Home Blog Page 88

SRH vs PBKS : હૈદરાબાદે પંજાબને હરાવ્યું, ટેબલ ટોપર બન્યું

IPL 2026 ની 49મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ પંજાબ કિંગ્સ (PBKS) ને 33 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. બુધવારે રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 235 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 202 રન જ બનાવી શકી હતી. પંજાબ માટે કૂપર કોનલીએ શાનદાર સદી ફટકારી હોવા છતાં તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો પંજાબનો નિર્ણય હૈદરાબાદના બેટ્સમેનોએ ખોટો સાબિત કર્યો હતો. હૈદરાબાદની શરૂઆત તોફાની રહી હતી; અભિષેક શર્માએ માત્ર 13 બોલમાં 4 છગ્ગા સાથે 35 રન ફટકારીને પાયો નાખ્યો હતો. ઓપનર ટ્રેવિસ હેડે 38 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ ઈશાન કિશન અને હેનરિક ક્લાસેનનો દબદબો જોવા મળ્યો હતો. ઈશાન કિશને આક્રમક અર્ધસદી (55 રન) ફટકારી હતી, જ્યારે ક્લાસેને માત્ર 43 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ આક્રમક બેટિંગના દમ પર હૈદરાબાદે 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા.

236 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ અને અય્યર સસ્તામાં આઉટ થઈ જતા પંજાબની ઇનિંગ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. માર્કસ સ્ટોઈનિસ અને સુયષે રન ગતિ જાળવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ લાંબુ ટકી શક્યા નહીં. જોકે, એક છેડે કૂપર કોનલીએ હૈદરાબાદના બોલરો પર આક્રમણ ચાલુ રાખ્યું હતું. કોનલીએ માત્ર 59 બોલમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ 107 રન બનાવ્યા હતા, પરંતુ સામે છેડે યોગ્ય સાથ ન મળતા પંજાબ 202 રન સુધી જ પહોંચી શક્યું હતું.

આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ હવે 11 મેચમાં 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. બીજી તરફ, સિઝનની શરૂઆતમાં અજેય જણાતી પંજાબ કિંગ્સની ટીમ હવે સતત હારનો સામનો કરી રહી છે અને 10 મેચમાં 13 પોઈન્ટ સાથે બીજા ક્રમે સરકી ગઈ છે. હૈદરાબાદની આ જીતે પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવી દીધી છે.

તમિલનાડુમાં સત્તાનો પેચ ફસાયો: વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો

તમિલનાડુમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પણ થલપતિ વિજય માટે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચવાનો માર્ગ કાંટાળો સાબિત થઈ રહ્યો છે. ગુરુવારે, 7 May ના રોજ યોજાનારો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજય પાસે 118 ધારાસભ્યોના સમર્થન પત્રોની માંગ કરી છે, જે આંકડો મેળવવામાં TVK અત્યારે નિષ્ફળ રહી છે. પરિણામે, રાજધાની ચેન્નાઈમાં શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે હવે રાજકીય ખેંચતાણ તેજ બની છે.

તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં એક નવો અધ્યાય લખવા જઈ રહેલા સુપરસ્ટાર વિજયને અત્યારે બંધારણીય પ્રક્રિયાઓના અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પરિણામોમાં વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) એ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ સત્તાના જાદુઈ આંકડા 118 થી તે હજુ પણ 10 બેઠક દૂર છે. વિજયે આશા વ્યક્ત કરી હતી કે 7 May ના રોજ તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લેખિતમાં બહુમતીનું સમર્થન રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી સરકાર બનાવવાની મંજૂરી આપી શકાય નહીં.

રાજ ભવનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિજયે મંગળવારે અને બુધવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો. વિજયે દાવો કર્યો હતો કે તેમની પાસે જરૂરી સમર્થન છે, પરંતુ જ્યારે રાજ્યપાલે દરેક ધારાસભ્યના વ્યક્તિગત સમર્થન પત્રોની માંગ કરી ત્યારે TVK પૂરતા દસ્તાવેજો રજૂ કરી શકી ન હતી. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ જાહેર મંચ પરથી વિજયને ટેકો આપવાની વાત કરી છે, છતાં પણ આ આંકડો 113 પર જ અટકી જાય છે. હજુ પણ 5 ધારાસભ્યોનું સમર્થન મેળવવું વિજય માટે અનિવાર્ય છે.

