પ્રેમ અસ્તિત્વ છે, સ્વભાવ છે

પ્રેમની લાગણી વ્યક્ત કરવી એ સરળ નથી. ભાવનાઓ ને કઈ રીતે દર્શાવી શકાય? પરંતુ પ્રેમને છૂપાવી પણ ક્યાં શકાય છે? તો એક તરફ તો પ્રેમને છૂપાવી શકાય નહીં અને બીજી તરફ તેને પૂરેપૂરો વ્યક્ત પણ કરી શકાતો નથી. અનંત સમયથી મનુષ્યનો આ જ પ્રયાસ રહ્યો છે, અવ્યક્તશીલ ને વ્યક્ત કરવું, ભાવ જે વાસ્તવમાં વ્યક્તિગત અનુભવ છે, તેને અન્ય વ્યક્તિ પાસે વ્યક્ત કરવા આપણે  કેટલા પ્રયત્નો કરીએ છીએ! તેમ છતાં પ્રેમ અવ્યક્ત જ રહે છે અને એ જ રીતે તે વ્યક્ત થતો રહે છે.

જો પ્રેમ સંપૂર્ણતયા વ્યક્ત થઇ જશે તો પછી પ્રેમ રહેશે જ નહીં. પરંતુ તેમ થતું નથી. પ્રેમને તમે જેટલો વધુ દર્શાવો છો, તમને અધૂરપ લાગે છે. હજી તો ઘણું કહેવાનું બાકી છે એવું તમને લાગે છે. તો પ્રેમમાં પ્રત્યેક વ્યક્તિ કહે છે, ” હું બરાબર કહી શકતો નથી”, “હજુ તો ઘણું કહેવાનું છે”!

તો તમારે એ પૂછવાની જરૂર નથી : વિલ યૂ બી માય વેલેન્ટાઈન? એમ માની ને જ ચાલો કે તેઓ તમારા પ્રિયજન છે જ અને તમને ખૂબ પ્રેમ કરે જ છે. કોઈના પ્રેમ પ્રતિ ક્યારેય શંકા ન કરો. અહીં તમે “ટેઈક ઈટ ફોર ગ્રાન્ટેડ” વાળો જ અભિગમ અપનાવો. માની લો કે તમારા પ્રિયજન અને પ્રત્યેક વ્યક્તિ તમને પ્રેમ કરે જ છે. આ બાબતમાં શંકા ન જ કરો. કોઈ વ્યક્તિ પ્રેમ વ્યક્ત કરવાનો એક પણ મોકો ચૂકતાં નથી, તો કોઈ વ્યક્તિ પ્રેમને જરાય વ્યક્ત કરતાં નથી. અને કોઈ વ્યક્તિ જાણે આવતા જન્મે પ્રેમ વ્યક્ત કરશે! ઘણી વાર કોઈ વ્યક્તિ કઠોર વર્તન કરે છે, કઠોર શબ્દો બોલે છે પરંતુ અંદરથી તેઓ આપણને ખૂબ ચાહે છે. માત્ર વ્યક્ત કરતા નથી. તો સહુ કોઈ આપણને પ્રેમ કરે જ છે તેમ માનો. પછી જુઓ, તમે સુરક્ષા, સ્વીકૃતિ અને પૂર્ણતાનો ખૂબ ગહન અનુભવ કરશો. માત્ર એક વ્યક્તિ સાથે નહીં, આખાં બ્રહ્માંડ સાથે તમે ઐક્ય અનુભવશો.

