Home Blog Page 80

સુવેન્દુના PAની હત્યામાં અભિષેકનો હાથ?

કોલકાતાઃ ભાજપ નેતા સુવેંદુ અધિકારીના PA ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ભાજપ નેતા અર્જુન સિંહે મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે આ હત્યા પાછળ અભિષેક બેનર્જીનો હાથ છે. તેમના જણાવ્યા મુજબ આ એક સુનિયોજિત હત્યા હતી, જેને કોઈ પ્રશિક્ષિત શૂટરે અંજામ આપી છે. ભાજપ નેતાએ કહ્યું હતું કે અભિષેક પાસે એવા કેટલાક પોલીસ કર્મચારીઓ છે, જે આવી કામગીરી કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર બન્યા બાદ અભિષેકની ધરપકડ થશે. અર્જુન સિંહે એવો પણ આક્ષેપ કર્યો કે હાલ પોલીસ તંત્રમાં હજુ પણ TMC સરકારના લોકો છે અને આ સ્થિતિ રાતોરાત બદલાઈ શકશે નહીં. તેથી નવી સરકારનું તાત્કાલિક ગઠન જરૂરી છે, જેથી હિંસા પર રોક લગાવી શકાય.

બુધવારે રાત્રે મધ્યમગ્રામમાં ગોળી મારી હત્યા

ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે મધ્યમગ્રામમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ રાત્રે લગભગ 10.30 વાગ્યે મધ્યમગ્રામના ડોલતલા વિસ્તારમાં રથની કાર રોકી અને નજીકથી ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા.

ભાજપના વરિષ્ઠ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે આ ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ પતનનું ઉદાહરણ છે. તેમના મતે વિધાનસભા ચૂંટણીમાં સત્તાથી બહાર થયેલી સરકારના સમયમાં આવી ઘટનાઓ વધી રહી છે.

 સુવેંદુએ તેને ‘સુનિયોજિત હત્યા’ ગણાવી

ભાજપના એક નેતાએ જણાવ્યું કે વિરોધ પક્ષના નેતા સાથે નજીકથી જોડાયેલા વ્યક્તિને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે. સુવેંદુ અધિકારીએ આ ઘટનાને “સુનિયોજિત હત્યા” ગણાવતાં આરોપ મૂક્યો હતો કે હુમલાખોરોએ ઉત્તર 24 પરગણા જિલ્લામાં હુમલો કરતાં પહેલાં રેકી કરી હતી. ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે આ હત્યાને રાજ્યમાં “રાજકારણના સંપૂર્ણ અપરાધીકરણ”નું ઉદાહરણ ગણાવ્યું હતું.

‘ગવર્નર’નું ટીઝર રિલીઝ, ભારતના સૌથી મોટા આર્થિક સંકટની વાર્તા મળશે જાણવા

બૉલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીની ‘ગવર્નર’ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની વાર્તા અને ટીઝરમાં શું ખાસ છે તે જાણો.

મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ગવર્નર’નું ટીઝર આજે રિલીઝ થયું. આ ફિલ્મ 1990ના દાયકાના ભારતના સૌથી મોટા આર્થિક સંકટ પર આધારિત છે. મનોજ બાજપેયી આ ફિલ્મમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નરની ભૂમિકા ભજવે છે. તેમનું પાત્ર તત્કાલીન RBI ગવર્નર એસ. વેંકટરામનના જીવનથી પ્રેરિત છે.

ટીઝરમાં શું છે?

મનોજ બાજપેયીના જન્મદિવસ પર તેનું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ ધ સાયલન્ટ સેવિયર ગવર્નર ખૂબ જ ચર્ચામાં છે. હવે, નિર્માતાઓએ એક શક્તિશાળી ટીઝર રિલીઝ કર્યું છે, જે ખૂબ જ રસપ્રદ લાગે છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે અને 1990 ના દાયકામાં ભારતના સૌથી મોટા આર્થિક મંદીની વાર્તા કહે છે.

મનોજ બાજપેયી આ ફિલ્મમાં પહેલી વાર આરબીઆઈ ગવર્નરની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં 1990ના દાયકાની વાર્તા દર્શાવવામાં આવી છે, જ્યારે દેશ આર્થિક સંકટમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ, એક આરબીઆઈ ગવર્નરે, એક શાંત તારણહારની ભૂમિકા ભજવીને, દેશને આ આર્થિક સંકટમાંથી બચાવ્યો હતો.

