ઈચ્છાઓની બેડીમાંથી મુક્તિ મેળવો

તમે જીવનમાં બંધાઈ ગયેલા હોવ છો. વાસ્તવિકતા જેવી છે તેવી તમે કેમ જોઈ શકતા નથી? તમને શું રોકી રહ્યું છે? દરેક ક્ષણે તમે અંતિમ સમયની નજીક પહોંચી રહ્યા હોવ છો! દરેક ક્ષણ તમને ભસ્મની નજીક લઈ જઈ રહી છે! છતાં, વાસ્તવિકતા જે એકદમ સ્પષ્ટ છે તે તમે નથી જોઈ શકતા? તમારા સુખની ઝંખના અને દુખના ડરને લીધે આમ થાય છે. દરેક બાબતમાં તર્ક હોઈ શકે છે, પરંતુ શ્રધ્ધા તર્કથી પર છે. તમે ઈચ્છાને લીધે થતી બેચેનીથી પીડાવ છો અને કંઈક મેળવવા લોભી છો.

સુખ, દુખ, તર્ક અને વ્યાકુળતા-આ ચાર લગામ તમને પાછળ તરફ ખેંચે છે. તમે સુખના સ્વપ્ન જુઓ છો; આ એટલું અચંબો આપનાર છે!વિવિધ સુખ માણ્યા પછી પણ માણસ એવું વિચારે છે કે સુખ બીજે ક્યાંક છે. દરેક સુખ ક્ષણિક રહ્યું હોય છે, તેણે તમને ખાલી હાથ અને થાકેલા છોડ્યા હોય છે. છતાં વ્યક્તિ વધારે સુખની, કોઈક અજાણ્યા- અણદેખ્યા સુખની આશા રાખે છે.

તમને કયા દુખનો ડર લાગે છે? તમને શું થવાનું છે? તમે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ ચુક્યા છો. જે તમને અશક્ય લાગતા હતા એવા ઘણા વિઘ્નો તમે જીવનમાં પાર કર્યા છે. છતાં એ કોઈની તમારા પર અસર થઈ નથી. કોઈ બાબત તમને હંફાવી શકી નથી. જે તે ક્ષણે તમને હલાવી નાંખ્યા છે એવું લાગ્યું હશે, પરંતુ પાછળથી તમને જણાયું કે તમે પહેલાની જેમ જ સંપૂર્ણ છો.

માણસને વધુ ને વધુ મેળવવાની ઝંખના રહેતી હોય છે. આપણે ઈચ્છાથી સળગી જઈએ છીએ; અને એ જ્વાળા તમને શાંતિથી જંપવા દેતી નથી. તમે ઈચ્છામુક્ત નહીં થાવ તો તમને ક્યારેય શાંતિ નહીં મળે કે દિવ્ય પ્રેમમાં વિશ્રામ નહીં અનુભવી શકો. પ્રેમ એ વિલિન થઈ જવાની, આપવાની,અર્પણ કરવાની, સેવા કરવાની પ્રક્રિયા છે.

જો તમે કંઈક લાભ મેળવવા માટે સેવા કરી શકે તો તે સેવા નથી. ઘણા લોકો સેવા કરે છે અને પોતાનું નામ થાય એવી ઈચ્છા રાખે છે. આ વૃત્તિ પૈસા આપીને જાહેરાત છપાવવા જેવું છે! જો લોકો કહે છે,”અરે, આ સેવા હું કરીશ. બદલામાં મને શું મળશે?” તો તેમને જણાવો,”બદલામાં તમને કંઈ નહીં મળે!”. લાભ લેવાની ઈચ્છા તમને સેવા કરવા દેતી નથી. તમારા પ્રેમ અને ભક્તિ ખીલી શકતા નથી. તમે ઈશ્વરના છો; અને તમને એમ લાગે છે કે ઈશ્વર તમારા સુખ, કાળજી લેવા જેવી બાબતો કે ઈચ્છાઓની સંભાળ નહીં લે?

ઈચ્છાઓને ત્યજી દો, તો જ તમે ખીલી શકશો. ખીલવા માટે રાહ જુઓ. દરેક કળીને ખીલવા પોતાનો એક સમય હોય છે; કળીને ફૂલ બનવા દબાણ ના કરો. તમારામાં સંપૂર્ણ ખીલવાની પ્રક્રિયા માટે રાહ જુઓ, ધીરજ રાખો. આ એ ખાતર છે જેના દ્વારા પ્રેમનું ગુલાબ ખીલશે. જ્યારે તમે ખીલશો ત્યારે તમને સત્ય પ્રાપ્ત થશે.

સત્યને અનુસરો અને તેનું આચરણ કરો, તેની સાથે રહો. અસ્તિત્વની સાથે રહો. અસ્તિત્વ એ સત્ય છે. સંસ્કૃતમાં ‘સત્’ શબ્દ સત્ય અને અસ્તિત્વ બન્નેમાં છે. માત્ર સત્ય બોલવું એવું જ નહીં, પરંતુ તમારા આખા જીવનમાં સત્યની અભિવ્યક્તિ કરવી. તમે આ ક્ષણમાં છો, આ ક્ષણની અભિવ્યક્તિ કરો. ત્રણ બાબતો કહેવામાં આવે છે: સત્યમ્ બૃયાત્, સત્ય બોલો; પ્રિયમ્ બૃયાત્, મીઠું સત્ય બોલો; સત્યમ્ પ્રિયમ્ હિતમ્,લાભકારી છે તેવું સત્ય બોલો.

જો તમે એક અંધ વ્યક્તિને એવું કહો છો કે “તમે આંધળા છો” તો તમે તેમને ઠેસ પહોંચાડો છો. અપ્રિય સત્ય ના બોલો. હિતમ્ એટલે જે સારું છે તે. કોઈ દર્દી ખરેખર બહુ બિમાર છે. જો તમે તેમને એવું કહો કે “તમે આવતીકાલે ગુજરી જશો” તો તે કદાચ અત્યારે જ ગુજરી જશે! તેના હિતમાં ડોક્ટરે તેને કંઈક જુઠાણું કહેવું પડે. સત્યમ્ એટલે જે વાસ્તવિકતા છે તે કહેવી, પણ સન્નિષ્ઠતા સાથે.

શૌચ એટલે શુધ્ધિ. તમારા મન, વાણી અને શરીરની શુધ્ધિ જાળવો. જો ચોખાને ઘઉં અને સાબુની ભૂકી સાથે ભેળવી દેવામાં આવે તો તે બધું અશુધ્ધ થાય છે. જો આ ત્રણેને અલગ પાત્રમાં લેવામાં આવે તો તમે જણાવશો કે આ શુધ્ધ સાબુની ભૂકી છે, શુધ્ધ ચોખા છે અને શુધ્ધ ઘઉં છે. વસ્તુઓની ભેળસેળ ના કરવી એ શુધ્ધિ છે. અશુધ્ધ એટલે શું? જ્યારે એક પદાર્થને બીજો પદાર્થ, કે જે એવી જ ગુણવત્તા કે પ્રકારનો નથી, તેની સાથે ભેળવેલો છે તો તે અશુધ્ધ છે. શુધ્ધતા એટલે મિલાવટ ના કરવી.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)