સંગ્રહ કરવાની ભૂખ નો કોઈ ઈલાજ નથી

લૂંટીને, ઝૂંટવીને, શાસ્ત્રોનો ડર બતાવીને સંપત્તિ એકત્રિત કરવા વાળાના કાળા કામોથી ઇતિહાસ ભરેલો છે. સાથે જ તે લૂંટેલ મિલકતને પોતાની આંખોની સામે બીજા પાસે જતી જોવાની પીડા ભોગવનારાના ઇતિહાસ પણ આપણે વાંચ્યા છે. સૈકાઓ પહેલા ફક્ત સિકંદર, ઔરંગઝેબ, મહેમુદ ગજનવી વિગેરેએ એજ આ પ્રકારની પીડા ભોગવી છે એવું નથી. તેમના ગયા પછી પણ અનેક લોકોએ આ પ્રકારની પીડા ભોગવી છે. હાલમાં તો આવી વ્યક્તિઓનો વિશાળ સમૂહ ઉભો થઈ ગયો છે. અંતર ખાલી એટલું જ છે કે સિકંદર વગેરેની તલવાર પ્રત્યક્ષ હતી. જ્યારે આજના કહેવાતા સિકંદરોની તલવાર ગુપ્ત છે.પરંતુ લુટવા તથા સંગ્રહ કરવાની પ્રવૃત્તિમાં કોઈ જ અંતર નથી.

વ્યક્તિને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તે ખાવાના પદાર્થોને ભેગા કરવા લાગે છે. ભૂખની પણ એક મર્યાદા છે. જ્યારે ભૂખ શાંત થઈ જાય છે ત્યારે ઘણા કલાકૉ સુધી શાંત બની જાય છે. ઘડપણમાં ભૂખ ઘટી જાય છે. પરંતુ સંગ્રહ કરવાની ભૂખનો કોઈ ઈલાજ નથી. ઘડપણ આવ્યા બાદ ભૂખ ઓછી થઈ જશે તેની કોઈ ગેરંટી નથી. ઘડપણમાં સંગ્રહ કરવાની ભૂખ તીવ્ર બની જાય છે. ઘણા ચિંતકોએ આ પ્રવૃત્તિ ઉપર અંકુશ લગાવવાની પ્રેરણા આપી છે. મહાત્મા ગાંધીજીના કહેવા અનુસાર જે ચીજોની આખા જગતને જરૂરિયાત છે તેને ભેગી કરી રાખવી એક પ્રકારની હિંસા છે.. જેવી રીતે હોડીમાં પાણી ભરાઈ જાય છે ત્યારે સમજદારી તેમાંજ છે કે હોડીમાં ભેગું થયેલું પાણી કોઈપણ રીતે બહાર કાઢી નાખીએ. એવી જ રીતે ઘરમાં ધન ખૂબ ભેગું થાય છે ત્યારે તેને પણ પુણ્ય કાર્યોમાં લગાવી દેવું જોઈએ.

ભગવાન કહે છે કે સફળ કરો તો સફળતા મળે. ધન- વૈભવથી ભરેલ સંસાર સાગરમાં મનુષ્ય યોગ રૂપી હોડીમાં બેસીને ઉપર ઉપર તરતો રહે, ન્યારો તથા ઉપરામ રહે, તેમજ તેની શોભા છે. જેવી રીતે મુસાફરી દરમિયાન અનાજને ઉઠાવવું મુશ્કેલ છે, પરંતુ પૈસાને ઉઠાવવા તથા તેનાથી ચીજો ખરીદવી ખૂબ સરળ છે. આત્મા પણ યાત્રી છે. આત્માએ આ શરીર છોડીને નવા જન્મમાં નવું શરીર ધારણ કરીને પાર્ટ ભજવવાનો છે. તો સમજદારી તેમાંજ છે કે ભેગી કરેલ વસ્તુઓ નો સારો ઉપયોગ કરીને પુણ્ય ભેગું કરીએ. ચલણી નોટો, સોનુ-ચાંદી વિગેરે આત્મા નહીં ઉઠાવી શકે પરંતુ ધનને સારા કાર્યોમાં લગાવીને તેને પુણ્યમાં બદલી દઈએ. તે પુણ્ય એટલું હલકું હશે કે જેને આત્મા ઉઠાવી શકશે તથા સાથે લઈ જઈ શકશે.

આજે ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા કોઈપણ સંદેશ કે ચિત્ર એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પહોંચાડી શકાય છે. જ્યારે સંદેશ સાધન માં નાખવામાં આવે છે તો તેના અક્ષર કે ચિત્ર તરંગોમાં બદલાઈ જાય છે આ સૂક્ષ્મ તરંગો બીજા ઇલેક્ટ્રોનિક સાધન સુધી પહોંચતા જ અક્ષરો કે દ્રશ્યોમાં બદલાઈ જાય છે. તેવી જ રીતે આ શરીર દ્વારા આપણે જે પ્રાપ્ત કર્યું, કમાયા તેને જો આપણે ઈશ્વરીય કાર્યમાં લગાવીએ તો આપણું સ્થૂળ કાર્ય પણ આધ્યાત્મિક તરંગોમાં બદલાઈ જાય છે અને નવું શરીર પ્રાપ્ત થતા જ અનેક ઘણી સુખ-સાધન-સામગ્રી બનીને આપણને મળી જાય છે.

જો કોઈ ખેડૂત બીજનો સંગ્રહ કરી લે પરંતુ તેને વાવે નહીં તો તે બીજ નષ્ટ થઈ જશે અથવા તો તે વ્યક્તિ તે બીજ વાવવા થી મળતી ઉપજ થી વંચિત રહી જશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)