મનોજ બાજપેયી ઉપરાંત, ટીઝરમાં અદા શર્મા અને ફિલ્મના બાકીના કલાકારોની ઝલક પણ જોવા મળે છે. મનોજ બાજપેયીની ‘ગવર્નર’ 12 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

‘ગર્વનર’વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત છે અને મરાઠી સિનેમાના પાવરહાઉસ કલાકાર ચિન્મય માંડલેકર દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી મુખ્ય ભૂમિકામાં છે અને તેની સાથે અદા શર્મા પણ છે. વાર્તા સુવેન્દુ ભટ્ટાચાર્ય, સૌરભ ભરત, રવિ અસરાની અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં જાવેદ અખ્તરના શબ્દો અને અમિત ત્રિવેદીનું સંગીત છે.

ઓપરેશન સિંદૂર: PM મોદી અને મંત્રીઓએ બદલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ

ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પર વડા પ્રધાન મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમની પ્રોફાઇલ તસવીર બદલીને ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપી. ભારતીય સેનાએ તેને એક ચોક્કસ અને નિર્ણાયક કાર્યવાહી અને “રાષ્ટ્રીય સંકલ્પ”નું પ્રતીક ગણાવ્યું.

ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ પ્રધાનોએ સોશિયલ મીડિયા પર તેમની પ્રોફાઇલ તસવીર બદલીને ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપી. વડા પ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામ પર ઓપરેશન સિંદૂર સંબંધિત એક ખાસ ચિત્ર પોસ્ટ કરીને આ લશ્કરી કાર્યવાહીમાં સામેલ સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કર્યું. વડા પ્રધાનના આ પગલા બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકર, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સહિત અનેક નેતાઓએ પણ તેમની પ્રોફાઇલ તસવીર બદલીને ઓપરેશન સિંદૂરને શ્રદ્ધાંજલિ આપી.

ભારત આજે, 7 મેના રોજ ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. ગયા વર્ષે ભારતીય સશસ્ત્ર દળોએ આ લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

ભારતીય સેનાએ વર્ષગાંઠ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતનો પ્રતિભાવ ચોક્કસ, સંતુલિત અને નિર્ણાયક હતો.”અમે રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને તેના નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. ન્યાય થયો છે. જય હિંદ.” આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટરે ઓપરેશન સિંદૂરને રાષ્ટ્રીય સંકલ્પનું પ્રતીક ગણાવ્યું.

ભારતીય સેનાએ ખાસ વિડિઓ રજૂ કર્યો

સેનાએ આ પ્રસંગે એક ખાસ વિડિઓ પણ રજૂ કર્યો જેમાં ઓપરેશનની તૈયારીઓ વ્યૂહરચના અને આતંકવાદી સ્થળો પર કરવામાં આવેલા ચોક્કસ હુમલાઓ દર્શાવવામાં આવ્યા હતા. વિડિઓમાં વડા પ્રધાન મોદીનો કડક સંદેશ પણ શામેલ હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત દરેક આતંકવાદીને શોધશે અને સજા કરશે.

આ વીડિયોમાં વડા પ્રધાનનો બીજો સંદેશ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકતી નથી. આતંકવાદ અને વેપાર સાથે રહી શકતા નથી, અને પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી. આને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતના મક્કમ વલણ તરીકે જોવામાં આવ્યું હતું.

 

મમતા બેનરજીનું ચૂંટણી પરિણામોને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું એલાન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામોને લઈને નવી રાજકીય લડત શરૂ થઈ છે. TMCપ્રમુખ મમતા બેનર્જીએ ‘EVMમાં છેડછાડ’ અને હિંસા દ્વારા જનમત ‘ચોરી લેવામાં આવ્યો’ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે અને તેમની પાર્ટીએ જાહેરાત કરી છે કે વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.

મંગળવારે મમતા બેનર્જીએ રાજીનામું નહીં આપવાની વાત કરી હતી અને બુધવારે પણ તેઓ પોતાના આ વલણ પર અડગ રહ્યાં હતાં. ત્યાર બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલે રાજ્યપાલ આર. એન. રવિ સાથે મુલાકાત કરી અને ચૂંટણી પરિણામોની ગેઝેટ અધિસૂચના સોંપી હતી, જેને કારણે ભાજપને સરકાર બનાવવાના આમંત્રણ માટેનો માર્ગ સાફ થયો છે. ભાજપે રાજ્યમાં ભારે બહુમતી મેળવી છે અને 294માંથી 206 બેઠકો પર જીત મેળવી છે.

