Home Blog Page 87

West Bengal: ચંદ્રનાથ હત્યા કેસમાં અત્યાર સુધીમાં શું શું થયું?

પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયકની હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. પોલીસને શંકા છે કે આ કાવતરું છેલ્લા ત્રણથી ચાર દિવસથી ચાલી રહ્યું હતું, અને હુમલાખોરો તેમની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા હતા.

ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાની તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યાનું કાવતરું છેલ્લા ત્રણથી ચાર દિવસથી ઘડાઈ રહ્યું હતું અને હુમલાખોરો રથની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા હતા. આ સનસનાટીભરી ઘટનાએ રાજ્યની રાજકીય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

હુમલો કેવી રીતે થયો?
પોલીસ અને ભાજપ નેતાઓના જણાવ્યા અનુસાર, ચંદ્રનાથ રથ તેમની સફેદ સ્કોર્પિયો એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બાઇક પર સવાર હુમલાખોરોએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું. મધ્યમગ્રામના દોહરિયા વિસ્તારમાં પહોંચતાની સાથે જ હુમલાખોરોએ એસયુવીને ઘેરી લીધી અને નજીકથી ગોળીબાર શરૂ કરી દીધો.રથને છાતી અને પેટમાં અનેક ગોળીઓ વાગી હતી. ડ્રાઇવરને પણ ઇજા થઈ હતી. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરોએ ચંદ્રનાથ રથને મૃત જાહેર કર્યો હતો. બાદમાં, ડોકટરોએ પોલીસને જણાવ્યું હતું કે ગોળીઓ તેમના હૃદયને વીંધી ગઈ હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

પ્રોફેશનલ શૂટર્સની જેમ હુમલો કરવામાં આવ્યો

તપાસમાં સામેલ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ ચંદ્રનાથ રથને નિશાન બનાવ્યો હતો. જે ચોકસાઈથી ગોળીબાર કરવામાં આવ્યો હતો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે હત્યા વ્યાવસાયિક ગુનેગારો દ્વારા કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, રથ ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠો હતો, અને હુમલાખોરોએ સીધુ તેના પર જ નિશાન બનાવ્યું હતું. ગોળીબાર એટલો સચોટ હતો કે એક પણ ગોળી SUVના આગળના કાચ કે શરીર પર વાગી ન હતી. ડ્રાઇવરને ફક્ત એટલા માટે ઇજા થઈ હતી કારણ કે તે રથની ખૂબ નજીક હતો.

પોલીસને શંકા છે કે હુમલાખોરો ઘણા દિવસોથી રથની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. તેની હિલચાલ, માર્ગ અને સમય વિશે માહિતી એકત્રિત કર્યા પછી, હત્યા કાળજીપૂર્વક આયોજન સાથે કરવામાં આવી હતી.

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે હુમલો સંપૂર્ણપણે પૂર્વ-આયોજિત હોવાનું જણાય છે. તેમના કહેવા મુજબ, રથની કાર તેમની કારને પસાર કરી રહી હતી ત્યારે જ તે અચાનક રસ્તા પર બંધ થઈ ગઈ. મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિ કારની ડાબી બાજુએ આવ્યો અને નજીકથી ગોળીબાર કર્યો.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે હુમલાખોર એક તાલીમ પામેલો શૂટર દેખાયો. તેણે બે ગોળીબાર કર્યા અને તરત જ ભાગી ગયો. તેમણે કહ્યું કે આ ઘટના રાત્રે 10:30 થી 11:00 વાગ્યાની વચ્ચે બની હતી, અને હોસ્પિટલ ઘટનાસ્થળથી માત્ર 200-300 મીટર દૂર હતી. ગોળીબાર પછી, સ્થાનિક લોકોએ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા.

શંકાસ્પદ વાહન મળી આવ્યું, નંબર પ્લેટ નકલી હોવાનું જાણવા મળ્યું. તપાસમાં જાણવા મળ્યું કે વાહનની નંબર પ્લેટ સિલિગુડીમાં નોંધાયેલી બીજી કારની હતી. જ્યારે પોલીસે નંબર પ્લેટના મૂળ માલિક વિલિયમ જોસેફનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમની કાર સિલિગુડીમાં તેમના ઘરના ગેરેજમાં પાર્ક કરેલી હતી અને તેઓ ક્યારેય મધ્યમગ્રામ ગયા નહોતા.

