ખુશ રહેવા માટે બીજી વ્યક્તિઓનો સ્વીકાર કરીએ

આપણા મનના વિચારો, ઈચ્છાઓ, આશાઓ, અપેક્ષાઓ જ્યારે બીજાને કહીયે છીએ ત્યારે એ પણ યાદ રાખીએ કે, જો તે મારી આ આશાઓ કે અપેક્ષા પૂરી નહીં કરી શકે તો હું દુઃખી નહીં થાઊં. તેમ કરતાં કરતાં તમને સામેની બીજી વ્યક્તિઓ સારી લાગવા લાગશે. કારણ કે આપે તેમનો સ્વીકાર કરી લીધો છે. જે રીતે આપણે બીજી વ્યક્તિઓનો સ્વીકાર કરીએ છીએ. તેવી જ રીતે ધીરે ધીરે તેઓ આપણો પણ સ્વીકાર કરી લેશે. અપેક્ષાઓને એકદમ છોડી દેવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ ફક્ત એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, મારે કોઈપણ સંજોગોમાં અશાંત થવું નથી.

આપણી સાથે જે પણ વ્યક્તિઓ કાર્ય માટે સંકળાયેલ છે, એ દરેકની પોતાની મર્યાદા છે. જો હું ઊંચા પદ પર છું તો એટલા માટે છું કે મારામાં તે અંગેની વિશેષતા છે. એક જવાબદાર અધિકારીની એ વિશેષતા હોવી જોઈએ કે તેમની સાથેની કે તેની હાથ નીચે કામ કરનાર કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવી. તેઓને વધુ સારી રીતે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા. પરંતુ આપણે એવું વિચારીએ છીએ કે, જેવી મારી કાર્યક્ષમતા છે તેવી જ કર્મચારીઓની પણ હોવી જોઈએ. જે શક્ય જ નથી.

ઘણીવાર એવું પણ થાય કે, મારા હાથ નીચેના કર્મચારીમાં કોઈ કામમાં મારાથી પણ વધુ આવડત હોય. આ સંજોગોમાં જો આપણે એવો આગ્રહ રાખીએ કે મારી પદ્ધતિ પ્રમાણે કામ કરો તો આપણે તેની કાર્યકુશળતાને ગણતરીમાં નથી લેતા. આની સીધી અસર તેની કામ કરવાની પદ્ધતિ ઉપર પડે છે.

 

જો સામેવાળી વ્યક્તિની અપેક્ષા પૂરી નથી કરી શકાતી તો તેવા સંજોગોમાં પણ તે આપણી વાસ્તવિક ખુશીને જાળવી રાખીએ, જેથી તેની કાર્યક્ષમતા વધશે, તેને તાકાત મળશે અને તે શક્તિશાળી બનવાથી આપણી અપેક્ષાઓ પણ પૂરી કરી શકશે. બીજા દિવસે સવારે આપણે ઊઠીએ ત્યારે એક વાક્ય લખીએ કે – “હું મારી જાત સાથે આશા રાખું છું કે હું હંમેશા ખુશ રહીશ, અશાંત નહીં થાઊં”. જો આપણને આ યાદ રહેશે તો મનની સ્થિતિ ઉપર-નીચે નહીં થાય. અને આપણું ખુશીનું લેવલ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે તેવો અનુભવ થશે. એવી કેટલીક નાની નાની વાતો છે કે જે આપણને અશાંત કરી દે છે.

જ્યારે આપણે પોતાના ખુશીના લેવલને જોવાનું શરૂ કર્યું તો, આપણામાં જાગૃતિ આવી કે, એવી કઈ કઈ બાબતો છે? એવા કયા વિચારો છે? જેના કારણે હું ખુશ નથી રહી શકતી. ઘણી બાબતો એવી હોય છે કે જે ભૂતકાળ બની ગઈ હોય તેમ છતાં પણ આપણે તેને ભૂલી શકતા નથી. ઘણી વાર આપણને એવું લાગે છે કે, આપણે એ વાતને ભૂલી ગયા છીએ પણ જેવી કોઈ સ્થિતિ સર્જાય કે તરત જ તે વાતો અંગેની બધી જ સ્મૃતિઓ તાજી થઈ જાય છે જે આપણી ખુશીને અસર કરે છે. હવે આપણે સમજીશું કે આવું શા માટે બને છે? અને તેનું સમાધાન કેવી રીતે કરી શકીએ!

આપણે વારંવાર કહીએ છીએ કે જે ઘટના બની ગઈ તેને ભૂતકાળ સમજીને ભૂલી જઈએ પરંતુ આપણે જેટલી વાર તે ઘટનાને યાદ કરીએ છીએ કેટલી વાર આપણો ભૂતકાળ વર્તમાનમાં બદલાઈ જાય છે. ધારો કે ભૂતકાળમાં કોઈ ઘટનાના કારણે આપણે દુઃખી બની ગયા. હવે જ્યારે એ ઘટના મનમાં તાજી થાય છે ત્યારે આપણે ફરીથી દુઃખી બની જઈએ છીએ. આમ તો ભૂતકાળ પણ એક માન્યતા છે. જે અંગે આપણે કશું કરી શકતા નથી. વાસ્તવમાં તે ઘટના આપણા માટે ભૂતકાળના રહેતા વર્તમાન બની જાય છે.

આપણે ખુશી વસ્તુઓમાં, પરિસ્થિતિઓમાં અને લોકો પાસેથી મળશે તેવી અપેક્ષા રાખી. સૌથી અગત્યની વાત આપણે ખુશીને ભૂતકાળમાંથી અથવા તો ભવિષ્યમાં થનારી ઘટનામાંથી શોધતા હતા. મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે દરેક વ્યક્તિ પોતાનો 80 ટકા સમય ભૂતકાળની વાતોને યાદ કરવામાં તથા 20 ટકા ભવિષ્યની ઘટનાઓ અંગે વિચારવામાં વિતાવે છે. આપણામાં આ અંગેની પણ જાગૃતિ હોવી જરૂરી છે. પરંતુ આપણને એ ખબર નથી કે આખો દિવસ આપણે કેવા પ્રકારના વિચારો કરીએ છીએ.!

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]