મનોજ કુમાર અગ્રવાલ ઉપરાંત રાજ્યપાલે મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલા સાથે પણ બેઠક કરી હતી. અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે ભારત ચૂંટણી પંચ (ECI) એ વિજેતા ઉમેદવારોની ગેઝેટ અધિસૂચના પ્રકાશિત કરી દીધી છે. હવે રાજ્યપાલ બંધારણીય જોગવાઈઓ અનુસાર તમામ નિર્ણયો લેશે.

 બંગાળમાં હવે શું શક્ય છે?

રાજભવનના એક વરિષ્ઠ અધિકારીએ બંધારણના કલમ 172નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ છઠ્ઠી મેની મધરાતે પૂર્ણ થતાં જ આપોઆપ વિઘટિત થઈ જશે. ત્યાર બાદ હાલની મંત્રી પરિષદ નવી સરકારના શપથગ્રહણ સુધી કેર ટેકર સરકાર તરીકે કાર્ય કરતી રહેશે.

અધિકારીએ વધુમાં કહ્યું હતું કે જો રાજ્યપાલ ઇચ્છે તો તેઓ હાલની સરકારને બદલીને નવી કેર ટેકર સરકારની નિમણૂક કરી શકે છે, પરંતુ નવી સરકારના મંત્રીઓને પણ શપથ લેવા પડશે. થોડા દિવસો માટે રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ થઈ શકે છે. વિધાનસભા વિઘટિત થયા બાદ રાજ્યપાલ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા આમંત્રિત કરશે. સૌથી મોટી પાર્ટીએ પોતાના વિધાનમંડળ દળના નેતાની પસંદગી કરવી પડશે.

West Bengal: ચંદ્રનાથ હત્યા કેસમાં અત્યાર સુધીમાં શું શું થયું?

પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયકની હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. પોલીસને શંકા છે કે આ કાવતરું છેલ્લા ત્રણથી ચાર દિવસથી ચાલી રહ્યું હતું, અને હુમલાખોરો તેમની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા હતા.

ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાની તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યાનું કાવતરું છેલ્લા ત્રણથી ચાર દિવસથી ઘડાઈ રહ્યું હતું અને હુમલાખોરો રથની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા હતા. આ સનસનાટીભરી ઘટનાએ રાજ્યની રાજકીય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

હુમલો કેવી રીતે થયો?
પોલીસ અને ભાજપ નેતાઓના જણાવ્યા અનુસાર, ચંદ્રનાથ રથ તેમની સફેદ સ્કોર્પિયો એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બાઇક પર સવાર હુમલાખોરોએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું. મધ્યમગ્રામના દોહરિયા વિસ્તારમાં પહોંચતાની સાથે જ હુમલાખોરોએ એસયુવીને ઘેરી લીધી અને નજીકથી ગોળીબાર શરૂ કરી દીધો.રથને છાતી અને પેટમાં અનેક ગોળીઓ વાગી હતી. ડ્રાઇવરને પણ ઇજા થઈ હતી. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરોએ ચંદ્રનાથ રથને મૃત જાહેર કર્યો હતો. બાદમાં, ડોકટરોએ પોલીસને જણાવ્યું હતું કે ગોળીઓ તેમના હૃદયને વીંધી ગઈ હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

પ્રોફેશનલ શૂટર્સની જેમ હુમલો કરવામાં આવ્યો

તપાસમાં સામેલ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ ચંદ્રનાથ રથને નિશાન બનાવ્યો હતો. જે ચોકસાઈથી ગોળીબાર કરવામાં આવ્યો હતો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે હત્યા વ્યાવસાયિક ગુનેગારો દ્વારા કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, રથ ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠો હતો, અને હુમલાખોરોએ સીધુ તેના પર જ નિશાન બનાવ્યું હતું. ગોળીબાર એટલો સચોટ હતો કે એક પણ ગોળી SUVના આગળના કાચ કે શરીર પર વાગી ન હતી. ડ્રાઇવરને ફક્ત એટલા માટે ઇજા થઈ હતી કારણ કે તે રથની ખૂબ નજીક હતો.

પોલીસને શંકા છે કે હુમલાખોરો ઘણા દિવસોથી રથની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. તેની હિલચાલ, માર્ગ અને સમય વિશે માહિતી એકત્રિત કર્યા પછી, હત્યા કાળજીપૂર્વક આયોજન સાથે કરવામાં આવી હતી.