પોલીસ અનેક પાસાંઓથી તપાસ કરી રહી છે
પોલીસ હવે આ હત્યાની અનેક પાસાંઓથી તપાસ કરી રહી છે. અધિકારીઓ માને છે કે આ માત્ર ગુનાહિત ઘટના નથી, પરંતુ રાજકીય દુશ્મનાવટ અથવા ચૂંટણી દુશ્મનાવટ પણ હોઈ શકે છે.

હુમલાખોરોને રાજ્ય છોડીને ભાગી ન જાય તે માટે સરહદી પોલીસ સ્ટેશનોને પણ સતર્ક કરવામાં આવ્યા છે. પોલીસને ડર છે કે હત્યા પછી આરોપીઓ બાંગ્લાદેશ સરહદ અથવા ઝારખંડ ભાગી જવાનો પ્રયાસ કરી શકે છે. હાલમાં, પોલીસ હુમલાખોરોને શોધવા માટે સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશન અને જપ્ત કરેલા કારતુસની તપાસ કરી રહી છે.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય
આ ઘટના એવા સમયે બની છે જ્યારે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી વિજય નોંધાવ્યો છે. પાર્ટીએ 294 બેઠકોમાંથી 207 બેઠકો જીતી હતી. ચંદ્રનાથ રથને સુવેન્દુ અધિકારીના વિશ્વાસુ સાથી માનવામાં આવતા હતા. તેમણે નંદીગ્રામ અને ભવાનીપુર બંનેમાં ચૂંટણી વ્યવસ્થાપનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યાં અધિકારીએ જીત મેળવી હતી. તેમણે ભવાનીપુર બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને પણ હરાવ્યા હતા.

રિસોર્ટ રાજકારણઃ AIDMKએ વિધાનસભ્યોને પુડુચેરી શિફ્ટ કર્યા

ચેન્નઈઃ તામિલનાડુમાં રાજકીય હલચલ તેજ બની છે. TVK પ્રમુખ વિજય સરકાર બનાવવાની તૈયારીમાં છે, ત્યારે AIADMKએ પોતાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને પડોશી રાજ્ય પુડુચેરીમાં ખસેડ્યા છે, એમ પાર્ટીએ બુધવારે આ માહિતી આપી હતી. આ પહેલાં TVKએ પોતાના ધારાસભ્યોને ચેન્નઈની બહાર આવેલા એક હોટેલમાં રાખ્યા હતા. AIADMKના પ્રવક્તા કોવાઈ સત્યને જણાવ્યું કે પાર્ટીના ધારાસભ્યોને પુડુચેરીમાં રોકવામાં આવ્યા છે, પરંતુ કેટલા ધારાસભ્યોને ત્યાં મોકલવામાં આવ્યા છે અથવા આ નિર્ણય પાછળનું કારણ શું છે તેની માહિતી આપવામાં આવી નથી.

એડપ્પાડી કે. પલાનીસ્વામીની આગેવાની હેઠળની AIADMK વિજયની આગેવાનીવાળી TVKને સરકાર બનાવવા માટે નિશર્ત સમર્થન આપવા તૈયાર હતી અને બંને પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ બુધવારે બપોર પછી TVK તરફથી લાંબા સમય સુધી કોઈ પ્રતિસાદ ન મળતાં AIADMKએ પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હતો. પાર્ટીના નેતાઓએ DMK સાથે ગઠબંધનની કોઈ પણ શક્યતા પણ નકારી કાઢી હતી. AIADMK અને TVK વચ્ચે મંગળવારે વહેલી સવારે ચર્ચા શરૂ થઈ હતી. TVK બહુમતી મેળવવામાં નિષ્ફળ રહેતાં ચૂંટણી પછી સંભવિત સમજૂતી માટે વરિષ્ઠ નેતાઓ ચર્ચા કરી રહ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યા હતું.

