મુંબઈના સૌથી ધનવાન ગણપતિ કયા?

દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈમાં ગણેશોત્સવની પરંપરાગત શ્રદ્ધા, ઉત્સાહ, ઉમંગ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નોટબંધીની અસર આ વર્ષે ખાસ જોવા મળી નથી.

મુંબઈભરમાં હજારોની સંખ્યામાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળો ગણેશ ઉત્સવ ઉજવે છે. દરેક મંડપમાં ગણપતિ બાપાની વિવિધ રંગ, રૂપ, આકારની મૂર્તિઓ તેમજ અવનવા, અનોખા પ્રકારની સજાવટવાળા મંડપ જોવા મળે છે.

મુંબઈનું સૌથી ધનવાન ગણેશ મંડળ કયું? તો આ સવાલનો જવાબ છે, માટુંગા (મધ્ય રેલવે)નું ગૌડ સારસ્વત બ્રાહ્મણ (GSB) સેવા ગણેશ મંડળ.

મુંબઈમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની બાબતમાં ‘લાલબાગચા રાજા’ ગણપતિ નંબર-1 છે, પરંતુ ગણપતિ બાપાને ચડાવાતી સંપત્તિની દ્રષ્ટિએ માટુંગાનું જીએસબી સેવા મંડળ નંબર-1 છે.

 

મંડળના પ્રવક્તા આર.જી. ભટ્ટ કહે છે, અમારા મંડળના ગણપતિની મૂર્તિ 14.5 ફૂટ ઊંચી છે. આ મૂર્તિને 70 કિલોગ્રામ સોનું અને 350 કિલોગ્રામ ચાંદી ચડાવવામાં આવ્યું છે. તદુપરાંત એની પર મોંઘીદાટ હીરાજડિત જ્વેલરી પણ ચડાવવામાં આવી છે. આ બધું ઝવેરાત શ્રદ્ધાળુઓ તરફથી મંડળને દાન કરવામાં આવેલું છે.

આ મંડળના ગણપતિની મૂર્તિ માટે રૂ. 264.75 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે.

આ મંડળમાં 65 સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે અને દરેક કેમેરા સીધા પોલીસ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટેડ રહે છે.

જીએસબી મંડળના ગણેશોત્સવ માટે પ્રતિદિન રૂ. 52.85 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે.

આ વીમા પોલિસી હેઠળ તમામ શ્રદ્ધાળુઓ, મંડળના કાર્યકર્તાઓ, સ્વયંસેવકો તેમજ ગણપતિ ભગવાનને પહેરાવવામાં આવેલા દાગીનાને ત્રાસવાદી હુમલાઓ, અકસ્માત, ચોરી-લૂંટફાટ કે બાહ્ય નુકસાન સામે આવરી લેવામાં આવ્યા છે. પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂ. 10 લાખનો વીમો ઉતારવામાં આવ્યો છે. એ માટે કુલ વીમા કવર રૂ. 224.40 કરોડની રકમનું છે.

વીમા હેઠળ મંડળ, સીસીટીવી કેમેરા, ફર્નિચર, ગ્રોસરી, ફળફળાદી, શાકભાજી, કમ્પ્યુટર્સને આગ, કુદરતી આફત, કોમી રમખાણો, હડતાળ, ઈલેક્ટ્રિકલ નુકસાન, ભૂકંપથી રક્ષણ આપવામાં આવ્યું છે.

જીએસબી ગણેશ મંડળનો ગણેશોત્સવ પાંચ દિવસનો હોય છે. આ મંડળના ગણપતિનું આજે વિસર્જન કરવામાં આવશે. ગણપતિનું વિસર્જન સરઘસ આજે સાંજે નીકળ્યું અને આવતીકાલે વહેલી સવારે એનું દરિયામાં વિસર્જન કરવામાં આવશે.

મંડળમાં સલામતીની વ્યવસ્થા એકદમ કડક હોય છે. મંડળના 500 જેટલા સ્વયંસેવકો સુરક્ષા વ્યવસ્થામાં ખડે પગે રહે છે.

મંડળના સંચાલકોએ આ ઉપરાંત ડ્રોન કેમેરા પણ ઈન્સ્ટોલ કર્યા છે જેને મંડળ માટે સેવા બજાવતા લોકો ઓપરેટ કરે છે.

‘લાલબાગચા રાજા’ ગણેશ મંડળનો વીમો રૂ. 25 કરોડનો છે. તેની ગણેશ મૂર્તિ 22 ફૂટ ઊંચી છે.

મુંબઈમાં ગણેશોત્સવનું આ 126મું વર્ષ છે. સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાળગંગાધર તિલકે અંગ્રેજ શાસકો વિરુદ્ધ લોકોમાં જાગૃતિ લાવવા માટે 1893માં સાર્વજનિક રીતે ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો.

httpss://youtu.be/wI1u5MZkNaw