વાસ્તુ: ઘરમાં સ્ટોરેજ વાળા બેડ પર સુવું કેટલું યોગ્ય?

દિવાળી આવે એટલે સફાઈનો વિચાર આવે. માળિયા સાફ થાય અને ખાના પણ સાફ થાય. ઘરમાં ભરાઈ રહેલો કચરો બહાર નીકળવા લાગે. વાસણોને ચમકાવીને પાછા ગોઠવવામાં આવે. ઘરની રોનક બદલવા પ્રયત્નો થાય. કેટલાક ઘરમાં નવા રંગ રોગન પણ થાય. નવા વરસમાં પોતાનું ઘર શ્રેષ્ઠ દેખાય એનો પ્રયત્ન બધા જ કરે. નવા વરસે મહેમાન આવે ત્યારે ગૃહિણી ગર્વ સાથે એમનું સન્માન કરે અને પોતાની આવડતનો પરિચય કરાવે. આ બધું જ આપણી સંસ્કૃતિ સાથે વણાઈ ગયું છે. આવું જ આપણે કોમ્પુટર અને મોબાઈલમાં પણ કરીએ છીએ. બિન જરૂરી ફાઈલ ખાલી કરી નાખીએ અને નવી ફાઈલ માટે જગ્યા બનાવીએ. તો એવું જીવનમાં ન થઇ શકે? મનની સફાઈ ન થઇ શકે. આ દિવાળીએ મનની સફાઈ પણ કરી જોજો. બહુ મજા આવશે. નવી ઉર્જા માટેની જગ્યા ઉભી થઇ જશે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પણ પૂછી શકો છો.

સવાલ: તમારા લેખો જીવવાની શક્તિ આપે છે. ક્યારેક સાવ નિરાશ, હતાશ થઈને બેઠી હોઉં ત્યારે તમને વાંચીને કે સાંભળીને જીવવાની શક્તિ મળી જાય છે. મને કોઈ ગમે તો એ સામે વાળાનું સદભાગ્ય ગણાય એવું લોકો કહે છે. ઈશ્વરે મને રૂપ, ગુણ, વાણી, સમૃદ્ધિ બધું જ આપ્યું છે. ચર્ચામાં હું કોઈ પણ વિષય હોય સામે વાળાને મારી વાત મનાવી શકું છું. જીવનમાં કોઈ મને ગમ્યું અને એ પણ ચુમ્માલીસની ઉમરે. મારાથી નાની વ્યક્તિ. સહેજ પણ સરળ નહિ. ધાર્યું કરે અને સાવ વિચિત્ર માણસ. સ્વાર્થી અને મહત્વકાંક્ષી. પણ ખબર નહિ મને એ ગમ્યો. બધું જ બરાબર ચાલતું હતું અને એ જ્યાં નોકરી કરે છે એ જગ્યાના માલિકને ખબર પડી. મારી યુવાનીમાં એ માણસ મને પસંદ કરતો હતો. મારાથી વીસેક વરસ મોટો હશે. એ ત્યારેય મને નહતો ગમતો અને આજે પણ નહિ. એનામાં એવું કાઈ ખાસ નથી કે મારી નજરમાં પણ આવે. એના કહેવાથી મારો મિત્ર હવે મને એ વ્યક્તિ સાથે સંબંધ બાંધવા દબાણ કરે છે. કોઈને પ્રેમ કરવો અને કોઈની સાથે શારીરિક સંબંધ બાંધવો એ અલગ વાત છે એ સમજણ પેલાના માલિકમાં નથી. એ મારા વિષે ખરાબ વાતો ફેલાવવાની ધમકીઓ આપે છે. આવા સંજોગોમાં શું નિર્ણય લઇ શકાય?

જવાબ: પ્રેમની પરિભાષા ન ખબર હોય એવા માણસને પ્રેમ કરી શકાય? જો એ માણસ તમને સાચે જ પ્રેમ કરતો હોત તો એ તમને એના માલિક સાથે સંબંધ બાંધવા ન કહેત. બની શકે એમાં કોઈ ગેર સમજણ હોય. પણ એનો માલિક તો સારો નથી જ. જો એ વ્યક્તિ માને તો એને તમારા કારોબારમાં ભેળવી દયો. જો ન માને તો એને કહી દયો કે મારી પસંદગી તું છે. હું વ્યભિચારી નથી. જો એ સાચે જ પ્રેમ કરતો હશે તો એ માની જશે. ન માને તો તમારે વિચારવું જોઈએ. પ્રેમમાં ક્યાય શરીરની જરૂરિયાત નથી હોતી. સાચો પ્રેમ કાયમ રહે છે. એમાં રિસામણા મનામણા હોય પણ ખોટી અપેક્ષાઓ ન જ હોય.

સવાલ: સર, મારા ઘરમાં સ્ટોરેજ બેડ છે. એના પર સુવાનું શરુ કર્યા બાદ મને શરીર દુખે છે તો આવું થાય ખરું?

જવાબ: બહેનશ્રી. કોઈ પણ વસ્તુમાં ઉર્જા હોય છે એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે. એક જ જગ્યાએ વધારે સમય વસ્તુ પડી રહે તો એનું ઉર્જા ઓછી થતી જાય. એજ કારણથી જયારે આવી જગ્યાએ સુવામાં આવે ત્યારે તમને ઉર્જા ઓછી થવાથી થતી સમસ્યાઓ ઉદ્ભવી શકે. તમારી વાત અને અનુભવ બંને સાચા છે.

આજનું સુચન: ઘરમાં લાંબા સમય સુધી એકજ જગ્યાએ મૂકી રાખેલી વસ્તુ નકારાત્મક ઉર્જા આપી શકે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)