બેન્ક લોન કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યોઃ રૂ. 1500 કરોડથી વધુ નુકસાનનો મામલો

નવી દિલ્હીઃ દેશના કથિત મોટા બેંક લોન અને એસેટ રિકન્સ્ટ્રક્શન (ARC) કેસની તપાસની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં JKM ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ સાથે જોડાયેલા મામલાની CBI, ED, SFIO, SEBI અને અન્ય એજન્સીઓ દ્વારા કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. આ અરજી મુજબ નોઈડાની JKM ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર સરકારી બેંકોની અંદાજે 1537 કરોડ રૂપિયાની બાકી લોન હતી, જેને કથિત રીતે ARC કંપનીઓ મારફતે માત્ર 73.50 કરોડ રૂપિયામાં સમાધાન કરવામાં આવ્યું હતું. અરજદારનો દાવો છે કે તેને કારણે સરકારી બેંકો અને જાહેર નાણાંને 1500 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું.

શું માગ કરવામાં આવી છે?

સુપ્રીમ કોર્ટમાં દાખલ PILમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ વર્ષ 2012થી 2015 દરમિયાન સાત બેંકોના કોન્સોર્ટિયમ પાસેથી લગભગ 912 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ત્યાર બાદ અર્ન્સ્ટ એન્ડ યંગ (EY)ની ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં આશરે 902 કરોડ રૂપિયાના કથિત ફંડ ડાયવર્ઝન, શેલ કંપનીઓને ચુકવણીઓ, નકલી બિલિંગ અને શંકાસ્પદ વ્યવહારોનો ખુલાસો થયો હતો.

આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ હોવા છતાં ખાતાને સમયસર “ફ્રોડ” જાહેર કરવામાં આવ્યું નહોતું અને લોનને ભારે ડિસ્કાઉન્ટ સાથે ARC કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યું. ત્યાર બાદ કથિત રીતે એ જ પ્રમોટર જૂથ સાથે ખૂબ ઓછી રકમમાં સમાધાન કરવામાં આવ્યું હતું.

પહેલેથી જ FIR નોંધાઈ ચૂકી છે

અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મામલે પહેલેથી બે FIR નોંધવામાં આવી ચૂકી છે. એક FIR દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW)માં અને બીજી ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં નોંધવામાં આવી હતી. એ ઉપરાંત ED, આવકવેરા વિભાગ, RBI અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયને પણ અનેક ફરિયાદો મોકલવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ સંકલિત કાર્યવાહી ન થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારે સુપ્રીમ કોર્ટને સમગ્ર મામલાની સ્વતંત્ર અને કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની તેમજ બેંક અધિકારીઓ, ARC કંપનીઓ અને અન્ય સંબંધિત પક્ષોની ભૂમિકાની તપાસ કરવા માટે સૂચના આપવાની માગ કરી છે.