‘નમાઝ માટે મસ્જિદની આવશ્યકતા નથી’… થઈ ગઈ સ્પષ્ટતા

ઈસ્લામ ધર્મમાં નમાઝ પઢવા માટે મસ્જિદની આવશ્યક્તા છે કે નહીં તે સવાલમાં પડવાની આજે સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. હાલ ચાલી રહેલા અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આવું વલણ લીધું છે.

કોર્ટે આદેશ આપ્યો કે મુખ્ય અયોધ્યા અપીલવાળો કેસ ત્રણ-જજની બેન્ચ સંભાળશે. 29 ઓક્ટોબરથી તેમાં સુનાવણી શરૂ કરવામાં આવશે.

મસ્જિદ એ ઈસ્લામનો આંતરિક હિસ્સો છે કે નહીં એ વિશે 1994ની સાલમાં અલાહાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદાને પગલે એક સવાલ ઘૂમતો થયો હતો. બીજો સવાલ એ ઉઠ્યો કે શું નમાઝ પઢવા માટે મસ્જિદની આવશ્યક્તા છે ખરી?

આ અનુમાન કોર્ટે 1994ની સાલમાં ઈસ્માઈલ ફારુકી કેસમાં કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ચર્ચાયો. કેટલાક મુસ્લિમો એવું ઈચ્છતા હતા કે 1994ના ચુકાદાની કોઈ મોટી બેન્ચ દ્વારા ફેરવિચારણા કરવામાં આવે. જે વિનંતીને આજે સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે.

આજે ત્રણ ન્યાયાધીશોની બેન્ચે 2:1ની બહુમતીથી ફેંસલો સંભળાવ્યો કે ઈસ્લામ-મસ્જિદ-નમાઝનો મામલો મોટી બેન્ચને સુપરત કરવાની કોઈ જરૂર નથી. આમ, 1994માં હાઈકોર્ટે આપેલો ચુકાદો યથાવત્ રહ્યો.

મસ્જિદની માલિકીની જમીન પ્રાપ્ત કરવા માટેનો સવાલ 1994માં ઉપસ્થિત કરાયો હતો ત્યારે કોર્ટે કહ્યું હતું કે મસ્જિદ એ ઈસ્લામનો આંતરિક હિસ્સો નથી. આનો બહોળો અર્થ એ થાય કે મસ્જિદો તથા એની માલિકીની જમીન પ્રાપ્ત કરી શકાય.

સુપ્રીમ કોર્ટના આદેશ પર આજે જાણીતી હસ્તીઓએ આવા પ્રત્યાઘાત વ્યક્ત કર્યાં…

આલોક કુમાર (વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી પ્રમુખ): મને સંતોષ એ વાતનો થયો છે કે કેસમાં એક અવરોધનો પરાજય થયો છે. આ સાથે જ રામજન્મભૂમિ અપીલોની સુનાવણી માટેનો માર્ગ મોકળો થયો છે.

રાજીવ ધવન (અયોધ્યા જમીન માલિકીના કેસમાં અરજદારોના વકીલ): મેજોરિટી જજમેન્ટ બહુમતી કોમને ખુશ કરશે જ્યારે માઈનોરિટી જજમેન્ટ લઘુમતીઓને ખુશ કરશે. જે સમસ્યા શરૂઆતથી હતી એ તો હજી એમ જ પડી છે. દરેક જણને ખુશ કરવા માટે બધા જજોએ સમાન સ્વરમાં ચુકાદો આપવાની જરૂર હતી.

મોહિત પૌલ (સુપ્રીમ કોર્ટના લોયર): મુસ્લિમ પાર્ટીના વકીલો હાઈકોર્ટમાં કેસ હારી ચૂક્યા છે અને વાસ્તવિક્તા એ છે કે હવે એમને કોર્ટના ચુકાદાથી ઉપરવટ જવું છે, જે સાવ ખોટું કહેવાય.

સુબ્રમણ્યમ સ્વામી (ભાજપના રાજ્યસભા સદસ્ય): આજના ચુકાદાથી અયોધ્યામાં રામ મંદિરના બાંધકામના માર્ગ આડેનો અવરોધ દૂર થયો છે. હવે આ કેસમાં ચુકાદો ઝડપથી આવશે. દિવાળી પહેલાં મંદિર બંધાઈ જાય એવું હું તો ઈચ્છીશ.

ઝફરયાબ જિલાની (બાબરી સમિતિના અરજદાર): આ ચુકાદો અમારા માટે જરાય ફટકાસમાન નથી. 1994ના ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું હતું. મારે સુબ્રમણ્યમ સ્વામીના દાવાનો જવાબ આપવાની જરૂર નથી.