ પહેલાંની આ વાત છે. એક કલાકાર તરીકે હું જે વાજિંત્ર વગાડતી હોઉં એ મને પ્રિય હોય જ. મારે મન તો એ સૂર-સંગીતના અમૃતની વર્ષા સમાન છે એટલે મેં સિતારનું નામ અમૃતવર્ષિની રાખ્યું. મારા માટે તો મારી સિતાર એ જીવંત વ્યક્તિ સમાન જ છે. હું જ્યારે જ્યારે રિયાઝ કરતી હોઉં કે પરફોર્મ કરતી હોઉં ત્યારે હું સિતાર સાથે વાતો કરતી હોઉં એવું જ ફીલ કરું છું. પરંતુ વાત આટલેથી અટકતી નથી. અમિતાબહેને પોતાની સિતારનું નામકરણ કર્યું ત્યારે એમને એ ખબર નહોતી કે દક્ષિણ ભારતમાં શાસ્ત્રીય સંગીતમાં આ નામનો કોઇ રાગ પણ પ્રચિલત છે. અમતૃવર્ષિની નામના આ દક્ષિણ ભારતીય રાગથી એ સંપૂર્ણપણે અજાણ હતા. આટલું જાણ્યા પછી અમિતાબહેનનો કલાકાર જીવ કેમ બેસી રહે? એમણે ગુરુજનો અને અન્ય કલાકારોની મદદથી આ રાગ વિશે વધારે માહિતી એકત્ર કરી અને પછી એ રાગ શીખવાનું નક્કી કર્યું. સંગીતની સાધનામાં આ કક્ષાએ પહોંચ્યા પછી કોઇ કલાકાર સામાન્યતઃ એક રાગ માટે આટલી મહેનત ન કરે પરંતુ અમિતાબહેને પૂરી લગનથી આ રાગની સાધના શરૂ કરી અને રાગ શીખ્યા.

સંગીતની દુનિયામાં એક અનોખો રેકોર્ડ સર્જશે

હવે 1 જાન્યુઆરીથી અમદાવાદમાં શરૂ થનારા પ્રસિધ્ધ સપ્તક સમારોહમાં અમિતાબહેન સૌ પ્રથમવાર આ રાગ છેડવાના છે. અત્યાર સુધી એમણે આ રાગ ક્યારેય કોઇ જાહેર કાર્યક્રમમાં વગાડ્યો નથી અને જાહેર મંચ પર એને પ્રથમવાર વગાડવા માટે સપ્તકથી વધારે સારું પ્લેટફોર્મ બીજુ ક્યુ હોઇ શકે? એટલે આ વરસે સપ્તકમાં 2 જાન્યુઆરીની સાંજે અમિતાબહેન સ્ટેજ પર સિતારના તારથી અમૃતવર્ષિનીનો રાગ છેડશે ત્યારે એ ઘટના પણ શાસ્ત્રીય સંગીતની દુનિયામાં એક અનોખો રેકોર્ડ સર્જશે. જે સિતારનું નામ એમણે અમૃતવર્ષિની રાખ્યું એ જ સિતારના તાર એ જ રાગ રેલાવશે.

અનેક સમ્માન મળ્યા

પોતાના વાજીંત્ર અને રાગ વચ્ચેનો આવો અદભૂત સમન્વય સર્જવો એનાથી વધારે ગૌરવની વાત કોઇ કલાકાર માટે બીજી કઇ હોઇ શકે? અત્યાર સુધીમાં પંડિત ઓમકારનાથ એવોર્ડ, ગુજરાત ગોરવ પુરસ્કાર, પંડિત મનમોહન ભટ્ટ એવોર્ડ જેવા અનેક સમ્માન પ્રાપ્ત કરી ચૂકેલા અમિતાબહેન માટે આ ઘટના પણ કોઇ એવોર્ડથી કમ નથી. કદાચ એ ક્ષણે એમની સિતાર ખરા અર્થમાં સૂરની વર્ષા કરતી હશે.