આ અવરોધને કઈ રીતે દૂર કરી શકાય?

સફળતા ના માર્ગ પર 9 પ્રકારના અવરોધનો વ્યક્તિ અનુભવ કરે છે, અગાઉ આપણે જોયું તેમ મહર્ષિ પતંજલિએ આ 9 અવરોધ વર્ણવ્યા છે: વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ,આળસ, અવિરતિ, ભ્રાંતિ દર્શન, અલબ્ધભૂમિક્ત્વ, અનવસ્થિતત્વ. પ્રશ્ન એ થાય કે આ 9 અવરોધમાંથી એક કે વધુ અવરોધ આપણા માર્ગમાં પણ છે, તે કઈ રીતે જાણી શકાય? અને આ અવરોધને દૂર કઈ રીતે કરી શકાય?

અભ્યાસના માર્ગમાં આપણે કોઈ અવરોધ અનુભવી રહયાં છીએ તો તેની અસર આપણાં શરીર અને મનની અવસ્થા પર પડે છે. જો વ્યક્તિના માર્ગમાં આ નવમાં થી એક કે વધુ અવરોધ છે, તો તે શરીર-શ્વાસ-મનની સ્થિતિ પરથી જાણી શકાય છે. મહર્ષિ પતંજલિ એ ચાર પ્રકારની અવસ્થા વર્ણવી છે:

  1. દુઃખ: શરીરમાં કોઈ જગ્યાએ દુઃખાવો થાય છે, મન પણ ઉદાસ રહે છે, દુઃખી રહે છે.
  2. દૌર્મનસ્ય: અર્થાત કડવાશ. વાણી, વર્તનમાં સતત કડવાશ દેખાય છે. બધાં પ્રત્યે ફરિયાદ હોય છે, કોઈ જ ગમતું નથી, સાથે સાથે પોતાની જાત પ્રત્યે પણ ફરિયાદ હોય છે.
  3. શરીર પર નિયંત્રણ નો અભાવ: શરીર, તેનાં અંગો પોતાનાં નિયંત્રણમાં હોતાં નથી. આલ્કોહોલ નાં સેવન પછી જેમ પોતા પર નિયંત્રણ રહેતું નથી  તેવો જ પ્રભાવ આ અવરોધોથી પણ દેખાય છે. મન અને શરીર વચ્ચેનું સામંજસ્ય ખોરવાઈ જાય છે.
  4. શ્વાસોચ્છવાસ: શ્વાસ અનિયમિત અને ટૂંકો હોય છે. તમે ક્યારેય હતાશ અને ચીડાયેલા લોકોને જોયાં છે? તેમનો શ્વાસ તૂટક તૂટક હોય છે અને ઉચ્છવાસ પણ અનિયમિત હોય છે. મનની વિક્ષેપિત સ્થિતિમાં આવું થાય છે. વિક્ષેપ એટલે મનની અસ્વસ્થતા અને વાસ્તવિકતાનું અયોગ્ય દર્શન. પરિસ્થિતિ અને વ્યક્તિ પ્રત્યે અવાસ્તવિક દ્રષ્ટિકોણ શ્વાસોચ્છવાસની અનિયમિત ગતિ દ્વારા વ્યક્ત થતો હોય છે. તમે જયારે દુઃખી છો ત્યારે તમે નિઃશ્વાસ નાખો છો. અને તમે જયારે ખુશ હો છો ત્યારે તમે શ્વાસ લેતી વખતે જ સજગ હો છો, શ્વાસ બહાર છોડતી વખતે તમે સજગ હોતાં નથી. આપણી ભાવનાઓ અને શ્વાસોચ્છવાસની લય વચ્ચે સીધો સંબંધ છે.

