ભુતકાળ કેન્સલ ચેક છે અને વર્તમાન એ ભેટ છે

ઋતુ બદલાઈ રહી છે. તો મારે ઋતુ વિશે વિચારવાનું નથી પરંતુ મારા પોતાના રક્ષણ માટે વિચાર કરવાનો છે. રાજયોગનો અર્થ એ છે કે પોતાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. જો હું બીજી વ્યક્તિઓ અંગે કે તેઓના વ્યવહાર અંગે વિચારીશ, તો જરૂર હું તેમનાથી પ્રભાવિત થઇશ. બીજી વ્યક્તિના વિચારો કે વ્યવહાર મારા કાબૂમાં નથી, પરંતુ મારા કાબૂમાં એ છે કે મારે મારી પોતાની જાતને સમજાવવું. બીજી વ્યક્તિઓ શું કરે છે કે શું નથી કરતી, એ વિશે મારે વિચારવાનું કે ધ્યાન આપવાનું નથી. મારે કેવી રીતે વ્યવહાર કરવાનો છે કે મારે મારું રક્ષણ કેવી રીતે કરવાનું છે, આ બધી બાબતોના કારણે હું દુ:ખી ન થાઉ. સામેની વ્યક્તિ બીજી વખત મારી સાથે વાત કરે કે ના કરે તે તો મારા હાથની વાત નથી, પરંતુ બીજી વખત હું દુઃખી ન થાઊં તે તો મારા હાથમાં છે. આધ્યાત્મિકતા આપણને દરેક બાબતમાં સકારાત્મક બનીને વિચારવાનું શીખવે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગઈકાલે હું જે પરિસ્થિતિમાં દુઃખી થઈ ગઈ હતી. આજે મારે એ ધ્યાન રાખવાનું છે કે આજે મારે ફરી દુઃખી થવાનું નથી. ઘણી બધી વાતો આવશે અને જશે પણ આપણે પોતાના ઉપર ધ્યાન રાખવાનું છે. જો આપણે બીજાને વશમાં કરવાની કોશિશ કરીશું તો આપણે હારી જઈશું. કોઈ પરિસ્થિતિ આવી જેના કારણે મને નુકસાન થયું. હું આગળ વધી પરંતુ તે નુકસાનને જો દુઃખને દૂર ન કર્યું તો તે મને દર્દમાં છોડી જશે. જેટલી વાર આપણે બની ગયેલ નકારાત્મક વાતો વિશે વિચારીશું તેટલા વધુ દુઃખી થઈશું. હવે એ ઘટના તો પહેલા બની ગઈ છે પરંતુ તે અંગે વિચારીને વર્તમાનમાં આપણે દુઃખી થઈ રહ્યા છીએ. એનું કારણ એ છે કે, તે વીતી ગયેલ વાત હજુ સુધી આપણા મનમાંથી બહાર નીકળી નથી.

ભૂતકાળ અંગે જેટલી વાર આપણે વિચાર કરીએ છીએ ત્યારે તેને વર્તમાન બનાવી દઈએ છીએ. જે પછી આપણા ભવિષ્ય ઉપર અસર કરે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે જો આપણે તે જૂની વાતોને યાદ રાખીશું તો ફરીથી નહીં થાય. પણ વાસ્તવમાં જેટલું આપણે ભૂતકાળને મનમાં યાદ રાખીશું એટલું તે ફરી ફરી બનતું જશે.
જો આપણે ખરેખર એવું ઈચ્છીએ છીએ કે, આપણા વીતી ગયેલ ખરાબ ભૂતકાળની પુનરાવૃત્તિ ન થાય તો આપણે તેને ભૂલવું પડશે. તેને વારંવાર રીપીટ ના કરીએ.

જો આપણે ભૂતકાળને ભૂલતા શીખીશું તો તેની પુનરાવૃત્તિ નહીં થાય. ભૂતકાળની ઘટનાઓના કારણે થયેલ દુ:ખને ખતમ કરવા માટે જો આપણે એ ઘટનાને ફરીથી યાદ કરીશું, તો જેટલી વાર યાદ કરીશું એટલી વાર દુઃખ વધતુ જશે. દુઃખ દૂર કરવાનો એક માત્ર ઉપાય છે એ કે, ભૂતકાળને ભૂલી જઈએ છીએ અને માફ કરતા શીખીએ. આપણે કહીએ છીએ કે એને માફ કરી દીધો પરંતુ એ બાબતને મનમાંથી દૂર કરી શકતા નથી. પરિણામે ફરીથી તે વાતો યાદ આવતા દુઃખનો અનુભવીએ છીએ.

આપણે એ વાતને ભૂલવાની કોઈ મહેનત નથી કરવાની પરંતુ જે દુઃખની લાગણી છે તેને દૂર કરી દેવાની છે. જો આ શક્ય બનશે તો એ વાત સહેલાઇથી ભૂલી શકીશું. તેઓએ જે કરવાનું હતું તે કર્યું, પરંતુ મારે હવે શું કરવું છે તે તો મારા હાથમાં છે. જો મનમાંથી વીતી ગયેલ ઘટના અંગેના દુઃખના વિચારો દૂર થઇ ગયા, તો પછી આપણા મનમાં એ બાબત અંગે કોઈ ગાંઠ રહેતી નથી. ધારો કે, પરિવારમાં ભાઈ-બહેન વચ્ચે કે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો. હવે તે બાબતોને યાદ રાખી લાંબા સમય સુધી દુઃખનો અનુભવ કરવો છે કે, પછી જલ્દીથી તે વાતને ભૂલી જઇ શાંતિનો અનુભવ કરવો છે. તે આપણા ઉપર આધાર રાખે છે જેટલું જલ્દી ભૂતકાળને ભૂલતા શીખીશું તેટલો જીવનમાં હંમેશા સુખ-શાંતિનો અનુભવ કરતા રહીશું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]