પ્રેમની અભિવ્યક્તિ! ભારતમાં લોકો પ્રેમને બહુ દર્શાવતાં નથી. તમે તમારાં માતા-પિતા ને પરસ્પર ” આઈ લવ યૂ ” કહેતાં લગભગ સાંભળ્યાં નહીં હોય! ના તો તેઓ તમને ક્યારેય ” આઈ લવ યૂ ” કહેશે. પરંતુ તેમ છતાં તેઓ તમને અઢળક પ્રેમ કરે છે. માત્ર કહેતાં નથી. જયારે પશ્ચિમ ના દેશોમાં પ્રેમની પુષ્કળ અભિવ્યક્તિ છે. તેઓ વારંવાર કહેશે ” આઈ લવ યૂ “, લાગણી નહીં હોય તો પણ તેઓ કહેતાં રહેશે ” આઈ લવ યૂ “! અહીં મઘ્ય માર્ગ અપનાવો. બહુ પ્રદર્શન પણ ન કરો અને સાવ મૌન પણ ન રહો.

ઘણી વાર કોઈ તમારા પ્રત્યે ખૂબ પ્રેમ વ્યક્ત કરે છે તો તમે કઈ રીતે તેમને પ્રતિસાદ આપવો તે નક્કી કરી શકતાં નથી. તમને લાગે છે કે આ એક ઉપકાર છે. તમને લાગે છે કોઈના નિઃસ્વાર્થ પ્રેમથી તમે બંધાઈ ગયા છો. નિઃસ્વાર્થ અને સાચા પ્રેમને સ્વીકારી શકવાની ક્ષમતા તેમનામાં જ હોય છે જેઓ અસીમ પ્રેમ આપી શકતાં હોય છે. તમે ભીતર થી શાંત છો, કેન્દ્રિત છો ત્યારે તમે સમજો છો કે પ્રેમ માત્ર કોઈ ભાવના કે લાગણી જ નથી, પ્રેમ તો તમારું અસ્તિત્વ છે. પ્રેમ તમારો સ્વભાવ છે. તમે પ્રેમ તત્ત્વથી જ બન્યા છો. જયારે તમે આ જાણી લો છો ત્યારે કોઈ પણ વ્યક્તિ તમારા પ્રતિ પુષ્કળ પ્રેમ વ્યક્ત કરે છે ત્યારે તમે તેમના પ્રેમનો સહજતાથી સ્વીકાર કરો છો.

પ્રેમના ત્રણ પ્રકાર છે. કોઈ ખૂબ મોહક છે, તમે તેમના પ્રત્યે આકર્ષણ અનુભવો છો, તો આ એક પ્રકાર છે. બીજો પ્રકાર છે, જાણીતી વ્યક્તિ સાથે તમને ફાવે છે, આ સંબંધ તમને સુવિધા જનક લાગે છે અને ત્રીજો પ્રકાર છે દિવ્ય પ્રેમ.

આકર્ષણ અને મોહથી ઉત્પન્ન થયેલ પ્રેમ લાંબો સમય ટકતો નથી. મનને નવું લાગે છે અને આકર્ષણ ઉત્પન્ન થાય છે. જેટલું ઝડપથી આ આકર્ષણ જન્મે છે તેટલું જ ઝડપથી તે ઓસરી પણ જાય છે. સંબંધોમાં નીરસતા લાગવા લાગે છે. પ્રેમ તો રહેતો નથી અને સાથે સાથે ભય, અસુરક્ષા, અનિશ્ચિતતા અને દુઃખ નો તીવ્ર અનુભવ થાય છે. બીજા પ્રકારનો પ્રેમ છે જેમાં તમે વ્યક્તિ સાથે અનુકૂળ છો. આ સુવિધા આપનાર પ્રેમ વિકસે તો છે, પરંતુ અહીં ઉત્સાહ કે રોમાંચ નથી. તડપ કે અગન નથી. પરંતુ ત્રીજા પ્રકારનો પ્રેમ, દિવ્ય પ્રેમ- આ બંનેથી ઉપર છે, સાવ ભિન્ન છે. તેમાં તમે પ્રિય પાત્રની જેટલાં નિકટ જાઓ છો વધુ આકર્ષણ, વધુ રોમાંચ, વધુ ગહનતા નો અનુભવ કરો છો. આ પ્રેમ નિત્ય નૂતન છે. અહીં કંટાળાને કોઈ સ્થાન નથી. પ્રિય પાત્ર માટે અહીં સતત ઉત્કંઠા છે. આ દિવ્ય પ્રેમ છે. ઈશ્વરીય પ્રેમ છે. જગત પ્રત્યેનો પ્રેમ સમુદ્ર જેવો છે, જે વિશાળ અને ગહન તો છે પરંતુ તેની સીમા છે. સમુદ્રને પણ તળ હોય છે. જયારે દિવ્ય પ્રેમ આકાશ સમો છે. અસીમ છે. સમુદ્રના તળથી અસીમ આકાશમાં વિહરતાં શીખવાનું છે. પ્રેમમાં પડો નહિ, પ્રેમમાં ઉપર ઉઠો. પ્રેમને કોઈ જ નામ ન આપો. પ્રેમને કોઈ નામ આપશો તો એ સંબંધ બની જશે અને સંબંધ હંમેશા પ્રેમને સીમિત કરે છે, અવરોધે છે, બાંધે છે.

