સારા કર્મ કરવામાં યોગ કેવી રીતે મદદરૂપ થાય?

કર્મ રૂપે હોડીમાં બેસી જીવનરૂપી સમુદ્રને પાર કરી શકાય છે. દરેક જણે કર્મ કરવો જ જોઈએ. કર્મ ન કરીએ તો જાતને કાયર સાબિત કરીએ છીએ. એટલે કર્મ એ શ્રેષ્ઠતા તરફ જવાનો માર્ગ છે. શ્રીમદ ભગવદગીતાજી– જેમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે કર્મ કરવું જ પડશે. કર્મ એ વ્યક્તિની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. દરેક વ્યક્તિએ જવાબદારી લઈને કાર્ય કરતા રહેવું જોઈએ. કાર્ય કરતી વખતે માણસે માત્ર કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, નહીં કે તેના પરિણામ પર નજર રાખવી જોઈએ. જો કામ સારું હશે તો સારું ફળ મળવાનું જ છે એમાં કોઈ રોકી નહીં શકે. આ બધી વાત તમને ખબર જ છે. માત્ર એટલું જ કહેવાનું છે કે આ વિચારસરણી કેવી રીતે કેળવવી અને એમાં યોગ કેવી રીતે મદદરૂપ થશે ?

તો સૌથી પહેલાં તો એ સમજીએ એ કે વ્યક્તિ જ્યારે પોતાની જાત પર વ્યગ્ર, ચિંતિત, ક્રોધિત હોય તો એ સ્વાર્થ, લોભ, ઈર્ષામાં સપડાઈ જાય છે. અને સતત દુઃખી રહ્યા કરે છે. ક્ષણવારનું સુખ કદાચ પ્રાપ્ત થાય પણ લાંબા ગાળે દુઃખ પ્રાપ્ત થાય છે. અને એ ખોટા કર્મ કરવા તરફ પ્રેરાય છે. અને એટલે કર્મના બંધનમાં ફસાય છે, ને પછી હેરાન પરેશાન થાય છે. તો આ બધામાં યોગ ક્યાં, કેવી રીતે મદદરૂપ થશે?

ઋષીપતંજલિએ યોગસૂત્ર આપ્યા છે. જેમાં યમ અને નિયમ એ સૌથી પહેલાં પગથિયાં છે. જીવન કેવું હોવું જોઈએ? કેવા ગુણો હોવા જોઈએ? કેવી રીતે જીવવું જોઇએ?  એને વિસ્તારથી સમજાવ્યું છે. અને પછી આ બંને પગથિયામાં જે ગુણો બતાવ્યા છે- એ ગુણો અપનાવ્યા પછી ત્રીજું પગથિયું આવે અને તે છે આસન.

કેવા આસન કરવાથી શું લાભ થાય? આસનમાં જવાનું કેવી રીતે? આસન માંથી બહાર પાછા આવવાનું કેવી રીતે? એ પણ અગત્યનુ છે. આસન કરતાં શ્વાસ કેવા હોવા જોઈએ, અને આસન કરતાં મનના ભાવ કેવા હોવા જોઈએ એનું અવલોકન કરીને સાચી સમજણ આપવામાં આવે છે. આ સંપૂર્ણ ક્રિયા એ યોગ છે.  માત્ર શરીરના અંગ મરોડ, ફ્લેક્સિબિલિટી એજ યોગ નથી. વ્યક્તિ મનથી કેટલી ફ્લેક્સિબલ છે તે અગત્યનુ છે. એના માટે નિયમિત રીતે, દરરોજ અમુક આસનો કરીએ તો વિચાર બદલી શકાય છે. દાખલા તરીકે ઉષ્ટ્રાસન, વૃક્ષાસન, પાશઁવોતાનાસન. જેમાં કરોડરજ્જુ પર કામ થાય છે. ઊંડા શ્વાસ લેવાના કારણે – મન પર કામ થઈ શકે છે.

પ્રાણાયામની વાત કરીએ તો જો ક્રોધ ઓછો કરવો હોય, અસંતોષ ઓછો કરવો હોય, ચિંતા ઓછી કરવી હોય, ને વિચારોના વંટોળથી મુંજવણ ઓછી કરવી હોય તો શ્વાસની અમુક ક્રિયાઓ કરીને એ લાભ મેળવી શકાય છે. સૌથી પહેલાં ચંદ્રભેદન પ્રાણાયામથી શરૂઆત કરવી જોઈએ. જેમાં જમણી નાસિકા બંધ કરી ડાબી બાજુથી શ્વાસ લેવો અને ડાબી બાજુથી શ્વાસ બહાર કાઢવાનો હોય છે. શાંતિથી, કોઈ ઉતાવળ કર્યા વિના શ્વાસની ક્રિયા કરવાની હોય છે. એટલે શ્વાસ લેવા કરતા શ્વાસ બહાર કાઢવાનો વધારે હોય છે જેથી વિચારો આપો આપ ઓછા થઈ જાય છે, અને મન શાંત થઈ જાય છે. મન શાંત હોય તો ગુસ્સો આવે જ નહીં, મન શાંત હોય તો સ્વાર્થના વિચારો આવે જ નહીં, મન શાંત હોય તો પેલા વિચારોના વંટોળ ઓછા થઇ જાય અને વિચારો ઓછા થાય એટલે વિચારોમાં ચોક્કસાઈ, સ્પષ્ટતા આવે. આ કામ કરી શકીશ અને આ કામ નહીં કરી શકું – કોઈ અવઢવની સ્થિતિ ન રહે. વિચારો ઓછા થતાં નિર્ણય શક્તિ એક્ટિવ થાય છે. એટલે સાચી રીતે પ્રાણાયામ કરવા જોઈએ.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)