આ રાજકીય ગડમથલ વચ્ચે એવી પણ ચર્ચા છે કે વિજય અત્યારે અપક્ષ ધારાસભ્યો અને અન્ય નાના પ્રાદેશિક પક્ષો સાથે સઘન ચર્ચા કરી રહ્યા છે. ખાસ કરીને VCK અને ડાબેરી પક્ષોના વલણ પર સૌની નજર છે. જોકે, DMK અને AIADMK ના સંભવિત ગઠબંધનની અટકળોએ વિજયની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જો આ બંને પક્ષો સાથે મળીને અન્ય નાના પક્ષોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહે, તો વિજય માટે સરકાર બનાવવી અશક્ય બની શકે છે. આ જ કારણ છે કે રાજ્યપાલે ઉતાવળમાં શપથ લેવડાવવાને બદલે વિજયને બહુમતી સાબિત કરવા માટે વધુ 1 થી 2 દિવસનો સમય આપ્યો છે.

હવામાનમાં મોટો ફેરફાર: આવતા અઠવાડિયે ફરી આકરા તેવર બતાવશે કુદરત

ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, આવનારા અઠવાડિયે ભારતના હવામાનમાં અનેક મોટા ઉલટફેર જોવા મળવાના છે. એક તરફ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ પશ્ચિમ રાજસ્થાનમાં કાળઝાળ ગરમી અને હીટવેવ (લૂ) નો પ્રકોપ વધવાની ચેતવણી આપવામાં આવી છે. IMD ના જણાવ્યા અનુસાર, 10 થી 12 મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે. કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આગામી 6 થી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં કેરળના કેટલાક ભાગોમાં 11 થી 20 સેન્ટિમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વોત્તર ભારતમાં અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ વ્યાપક વરસાદ અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદી માહોલને કારણે ગરમીમાંથી થોડી રાહત મળશે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા ઉમસનો અનુભવ થશે.

ગરમીના મોરચે વાત કરીએ તો, દેશના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. તેલંગાણા, રાયલસીમા અને મહારાષ્ટ્રના વિદર્ભમાં ગરમીનું જોર વધ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રના વર્ધામાં દેશનું સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મૌસમ વિભાગના મતે 9 થી 11 મે દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં ભીષણ લૂ ફૂંકાશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ગોવા-કોંકણમાં પણ અસહ્ય ગરમી અને બફારાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

દિલ્હી-NCR ના હવામાનની વાત કરીએ તો, તાજેતરમાં થયેલી કરા અને વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને હવા પણ શુદ્ધ નોંધાઈ હતી. જોકે, 9 મે સુધીમાં અહીં તાપમાન ફરી વધીને 38 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ આગામી 7 દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને 6 મેના રોજ બિહારમાં કેટલીક જગ્યાએ કરા પડી શકે છે, જ્યારે પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારોમાં 9 મેના રોજ 60 થી 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે.

ચૂંટણી પરિણામ બાદ સંજય રાઉતનું મમતા દીદીને સમર્થન…જાણો શું કહ્યું?

પશ્ચિમ બંગાળમાં હાર છતાં, મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કરીને લડાઈને લોકશાહી વિરુદ્ધ સરમુખત્યારશાહીની લડાઈમાં ફેરવી દીધી છે. શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે દીદીના નિર્ણયને ટેકો આપ્યો છે.જાણો સંજય રાઉતે શું કહ્યું?

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે. શિવસેના-યુબીટી નેતા સંજય રાઉતે રાજીનામું ન આપવાના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્ણયને જોરદાર ટેકો આપ્યો છે. રાઉતે કહ્યું કે મમતા બેનર્જીનું આ પગલું કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચના કાર્યપદ્ધતિ સામે નોંધપાત્ર વિરોધ દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે આ ફક્ત સત્તાની લાલસા નથી, પરંતુ લોકશાહી બચાવવાની લડાઈ છે.

