ફિલ્મ કરતાં વિવાદથી વધારે પ્રસિદ્ધ થયેલા દિગ્દર્શક અનુરાગ કશ્યપે બે-ચાર દી પહેલાં છાતી કૂટતાં કહ્યું કે “આજકાલ ચારે
બાજુ ‘ઑબ્સેશન’ ‘ઑબ્સેશન’ જ ચાલી રહ્યું છે, જેના લીધે મારા પિક્ચર ‘બંદર’ને શો નથી મળી રહ્યા.” કશ્યપે ધોખો કર્યો કે “મારી ‘બંદર’ અને ઈમ્તિયાઝ અલીની ‘મૈં વાપસ આઉંગા’ જેવી દેશી ફિલ્મોને પ્રેક્ષકો સુધી પહોંચવાની પૂરતી તક ન મળે તો આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આગળ કેવી રીતે વધશે?”
ટૂંકમાં આપણે એવું વાંચવું કે “મારી ‘બંદર’ ફ્લૉપ થઈ એ માટે હોલિવૂડની ‘ઑબ્સેશન’ જવાબદાર છે.”
બન્યું એવું કે, અધિક માસમાં એટલે કે જૂનમાં રામ ચરણની (ડબ્ડ) ‘પેદ્દી’ રિલીઝ થઈ ને વરુણ ધવનની ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ તથા બૉબી દેઓલની ‘બંદર’ સામસામે ટકરાઈ. ‘પેદ્દી’એ પહેલા અઠવાડિયામાં (જાહ્નવી કપૂરનાં શૃંગારિક દશ્યાન વિવાદની મદદથી) ૨૭૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો, પણ વરુણ-બૉબીની ફિલ્મો ઊંધા માથે પછડાઈ.
આ બધાની વચ્ચે હોલિવૂડની ‘ઑબ્સેશન’ ભારતમાં જબરદસ્ત દર્શકો ખેંચી ગઈ, ખેંચી રહી છે. ઓપનિંગ વીકમાં માત્ર ૬૦૦ શો મળ્યા હોવા છતાં ‘ઑબ્સેશને’ ભારતીય ટિકિટબારીઓ પર આશરે ૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી.
અનુરાગની કમ્પ્લેન સાઈડમાં મૂકીને આપણે ‘ઑબ્સેશન’ની વાત કરીએ. ફિલ્મમાં એવું તે શું છે કે થિએટરવાળા હિંદી ફિલ્મોની સરખામણીએ એને વધુ શો આપી રહ્યા છે?

આ ફિલ્મ મ્યુઝિક સ્ટોરમાં કામ કરતા બૅરન ‘બેર’ બેઈલી નામના એવા છોકરાની વાર્તા છે, જે ‘વન વિશ વિલો’ નામનું એક સુપરનૅચરલ (ઈચ્છાપૂર્તિ) રમકડું એની ફ્રેન્ડ નિક્કી ફ્રીમેનને ગિફ્ટ કરે છે. સ્ટોરમાં કામ કરતી નિક્કી માટે બેરને એકતરફી રોમાન્ટિક લાગણી છે. એ ઈચ્છે છે કે નિક્કીમાં પણ એવી લાગણી જન્મે ને એના પ્રેમમાં પડે. ઈચ્છાપૂર્તિ રમકડું બેરની ઈચ્છા પૂરી કરે છે, પણ પછી વાર્તામાં જોરદાર, ડરામણો ટ્વિસ્ટ આવે છે. બને છે એવું કે નિક્કી પ્રેમ કરવાને બદલે બેરની પાછળ પાગલની હદ સુધી ઑબ્સેસ્ડ થઈ જાય છે. એ હદે કે તે હિંસક અને અસામાન્ય વર્તન કરવા લાગે છે. પછી શું થાય છે એ જાણવા ફિલ્મ જોવી પડે.