પલાનીસ્વામીના નજીકના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે અમે સ્થિર સરકાર માટે નિશર્ત સમર્થન આપ્યું હતું. પરસ્પર સન્માનની શરતે કોઈ પણ ચર્ચા માટે અમે તૈયાર હતા. પરંતુ બુધવાર બપોરથી TVK તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. બંને પક્ષો વચ્ચેની ચર્ચા બુધવારે બપોરે અચાનક બંધ થઈ ગઈ હતી.

કોંગ્રેસે TVKને શરતી સમર્થન આપતાં અને તેને બંધારણમાં વિશ્વાસ ન ધરાવતી સાંપ્રદાયિક શક્તિઓથી દૂર રહેવાની સલાહ આપ્યા બાદ જ આ સમગ્ર રાજકીય ઘટનાઓ ઝડપથી આગળ વધી હતી. AIADMKના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વિજય કોઈ જવાબ આપી રહ્યા નથી. તેમણે અમારું અપમાન કર્યું છે. અમારા સ્વૈચ્છિક સમર્થન પર યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. તેથી અમે ચર્ચા રદ કરી છે. હવે અમારે અમારા નેતાઓને એકજૂટ રાખવા પડશે અને રાજકીય અનુભવ બતાવવો પડશે.

કબીરવાણી: અસ્થાયી જીવન અને અહંકારનો ભ્રમ

 

પાણી કેરા બુદબુદા, ઈસ માનુષ કી જાત,

દેખત હી છિપ જાયેંગેં, જ્યોં તારા પ્રભાત.

 

કબીરજીની અતિ પ્રસિદ્ધ સાખીઓમાંની આ સાખી મનુષ્યની અલ્પજીવી પ્રકૃતિને સરળ અને સહજ રીતે રજૂ કરે છે. સાખીની બે ઉપમાઓનું અનુસંધાન પણ અદ્ભુત રીતે વાસ્તવિકતાને કવિતાની ગરિમા બક્ષે છે.

સાબુના ફીણ કે પાણીના પરપોટા ઉડાડી રમત કરતાં નિર્દોષ બાળકો ઘટન અને વિઘટન, સર્જન અને વિસર્જનની કેવી મઝા માણતા હોય છે.

માનવી તો વિસર્જનને વિનાશ ધારીને હેબતાઈ જાય છે. ઘોર અંધારી રાત્રે લાખો તારા ચમકતા હોય છે. નભની છાબ તારારૂપી ફૂલોથી સજી હોય છે. આ ટમટમતાં તારાને પરોઢ સુધી નિહાળ્યા હોય પરંતુ જેવો સૂર્યનો ઉજાસ ક્ષિતિજ ઉપર પ્રગટે છે કે તારાઓ અચાનક જ ગાયબ થઈ જાય છે. સમગ્ર આકાશમાં જે પરિવર્તન થાય છે તે એટલું વ્યાપક છે કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ.

આવી અસ્થાયી સ્થિતિમાં આપણે શા માટે અહંકાર કરીએ છીએ. આપણે જીવનને ત્યારે જ માણી શકીએ કે જ્યારે તેનું સાચું મૂલ્ય સમજી શકીએ. યોગ અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા સાચો માર્ગ સૂઝે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

સાચી કસોટી સફળતા નહીં, નિષ્ફળતા છે…

થોડા સમય પહેલાં, દિલ્હીના મારા એક પરમ સ્નેહી અને હું એક કાર્યક્રમમાં એકસાથે સ્ટેજ પર હતા. આ સ્નેહી એક બહુ જ મોટી અને પ્રખ્યાત મલ્ટિનેશનલ કંપનીમાં ટોચના હોદ્દા પર છે. એમનું વાર્ષિક પેકેજ આશરે 20 કરોડ રૂપિયા છે. એમને કંપનીના કામસર દેશ કે દુનિયામાં ક્યાંય પણ જવું હોય તો એ કંપનીના પ્રાઈવેટ જૅટમાં પ્રવાસ કરે છે.

કાર્યક્રમ શરૂ થવામાં હજી થોડો સમય હતો એટલે અમે વાતે વળગ્યા. મેં એમને પૂછ્યું કે, “તમે જ્યારે મોટાં પૅકેજ આપીને યુવાનોને હાયર કરો છો તો તેમની કઈ ખાસિયતો જુઓ છો? અને આવા લોકોના ઈન્ટરવ્યુ કોણ લે છે ને એમાં શું પૂછવામાં આવે છે?”