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે હુમલો સંપૂર્ણપણે પૂર્વ-આયોજિત હોવાનું જણાય છે. તેમના કહેવા મુજબ, રથની કાર તેમની કારને પસાર કરી રહી હતી ત્યારે જ તે અચાનક રસ્તા પર બંધ થઈ ગઈ. મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિ કારની ડાબી બાજુએ આવ્યો અને નજીકથી ગોળીબાર કર્યો.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે હુમલાખોર એક તાલીમ પામેલો શૂટર દેખાયો. તેણે બે ગોળીબાર કર્યા અને તરત જ ભાગી ગયો. તેમણે કહ્યું કે આ ઘટના રાત્રે 10:30 થી 11:00 વાગ્યાની વચ્ચે બની હતી, અને હોસ્પિટલ ઘટનાસ્થળથી માત્ર 200-300 મીટર દૂર હતી. ગોળીબાર પછી, સ્થાનિક લોકોએ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા.

શંકાસ્પદ વાહન મળી આવ્યું, નંબર પ્લેટ નકલી હોવાનું જાણવા મળ્યું. તપાસમાં જાણવા મળ્યું કે વાહનની નંબર પ્લેટ સિલિગુડીમાં નોંધાયેલી બીજી કારની હતી. જ્યારે પોલીસે નંબર પ્લેટના મૂળ માલિક વિલિયમ જોસેફનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમની કાર સિલિગુડીમાં તેમના ઘરના ગેરેજમાં પાર્ક કરેલી હતી અને તેઓ ક્યારેય મધ્યમગ્રામ ગયા નહોતા.

પોલીસ અનેક પાસાંઓથી તપાસ કરી રહી છે
પોલીસ હવે આ હત્યાની અનેક પાસાંઓથી તપાસ કરી રહી છે. અધિકારીઓ માને છે કે આ માત્ર ગુનાહિત ઘટના નથી, પરંતુ રાજકીય દુશ્મનાવટ અથવા ચૂંટણી દુશ્મનાવટ પણ હોઈ શકે છે.

હુમલાખોરોને રાજ્ય છોડીને ભાગી ન જાય તે માટે સરહદી પોલીસ સ્ટેશનોને પણ સતર્ક કરવામાં આવ્યા છે. પોલીસને ડર છે કે હત્યા પછી આરોપીઓ બાંગ્લાદેશ સરહદ અથવા ઝારખંડ ભાગી જવાનો પ્રયાસ કરી શકે છે. હાલમાં, પોલીસ હુમલાખોરોને શોધવા માટે સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશન અને જપ્ત કરેલા કારતુસની તપાસ કરી રહી છે.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય
આ ઘટના એવા સમયે બની છે જ્યારે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી વિજય નોંધાવ્યો છે. પાર્ટીએ 294 બેઠકોમાંથી 207 બેઠકો જીતી હતી. ચંદ્રનાથ રથને સુવેન્દુ અધિકારીના વિશ્વાસુ સાથી માનવામાં આવતા હતા. તેમણે નંદીગ્રામ અને ભવાનીપુર બંનેમાં ચૂંટણી વ્યવસ્થાપનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યાં અધિકારીએ જીત મેળવી હતી. તેમણે ભવાનીપુર બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને પણ હરાવ્યા હતા.

રિસોર્ટ રાજકારણઃ AIDMKએ વિધાનસભ્યોને પુડુચેરી શિફ્ટ કર્યા

ચેન્નઈઃ તામિલનાડુમાં રાજકીય હલચલ તેજ બની છે. TVK પ્રમુખ વિજય સરકાર બનાવવાની તૈયારીમાં છે, ત્યારે AIADMKએ પોતાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને પડોશી રાજ્ય પુડુચેરીમાં ખસેડ્યા છે, એમ પાર્ટીએ બુધવારે આ માહિતી આપી હતી. આ પહેલાં TVKએ પોતાના ધારાસભ્યોને ચેન્નઈની બહાર આવેલા એક હોટેલમાં રાખ્યા હતા. AIADMKના પ્રવક્તા કોવાઈ સત્યને જણાવ્યું કે પાર્ટીના ધારાસભ્યોને પુડુચેરીમાં રોકવામાં આવ્યા છે, પરંતુ કેટલા ધારાસભ્યોને ત્યાં મોકલવામાં આવ્યા છે અથવા આ નિર્ણય પાછળનું કારણ શું છે તેની માહિતી આપવામાં આવી નથી.