તો તમે ધ્યેય પ્રાપ્તિના માર્ગ પર છો અને આ ચારમાં થી કોઈ પણ એકનો પણ અનુભવ કરી રહ્યાં છો તો અગાઉ વર્ણવેલ નવ અવરોધોમાંથી કેટલાક તમારા માર્ગમાં પણ છે તે નિશ્ચિત છે. હવે પ્રશ્ન એ છે કે આ અવરોધોને દૂર કઈ રીતે કરી શકાય? મહર્ષિ પતંજલિ આ બધા માટે એક જ ઉપાય સૂચવે છે અને તે છે એકતત્વ અભ્યાસ!

 

માત્ર ને માત્ર એક જ તત્ત્વ પર કેન્દ્રિત થઇ જાઓ. જયારે તમે એકની એક વસ્તુ વારંવાર કરો છો ત્યારે તમે બૉર થઇ જાઓ છો અને કંટાળાની ચરમ સીમાએ જયારે પહોંચો છો ત્યારે મન જાણે અચાનક શાંત બને છે, પોતાનાં ધ્યેય પ્રત્યે સ્પષ્ટ બને છે. આ એક જ રસ્તો છે અભ્યાસના પથ પર આવતા અવરોધોને દૂર કરવાનો. આપણું મન સ્થિર કેમ નથી? કારણ તે હંમેશા દ્વંદ્વ માં ફસાયેલું હોય છે, બે વિચારોમાં અટવાયેલું હોય છે. મન પાસે પસંદગી કરવા માટે ઘણા બધા વિકલ્પ હોય છે અને એટલે તે કન્ફ્યુઝ થતું રહે છે. આ કરું કે પેલું કરું તેવી સ્થિતિમાં તે એક થી બીજા વિચાર પર કુદકા મારતું રહે છે અને કોઈ નિર્ણય લઇ શકતું નથી. મન વિભાજીત થતું જાય છે. એક ખંડિત, વિભાજીત મન હંમેશા દુઃખી રહે છે. જયારે કેન્દ્રિત મન પ્રસન્ન રહે છે. જયારે જયારે તમે પ્રસન્નતાનો અનુભવ કર્યો છે ત્યારે તમારું મન પણ કેન્દ્રિત હોય છે, એક થી બીજા વિચારો પર કુદકા મારતું નથી. જીવનના આનંદ ને તમે પ્રગાઢતાપૂર્વક માણી શકો છો.

એક તત્ત્વ અભ્યાસ એટલે શું? એક જ તત્ત્વ પર લક્ષ્ય  રાખવું. પછી તે ઈશ્વર હોય, ગુરુ હોય, આત્મતત્ત્વ હોય કે કોઈ એક નિશ્ચિત ધ્યેય હોય! તે એક તત્ત્વ કોઈ પણ હોઈ શકે છે પરંતુ એ એક જ તત્ત્વની સાધના કરવી તે અગત્યનું છે. આ સાધના થી તમે બધા જ અવરોધોને પાર કરી શકશો. એક તત્ત્વ અભ્યાસ તમારાં મન ને સ્થિરતા આપે છે. તમે સર્વત્ર એ એક જ તત્ત્વ ને જુઓ છો. પછી કોઈ પણ પરિસ્થિતિ કે અન્ય લોકો તમને તમારાં ધ્યેયથી વિચલિત કરી શકતાં નથી. કારણ તમે પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક ઘટના, પ્રત્યેક પરિસ્થિતિ – સાનુકૂળ કે વિષમ બધાંમાં એ એક જ તત્ત્વ જુઓ છો. ફોકસ કરવાથી તમને તમારાં ધ્યેય ની નિશ્ચિતપણે પ્રાપ્તિ થાય જ છે. પ્રાણ ઉર્જામાં વધારો થવાથી એક તત્ત્વ અભ્યાસ વધુ સરળ બને છે. હળવો, તાજો ખોરાક, વ્યાયામ, પ્રાણાયામ અને ધ્યાન પ્રાણ ઉર્જામાં વધારો કરે છે. સકારાત્મક ઉર્જા તમારાં જીવનને અકલ્પનિય સુંદર અને સફળ બનાવે છે.

(શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]