મનને ભીની આંખોએ કહ્યું, ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે’

‘આ છોકરો થોડા દિવસોથી આપણી કોલેજ પાસે આવીને ઉભો રહે છે અને અંદર આવતા-જતા લોકોને જોયા કરે છે.’ અલોકે કોલેજના ગેટમાં પ્રવેશતા કહ્યું. તેની પાછળ બેઠલા વિમલે ગેટની સામે ઉભેલા એક છોકરાઓને જોયો અને કહ્યું, ‘રોમિયોગિરી કરવા આવતો લાગે છે.’

અલોકે બાઈક સ્ટેન્ડમાં પાર્ક કર્યું અને બંને ક્લાસ તરફ ગયા અને ત્યાં પોતાના મિત્રો સાથે ગપા મારવા લાગ્યા.

‘હેલો ફ્રેન્ડ્સ, વોટ્સ અપ? શું ચાલે છે નવા જૂની?’ સરિતાએ ક્લાસમાં પ્રવેશતા પૂછ્યું.

‘હેય, વોટ અ લવલી ડ્રેસ. ક્યાં હતી આટલા દિવસ? દશેક દિવસ થઇ ગયા કોલેજ નહોતી આવતી?’ અલોકે સરિતાને સંબોધતા કહ્યું.

‘હા યાર, એક કઝીનના વેડિંગમાં ગયેલા. કાલે જ પાછા આવ્યા. જો ને લગ્નમાં ખાઈ ખાઈને મારુ તો વજન વધી ગયું.’ સરિતાએ પોતાની કમર પર હાથ મુકતા કહ્યું.

‘ઓહ, ફિગર ફિગર કરવાનું બંધ કર હવે, સારી જ લાગે છે. આમેય તારાથી સુંદર આ કોલેજમાં કોઈ નથી.’ પલ્લવીએ સરિતા માટે બેન્ચ પર જગ્યા કરી આપી અને તેના ખભે હાથ મૂકતા કહ્યું.

‘યાર, સુંદરતાની તો વાત જ ન કર. ખબર છે લગ્નમાં ગયા ત્યાં કેટલીય આંટીઓ પોતાના દીકરાઓના બાયોડેટા લઈને આવી હોય તેમ તેમના સુપુત્રની ખૂબીઓ મમ્મીને સંભળાવવા માંડેલી. લગ્ન કોઈના અને માંગા આપણા આવે, બોલો. મેં તો કહી દીધું મમ્મીને, હવેથી હું નથી આવવાની કોઈ લગ્ન-પ્રસંગમાં.’ સરિતાએ પોતાનું બેગ મૂકીને થોડા રિલેક્સ થતા પોતાના લગ્ન સમારંભમાં થયેલા અનુભવો સંભળાવવા માંડ્યા.


થોડીવાર બધા મિત્રો વચ્ચે વાતો ચાલી ત્યાં અલોકે પૂછ્યું, ‘ફ્રેન્ડ્સ, તમે લોકોએ નોટિસ કર્યું? આ ગેટ પર પેલો છોકરો બાઈક લઈને ઉભો હોય છે? હમણાં હમણાં જ દેખાય છે, પહેલા તો નહોતો આવતો.”હા, આજે મેં પણ જોયું. હું કોલેજમાં પ્રવેશી તો મારુ ધ્યાન પડ્યું તેના પર. મેં કારમાંથી બહાર જોયું તો તે બીજી બાજુ જોઈ ગયો. આપણી કોલેજનો તો નથી.’ પલ્લવીએ કહ્યું.’મને લાગે છે છોકરીઓ તાડવા આવતો હશે. આજે તેને પાઠ ભણાવીશું.’ વિમલે ટીશર્ટની શોર્ટ-સ્લીવ ઉપર કરીને જિમ જઈને બનાવેલા પોતાના બાઈસેપ્સ બતાવ્યા.’હા, બોડીબિલ્ડર, તારે જ પાઠ ભણાવવાનો છે. તૈયાર થઇ જા.’ અલોકે વિમલના ખભે થપ્પો માર્યો અને સૌ હસી પડ્યા.

‘હું આજે આવી તો મારુ ધ્યાન પણ પડ્યું તો ખરું પરંતુ તેણે મારી સામે કોઈ એવી હરકત ન કરી કે મને એવું લાગે કે તે છોકરીઓને હેરાન કરવા આવતો હોય. પણ તેમ છતાંય હું તો દશેક દિવસથી કોલેજ આવતી નહોતી એટલે મને વધારે ખબર નથી.’ સરિતાએ પોતાનો અનુભવ કહ્યો.

‘બીજું શું કામ હોય તેને અહીંયા? એવું હોય તો આપણે ચેક કરી લઈએ.’ પલ્લવીએ કહ્યું.

‘કેવી રીતે ચેક કરીશું?’ વિમલે પૂછ્યું.

‘હું અને સરિતા બહાર જઈએ છીએ, સામે કોફી શોપ પર. અમે જાણી-જોઈને તેની પાસેથી પસાર થઈશું. જો તેને કોઈ હરકત કરવી હશે તો કરશે અને પછી તમે બંને આવી જજો.’ પલ્લવીએ પ્લાન રજુ કર્યો.

‘પરફેક્ટ. આ પ્લાન સારો છે.’ સરિતાએ કહ્યું. અલોક અને વિમલે સહમતી દર્શાવી અને ચારેયે એકબીજાને તાળી દઈને પ્લાનનો અમલ કરવાનું નક્કી કર્યું.