એડપ્પાડી કે. પલાનીસ્વામીની આગેવાની હેઠળની AIADMK વિજયની આગેવાનીવાળી TVKને સરકાર બનાવવા માટે નિશર્ત સમર્થન આપવા તૈયાર હતી અને બંને પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ બુધવારે બપોર પછી TVK તરફથી લાંબા સમય સુધી કોઈ પ્રતિસાદ ન મળતાં AIADMKએ પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હતો. પાર્ટીના નેતાઓએ DMK સાથે ગઠબંધનની કોઈ પણ શક્યતા પણ નકારી કાઢી હતી. AIADMK અને TVK વચ્ચે મંગળવારે વહેલી સવારે ચર્ચા શરૂ થઈ હતી. TVK બહુમતી મેળવવામાં નિષ્ફળ રહેતાં ચૂંટણી પછી સંભવિત સમજૂતી માટે વરિષ્ઠ નેતાઓ ચર્ચા કરી રહ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યા હતું.

પલાનીસ્વામીના નજીકના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે અમે સ્થિર સરકાર માટે નિશર્ત સમર્થન આપ્યું હતું. પરસ્પર સન્માનની શરતે કોઈ પણ ચર્ચા માટે અમે તૈયાર હતા. પરંતુ બુધવાર બપોરથી TVK તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. બંને પક્ષો વચ્ચેની ચર્ચા બુધવારે બપોરે અચાનક બંધ થઈ ગઈ હતી.

કોંગ્રેસે TVKને શરતી સમર્થન આપતાં અને તેને બંધારણમાં વિશ્વાસ ન ધરાવતી સાંપ્રદાયિક શક્તિઓથી દૂર રહેવાની સલાહ આપ્યા બાદ જ આ સમગ્ર રાજકીય ઘટનાઓ ઝડપથી આગળ વધી હતી. AIADMKના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વિજય કોઈ જવાબ આપી રહ્યા નથી. તેમણે અમારું અપમાન કર્યું છે. અમારા સ્વૈચ્છિક સમર્થન પર યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. તેથી અમે ચર્ચા રદ કરી છે. હવે અમારે અમારા નેતાઓને એકજૂટ રાખવા પડશે અને રાજકીય અનુભવ બતાવવો પડશે.

કબીરવાણી: અસ્થાયી જીવન અને અહંકારનો ભ્રમ

 

પાણી કેરા બુદબુદા, ઈસ માનુષ કી જાત,

દેખત હી છિપ જાયેંગેં, જ્યોં તારા પ્રભાત.

 

કબીરજીની અતિ પ્રસિદ્ધ સાખીઓમાંની આ સાખી મનુષ્યની અલ્પજીવી પ્રકૃતિને સરળ અને સહજ રીતે રજૂ કરે છે. સાખીની બે ઉપમાઓનું અનુસંધાન પણ અદ્ભુત રીતે વાસ્તવિકતાને કવિતાની ગરિમા બક્ષે છે.

સાબુના ફીણ કે પાણીના પરપોટા ઉડાડી રમત કરતાં નિર્દોષ બાળકો ઘટન અને વિઘટન, સર્જન અને વિસર્જનની કેવી મઝા માણતા હોય છે.

માનવી તો વિસર્જનને વિનાશ ધારીને હેબતાઈ જાય છે. ઘોર અંધારી રાત્રે લાખો તારા ચમકતા હોય છે. નભની છાબ તારારૂપી ફૂલોથી સજી હોય છે. આ ટમટમતાં તારાને પરોઢ સુધી નિહાળ્યા હોય પરંતુ જેવો સૂર્યનો ઉજાસ ક્ષિતિજ ઉપર પ્રગટે છે કે તારાઓ અચાનક જ ગાયબ થઈ જાય છે. સમગ્ર આકાશમાં જે પરિવર્તન થાય છે તે એટલું વ્યાપક છે કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ.

