દિવ્યતાના માર્ગ પર ચાલવાનો અર્થ શું છે?

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

જ્યારે આપણે શરીર ધારણ કરીએ છીએ, જે દિવસે આપણે આપણી માતાના ઉદરમાંથી બહાર આવીએ છીએ, ત્યારે તે શક્યતાઓ નો જન્મ છે. જીવવિજ્ઞાન તો તમને કેવળ એક પ્રાણી તરીકે જન્મ આપે છે. એ તમે છો જે સ્વયંને માનવી કે દિવ્ય શક્યતામાં રૂપાંતરિત કરી શકો છો. આ કામ વ્યક્તિએ સ્વયં કરવું પડે છે. જ્યારે તેનામાં ઇચ્છા જાગૃત થાય છે, જ્યારે તેનામાં જરુરી સભાનતા આવે છે, જ્યારે તે તેની અંદરના પશુને મારી નાંખે છે અને પવિત્રતાને પાંગરવા દે છે, ત્યારે તેનો જન્મ વાસ્તવિક અર્થમાં અર્થપૂર્ણ બની રહે છે. આ શક્યતા તમારા જીવનની દરેક ક્ષણે અસ્તિત્વ ધરાવે છે.

જે શક્યતા શક્ય ન બને, તે દુઃખદ છે. જે બીજમાંથી અંકુર ન ફૂટે, જે ફૂલ ન ખીલે, તે દુખદ છે. જો કોઈ શક્યતાને અવકાશ જ ન હોય, તો તે જુદી વાત છે. પણ તમે પથ્થર પર ફૂલ ખીલવાની કે ગધેડાને જ્ઞાન પ્રાપ્ત થાય તેવી અપેક્ષા નથી સેવી રહ્યા. આપણે ફૂલ આપતા છોડ પર ફૂલો ખીલે અને માનવી તેના સર્વોચ્ચ સ્વરુપે ખીલી ઊઠે, તેવી અપેક્ષા સેવીએ છીએ. જો આ શક્યતાને નિષ્ક્રિય રાખવામાં આવે, તો તે ઘણું જ દુઃખદ છે.

બ્રહ્મચર્ય એટલે દિવ્યતાના માર્ગ પર ચાલવું. દિવ્યતાના માર્ગ પર ચાલવાનો અર્થ શું છે? તેનો અર્થ એ કે વ્યક્તિ વાસ્તવમાં તેની અનિવાર્ય પ્રકૃતિથી આગળ વધીને જીવનની સચેત પ્રક્રિયામાં પ્રવેશ કરવા માટે મથામણ કરી રહી છે. આ માટેનો પ્રયત્ન પવિત્ર છે. શું તેઓ આજે કે દસ વર્ષોમાં તેમની મર્યાદાઓને પાર કરી જશે? અહીં એ મુદ્દો મહત્વનો નથી. કોઈ વ્યક્તિ તેના અનિવાર્ય પ્રકૃતિને પાર કરવા માટે મથી રહી છે, કોઈ વ્યક્તિ તેની અનિવાર્ય પ્રકૃતિને પાર કરીને સચેત માનવી બનવા માટે પ્રયત્ન કરી રહી છે, તે મહત્વપૂર્ણ છે. આ મથામણ આસપાસની દરેક વ્યક્તિ માટે અસંખ્ય શક્યતાઓ ઊભી કરે છે.

આ સંસ્કૃતિના પ્રાચીન ભૂતકાળની સમજદાર વ્યક્તિઓએ નક્કી કર્યું કે વિશ્વની ત્રીસ ટકા વસ્તીએ સંયમી માર્ગ અપનાવવો જોઈએ. આપણે તો તેની નજીક પણ નથી. ભૂતકાળમાં ઘણા યોગીઓએ તેને પુનઃજીવિત કરવાના મોટાપાયે પ્રયત્નો કર્યા. અગસ્ત્ય આવા જ એક મહાન યોગી હતા, જેમણે હજ્જારો યોગીઓને સંયમી માર્ગ તરફ વાળ્યા. આપણે હજી પણ તેમના પ્રયત્નોના ફળ મેળવી રહ્યા છીએ. આજે, ઇશા ફાઉન્ડેશન એ દિશામાં જ પ્રયત્નશીલ છે કે, ભાવિ પેઢીઓ અફળદ્રુપ ન બની જાય. આ વિશ્વની ભાવિ પેઢીઓ ફક્ત ખાવામાં, સૂવામાં અને પ્રજોત્પાદનમાં જ રસ ન રહે, તે માનવી તરીકે કશુંક ઉત્કૃષ્ટ કાર્ય કરે.

આધ્યાત્મિક પ્રક્રિયા તમારામાં રહેલા પ્રાણીનાં મૂળનો નાશ કરીને દિવ્યતાને ખીલવવા માટેની પરિસ્થિતિનું સર્જન કરે છે. તે બીજનું ફળ તત્કાળ જોઈ શકાતું નથી. જ્યાં-ત્યાં ઊગી નીકળતા નીંદણ પર ત્રણ દિવસની અંદર જ ફૂલો બેસે છે. પણ જો તમે નાળિયેરના વૃક્ષ પર ફૂલો ઊગે તેમ ઈચ્છતા હોવ, તો તે માટે તમારે છ વર્ષ સુધી રાહ જોવી પડે છે. આમ, જો તમે વાસ્તવમાં કશુંક અર્થપૂર્ણ કરવા ઈચ્છતા હોવ તો તેને થોડો સમય લાગશે. પણ જો બીજ યથાર્થ હોય અને તેનું પાલનપોષણ યોગ્ય હશે, ફળ ઊગવાનું જ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જીવનનો માર્ગ ન જાણતી હોય, કેવળ તેવી અધીરી મૂર્ખ વ્યક્તિ જ ચોથા વર્ષે એમ વિચારીને નાળિયેરીને ઉખાડી ફેંકશે કે આમાંથી તો કશું ઉપજતું નથી.

પ્રાણીઓથી આપણને જુદા પાડતું એકમાત્ર પરિબળ એ છે કે તેઓ ફરાજિયાતપણે કાર્ય કરે છે, જ્યારે આપણે સચેતતાપૂર્વક કાર્ય કરી શકીએ છીએ. જો આપણે આપણી અંદર રહેલા તમામ ફરજિયાતપણા ને કાઢી નાંખીએ અને જીવનના દરેક પાસાંને સચેત પ્રક્રિયા બનાવીએ, તો આપણે સંપૂર્ણપણે પરમ સુખમય જીવન જીવી શકીશું અને આવું જીવન જીવનારી વ્યક્તિએ તેના પરમ મોક્ષની ચિંતા કરવાની પણ જરુર નથી. તે તેનો અધિકાર છે. તે ભગવાન પાસેથી મળેલી ભેટ નથી. તે તેનો અધિકાર છે, કોઈ તેને નામંજૂર કરી શકે નહીં.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)