સરિતા અને પલ્લવી પોતાની બેગ ઉઠાવીને ક્લાસની બહાર નીકળી. આજનો ક્લાસ શરુ થવાને હજી અડધા કલાકની વાત હતી એટલે ચિંતા નહોતી. ગેટની બહાર નીકળી અને જ્યાં તે યુવાન પોતાના બાઈક પર બેઠો હતો ત્યાંથી પસાર થઇ. જાણી જોઈને સરિતાએ તેની સામે જોયું અને પોતાના ઉડતા વાળની લટને સરખી કરી. તે યુવાનની આંખ સરિતાની આંખો સાથે મળી અને તેણે શરમાઈને નજર બીજી તરફ ફેરવી લીધી.

સરિતા અને પલ્લવી બંને પસાર થઇ ગયા અને કોફી શોપમાં પહોંચ્યા. પાછળથી વિમલ અને અલોક પણ નીકળ્યા. તેઓ બંને પસાર થયા તો તે યુવાને તેમને જોઈને સ્મિત કર્યું અને જાણે તે વાત કરવા ઈચ્છતો હોય પણ સંકોચ અનુભવતો હોય તેવું અલોકને લાગ્યું.

તેઓ બંને પણ કોફી શોપમાં પહોંચ્યા અને ચારેયે ફરીથી વાત શરુ કરી.

‘શું લાગે છે?’ પલ્લવીએ સરિતાને પૂછ્યું.

‘મને તો લાગે છે બહુ સીધો છોકરો છે. છેડતી કરવાની કે ખરાબ નજરે જોવાની વાત તો દૂર રહી એ તો નજર પણ નથી મેળવતો.’ સરિતાએ પોતાનો પ્રામાણિક પ્રતિભાવ આવ્યો.

‘અમે આવ્યા તો અમને તો એવું લાગ્યું કે તે અમારી સાથે જાણે વાત કરવા ઈચ્છતો હોય.’ અલોકે પોતાનો મત આપ્યો અને વિમલે હકારમાં માથું હલાવ્યું.

‘કોઈના માટે ઓપિનિયન બનાવવા કરતા શા માટે તેની સાથે જ ખુલાશો ન કરી લઈએ?’ પલ્લવીએ કહ્યું.

‘શું ખુલાશો કરીશું?’ વિમલે પૂછ્યું.

‘આ વખતે આપણે ચારેય સાથે જઈને વાત કરીએ, નામ પૂછીએ, શા માટે અહીં ઉભો છે તે પૂછીએ, કૈંક તો ખબર પડશે ને?’ પલ્લવીનો પ્લાન સચોટ હતો અને બધાને ગમ્યો એટલે તેઓ ચારેય ફરીથી કોલેજના ગેટ તરફ ગયા.

‘ભાઈ શું નામ છે તારું? અહીંયા શું કરે છે?’ વિમલે ફરીથી ટીશર્ટની બાયો ચડાવી અને છાતી કડક કરતા પૂછ્યું.

‘હેલો, હું મનન છું. હું અહીં ભણતા કોઈ વિદ્યાર્થી સાથે પરિચય કરવા માંગતો હતો.’ તે યુવાને કહ્યું.

‘બોલ, અમે અહીં જ ભણીએ છીએ. શું વાત કરવી ‘તી?’ વિમલે વાત આગળ ચલાવી.

‘હું અહીં એક કંપનીમાં નોકરી કરું છું અને નોકરીને કારણે કોલેજ આવી શકાય તેમ નથી એટલે આ વર્ષે મેં કોરસ્પોન્ડન્સમાં બીકોમ શરુ કર્યું છે. પરિવારની સ્થિતિ એટલે સારી નથી કે નોકરી છોડીને ભણવા આવી શકું. પણ ભણીશ નહિ તો જિંદગીભર નાની નોકરી જ કરતો રહી જઈશ. જો કોઈ બીકોમના વિદ્યાર્થી પાસેથી નોટ્સ મળી જાય અને ક્યારેક ક્યારેક થોડું માર્ગદર્શન મળી જાય તો હું પણ કોલેજ કરી લઉં.’ મનને કહ્યું અને તેના અવાજમાં રહેલી પ્રામાણિકતા વિમલ જ નહિ બીજા ત્રણેયને પણ મહેસુસ થઇ.

‘બસ, એટલે તું અહીં રોજ આવે છે?’ પલ્લવીએ પૂછ્યું.

‘હા, પણ કોઈની સાથે વાતચીત કરતા સંકોચ થતો હતો. આજે પહેલીવાર તમારી સાથે વાત થઇ છે.’ મનને કહ્યું.

‘ભાઈ, અમે ચારેય બીકોમ જ કરીએ છીએ. તારે જે જોઈએ તે માંગી લેજે. ચાલ મારો નંબર સેવ કરી લે અને અહીં ધક્કા ખાવાની જરૂર નથી, ક્યારેય પણ ફોન કરી દેજે, અમે તને નોટ આપી દઈશું.’ વિમલે કહ્યું અને બીજા ત્રણેયે સંમતિમાં માથું હલાવ્યું.

‘થેન્ક યુ ભાઈ,’ મનને હાથ લંબાવ્યો અને વિમલે ગર્મજોશીથી તેની સાથે હાથ મિલાવ્યો.

‘અને આ રવિવારે ફ્રેન્ડશીપ ડે છે, તો અમારા ચારેયની સાથે તું પણ આવવા ઈચ્છે તો…’ સરિતાએ પ્રસ્તાવ મુક્યો.

‘હા, હા, આવી જજે. મજા આવશે. અને એડવાન્સમાં હેપી ફ્રેન્ડશીપ ડે.’ પલ્લવીએ કહ્યું.

અલોક, વિમલ અને સરિતા પણ એકીસાથે બોલ્યા, ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે, મનન.’

મનને ભીની આંખોએ કહ્યું, ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે.’

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]