અપેક્ષાઓના ભારણને કારણે સર્જાતો આંત્રપ્રિન્યોરિઅલ સ્ટ્રેસ

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

પ્રશ્નકર્તા: કોઈ પણ મેનેજર કે ઉદ્યોગ સાહસિક માટે સમકક્ષ જૂથ સાથેના સંબંધો જાળવવા એ મુખ્ય મુદ્દો હોય છે. મોટા ભાગનાં વ્યાવસાયિક સાહસો મિત્રો અને પરિવારો સાથે જ શરુ થતાં હોય છે. અમે જોયું છે કે ઉદ્યોગ સાહસિકો જ્યારે તેમનો વ્યવસાય પ્રસ્થાપિત કરી રહ્યા હોય, ખાસ કરીને જ્યારે વ્યવસાય સારો ચાલી રહ્યો હોય, ત્યારે તેઓ ઘણા તણાવ અને ચિંતાની સ્થિતિમાંથી પસાર થતા હોય છે. પરિવાર, મિત્રો કે માધ્યમોના સ્વરુપમાં રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓનો બોજ ભારરુપ હોઈ શકે છે. સંબંધનું સંતુલન જાળવી રાખવું પડતું હોય અને તેની સાથે-સાથે કાર્યદેખાવ પર પણ ધ્યાન આપવું પડતું હોય તેવા ઉદ્યોગ સાહસિકોને તમે શું સલાહ આપશો?

સદગુરુ: ઉદ્યોગ સાહસિકોએ આંત્રપ્રિન્યોર હોવાનો અર્થ સમજી લેવો જરુરી છે. ઉદ્યોગ-સાહસિક એટલે એવી વ્યક્તિ કે જેણે પોતે જીવનમાં જે કાર્ય કરવાની ઈચ્છે છે, તેની પસંદગી કરી લીધી છે. જ્યારે તમે જીવનમાં તમારી ઈચ્છા મુજબનું કામ કરી રહ્યા હોવ, ત્યારે તે તમારા માટે સૌથી વધુ આનંદપ્રદ બાબત હોઈ શકે છે. પરંતુ ધીમે-ધીમે તમે એ ભૂલી જાઓ છો કે તમે જે કાર્ય કરવા ઈચ્છો છો, તે જ કરી રહ્યા છો. તેને બદલે, તમે અન્ય કોઈની અપેક્ષાઓ માટે કામ કરવાનું શરુ કરી દો છો. એ બરાબર નથી. ઉદ્યોગ-સાહસિક હોવાનો અર્થ એ છે કે તમે તે કરી રહ્યા છો, જે તમે કરવા ઈચ્છતા હતા અને તમારે તમારા સમગ્ર જીવન દરમિયાન તે જ કાર્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ. સફળતા ફક્ત કદની દ્રષ્ટિએ નથી હોતી. સફળતાને – તમે જે છો તે, તમારી ક્ષમતાઓ અને તમારી યોગ્યતાની પૂર્ણ અભિવ્યક્તિ શોધવાની દ્રષ્ટિએ પણ જોવી જોઈએ. જો કોઈ પણ માનવી તે પોતે કોણ છે, તેની પૂર્ણ અભિવ્યક્તિ શોધી લે, તો તેને સફળતા મળશે. જો તમે તમારી સરખામણી તદ્દન જુદા ક્ષેત્રની કે જુદી જ પ્રવૃત્તિ કરતી વ્યક્તિ સાથે કરશો અને આંકડાઓ એકત્રિત કરશો, તો તે સંખ્યા મોટી હોઈ શકે છે – પણ તે બાબત બિનમહત્વની છે. તમારા જીવનમાં સંપૂર્ણ અભિવ્યક્તિ શોધવી એ સફળતા છે.

 

આમ, તમે જે કામ કરી રહ્યા છો તે થકી, તમે જે છો તેની પૂર્ણ અભિવ્યક્તિ કરવા સક્ષમ હોવ અને સૌથી મહત્વનું – તમારા અસ્તિત્વનો માર્ગ પ્રસ્થાપિત કરવા માટે સક્ષમ હોવ, તો તમારે સમકક્ષ જૂથો, માધ્યમો કે અન્ય કોઈથી પણ દબાણ અનુભવવાની જરુર નથી. ઉદ્યોગ-સાહસિક જે કરવા ઈચ્છે, તે કરતા હોય છે. તેના માટે તેનું કામ મહત્વનું હોય છે. એક વાર તમારું કામ તમારા માટે મહત્વનું બની રહે, ત્યાર પછી સૌથી અગત્યની બાબત એ છે કે તમારે સ્વયં પર ધ્યાન આપવું જોઈએ. તેનો સદંતર અભાવ વર્તાય છે. વ્યવસાયનું સંચાલન કરવાનો અર્થ એ થાય છે કે તમે હજ્જારો દિમાગોનું સંચાલન કરી રહ્યા છો. જો તમે સ્વયંના દિમાગનું વ્યવસ્થાપન ન કરી શકો, તો તમે અન્યોના દિમાગ કેવી રીતે સંભાળી શકશો? જો તમે તમારું દિમાગ સાચવો, તો પછી દબાણનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તણાવનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તણાવ જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. કામ એ દબાણ નથી. કામ એ તણાવ નથી. સ્વયંને સંભાળવાની તમારી અસક્ષમતા, એ તણાવ છે.

મોટા ભાગના લોકો એવું વિચારે છે કે તેમની જોબ, તેમનો પરિવાર, તેમના જીવનની પરિસ્થિતિ, કરવેરા અને ન ચૂકવાયેલાં બિલને કારણે તેઓ તણાવ અનુભવે છે. પણ મુખ્યત્વે, તણાવ તમારી પોતાની સિસ્ટમ – તમારું શરીર, દિમાગ, લાગણીઓ અને ઊર્જાનું સંચાલન કરવાની તમારી અક્ષમતા છે.

તણાવ મશીનમાં ઉત્પન થતાં ઘર્ષણ જેવો છે. બીજા શબ્દોમાં કહીએ તો, સિસ્ટમ સરળતાથી અને સુચારુ રીતે ચાલે તે માટે તેમાં પૂરતું લુબ્રિકેશન નથી. દરેક વ્યક્તિના જીવનમાં પરિસ્થિતિઓ આવતી રહે છે અને બદલાતી રહે છે, પણ દરેક વ્યક્તિ તે પરિસ્થિતિનો સામનો ભિન્ન-ભિન્ન રીતે કરે છે, જેનો આધાર તેની પોતાની સિસ્ટમ કેટલી સરળ રીતે કામ કરે છે, તેના પર રહે છે. આ માનવીય વ્યવસ્થાને કેવી રીતે સંભાળવી તે તમે જાણતા હોવ, તો તણાવનો કોઈ પ્રશ્ન જ ઉઠ્તો નથી. વિશ્વમાં તમે કેટલા સફળ થાઓ છો, તેનો આધાર મુખ્યત્વે તમારું પોતાનું આંતરિક તંત્ર કેટલું ઘર્ષણ-રહિત છે, તેના પર રહેલો છે. તમે સરળ પ્રવૃત્તિઓ દ્વારા તમારી સિસ્ટમને ઘર્ષણરહિત સ્થિતિમાં લાવી શકો છો. યોગ વિજ્ઞાન તમને તણાવમુક્ત જીવન માટેનાં સાધનો પૂરાં પાડે છે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)