અને પ્રેમ છે ત્યાં પીડા ચોક્કસ રહેવાની જ. કારણ તમે જેમને પ્રેમ કરો છો તેમની નાનામાં નાની હરકતથી પણ તમે દુઃખી થઇ જશો. પ્રેમમાં મળેલી પીડા તમને બહુ જ નાજુક બનાવે છે, અને ઊંડાણ પણ આપે છે. પ્રેમ પણ તમને નાજુક અને ગહન બનાવે છે, અને પ્રેમમાં મળેલી પીડા પણ, અને જુદાઈ પણ તમારાં અસ્તિત્વને ગહેરૂં બનાવે છે. જ્યાં પ્રેમ છે ત્યાં પીડા છે જ અને ત્યાં જ પીડા છે, આ સ્વીકારો. પછી બ્રેક-અપ તમને દુઃખી નહીં કરે. પ્રેમમાં મળેલી પીડા તમને સુંદર અને ગહન બનાવશે. આ જ ધ્યાન છે. બ્રહ્માંડ સાથેનું ઐક્ય છે. તમારાં હૃદય ને સુરક્ષિત રાખો. તે ખૂબ નાજુક છે. ઘટનાઓ, પ્રસંગો તેના પર ઊંડી છાપ છોડે છે. તમારું હૃદય એક અણમોલ રત્ન છે. તેને જ્ઞાન રૂપી સોના સાથે જડી દો અને તેને ઈશ્વરને સોંપી દો. ઈશ્વરને તમારો પ્રિયતમ બનાવો. તમારાં હૃદય રત્ન ને સાચવવા માટે ઈશ્વરથી સુરક્ષિત સ્થાન બીજું કોઈ જ નથી. ઈશ્વર સાથે જોડાયેલ  હૃદય પર પછી ઘટનાઓ કોઈ ચોટ પહોંચાડી શકતી નથી.

તમારાં હૃદયનાં ઉપવનને તમે જ ગુલાબથી શણગારો. રાહ ન જુઓ કે બીજું કોઈ આવે અને તમારા બાગને શણગારે! તમે જ મઘમઘતું ગુલાબ છો. તમારાં અસ્તિત્વને, ચેતના ને સુગંધથી ભરી દો. પ્રકૃતિને, ઈશ્વરને વેલેન્ટાઈન બનાવો. વહેતી નદીઓ, નિરભ્ર આકાશ, ચહેકતાં પક્ષીઓ, સૂર્ય, ચંદ્ર, તારા, પવન આ બધું તમારા માટે છે. તમે સ્વયં એવા પ્રિયજન બનો જે અંતર્મનથી અતીવ સુંદર છે, સુગંધી છે. પ્રેમ જયારે ઝળકે છે ત્યારે તે પરમ આનંદ સ્વરૂપ છે, અને જયારે એ વહે છે ત્યારે કરુણામય છે. પ્રેમ ને નામ ન આપો, તમે સ્વયં પ્રેમ છો!

(શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)