રાઉતે ચૂંટણી પંચ પર તાનાશાહીનો આરોપ લગાવ્યો. સંજય રાઉતે કહ્યું કે કેન્દ્ર સરકારની તાનાશાહી અને ચૂંટણી પંચના પક્ષપાતી વર્તન સામે દેશે એક થવું હવે અનિવાર્ય છે. તેમણે ચૂંટણી પંચની ખૂબ જ કઠોર શબ્દોમાં ટીકા કરી. રાઉતે આરોપ લગાવ્યો કે ચૂંટણી સંસ્થા હવે સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની આધીન બની ગઈ છે. તેમણે વિપક્ષી પક્ષોને ભવિષ્યની ચૂંટણી લડવી કે નહીં તે નક્કી કરવા હાકલ કરી.

આ કોઈ જનાદેશ નથી, એક ઊંડું ષડયંત્ર છે: મમતા બેનર્જી
મંગળવારે મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. તેમણે બંગાળ ચૂંટણી પરિણામોને લોકોના ચુકાદા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બેનર્જીએ દાવો કર્યો હતો કે ષડયંત્રના ભાગ રૂપે ટીએમસીનો પરાજય થયો હતો. ભાજપે 294 સભ્યોની વિધાનસભામાં 207 બેઠકો જીતી હતી, જ્યારે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. મમતાએ કહ્યું કે તેમની લડાઈ ભાજપ સાથે નહીં, પરંતુ પક્ષપાતી ચૂંટણી પંચ સાથે છે.

મહારાષ્ટ્રમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરતા
રાઉતે મમતાના નિર્ણયને યોગ્ય ઠેરવવા માટે 2022ના મહારાષ્ટ્ર રાજકીય સંકટનો ઉલ્લેખ કર્યો. તેમણે યાદ કર્યું કે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે જો ઉદ્ધવ ઠાકરે રાજીનામું ન આપ્યું હોત, તો તેમની સરકાર પુનઃસ્થાપિત થઈ શકી હોત. રાઉતે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ ફોન કરીને મમતા બેનર્જીને ટેકો આપ્યો હતો. ઓલ ઈન્ડિયા એલાયન્સના લગભગ તમામ ટોચના નેતાઓએ મમતા બેનર્જી સાથે એકતા વ્યક્ત કરી છે.

ઇરાન યુદ્ધ ખતમ થવાના અહેવાલે સેન્સેક્સમાં 941 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની દિશામાં લગભગ સહમતી બનવાના સમાચારની સીધી અસર ક્રૂડ ઓઈલ પર જોવા મળી હતી. જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે છ ટકા જેટલો ઘટાડો થયો હતો. ક્રૂડના ભાવ ઘટતાં જ ભારતીય બજારોમાં ફરી લેવાલી જોવા મળી હતી. ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે સસ્તું ક્રૂડ મોટી રાહત માનવામાં આવે છે, કારણ કે તે મોંઘવારી ઘટાડે છે, કંપનીઓના ખર્ચમાં કાપ લાવે છે અને અર્થતંત્રને સહારો આપે છે. રોકાણકારોની સંપત્તિમાં છ લાખ કરોડનો વધારો થયો હતો.

BSE  સેન્સેક્સ 941 પોઇન્ટ વધીને 77,959 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 298 પોઇન્ટ ઊછળી 24,331ના પાર પહોંચી ગયો હતો. આજે સૌથી વધુ તેજી બેન્કિંગ શેરોમાં જોવા મળી હતી. બેંક નિફ્ટી 1434 અંકના જંગી ઉછાળા સાથે 55,981 પર બંધ થયો. ભારતી એરટેલ, ફાઇનાન્શિયલ શેરો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બજારને ઉપર ખેંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાએ પણ બજારમાં નવું જોમ ભર્યું હતું. બ્રેન્ટ ક્રૂડ 102 ડોલર પ્રતિ બેરલથી નીચે સરકી ગયો હતો. મિડકેપ શેરોમાં તો જાણે ઉત્સવ જેવો માહોલ રહ્યો. કોફોર્જે સારા ત્રિમાસિક પરિણામોને આધારે 10 ટકાનો ઉછાળો નોંધાવ્યો. વોકહાર્ટમાં સતત બીજા દિવસે જોરદાર ખરીદી જોવા મળી અને શેર 13 ટકા ચઢ્યો. ફર્સ્ટસોર્સ 12 ટકા અને અરવિંદ ફેશન 10 ટકા વધ્યા હતા.

બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાથી બજારમાં તેજી આવી છે. ચીનની કૂટનીતિનો પણ લાભ થયો છે. મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાની આશાથી ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જોકે અનિશ્ચિતતા હજુ પણ યથાવત્ છે. બીજી તરફ, અમેરિકામાં AI કંપનીઓના વધતા નફાની સકારાત્મક અસર બજારો પર પડી છે. ભારતમાં ચૂંટણી પરિણામો અને ECLGS 5.0ને મંજૂરી મળવાથી સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.

BSE પર કુલ 4437 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 3825 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 505 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 99 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 70 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 198 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 15 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 23 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

મોટા પાયે મૂડીરોકાણ આકર્ષવા માટે ઓડિશા CM ગુજરાતની મુલાકાતે

અમદાવાદઃ ઓડિશાના CM મોહન ચરણ માંઝી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં મોટા મૂડીરોકાણને આકર્ષિક કરવાનો અને ઓદ્યૌગિક વિકાસને વેગ આપવાનો છો. તેઓ આ દરમ્યાન વિવિધ ઉદ્યોગપતિઓ અને વેપારી સંગઠનો સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે.

ગુજરાતે ભારતના પશ્ચિમ ભાગને ગતિ આપી છે. હવે ઓડિશા ભારતના પૂર્વ ભાગને શક્તિ આપવા તૈયાર છે—અમે વ્યાપકતા, ઝડપ અને આગામી વિકાસના મંચ સુધી વ્યૂહાત્મક પહોંચ પ્રદાન કરીએ છીએ. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધતા ઉદ્યોગો માટે ઓડિશા માત્ર તક નહીં, પરંતુ લાંબા ગાળાનો સ્પર્ધાત્મક લાભ છે. આ મજબૂત અને આગાહીભર્યા સંદેશ સાથે ઓડિશાના CM મોહન ચરણ માંઝીએ અમદાવાદમાં યોજાયેલા ઓડિશા ઇન્વેસ્ટર્સ મીટ રોડશો દરમિયાન સંબોધન કરતાં જણાવ્યું હતું..

મુખ્ય મંત્રીના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે ઉદ્યોગપતિઓ, વેપારી સંસ્થાઓ અને સંસ્થાગત હિતધારકોની મોટી હાજરી જોવા મળી હતી, જે ઓડિશાની વિકસતી ઔદ્યોગિક વ્યવસ્થામાં વધતા વિશ્વાસને દર્શાવે છે. 500થી વધુ ઉપસ્થિતોને સંબોધતાં મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતના આગામી આર્થિક વિકાસનો તબક્કો પૂર્વીય ભારતના ઉદય સાથે વધુ મજબૂત અને સંતુલિત બનશે, જેમાં ઓડિશા કેન્દ્રસ્થાને રહેશે. “અમે સ્પષ્ટ સંદેશ સાથે આવ્યા છીએ—ઓડિશા દેશના ઔદ્યોગિક વિકાસના આગામી અધ્યાય માટે તૈયાર છે. અમે ઉદ્યોગોને આમંત્રિત કરીએ છીએ કે તેઓ અમારી સાથે સંશોધન, મૂડીરોકાણ અને વિકાસ કરે, એમ તેમણે કહ્યું હતું.

તેમની સાથે પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ મંત્રી સંપદ ચંદ્ર સ્વૈન, મુખ્ય સચિવ અનુ ગર્ગ, ACS ઇન્ડસ્ટ્રીઝ, હોમ અને I&PR) હેમંત શર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. આ રોડશોમાં કેન્દ્રિત ચર્ચાઓ અને બે સેક્ટરલ રાઉન્ડટેબલ—ખાસ કરીને ટેક્સટાઇલ રાઉન્ડટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગ નેતાઓ સાથે સીધી વાતચીત થઈ. મુખ્ય મંત્રીએ 26 એક-ટુ-વન મીટિંગ્સનું અધ્યક્ષસ્થાન પણ કર્યું, જે રોકાણકારોને કેન્દ્રમાં રાખી કામગીરી કરવાની રાજ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણની ચર્ચાઓ થઈ, જે ઓડિશાની વધતી ક્ષમતાઓને ઉજાગર કરે છે.

