આપણે પૃથ્વી પર પહેલો શ્વાસ લઈએ છીએ ત્યારથી આપણે આપણું કૉમ્યુનિકેશન શરુ કરી દઈએ છીએ. જન્મી ને તરત આપણે રડીએ છીએ અને આપણી માતા સાથે આપણું એ સૌથી પ્રથમ કૉમ્યુનિકેશન છે. આપણાં રડવાના અવાજ વડે, હલનચલન દ્વારા, જગતને આપણે પોતે જ પોતાના જન્મ વિષે ખબર આપીએ છીએ. પ્રથમ શ્વાસ થી શરુ થયેલું કૉમ્યુનિકેશન જીવન ના અંતિમ શ્વાસ સુધી ચાલ્યા કરે છે. કૉમ્યુનિકેશન વગર જીવન ઘટિત થતું જ નથી. પરંતુ વાસ્તવમાં, કૉમ્યુનિકેશન એ માત્ર શબ્દો નથી. અસરકારક કૉમ્યુનિકેશન એ એક કલા છે.
સામી વ્યક્તિ ના દ્રષ્ટિકોણ ને સમજો: કૉમ્યુનિકેશન એ સંવાદ છે, બે વ્યક્તિ વચ્ચે થતો સંવાદ – ડાયલોગ છે, સ્વગત ઉક્તિ – મોનોલોગ નથી. જેમની સાથે આપણે વાતચીત કરી રહયાં છીએ તેમના દ્રષ્ટિકોણને સન્માન આપવું જ જોઈએ. કોમ્યુનિકેશન એ સામી વ્યક્તિને સહૃદયતા પૂર્વક સમજવાની કલા છે. કેટલાંક લોકો ખૂબ સંવેદનશીલ હોય છે, પરંતુ તેથી જ પોતાની વાતને સ્પષ્ટ રીતે સમજાવી શકતાં નથી. જયારે કેટલાંક લોકો પોતાની વાતને સ્પષ્ટતા પૂર્વક રજૂ તો કરે છે પરંતુ તેઓ સંવેદનશીલ હોતાં નથી. તેઓ સાચી વાત કહે છે, પરંતુ સામી વ્યક્તિની ભાવનાઓ સમજી શકતાં નથી. સંવેદનશીલતા અને સ્પષ્ટતા આ બંનેનું યોગ્ય સંયોજન હોય તે કોઈ પણ કૉમ્યુનિકેશન ની સફળતા માટે ખૂબ આવશ્યક છે.
ઘર્ષણ ત્યારે જ ઉદ્ભવે છે જયારે બંને પક્ષ પોતાના જ દ્રષ્ટિકોણ પર અડગ રહે છે અને અન્ય ને સમજવાનો પ્રયત્ન કરતા નથી. બંને પક્ષ પોતાની માન્યતાઓ, વલણ થી પરે જઈને, અન્યના દ્રષ્ટિકોણ થી વિચારવાનું શરુ કરે છે ત્યારે સરળતાથી સમાધાન મળી આવે છે. અને એટલે જ બંને પક્ષ એકબીજા સાથે ખુલ્લા મન થી વાતચીત કરે તે અગત્યનું છે.
ગુસ્સો ન કરો : તમે કોઈ ને કાયદાનો ભંગ કરતાં જુઓ છો. અને જો તમે આ જોઈને ગુસ્સો કરો છો કે ચીડાઓ છો તો તમે તમારી જાતને જ દુઃખી કરો છો. એને બદલે શાંત રહો, અને જે કાયદાનો ભંગ કરી રહ્યા છે તેમને શાંતિ થી સાચી વાત સમજાવો. છતાં પણ તેઓ સમજવા તૈયાર નથી તો તેમના પ્રતિ નિર્લેપ થઇ જાઓ, ઇગ્નોર કરો અને આગળ વધો. તમે ગુસ્સો કરશો અને તમારાં મનને અશાંત કરશો તેથી સામી વ્યક્તિ સુધરી જશે? ના! ગુસ્સો કરીને તમે કોઈને સુધારી શકતા નથી. માત્ર તમારાં મનને અશાંત કરો છો ગુસ્સાથી!
તમે જયારે ક્રોધમાં આવીને, આવેશમાં આવીને વાત કરો છો ત્યારે તમારી વાત સાચી હશે તો પણ કોઈ સાંભળવા તૈયાર નહિ થાય. તમારું કૉમ્યુનિકેશન અહીં બિન-અસરકારક નીવડશે.
તમે શબ્દો વડે કંઈ બોલો છો, પરંતુ તમારાં મનની સ્થિતિ સામી વ્યક્તિ સુધી, તમારા શબ્દો પહોંચે તે પહેલાં પહોંચી જતી હોય છે. મનની શાંત અવસ્થા અને હૂંફાળું સ્મિત, કઠોરથી કઠોર વ્યક્તિ સાથે પણ સહૃદય સંવાદ સાધી શકે છે. શાંત મન અને નિર્મળ સ્મિત આ બંને અસરકારક કૉમ્યુનિકેશન માટે ખૂબ જરૂરી છે.