સસ્મિત વદને એમણે મને જવાબ આપ્યોઃ “રસપ્રદ સવાલ છે, સ્વામી. તમારા બીજા સવાલનો જવાબ પહેલા આપું. સામાન્ય રીતે આવા ઉમેદવારોના ઈન્ટરવ્યુ કંપનીના માલિક, બોર્ડ ઑફ ડિરેક્ટર્સ અથવા મુખ્ય સ્ટેકહોલ્ડર્સ લેતા હોય છે.”

“અને ઈન્ટરવ્યુમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછો છો?”

એ કહે:

“આવા ઉમેદવારો અત્યંત ભણેલાગણેલા, ક્વૉલિફાઈડ હોય છે એટલે એમની ટેક્નિકલ આવડતો કે વહીવટી આવડતો વિશે અમને ચિંતા જ હોતી નથી. અમારી વાત કરું તો, અમે એક મહત્વનો પ્રશ્ન પૂછીએ છીએ: ‘તમારી જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા કઈ? અને એ નિષ્ફળતાનો સામનો તમે કેવી રીતે કર્યો?’ એમને આ વિશે વિગતવાર બોલવા માટે અડધો કલાક આપવામાં આવે છે.”

મારો એ પછીનો સવાલ હતોઃ “આવો પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ શું છે?”

સ્નેહીનો જવાબઃ “મુશ્કેલ સમયનો સામનો કરવાની ઉમેદવારની ક્ષમતા માપવી.”

હા. સફળતા જીવનને સરળ બનાવે છે, પરંતુ નિષ્ફળતા તેને હચમચાવી દે છે. એટલા માટે જ ઘણા લોકો નિષ્ફળતા સહન કરી શકતા નથી.

જ્યારે જીવન અણગમતું લાગે, ત્યારે પોતાને પૂછવું જોઈએ:

“આવું થવું જોઈતું નહોતું, પરંતુ હવે થઈ ગયું છે તો એને કેવી રીતે સ્વીકારું? બીજા શબ્દોમાં આ કપરા સંજોગનો સામનો કેવી રીતે કરું?”

જેમ વરસાદ અટકાવી શકાતો નથી, તેમ નિષ્ફળતા પણ અટકાવી શકાતી નથી. ધોધમાર વરસાદમાં જો ભીંજાવું ન હોય તો છત્રી સાથે રાખવી પડે. જીવનનું પણ આવું જ છે.

વર્ષો પહેલાં, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લંડનના હેરો વિસ્તારમાં શિખરબદ્ધ મંદિર બનાવવા મોટી જમીન ખરીદી, પરંતુ આસપાસના રહેવાસીઓએ મંદિરનો વિરોધ કર્યો. એમને લાગ્યું કે અહીં મંદિર બનશે તો એમની શાંતિનો ભંગ થશે. કાયદેસર પ્રક્રિયા મુજબ તે વિસ્તારના કેટલા લોકો મંદિર-નિર્માણના પક્ષમાં છે અને, કેટલા વિરોધમાં છે તે જાણવા માટે સહી ઝુંબેશ શરૂ થઈ, જેમાં વિરોધીઓની સંખ્યા વધુ નીકળી.

આથી કોર્ટનો નિર્ણય આવ્યો: હેરોમાં મંદિર નહીં બની શકે.

ચુકાદો આવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજ વડોદરામાં હતા. એમને ફોન આવ્યો: “સ્વામી, ખરાબ સમાચાર છે. હેરોમાં આપણે મંદિર નહીં બાંધી શકીએ.”

સમાચાર સાંભળીને પણ સ્વામીજી અડગ રહ્યા. તેમણે માત્ર ત્રણ વાક્યો કહ્યા:

  1. “આ ભગવાનની ઇચ્છા છે.” 2. “આપણે પૂરો પ્રયત્ન કર્યો, હવે ભગવાનની ઈચ્છા સ્વીકારી લઈએ.” 3. “લંડનમાં મંદિર બનાવવાનું નક્કી કર્યું છે એટલે બનાવીશું જ. હવે, બીજી જગ્યા શોધો.”