ટેક્સટાઇલ ક્ષેત્રમાં ખાસ કરીને મુખ્યમંત્રીએ ઓડિશા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને પર પ્રકાશ પણ ફેંક્યો હતો. પુરીમાં ભગવાન જગન્નાથની પવિત્ર ભૂમિથી લઈને ગુજરાતના દ્વારકા સુધી અમારાં રાજ્યો વચ્ચે સદીઓથી સાંસ્કૃતિક જોડાણ છે. ગુજરાત લાંબા સમયથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં આગેવાન રહ્યું છે, અને ઓડિશા પણ હવે મજબૂત નીતિઓ, કુશળ માનવબળ અને સહાયક પરિસ્થિતિ સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

જો આ મુલાકાત સફળ રહી તો ઓડિશામાં મોટા પાયે ઉદ્યોગોની સ્થાપના થવાની શક્યતા છે, જેથી રોજગાર અને આર્થિક વિકાસને નવી દિશા મળશે.

USમાં 20 અબજ ડોલરથી વધુ મૂડીરોકાણની તૈયારીમાં ભારતીય કંપનીઓ

નવી દિલ્હી: ભારતે અમેરિકાને અચંબિત કરી દીધું છે. ભારતીય ઉદ્યોગોએ ત્યાં એટલા મોટા પાયે મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે કે અમેરિકનોની આંખો પહોળી થઈ ગઈ છે. મેરિલેન્ડમાં યોજાયેલી 2026 સિલેક્ટ USA (SelectUSA) ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભારતીય અગ્રણી કંપનીઓ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં કુલ $ 20.5 અબજ રેકોર્ડના મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી છે. આ મૂડીરોકાણો અમેરિકી બજારની મજબૂતી અને વિદેશી રોકાણકારો માટે તેની આકર્ષકતાને દર્શાવે છે.

આ પ્રતિબદ્ધતાઓમાં ફાર્માસ્યુટિકલ્સ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊભરતી ટેક્નોલોજી જેવાં મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ મૂડીરોકાણોથી બંને દેશોમાં હજારો નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે, એ સાથે જ અમેરિકામાં ઉત્પાદન અને સંયુક્ત નવીનતા ક્ષમતામાં વધારો થશે.

અમારું લક્ષ્ય 2030 સુધીમાં અમેરિકા-ભારત દ્વિપક્ષી વેપારને $ 500 અબજ સુધી વધારવાનું છે. ન્યાયસંગત, સંતુલિત અને પરસ્પર લાભદાયી વેપાર દ્વારા અમે વિશ્વ સ્તરીય મૂડીરોકાણોને આકર્ષી રહ્યા છીએ અને બંને દેશો માટે સમૃદ્ધિ સર્જી રહ્યા છીએ,” એમ એમ્બેસેડર સર્જિયો ગોરે નવી દિલ્હીમાં SelectUSA કિક-ઓફ સમારોહમાં જણાવ્યું હતું.

આ મૂડીરોકાણોમાંનો મોટો હિસ્સો ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર તરફથી છે, જેમાં $ 19.1 અબજથી વધુનું મૂડીરોકાણ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ, સંશોધન અને વિકાસ (R&D) અને નવી સુવિધાઓ માટે કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટીલ, કનેક્ટિવિટી અને એનર્જી સપ્લાય ચેઇનમાં થતા મૂડીરોકાણો અમેરિકાની ઔદ્યોગિક ક્ષમતા મજબૂત બનાવશે અને વધુ સ્થિર તથા સુરક્ષિત સપ્લાય ચેઇન બનાવવા મદદરૂપ થશે.

આ ઉપરાંત 12 ભારતીય કંપનીઓએ વિવિધ રાજ્યોમાં ગ્રીનફીલ્ડ અને વિસ્તરણ પ્રોજેક્ટ્સ માટે $ 1.1 અબજથી વધુનું રોકાણ જાહેર કર્યું છે, જે મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં રોજગારી વધારશે. આ જાહેરાતો SelectUSA સમિટમાં ભારત તરફથી અત્યાર સુધી થયેલી કુલ જાહેરાતોથી વધુ છે અને આ વર્ષે કોઈ પણ દેશ દ્વારા કરાયેલું સૌથી મોટું યોગદાન દર્શાવે છે.

આ જાહેરાતો દર્શાવે છે કે SelectUSA વૈશ્વિક રોકાણકારોને અમેરિકામાં ઉપલબ્ધ તકો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આંતરરાષ્ટ્રીય રોકાણ દેશભરના સમુદાયોમાં આર્થિક વિકાસ, નવીનતા અને વર્કફોર્સ વિકાસને આગળ ધપાવે છે.