રમૂજ વૃત્તિ કેળવો: રમૂજ વૃત્તિનો અર્થ જોક્સ સંભળાવવી તેવો નથી. તમારી અંદરની હળવાશ, આપમેળે જ, માણી શકાય તેવી રમૂજના સ્વરૂપે બહાર પ્રકટ થતી હોય છે. જયારે તમે જીવનને અતિ ગંભીર દ્રષ્ટિથી નથી જોતા, ત્યારે તમારું અસ્તિત્વ હળવું ફૂલ હોય છે. જયારે તમે બધાંને પોતાનાં સમજો છો અને સહુ સાથે આત્મીયતા પૂર્વક રહો છો, જે લોકો અળગાં રહે છે તેમની સાથે પણ પ્રેમ થી રહો છો, ત્યારે તમારાં અસ્તિત્વમાં એક વિશેષ હળવાશ હોય છે. યોગ-ધ્યાન ના અભ્યાસથી, દિવ્ય શક્તિ પ્રતિ શ્રદ્ધા રાખવાથી અને જ્ઞાની વ્યક્તિઓની સાથે રહેવાથી રમૂજ વૃત્તિ ખીલી ઉઠે છે. રમૂજ વૃત્તિની સાથે સંભાળ અને આત્મીયતા હોવી ખૂબ આવશ્યક છે, નહીં તો જેઓ તમારી સાથે તેમની ગંભીર સમસ્યા વિષે વાત કરે છે તેઓ ખોટું લગાડી બેસશે, અકળાઈ જશે.
વધુ પડતી કેફિયત ન આપો: જયારે તમે મસ્તિષ્કના સ્તરથી વાત કરો છો ત્યારે તમે માત્ર બોલો છો. પરંતુ જયારે તમે હૃદય ના સ્તરથી વાત કરો છો ત્યારે તમે વાસ્તવમાં પરસ્પર સંવાદ સાધો છો. સંબંધો તૂટવાનું મુખ્ય કારણ શું છે? વ્યક્તિ જયારે માત્ર પોતાના વિષે જ વાત કરે છે: હું તો આવો જ છું, ગેરસમજ ન કરશો, મને સાચી રીતે સમજવાનો પ્રયત્ન કરજો વગેરે: ત્યારે સંવાદ રચાતો નથી અને સંબંધો તૂટવા લાગે છે. અમુક સંજોગો દરમ્યાન જો તમે મૌન રાખ્યું હોય તો પરિસ્થિતિ સુધરી જતી હોય છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિષે વારંવાર ચોખવટ ન કરો. ન તો સામી વ્યક્તિ પાસેથી કોઈ ચોખવટની અપેક્ષા રાખો. જયારે હૃદય બોલે છે અને હૃદય સાંભળે છે ત્યારે સંવાદિતા સર્જાય છે.
કૉમ્યુનિકેશન શબ્દોની પરે છે: વ્યક્તિ-વ્યક્તિ સાથેની વાતચીતમાં, કે જાહેર સંભાષણમાં એક અવલોકન તમે ચોક્કસ કર્યું હશે. કોઈ વ્યક્તિ જયારે વાત કરે છે ત્યારે તેના શબ્દોની સાથે સાથે કંઈક આગવું, અનોખું તત્ત્વ હોય છે જે તમને સ્પર્શી જાય છે. એ શું છે તે આપણે નક્કી નથી કરી શકતાં, એટલે તેને આપણે આકર્ષકતા, મોહકતા, બોડી લેન્ગવેજ, પ્રેઝન્સ જેવાં નામ આપીએ છીએ.
તો વાસ્તવમાં કૉમ્યુનિકેશન શબ્દોથી પરે હોય છે. જો તમારી ભીતર સ્થિર મૌન છે, જો તમારું મન શાંત છે તો લોકો પર તમારો ગહેરો પ્રભાવ પડે છે. તમે શું કહો છો, તેના કરતાં વધારે, તમે અંદરથી શું છો તે વધુ અગત્યનું છે. સામી વ્યક્તિ તમારી વાત બરાબર સમજી જાય એ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ જ કૌશલ્ય છે.
પહેલાં સાંભળો : મોટે ભાગે, લોકોને સાંભળવું ગમતું નથી. કોઈની વાતને સાંભળવી તે પણ એક કલા છે. માત્ર શબ્દો જ નહીં પણ વ્યક્તિની લાગણીને, તેની અભિવ્યક્તિને પણ સમજતાં શીખવું જોઈએ. નાનાં શિશુને જોશો તો ખ્યાલ આવશે કે તેઓ લાગણી અને હાવભાવ બંનેને પકડી શકે છે. ભાષા સમજ્યા વગર પણ તેઓ તમારી સાથે સંવાદ કરે છે. મોટાં થવામાં, આપણે આપણી આ શક્તિ ખોઈ બેઠાં છીએ. ફરીથી બાળક જેવાં સહજ અને સરળ બનીએ તો પ્રત્યેક કૉમ્યુનિકેશન કોઈ પ્રયત્ન વગર જ અસરકારક બની જશે.
હજારો શબ્દો જે નથી કહી શકતા તે માત્ર એક દ્રષ્ટિ- એક નજર કહી જાય છે. હજારો દ્રષ્ટિ જે નથી કહી શકતી તે મૌન કહી જાય છે. સાચો સંવાદ માત્ર મૌન માં થતો હોય છે.
(શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)