તે પછી શું થયું એ આપણે જાણીએ જ છીએ. લંડનના નીઝડન વિસ્તારમાં ભવ્ય મંદિર ઊભું થયું. મહાન લોકો આમ જ કરે છે. જો તમે પણ તેમની જેમ વિચારો, તો તમે ક્યારેય નિરાશ નહીં થાઓ. એક સરળ મંત્ર યાદ રાખો:

જીવનમાં કંઈ સારું બને તો એનો આનંદ માણો. ખરાબ થાય તો એમાંથી શીખો, કેમ કે દરેક નિષ્ફળતા એક પાઠ લઈને આવે છે અને દરેક ઘટના પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે. જો આ દષ્ટિકોણ રાખશો તો ગમે તેવા સંજોગોમાં તમે ખુશ રહી શકશો અને સફળતા સુધી પહોંચશો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સુવિચાર – ૦૭ મે ૨૦૨૬

૦૭ મે ૨૦૨૬

પંચાંગ 07/05/2026

બંગાળમાં શુભેન્દુ અધિકારીના નજીકના સાથીની ગોળી મારી હત્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાએ વધુ એક ભયાનક વળાંક લીધો છે. બુધવારની મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના સાથી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના મધ્યગ્રામ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. હુમલાખોરોએ ચંદ્રનાથની કારને અધવચ્ચે રોકીને તેના પર ચાર રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.

પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રનાથ રથ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે અન્ય એક વાહને તેમનો પીછો કર્યો હતો. હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઈલમાં કારને ઓવરટેક કરીને રસ્તો રોક્યો અને તક મળતા જ તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો. ચંદ્રનાથને છાતી અને માથાના ભાગે ગોળીઓ વાગી હતી, જ્યારે તેમના ડ્રાઈવર પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા જ શુભેન્દુ અધિકારી પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા અને ચંદ્રનાથના અવસાનની પુષ્ટિ કરી હતી. આ હત્યાને ૨૦૨૬ની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ થઈ રહેલી રાજકીય હિંસા સાથે જોડવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપે ૨૯૪માંથી ૨૦૭ બેઠકો જીતીને મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત આણ્યો છે. શુભેન્દુ અધિકારીએ પોતે મમતા બેનર્જીને તેમના ગઢ ગણાતા ભવાનીપુરમાં પરાજય આપ્યો છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે ચૂંટણીમાં કારમી હારથી લઘુતાગ્રંથિ અનુભવતી તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે હિંસાનો સહારો લઈ રહી છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે આ હત્યા પાછળ TMC ના ગુંડાઓનો હાથ છે. બીજી તરફ, સાઉથ ૨૪ પરગણાના કેનિંગ અને નારાયણપુર જેવા વિસ્તારોમાં પણ હિંસાના અહેવાલો છે, જ્યાં પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

SRH vs PBKS : હૈદરાબાદે પંજાબને હરાવ્યું, ટેબલ ટોપર બન્યું

IPL 2026 ની 49મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ પંજાબ કિંગ્સ (PBKS) ને 33 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. બુધવારે રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 235 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 202 રન જ બનાવી શકી હતી. પંજાબ માટે કૂપર કોનલીએ શાનદાર સદી ફટકારી હોવા છતાં તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો પંજાબનો નિર્ણય હૈદરાબાદના બેટ્સમેનોએ ખોટો સાબિત કર્યો હતો. હૈદરાબાદની શરૂઆત તોફાની રહી હતી; અભિષેક શર્માએ માત્ર 13 બોલમાં 4 છગ્ગા સાથે 35 રન ફટકારીને પાયો નાખ્યો હતો. ઓપનર ટ્રેવિસ હેડે 38 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ ઈશાન કિશન અને હેનરિક ક્લાસેનનો દબદબો જોવા મળ્યો હતો. ઈશાન કિશને આક્રમક અર્ધસદી (55 રન) ફટકારી હતી, જ્યારે ક્લાસેને માત્ર 43 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ આક્રમક બેટિંગના દમ પર હૈદરાબાદે 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા.