SelectUSA વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ સમિટ અમેરિકામાં બિઝનેસ રોકાણને પ્રોત્સાહન આપતી સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે, જ્યાં રોકાણકારો, કંપનીઓ, આર્થિક વિકાસ સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો જોડાઈને નવા સોદા કરે છે, સંબંધો મજબૂત બનાવે છે અને વિકાસની તકોનો લાભ લે છે.

બંગાળમાં લોકશાહીનું સંકટ: શું રાજ્યમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગશે?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોમાં ભાજપની જીત છતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઈનકાર કર્યો છે. ‘દીદી’ એ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કરીને સત્તા છોડવાની ના પાડતા રાજ્યમાં ગંભીર બંધારણીય કટોકટી સર્જાઈ છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે બંધારણની કલમ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન શું છે, ક્યારે લાગુ કરી શકાય અને મમતા બેનર્જી રાજીનામું ન આપે તો રાજ્યપાલ પાસે કયા અધિકારો છે.

પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 2026 ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપી હોવા છતાં, વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાર સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ છે અને જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ છોડશે નહીં. આ હઠાગ્રહને કારણે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે તેવી આશંકા છે. આવી સ્થિતિમાં હવે ચર્ચા એ શરૂ થઈ છે કે શું કેન્દ્ર સરકાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદશે? ભારતીય બંધારણ મુજબ જ્યારે કોઈ રાજ્ય સરકાર બંધારણીય જોગવાઈઓ મુજબ કામ કરવામાં નિષ્ફળ જાય ત્યારે જ આ છેલ્લો વિકલ્પ અપનાવવામાં આવે છે.

રાષ્ટ્રપતિ શાસનનો ઉલ્લેખ ભારતીય બંધારણની કલમ 356 માં કરવામાં આવ્યો છે. આ કલમ મુજબ, જો રાષ્ટ્રપતિને ખાતરી થાય કે રાજ્યમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે જેમાં રાજ્ય સરકાર બંધારણ મુજબ ચાલી શકે તેમ નથી, તો તેઓ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે. આ માટે હંમેશા રાજ્યપાલના અહેવાલની રાહ જોવી જરૂરી નથી. જો રાજ્યમાં તોફાનો ફાટી નીકળે અથવા ચૂંટાયેલી સરકાર બહુમતી ગુમાવ્યા પછી પણ પદ છોડવા તૈયાર ન હોય, તો કેન્દ્ર સરકાર આ કલમનો ઉપયોગ કરીને રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લઈ શકે છે. એકવાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી, 2 મહિનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા તેને મંજૂરી મળવી અનિવાર્ય છે.

ઘણીવાર પ્રશ્ન થાય છે કે રાષ્ટ્રપતિ શાસન કઈ પરિસ્થિતિઓમાં લાગુ થઈ શકે? મુખ્યત્વે જ્યારે રાજ્યપાલ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ પક્ષ બહુમતી સાબિત ન કરી શકે અથવા જો ગઠબંધન સરકાર બહુમતી ગુમાવી દે ત્યારે આ શાસન લાગુ થાય છે. બંગાળના કિસ્સામાં જો મમતા બેનર્જી સ્વેચ્છાએ રાજીનામું ન આપે, તો રાજ્યપાલ આર. એન. રવિ પાસે બંધારણીય શક્તિઓ છે. કલમ 164 સ્પષ્ટ કરે છે કે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ રાજ્યપાલની મરજી સુધી જ પદ પર રહી શકે છે. જો જનાદેશ વિરોધમાં હોય તો રાજ્યપાલ વર્તમાન સરકારને બરખાસ્ત કરવાનો અને નવી બહુમતી ધરાવતી પાર્ટીને સરકાર બનાવવા આમંત્રણ આપવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે.

