થોડા સમય પહેલાં, દિલ્હીના મારા એક પરમ સ્નેહી અને હું એક કાર્યક્રમમાં એકસાથે સ્ટેજ પર હતા. આ સ્નેહી એક
બહુ જ મોટી અને પ્રખ્યાત મલ્ટિનેશનલ કંપનીમાં ટોચના હોદ્દા પર છે. એમનું વાર્ષિક પેકેજ આશરે 20 કરોડ રૂપિયા છે. એમને કંપનીના કામસર દેશ કે દુનિયામાં ક્યાંય પણ જવું હોય તો એ કંપનીના પ્રાઈવેટ જૅટમાં પ્રવાસ કરે છે.
કાર્યક્રમ શરૂ થવામાં હજી થોડો સમય હતો એટલે અમે વાતે વળગ્યા. મેં એમને પૂછ્યું કે, “તમે જ્યારે મોટાં પૅકેજ આપીને યુવાનોને હાયર કરો છો તો તેમની કઈ ખાસિયતો જુઓ છો? અને આવા લોકોના ઈન્ટરવ્યુ કોણ લે છે ને એમાં શું પૂછવામાં આવે છે?”
સસ્મિત વદને એમણે મને જવાબ આપ્યોઃ “રસપ્રદ સવાલ છે, સ્વામી. તમારા બીજા સવાલનો જવાબ પહેલા આપું. સામાન્ય રીતે આવા ઉમેદવારોના ઈન્ટરવ્યુ કંપનીના માલિક, બોર્ડ ઑફ ડિરેક્ટર્સ અથવા મુખ્ય સ્ટેકહોલ્ડર્સ લેતા હોય છે.”
“અને ઈન્ટરવ્યુમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછો છો?”
એ કહે:
“આવા ઉમેદવારો અત્યંત ભણેલાગણેલા, ક્વૉલિફાઈડ હોય છે એટલે એમની ટેક્નિકલ આવડતો કે વહીવટી આવડતો વિશે અમને ચિંતા જ હોતી નથી. અમારી વાત કરું તો, અમે એક મહત્વનો પ્રશ્ન પૂછીએ છીએ: ‘તમારી જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા કઈ? અને એ નિષ્ફળતાનો સામનો તમે કેવી રીતે કર્યો?’ એમને આ વિશે વિગતવાર બોલવા માટે અડધો કલાક આપવામાં આવે છે.”

મારો એ પછીનો સવાલ હતોઃ “આવો પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ શું છે?”
સ્નેહીનો જવાબઃ “મુશ્કેલ સમયનો સામનો કરવાની ઉમેદવારની ક્ષમતા માપવી.”
હા. સફળતા જીવનને સરળ બનાવે છે, પરંતુ નિષ્ફળતા તેને હચમચાવી દે છે. એટલા માટે જ ઘણા લોકો નિષ્ફળતા સહન કરી શકતા નથી.
જ્યારે જીવન અણગમતું લાગે, ત્યારે પોતાને પૂછવું જોઈએ:
“આવું થવું જોઈતું નહોતું, પરંતુ હવે થઈ ગયું છે તો એને કેવી રીતે સ્વીકારું? બીજા શબ્દોમાં આ કપરા સંજોગનો સામનો કેવી રીતે કરું?”
જેમ વરસાદ અટકાવી શકાતો નથી, તેમ નિષ્ફળતા પણ અટકાવી શકાતી નથી. ધોધમાર વરસાદમાં જો ભીંજાવું ન હોય તો છત્રી સાથે રાખવી પડે. જીવનનું પણ આવું જ છે.

વર્ષો પહેલાં, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લંડનના હેરો વિસ્તારમાં શિખરબદ્ધ મંદિર બનાવવા મોટી જમીન ખરીદી, પરંતુ આસપાસના રહેવાસીઓએ મંદિરનો વિરોધ કર્યો. એમને લાગ્યું કે અહીં મંદિર બનશે તો એમની શાંતિનો ભંગ થશે. કાયદેસર પ્રક્રિયા મુજબ તે વિસ્તારના કેટલા લોકો મંદિર-નિર્માણના પક્ષમાં છે અને, કેટલા વિરોધમાં છે તે જાણવા માટે સહી ઝુંબેશ શરૂ થઈ, જેમાં વિરોધીઓની સંખ્યા વધુ નીકળી.
આથી કોર્ટનો નિર્ણય આવ્યો: હેરોમાં મંદિર નહીં બની શકે.
ચુકાદો આવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજ વડોદરામાં હતા. એમને ફોન આવ્યો: “સ્વામી, ખરાબ સમાચાર છે. હેરોમાં આપણે મંદિર નહીં બાંધી શકીએ.”
સમાચાર સાંભળીને પણ સ્વામીજી અડગ રહ્યા. તેમણે માત્ર ત્રણ વાક્યો કહ્યા:
- “આ ભગવાનની ઇચ્છા છે.” 2. “આપણે પૂરો પ્રયત્ન કર્યો, હવે ભગવાનની ઈચ્છા સ્વીકારી લઈએ.” 3. “લંડનમાં મંદિર બનાવવાનું નક્કી કર્યું છે એટલે બનાવીશું જ. હવે, બીજી જગ્યા શોધો.”
તે પછી શું થયું એ આપણે જાણીએ જ છીએ. લંડનના નીઝડન વિસ્તારમાં ભવ્ય મંદિર ઊભું થયું. મહાન લોકો આમ જ કરે છે. જો તમે પણ તેમની જેમ વિચારો, તો તમે ક્યારેય નિરાશ નહીં થાઓ. એક સરળ મંત્ર યાદ રાખો:
જીવનમાં કંઈ સારું બને તો એનો આનંદ માણો. ખરાબ થાય તો એમાંથી શીખો, કેમ કે દરેક નિષ્ફળતા એક પાઠ લઈને આવે છે અને દરેક ઘટના પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે. જો આ દષ્ટિકોણ રાખશો તો ગમે તેવા સંજોગોમાં તમે ખુશ રહી શકશો અને સફળતા સુધી પહોંચશો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)