236 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ અને અય્યર સસ્તામાં આઉટ થઈ જતા પંજાબની ઇનિંગ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. માર્કસ સ્ટોઈનિસ અને સુયષે રન ગતિ જાળવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ લાંબુ ટકી શક્યા નહીં. જોકે, એક છેડે કૂપર કોનલીએ હૈદરાબાદના બોલરો પર આક્રમણ ચાલુ રાખ્યું હતું. કોનલીએ માત્ર 59 બોલમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ 107 રન બનાવ્યા હતા, પરંતુ સામે છેડે યોગ્ય સાથ ન મળતા પંજાબ 202 રન સુધી જ પહોંચી શક્યું હતું.

આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ હવે 11 મેચમાં 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. બીજી તરફ, સિઝનની શરૂઆતમાં અજેય જણાતી પંજાબ કિંગ્સની ટીમ હવે સતત હારનો સામનો કરી રહી છે અને 10 મેચમાં 13 પોઈન્ટ સાથે બીજા ક્રમે સરકી ગઈ છે. હૈદરાબાદની આ જીતે પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવી દીધી છે.

તમિલનાડુમાં સત્તાનો પેચ ફસાયો: વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો

તમિલનાડુમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પણ થલપતિ વિજય માટે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચવાનો માર્ગ કાંટાળો સાબિત થઈ રહ્યો છે. ગુરુવારે, 7 May ના રોજ યોજાનારો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજય પાસે 118 ધારાસભ્યોના સમર્થન પત્રોની માંગ કરી છે, જે આંકડો મેળવવામાં TVK અત્યારે નિષ્ફળ રહી છે. પરિણામે, રાજધાની ચેન્નાઈમાં શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે હવે રાજકીય ખેંચતાણ તેજ બની છે.

તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં એક નવો અધ્યાય લખવા જઈ રહેલા સુપરસ્ટાર વિજયને અત્યારે બંધારણીય પ્રક્રિયાઓના અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પરિણામોમાં વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) એ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ સત્તાના જાદુઈ આંકડા 118 થી તે હજુ પણ 10 બેઠક દૂર છે. વિજયે આશા વ્યક્ત કરી હતી કે 7 May ના રોજ તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લેખિતમાં બહુમતીનું સમર્થન રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી સરકાર બનાવવાની મંજૂરી આપી શકાય નહીં.

રાજ ભવનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિજયે મંગળવારે અને બુધવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો. વિજયે દાવો કર્યો હતો કે તેમની પાસે જરૂરી સમર્થન છે, પરંતુ જ્યારે રાજ્યપાલે દરેક ધારાસભ્યના વ્યક્તિગત સમર્થન પત્રોની માંગ કરી ત્યારે TVK પૂરતા દસ્તાવેજો રજૂ કરી શકી ન હતી. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ જાહેર મંચ પરથી વિજયને ટેકો આપવાની વાત કરી છે, છતાં પણ આ આંકડો 113 પર જ અટકી જાય છે. હજુ પણ 5 ધારાસભ્યોનું સમર્થન મેળવવું વિજય માટે અનિવાર્ય છે.

આ રાજકીય ગડમથલ વચ્ચે એવી પણ ચર્ચા છે કે વિજય અત્યારે અપક્ષ ધારાસભ્યો અને અન્ય નાના પ્રાદેશિક પક્ષો સાથે સઘન ચર્ચા કરી રહ્યા છે. ખાસ કરીને VCK અને ડાબેરી પક્ષોના વલણ પર સૌની નજર છે. જોકે, DMK અને AIADMK ના સંભવિત ગઠબંધનની અટકળોએ વિજયની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જો આ બંને પક્ષો સાથે મળીને અન્ય નાના પક્ષોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહે, તો વિજય માટે સરકાર બનાવવી અશક્ય બની શકે છે. આ જ કારણ છે કે રાજ્યપાલે ઉતાવળમાં શપથ લેવડાવવાને બદલે વિજયને બહુમતી સાબિત કરવા માટે વધુ 1 થી 2 દિવસનો સમય આપ્યો છે.