જો કે, આપણા સેન્સર બોર્ડે આમાંથી આશરે ૩૮ સેકન્ડનાં ફૂટેજ પર કાતર ચલાવી છે. આમાં ૨૪ સેકન્ડનો એક હિંસક સીન છે અને, બીજું ૧૪ સેકન્ડનું સેક્સ્યુઅલ ફૂટેજ છે. આ સિવાય પણ એકાદ-બે નાના ફેરફારો કરવામાં આવ્યા છે.
આપણે ત્યાં ‘A’ સર્ટિફિકેટ સાથે રજૂ થઈ હોવા છતાં ૨૪ સેકન્ડવાળો સીન આપણને જોવા નથી મળતો એને વિદેશી દર્શકોએ ફિલ્મનો સૌથી ડરામણો સીન ગણાવ્યો છે. અન-કટ ફિલ્મમાં નિક્કી, સારા નામની એક છોકરી પર ઘાતક કહેવાય એ હુમલો કરે છે. સારા કારમાં બેઠી હોય છે. અચાનક નિક્કી ગ્લાસ વિન્ડોના ભુક્કા બોલાવી સારાનું મોઢું સ્ટીયરિંગ વ્હીલ સાથે ભટકાડે છે. એ સારાને એટલી ખરાબ રીતે મારે છે કે તેનો ચહેરો-નાક-મોઢું ઓળખવાં મુશ્કેલ થઈ જાય છે, એટલું જ નહીં તેની ડોળા પણ બહાર લબડી પડે છે.

‘ઓબ્સેશન’ને કરી બાર્કર નામના ૨૬ વર્ષના યુટ્યુબરે લખીને ડિરેક્ટ કરી છે. કરીની કારકિર્દીની આ પહેલી થિયેટ્રિકલ મૂવી છે. આશરે સવાસાત કરોડ રૂપિયાના મામૂલી બજેટમાં બનેલી ફિલ્મે અત્યાર સુધીમાં સાતસો કરોડ રૂપિયા કમાઈ લીધા છે ને એ દુનિયાની સૌથી વધુ નફો કરનારી ફિલ્મોની પંગતમાં બેસી ગઈ છે.
શું છે આ ફિલ્મની સફળતાનું કારણ? મોબાઈલમાં ઠલવાતા ટેક્સ્ટ મેસેજીસના ઢગલા અને પળેપળનું લોકેશન શૅર કરવાનું ઝનૂન વહાલ કે સ્નેહ જન્માવવાના બદલે ઉચાટ (એન્ક્ઝાઈટી) પેદા કરે, સામેવાળાનો જીવ અધ્ધર કરી મૂકે એવી લાલ ઝંડી દર્શાવતી આ ફિલ્મ આજનાં પ્રેમી-પ્રેમિકાનું એકબીજા માટેનું વળગણ આબાદ બતાવવામાં આવ્યું છે. “મારા મેસેજનો જવાબ ન આપ્યો”? “મને કૉલબૅક ન કર્યું”? “એને મારાથી કંઈ પ્રોબ્લેમ હશ”? “મને ખબર છે, એ પેલી ચિબાવલીની સાથે જ હશે એટલે મને ઈગ્નોર કરતો હશે. મિટિંગનું તો બહાનું…” આવા સંવાદ આપણે આપણી આસપાસ કાં તો સાંભળ્યા હશે કાં અનુભવ્યા હશે. આથી જ, દુનિયાભરના જુવાનિયા સાથે ઑબ્સેશન સીધી કનેક્ટ થઈ ગઈ.
વધારે કંઈ ન કહેતાં એટલું જ કહેવાનું કે, ચાન્સ મળે તો ફિલ્મ જોઈએ આવજો. અને કશ્યપ કુમારને એટલું જ કહેવાનું કે, વિવાદો સર્જવા કરતાં સારી ફિલ્મ સર્જવી બહેતર વિકલ્પ છે.