વધુમાં, જો રાજ્યપાલ સીધી બરખાસ્તગી ન કરવા માંગતા હોય, તો તેઓ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે છે. આ સત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે છે. ચૂંટણીના આંકડા મુજબ ભાજપ પાસે બહુમતી કરતા વધુ બેઠકો છે, તેથી તૃણમૂલ કોંગ્રેસ માટે બહુમતી સાબિત કરવી અશક્ય છે. અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થતાની સાથે જ મુખ્યમંત્રીએ બંધારણીય રીતે પદ છોડવું પડે છે. જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે, તો મુખ્યમંત્રી અને મંત્રીમંડળની તમામ સત્તાઓ છીનવાઈ જાય છે અને રાજ્યનો વહીવટ મુખ્ય સચિવ અથવા સલાહકારો દ્વારા રાજ્યપાલના નિર્દેશન હેઠળ ચાલે છે. જોકે, હાઈકોર્ટની સત્તાઓ પર રાષ્ટ્રપતિ શાસનની કોઈ અસર થતી નથી.

નવી સરકારની રચના અંગેની પ્રક્રિયા પણ સ્પષ્ટ છે. એકવાર જૂની સરકાર બરખાસ્ત થઈ જાય પછી, રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકે છે અને શપથ લેવડાવી શકે છે. તેથી, મમતા બેનર્જી ભલે અત્યારે રાજીનામું આપવાનો ઈનકાર કરી રહ્યા હોય, પરંતુ બંધારણીય માળખું તેમને બહુમતી વગર સત્તામાં રહેવાની મંજૂરી આપી શકે નહીં. આગામી થોડા દિવસો પશ્ચિમ બંગાળના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે, કારણ કે તે નક્કી કરશે કે રાજ્ય લોકશાહી ઢબે નવી સરકાર મેળવશે કે પછી કેન્દ્રના સીધા શાસન હેઠળ આવશે.

સોનિયા, રાહુલે પીઠમાં માર્યું ખંજરઃ DMKનો કોંગ્રેસ પર પ્રહાર

ચેન્નઈઃ તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જોસેફ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) ને સમર્થન આપવા માટે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ કોંગ્રેસને ‘પીઠમાં છરો મારનાર’ ગણાવી છે. DMK ના પ્રવક્તા શ્રવણન અન્નાદુરઈએ કહ્યું હતું કે તેમની પાર્ટી તામિલનાડુમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ દ્વારા વિજયની TVK ને આપવામાં આવેલા સમર્થનનું સમર્થન કરતી નથી.

વાસ્તવમાં, મોડીરાત્રે થયેલી કોંગ્રેસની સંસદીય કાર્ય સમિતિની બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટી રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે વિજયની પાર્ટીને સમર્થન આપશે. આ બેઠક પછી કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે પાર્ટી માટે સ્પષ્ટ છે કે તામિલનાડુમાં મળેલો જનાદેશ એક ધાર્મિક નિરપેક્ષ સરકારના પક્ષમાં છે, જે બંધારણની ભાવના અને શબ્દ બંનેનું પાલન કરે. પાર્ટી કોઈ પણ સ્થિતિમાં ભાજપ અને તેના સાથીઓને તામિલનાડુમાં સરકાર ચલાવવા નહીં દે.

રાહુલ ગાંધી અને વિજયની તસવીર શેર કરતાં અન્નાદુરઈએ આગળ કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈએ મોટી ભૂલ કરી છે. તેમણે એ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાસે માત્ર પાંચ બેઠકો છે અને પાર્ટીએ પોતાને હાસ્યાસ્પદ બનાવી દીધી છે. અન્નાદુરઈએ પ્રશ્ન કર્યો હતો કે તે બહુમત સુધી પહોંચી શકશે નહીં. હવે 43 બેઠકો ધરાવતી AIADMK TVKને સમર્થન આપવા તૈયાર છે તો TVK કોનું સમર્થન લેશે?

કોંગ્રેસે તામિલનાડુ વિધાનસભા ચૂંટણી DMK સાથે ગઠબંધનમાં લડી હતી. DMKના પ્રવક્તા ટી.કે.એસ. ઇલંગોવને પણ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે પાર્ટીની અંદરના કેટલાક લોકો શરૂઆતથી જ વિજયને સમર્થન આપવા માગતા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દરેક રાજ્યમાં આવું જ કરી રહી છે અને અંતે દરેક જગ્યાએ હારી રહી છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં તેમનો સફાયો થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પણ તેમની કોઈ સંભાવના નથી. તેઓ જે કરી રહ્યા છે તેનાથી તેમની પાર્ટી ખતમ થઈ શકે છે.

Nutshell in 99