ઈચ્છુકતા: જીવનને અર્પણ કરવાની પ્રક્રિયા

સદ્‍ગુરુ: યોગની સમગ્ર પ્રક્રિયા માત્ર પોતાને સોંપી દેવાની છે. જ્યારે હું કહું કે તમે સ્વયંને સોંપી દો ત્યારે લોકોને કદાચ ખબર નથી હોતી કે કેવી રીતે સહજતાથી પોતાને સોંપી શકાય. લોકો સ્વંયને સોંપી દે તેના માટે તેમને અમુક પ્રકારના માર્ગ જોઈતા હોય છે. જીવનમાં તમે જે કંઈ પણ કોઈને આપો છો, પછી તમે પૈસા આપો, ભોજન આપો અથવા તો બીજુ કંઈ આપી શકો, તે બધું તમારું નથી. તમારું શરીર પણ, કારણ કે તે પણ તમે આ પૃથ્વીમાંથી ભેગું કર્યું છે. જતી વખતે તમારે એ પણ અહીં પાછું આપીને જવું પડશે. આ શરીરનો એક કોષ પણ તમે લઈને ન જઈ શકો.

આજે તમારી પાસે જે કંઈ પણ છે તે તમે આ ગ્રહ પરથી ઉધાર લીધું છે. તે હકીકતમાં તમારું નથી. તમે તેનો ઉપયોગ કરી શકો છો, આનંદ માણી શકો છો પરંતુ તમે વાસ્તવિકતામાં તેના પર આધિપત્ય જમાવી શકતા નથી. તમે એવું માનો છો કે તમારા ઘર, કપડાં, પતિ ,પત્નિ કે અન્ય લોકો પર તમારી માલિકી છે. અત્યારે તમે તેમના પર અધિકાર જમાવો છો. પરંતુ હકીકતમાં તમારી માલિકીનું કંઈ છે જ નહીં. તેઓ આજે અહીં છે જેથી તેમની સાથે તમે આનંદ કરી શકો છો, તેમનો ઉપયોગ કરી શકો છો પરંતુ જ્યારે જવાનો સમય થાય ત્યારે તમારે છોડીને જવું પડશે. તેથી તમારું કંઈ છે જ નહીં.  જે તમારું છે જ નહીં, તે તમે આપી ન શકો.

તેથી આપવા જેવું કંઈ ખરેખર છે જ નહીં. હું કોઈક પાસેથી લઈને તમને કંઈક આપી શકું. આ પ્રકારના અર્પણનું કોઈ મૂલ્ય નથી. પરંતુ આપવા માટે તમારી પાસે કોઈ સાધન જોઈએ. મૂળભૂત રીતે માત્ર એક જ ચીજ આપી શકો છો એ છે તમે સ્વયં. પણ સહજતાથી પોતાને કેવી રીતે આપવું તે તમે જાણતા નથી. તેથી તમે પૈસા, કે ભોજન અથવા કોઈ અન્ય રીતે આપો છો. તમે આપવા માટે આ સાધનોનો ઉપયોગ કરો છો. તમે પ્રક્રિયાનો ઉપયોગ સ્વયંને આપવા માટે કરો છો. તમે ગમે તે આપો પરંતુ હકીકતમા તમે સ્વયંને જ આપી શકો છો. જો તમે તેના વિશે જાગૃત ન હો તો આપવું એક સમસ્યા બની જાય છે.

જો સ્વયંને આપવા માટે તમે ઈચ્છુક ન બનો તો આપવાની પ્રક્રિયા અત્યંત કષ્ટદાયક બની જાય છે. જ્યારે તમારી સમજમાં આપવું એટલે માત્ર ચીજો આપવું એવું હશે તો સ્વાભાવિક રીતે તમારી અંદર ડર ઉત્પન્ન થશે. “જો હું બધુ આપી દઈશ તો મારું શું થશે ?” પ્રેમ અને પ્રસન્નતા આપવામાં પણ લોકો કંજૂસ બની ગયા છે કારણ કે આપવાની વાત આવે ત્યારે તેમના મતે માત્ર વસ્તુઓ આપવી એવું હોય છે. આ અર્થવ્યવસ્થાના લીધે આપણે ધીમે ધીમે ઓછા પ્રેમાળ, ઓછા પ્રસન્ન અને અશાંત બની ગયા છીએ.

તમે જે કંઈ કરો છે તેના દ્વારા જ આપી શકો છો. પંરતુ જ્યારે કોઈ ક્રિયા ન હોય ત્યારે લોકોને ખબર નથી પડતી કે પોતાને કેવી રીતે અર્પણ કરવા. તેમને કોઈ ગતિવિધિ જોઈએ જેથી તેઓ કોઈ ચીજ પ્રત્યે સ્વયંને આપી શકે.  તેથી સ્વયંસેવા તે દિશામાં એક પ્રચંડ સંભાવના છે જેમાં તમે સ્વયંને આપી શકો છો અને કામ દ્વારા સાચા અર્થમાં સ્વયંને અર્પિત કરી શકો છો.

તેથી સ્વયંસેવા એક રસ્તો છે જેના માધ્યમથી આપણે જીવનને અર્પણ કરવાની પ્રક્રિયા કેમ બનાવવી તે શીખી શકીએ છીએ. સ્વયંસેવકનો અર્થ એ કે જે ઈચ્છુક છે. માત્ર આ કરવું કે તે કરવું એવું નહીં. તે બસ ઈચ્છુક છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ઈચ્છુક નહિ બને ત્યાં સુધી કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા ઘટિત નહિ થાય.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)