આપણી ભાષાના પ્રસિદ્ધ હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેએ એક વાર નોંધેલું કે “શિખામણ એવી ચીજ છે, જે આપવી ગમે,
પણ લેવી ગમતી નથી.”
તો એક ચીજ એવી છે, જે આપવામાં એક પાઈ પણ ખરચવી પડતી નથી, છતાં ઘણી વાર આપણે એ આપવામાં કંજૂસાઈ કરતા હોઈએ છીએ. એ ચીજનું નામઃ ‘પ્રશંસા.’ હા, પ્રશંસા મોંઘી છે. લોકો ટીકા, શિખામણ મફતમાં વહેંચે છે, પણ પ્રશંસા કરવા માટે ખિસ્સાં ફંફોસે છે. જેમ ફૂલને પાણી મળે તો એ ખીલી ઊઠે છે એમ, જેને પ્રશંસા મળે તે ખીલી ઊઠે છે!
વર્ષો પહેલાં સ્કોટલેન્ડની એક નાની શાળાના એક બાળક એના વર્ગના ખૂણામાં ગુમસુમ બેસી રહેતો. ઘરમાં પણ એ પોતાની એક જ અલગ દુનિયામાં રહેતો. એક દિવસ પ્રસિદ્ધ કવિ રોબર્ટ બર્ન્સ એના ઘરે ગયા. ત્યાં એક મેજ નીચેથી એમને એક કાગળ મળ્યો, જેમાં બે કવિતા લખાઈ હતી. બન્ને કવિતા વાંચીને બર્ન્સે પૂછ્યું કે, “આ કોણે લખી?” ધીમે રહીને બાળકે કહ્યું કે, “મેં.”
બર્ન્સે બાળકને સહજતાથી કહ્યું, “આગળ જતાં સ્કોટલેન્ડ જ નહીં અનેક દેશોમાં તારી ખ્યાતિ થશે.”
આ સાંભળીને બાળકમાં આત્મવિશ્વાસ આવી ગયો. એ ખરેખર એક નામાંકિત કવિ થઈ ગયા. નામઃ વોલ્ટર સ્કોટ.
કોઈ લેખકે કહ્યું કે, ‘શબ્દે માર્યા ડરી ગયા, શબ્દે છોડ્યા રાજ… જેણે શબ્દ વિચાર્યા, તેના સર્યાં કાજ.’
શબ્દોની તાકાત ગજબની છે. તે મરતાંને બેઠો પણ કરી શકે અને જીવતાંને મારી પણ શકે. આપણને ખ્યાલ નથી આવતો પણ પ્રશંસાના બે શબ્દો પણ સામેવાળી વ્યક્તિમાં ખરેખરું જોમ પ્રેરી દે છે.

2001માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સારંગપુરમાં હતા. અહીંના સંત તાલીમ કેન્દ્રમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર એક વર્ગના સંતો ભગવદ ગીતાનો અભ્યાસ કરતા હતા. આયોજન એવું ગોઠવાયું હતું કે સ્વામીશ્રી જ્યારે ભોજન ગ્રહણ કરે ત્યારે આ વર્ગના સંતો ગીતાના જુદા જુદા વિષયો ઉપર પ્રવચન પ્રસ્તુત કરે. પ્રવચન પૂર્ણ કરી એ સંત સ્વામીશ્રી પાસે આશીર્વાદ મેળવવા જાય. સ્વામીશ્રી એ સંતે રજૂ કરેલા પ્રવચનમાંથી સારા મુદ્દા યાદ કરી રાજીપો દર્શાવે. એક દિવસ એક સંતનું પ્રવચન સમયમર્યાદા કરતાં થોડું લાંબું ચાલ્યું. આ બાજુ ભોજન બાદ સ્વામીશ્રીને અમુક વરિષ્ઠ સંતો મળવા આવ્યા આથી પ્રવચન કરનાર સંત જ્યારે પ્રવચન પૂરું કરીને સ્વામીશ્રી પાસે ગયા ત્યારે સ્વામીશ્રી મિટિંગમાં પરોવાયેલા હોવાથી એમને મળી ન શક્યા. મિટિંગ બાદ રાતે સ્વામીશ્રી પોઢી જવા શય્યા પર બિરાજ્યા ત્યાં જ એમણે સેવક સંતોને કહ્યું કે, “પેલા પ્રવચન કરનાર સંતને બોલાવો!”

પેલા સંતને સમાચાર મળતાં તેઓ સ્વામીશ્રીના કક્ષમાં દોડી આવ્યા. ધીમા પગલે એ સ્વામીશ્રી પાસે પહોંચ્યા તો સ્વામીશ્રી કહે કે, “આજે તમે બહુ સારું પ્રવચન કર્યું.”
પ્રમુખસ્વામી મહારાજ આટલી વિશાળ સંસ્થાનું વહન કરવા છતાં એમાં પાંગરતી નાની નાની કળીઓની પણ આવી દરકાર રાખતા.
શું આપણે આપણા જીવનમાં પ્રશંસાને ક્યારેય અગ્રક્રમ આપ્યો છે? પચીસ વર્ષથી લગ્ન થયાં હોય, પરંતુ એક વખત પણ પત્નીને કહ્યું કે, “આજે દાળ બેસ્ટ બની છે.”
ક્યારેય માતા-પિતાને કહ્યું કે, “આપે મારી ખૂબ સંભાળ લીધી છે.”
ક્યારેક સંતાનને કહી તો જોજો કે “તારી બેટિંગ-ફિલ્ડિંગ બહુ સરસ હોય છે.”

આપણે રોજિંદા કાર્યોમાં એટલા ડૂબેલા હોઈએ છીએ કે આવી અગત્યની બાબત ધ્યાનમાં નથી આવતી, પણ સમય કાઢીને આ બાબતનો વિચાર કરવા જેવો તો છે જ, કારણ કે આપણે પરિવારના સભ્યો ભલે રોજ ઝઘડતા હોઈએ, પણ એક વાત પણ નક્કી છે કે એકબીજા વગર ચાલતું નથી અને એકબીજા વગર ગમતું પણ નથી. ભગવાને આપેલા સંબંધોની માવજત કરવી આપણા જ હાથમાં છે! તો શું કામ એ માવજત કરવાના અનેક આયામો પૈકીનું આ પ્રશંસારૂપી સાધન આપણે ન પ્રયોજીએ?
પ્રશંસા કરવામાં કંજૂસાઈ કરીને આપણે શું બચાવીશું? અને એમાં ઉદારતા દાખવવાથી શેનો વ્યય કરી બેસીશું? આ વિચારવા જેવી બાબત છે. કોઈનાં સારાં કાર્યની પ્રશંસા ન કરવી એ પણ એક પ્રકારનો અહમ્ જ છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




