આપણા જીવનમાં એક – એક સેકન્ડ જે પસાર થાય છે તે ભૂતકાળ બની જાય છે. આપણે વર્તમાન સમયે ભૂતકાળની બાબતો અથવા ભવિષ્યની બાબતો અંગે વિચારીએ છીએ. જેટલો સમય આપણે આ પ્રકારના ભૂતકાળ અને ભવિષ્યના વિચાર કર્યા તેટલો સમય વર્તમાનનો વેડફાઇ ગયો ને? આમ ભૂતકાળ અથવા ભવિષ્યકાળ અંગે વિચારતા સમયે વર્તમાન પ્રત્યે આપણું ધ્યાન જ નથી રહેતું. ધારો કે આ રીતે વિચારતાં વિચારતાં 10 વર્ષ પસાર થઈ ગયા, અર્થાત વર્તમાનમાં રહેવા છતાં હું 10 વર્ષ પાછળ જતી રહી. વધુ મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે, આપણે દરેક સેકન્ડ વર્તમાનમાં જીવવું જોઈએ. જેવા આપણે વર્તમાનને છોડીને ભૂતકાળ અને ભવિષ્યકાળ ઉપર આવી જઈએ છીએ કે પછી સમય આપણા કાબૂમાં નથી. અને એટલો બધો આપણો સમય વ્યર્થ ચિંતનમાં જ ગયો ને!
માનો કે વર્તમાનમાં આપણી નજર સમક્ષ કોઈ ઘરમાં આગ લાગે છે ત્યારે આપણું સમગ્ર ધ્યાનએ એ આગ બુઝવવા પ્રત્યે હોવું જોઈએ કે, આગને કેવી રીતે કાબૂમાં લઈએ? પરિણામે શાંત ચિત્તે સ્વસ્થતાપૂર્વક આપણે યોગ્ય ઉપાય કરી શકીશું. પરંતુ જો આપણું મન આ સમયે વ્યર્થ વિચારો તરફ જતું રહ્યું કે હવે શું થશે? આનાથી કેટલું નુકસાન થશે? તેને ભરપાઈ કેવી રીતે કરીશું? આપણે વર્તમાનમાં હોવા છતાં ભવિષ્યકાળમાં જતા રહ્યા જે કારણે આપણને વધુ નુકશાન થઇ શકે છે. વર્તમાનમાં તાકાત છે પરિસ્થિતિનો સામનો કરવાની. પરંતુ જો આપણે ભવિષ્ય અંગે વિચારીને ડરી ગયા તો વર્તમાનની તાકાત ઓછી થઈ જાય છે.
જ્યારે આપણે મેડીટેશન કરીએ છીએ, તો મેડીટેશન આપણને મનના સંકલ્પોની ગતિને ધીમી કરવામાં તથા કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મેડિટેશન દ્વારા આપણે મનના વિચારોને કંટ્રોલ કરી શકીએ છીએ. ભૂતકાળ અંગે કે ભવિષ્યકાળ અંગે વિચારવું એ આપણે એવી બાબતો અંગે વિચારીએ છીએ કે જે આપણા હાથની વાત નથી. આના પરિણામે આપણું મન અશાંત બની જાય છે. આ માટે આપણી જાગૃતિની જરૂર છે. કે આપણે મન દ્વારા કેવા વિચારો કરવા છે! જેવું આપણું મન અશાંત બનવા માંડે કે તરત આપણે ચેક કરીએ કે ભૂતકાળ કે ભવિષ્યની એવી કઈ બાબતના કારણે આપણું મન અશાંત બની ગયું? ત્યાર બાદ મનને પ્યારથી સમજાવી ભૂતકાળ કે ભવિષ્યમાંથી હટાવી વર્તમાનમાં લઈ આવીએ.
ઘણીવાર આપણી માન્યતા એવી હોય છે કે ભૂતકાળમાંથી ઘણું બધું શીખવા મળે છે તો પછી તે વાતોને યાદ રાખવી જોઈએ ને! આ બાબત અંગે ઊંડાણ પૂર્વક વિચાર કરીએ તો આપણને એ ખબર પડશે કે ભૂતકાળની બાબતોને ફરીથી યાદ કરવાથી આપણે વર્તમાનમાં તેનું પુનરાવર્તન કરી રહ્યા છીએ. દરેક સેકન્ડ વિચારો તથા કર્મ દ્વારા આપણું વર્તમાન બની રહ્યું છે. જેવી રીતે હું તમારી સાથે વાત કરી રહી છું તે સમયે મારા મનમાં ભૂતકાળના વિચારો ચાલી રહ્યા છે કે આપે ભૂતકાળમાં મારી સાથે બરાબર યોગ્ય વ્યવહાર કર્યો નહોતો, તો આપણા બોલની અંદર ક્યાંક ગુસ્સો, દુ:ખ અને તિરસ્કાર પ્રગટ થશે. આ સમયે આપણે એવી બાબત અંગે વિચાર કરી રહ્યા છીએ કે જે આપણા વશમાં નથી. બીજી વાત કે આ દ્રશ્ય તો ઘણા સમય પહેલા પસાર થઈ ચુકેલ છે, હવે તે અંગે વિચારવાથી કે બોલવાથી કાંઈ પણ થઈ શકે તેમ નથી.
આપણને એ સમજમાં આવી ગયેલ છે કે હું લોકોને કે પરિસ્થિતિને બદલી શકું તેમ નથી પરંતુ પોતાને બદલી શકું છું. આપણે જ્યારે ભૂતકાળની ઘટનાને તાજી કરીએ છીએ ત્યારે આપણી ખુશી ને તથા સ્થિરતાને ખતમ કરી દઈએ છીએ. દિવસ પૂરો થતાં આપણે સંપૂર્ણ ખાલી થઈ જઈએ છીએ. આમ ભૂતકાળની બાબતો અંગે વિચારવું, ચર્ચા કરવી કે વર્ણન કરવું એ બધુ આપણી શક્તિને સમાપ્ત કરે છે. હવે આપણે આ બાબત અંગે સાવધાન રહેવાની જરૂરિયાત છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)