|
પાણી કેરા બુદબુદા, ઈસ માનુષ કી જાત, દેખત હી છિપ જાયેંગેં, જ્યોં તારા પ્રભાત. |
કબીરજીની અતિ પ્રસિદ્ધ સાખીઓમાંની આ સાખી મનુષ્યની અલ્પજીવી પ્રકૃતિને સરળ અને સહજ રીતે રજૂ કરે છે.
સાખીની બે ઉપમાઓનું અનુસંધાન પણ અદ્ભુત રીતે વાસ્તવિકતાને કવિતાની ગરિમા બક્ષે છે.
સાબુના ફીણ કે પાણીના પરપોટા ઉડાડી રમત કરતાં નિર્દોષ બાળકો ઘટન અને વિઘટન, સર્જન અને વિસર્જનની કેવી મઝા માણતા હોય છે.
માનવી તો વિસર્જનને વિનાશ ધારીને હેબતાઈ જાય છે. ઘોર અંધારી રાત્રે લાખો તારા ચમકતા હોય છે. નભની છાબ તારારૂપી ફૂલોથી સજી હોય છે. આ ટમટમતાં તારાને પરોઢ સુધી નિહાળ્યા હોય પરંતુ જેવો સૂર્યનો ઉજાસ ક્ષિતિજ ઉપર પ્રગટે છે કે તારાઓ અચાનક જ ગાયબ થઈ જાય છે. સમગ્ર આકાશમાં જે પરિવર્તન થાય છે તે એટલું વ્યાપક છે કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ.

આવી અસ્થાયી સ્થિતિમાં આપણે શા માટે અહંકાર કરીએ છીએ. આપણે જીવનને ત્યારે જ માણી શકીએ કે જ્યારે તેનું સાચું મૂલ્ય સમજી શકીએ. યોગ અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા સાચો માર્ગ સૂઝે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)




