ત્રણ શક્તિનું સંતુલન કરો

જીવનમાં સમયાંતરે જુદી જુદી ઘટનાઓ ઘટિત થતી રહે છે. કઈ રીતે અને શા માટે ચોક્કસ ઘટનાઓ ઘટે છે, તે એક રહસ્ય છે. આ રહસ્ય જાણી શકાય, જયારે આપણે આપણાં નિર્ધારિત કાર્યો, પોતાના 100% આપીને કરતાં હોઈએ! ઘટનાઓ ઘટી જાય છે અને ભૂતકાળ બની જાય છે. બુદ્ધિમત્તા શામાં છે? ભૂતકાળને નિયતિ સમજીને સ્વીકાર કરવો અને વર્તમાન ક્ષણમાં પોતાનાં કાર્યો 100% થી કરવાં, આ બુદ્ધિમત્તા છે. જો તમે ભૂતકાળને કર્તાભાવ થી જોશો, ભૂતકાળની ઘટનાઓ માટે હંમેશા તમને પોતાને જવાબદાર ગણાવશો તો તમે ગિલ્ટ-અપરાધભાવ અથવા ઈગો-અહંકાર ભાવ માં સરકી પડશો. વર્તમાન ક્ષણ ને જો તમે નિયતિ તરીકે જોશો- કે બધું નિશ્ચિત જ છે, ઈશ્વરની મરજી થી જ થાય છે, તો તમે આળસુ બની જશો, અને તમારી જવાબદારીઓથી દૂર ભાગશો, સજગતા ખોઈ બેસશો. તો જે બની ચૂક્યું છે, તેને નિયતિ માનો, પસ્તાવો કે અહંકાર ન કરો, અને જે કાર્યો વર્તમાનમાં કરી રહયાં છો તેને 100% થી નિભાવો. ભવિષ્ય આ બંનેનું  મિશ્રણ છે. નિયતિ અને પુરુષાર્થ નું સંયોજન એ ભવિષ્ય છે. કાર્ય નહીં પણ કર્તાભાવ તમને થકવે છે. જેઓ વાસ્તવમાં બહુ કાર્ય કરે છે, જવાબદારી લે છે તેઓ ક્યારેય એમ કહેતા નથી કે “મેં બહુ કામ કર્યાં”! કૃત્ય કરતાં જાઓ પણ કર્તાભાવ ન રાખો.

બ્રહ્માંડ ની ચેતના વિશ્વનું સંચાલન કરે છે. આ ચૈતન્ય ત્રણ શક્તિઓ દ્વારા અભિવ્યક્ત થાય છે: જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. જો જીવનમાં આ ત્રણેય શક્તિઓ સુરેખ હોય, એકમાર્ગીય હોય તો જીવન સુંદર અને સરળ બની જાય છે. યોગ્ય જ્ઞાન વગર કોઈ પણ ઈચ્છા કરવી તે મૂર્ખતાપૂર્ણ છે, જેમ કે ચંદ્ર પર ઘર બનાવવાની ઈચ્છા રાખવી! જે શક્ય નથી. જયારે પૂરતું જ્ઞાન નથી હોતું ત્યારે તમે ઈચ્છાઓમાં ફસાઈ જાઓ છો, બંધાઈ જાઓ છો. તો ઘણી વખત તમને જ્ઞાન હોય છે પરંતુ તમે એ દિશામાં કાર્ય કરતાં નથી, નિષ્ક્રિય રહો છો, તો ત્યારે પણ તમે દુઃખી થઇ જાઓ છો. ઘણી વાર તમે કહો છો, મને આ ચોક્કસ વસ્તુ જોઈએ છે, અથવા હું આ ચોક્કસ કાર્ય કરીશ. પણ તમે વાસ્તવમાં એ કાર્ય કરતાં જ નથી. તેને તમે આવતી કાલ પર મુલતવી રાખો છો, જે કાલ ક્યારેય આવતી જ નથી. તમને ખબર છે કે અમુક કાર્ય કરવું જોઈએ, જે તમારા માટે શ્રેયકર છે, છતાં તમે એ કરતાં નથી. તો અહીં ક્રિયા શક્તિ નો અભાવ છે.

ઈચ્છા શક્તિ એટલે ઉત્પન્ન થતી ઈચ્છાઓ ની શક્તિ, જ્ઞાન શક્તિ એટલે જ્ઞાન ગ્રહણ અને ધારણ કરવાની શક્તિ અને ક્રિયા શક્તિ એટલે કાર્ય કરવાની શક્તિ. કેટલાંક લોકોમાં ક્રિયા શક્તિ પ્રચુર હોય છે પણ જ્ઞાન શક્તિનો અભાવ હોય છે. તેમનામાં કામ કરવાની અખૂટ તાકાત હોય છે પણ શું કરવું તેનું જ્ઞાન હોતું નથી. જયારે આવું હોય છે ત્યારે વ્યક્તિ અજંપ હોય છે. ભરપૂર ક્રિયા શક્તિ તેમને શાંતિથી બેસવા દેતી નથી અને શું કરવું તેની તેમને સમજ પડતી નથી. એ જ રીતે કેટલીક વ્યક્તિઓમાં ક્રિયા શક્તિનો અભાવ હોય છે. તેમનું મન સતત કાર્યશીલ હોય છે પણ ઉઠીને કામ કરવા માટે તેઓ સક્ષમ હોતાં નથી. આવું જયારે હોય છે ત્યારે વ્યક્તિ મનથી વ્યાકુળ અને વિહ્વળ હોય છે. જયારે કેટલાંક લોકોમાં ઈચ્છા શક્તિનો અભાવ હોય છે. તેમને કોઈ તીવ્ર ઈચ્છા હોતી નથી. તેઓ ક્યારેક એક કામ કરે છે ક્યારેક બીજું, પણ એક નિશ્ચિત ધ્યેય પર કંઈ કરતાં નથી. તેમનું મન બદલાયા કરે છે. ઈચ્છા શક્તિ નો અભાવ એટલે પ્રમાદ, વિલંબ! કેટલીક વ્યક્તિઓ પાસે ખૂબ જ્ઞાન તો હોય છે પણ અન્યને શીખવવાની ઈચ્છા નથી હોતી, તો અહીં જ્ઞાન શક્તિ છે પણ ઈચ્છા શક્તિનો અભાવ છે. ત્રણેય શક્તિઓનું સંતુલન દુર્લભ છે.

સામાન્ય રીતે જીવનમાં જુદા જુદા સમયે, આ ત્રણેય શક્તિમાં થી કોઈ એક પ્રભાવી રહે છે. જયારે ઈચ્છા શક્તિ ખુબ પ્રભાવી બને છે ત્યારે પોતાની જાત પ્રત્યેની સજગતા વિસરાઈ જાય છે. એટલે જ વિશ્વના બધા જ તત્ત્વજ્ઞાનીઓ કહે છે કે “ઈચ્છાઓ ત્યાગો”, કેમ કે ઇચ્છાઓની પ્રબળતા હોય છે ત્યારે ભીતર જવું શક્ય નથી બનતું. જયારે તમે જ્ઞાનની અવસ્થામાં છો, સજગ છો ત્યારે તમે આનંદપૂર્ણ છો પરંતુ જયારે ઈચ્છાઓથી તમે ઘેરાયેલાં છો ત્યારે સ્ટ્રેસ અને વ્યગ્રતા નો અનુભવ કરો છો. જયારે ક્રિયા શક્તિ પ્રબળ હોય છે ત્યારે તમે સતત બેચેન રહો છો, વિશ્રામ કરી શકતાં નથી.

જયારે તમારાં કાર્યો અને ઈચ્છાઓ દિવ્ય શક્તિ સાથે સંયોજાય છે, જયારે તમે અન્યનાં હિત અને સુખ માટે કાર્ય કરો છો ત્યારે તમારી ચેતનાનું ઉર્ધ્વીકરણ થાય છે. તમારી ભીતર જવાની યાત્રા શરુ થાય છે. તમે અંતર્મુખી બનો છો, તમારા મૂળભૂત સ્ત્રોતને જાણવા લાગો છો. એક સીમિત-લઘુ મન છે, અને એક અસીમ-ગુરુ મન છે. ક્યારેક સીમિત મન ની જીત થાય છે, ક્યારેક અસીમ મન ની જીત થાય છે. લઘુ મન ની જીત થાય છે ત્યારે જીવનમાં દુઃખ, સંઘર્ષ હોય છે, ગુરુ મનની જીત થાય છે ત્યારે જીવન પ્રસન્નતા અને ઉત્સાહથી છલકી ઉઠે છે. લઘુ મન તમને શરુ શરુ માં સુખ ની આશા આપે છે, પણ અંતે દુઃખ મળે છે. જયારે ગુરુ મન તમને શરુ શરુ માં થોડી તકલીફ, અસુવિધા આપે છે પરંતુ અંતે તમને આનંદ અને સુખ મળે છે.

તો જીવનમાં ત્રણેય શક્તિઓ સંતુલિત રહે, તેના માટે શું કરવું જોઈએ? હળવો, તાજો, સાત્વિક અને શાકાહારી ખોરાક એ પહેલી જરૂરિયાત છે. વધુ પડતી મીઠાઈ, વધુ પડતું ભોજન શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. પૂરતી ઊંઘ અને વિશ્રામ એ ઉર્જાનો બીજો સ્ત્રોત છે. શ્વાસોચ્છવાસ- લયબદ્ધ શ્વસન, પ્રાણાયામ એ ઉર્જાનો ત્રીજો સ્ત્રોત છે. અને ધ્યાન એ ઉર્જાનો ચોથો સ્ત્રોત છે. આ ચારેય સ્ત્રોતનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જીવન પ્રસન્નતા અને ઉત્સાહથી ભરપૂર રહે છે. કઠિન સંજોગો માં પણ તમારા ચહેરા પરથી સ્મિત વિલાતું નથી. અને એ જ તો સફળ જીવન છે!

(શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]