આવી અસ્થાયી સ્થિતિમાં આપણે શા માટે અહંકાર કરીએ છીએ. આપણે જીવનને ત્યારે જ માણી શકીએ કે જ્યારે તેનું સાચું મૂલ્ય સમજી શકીએ. યોગ અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા સાચો માર્ગ સૂઝે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

સાચી કસોટી સફળતા નહીં, નિષ્ફળતા છે…

થોડા સમય પહેલાં, દિલ્હીના મારા એક પરમ સ્નેહી અને હું એક કાર્યક્રમમાં એકસાથે સ્ટેજ પર હતા. આ સ્નેહી એક બહુ જ મોટી અને પ્રખ્યાત મલ્ટિનેશનલ કંપનીમાં ટોચના હોદ્દા પર છે. એમનું વાર્ષિક પેકેજ આશરે 20 કરોડ રૂપિયા છે. એમને કંપનીના કામસર દેશ કે દુનિયામાં ક્યાંય પણ જવું હોય તો એ કંપનીના પ્રાઈવેટ જૅટમાં પ્રવાસ કરે છે.

કાર્યક્રમ શરૂ થવામાં હજી થોડો સમય હતો એટલે અમે વાતે વળગ્યા. મેં એમને પૂછ્યું કે, “તમે જ્યારે મોટાં પૅકેજ આપીને યુવાનોને હાયર કરો છો તો તેમની કઈ ખાસિયતો જુઓ છો? અને આવા લોકોના ઈન્ટરવ્યુ કોણ લે છે ને એમાં શું પૂછવામાં આવે છે?”

સસ્મિત વદને એમણે મને જવાબ આપ્યોઃ “રસપ્રદ સવાલ છે, સ્વામી. તમારા બીજા સવાલનો જવાબ પહેલા આપું. સામાન્ય રીતે આવા ઉમેદવારોના ઈન્ટરવ્યુ કંપનીના માલિક, બોર્ડ ઑફ ડિરેક્ટર્સ અથવા મુખ્ય સ્ટેકહોલ્ડર્સ લેતા હોય છે.”

“અને ઈન્ટરવ્યુમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછો છો?”

એ કહે:

“આવા ઉમેદવારો અત્યંત ભણેલાગણેલા, ક્વૉલિફાઈડ હોય છે એટલે એમની ટેક્નિકલ આવડતો કે વહીવટી આવડતો વિશે અમને ચિંતા જ હોતી નથી. અમારી વાત કરું તો, અમે એક મહત્વનો પ્રશ્ન પૂછીએ છીએ: ‘તમારી જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા કઈ? અને એ નિષ્ફળતાનો સામનો તમે કેવી રીતે કર્યો?’ એમને આ વિશે વિગતવાર બોલવા માટે અડધો કલાક આપવામાં આવે છે.”

મારો એ પછીનો સવાલ હતોઃ “આવો પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ શું છે?”

સ્નેહીનો જવાબઃ “મુશ્કેલ સમયનો સામનો કરવાની ઉમેદવારની ક્ષમતા માપવી.”

હા. સફળતા જીવનને સરળ બનાવે છે, પરંતુ નિષ્ફળતા તેને હચમચાવી દે છે. એટલા માટે જ ઘણા લોકો નિષ્ફળતા સહન કરી શકતા નથી.

જ્યારે જીવન અણગમતું લાગે, ત્યારે પોતાને પૂછવું જોઈએ:

“આવું થવું જોઈતું નહોતું, પરંતુ હવે થઈ ગયું છે તો એને કેવી રીતે સ્વીકારું? બીજા શબ્દોમાં આ કપરા સંજોગનો સામનો કેવી રીતે કરું?”

જેમ વરસાદ અટકાવી શકાતો નથી, તેમ નિષ્ફળતા પણ અટકાવી શકાતી નથી. ધોધમાર વરસાદમાં જો ભીંજાવું ન હોય તો છત્રી સાથે રાખવી પડે. જીવનનું પણ આવું જ છે.

વર્ષો પહેલાં, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લંડનના હેરો વિસ્તારમાં શિખરબદ્ધ મંદિર બનાવવા મોટી જમીન ખરીદી, પરંતુ આસપાસના રહેવાસીઓએ મંદિરનો વિરોધ કર્યો. એમને લાગ્યું કે અહીં મંદિર બનશે તો એમની શાંતિનો ભંગ થશે. કાયદેસર પ્રક્રિયા મુજબ તે વિસ્તારના કેટલા લોકો મંદિર-નિર્માણના પક્ષમાં છે અને, કેટલા વિરોધમાં છે તે જાણવા માટે સહી ઝુંબેશ શરૂ થઈ, જેમાં વિરોધીઓની સંખ્યા વધુ નીકળી.

આથી કોર્ટનો નિર્ણય આવ્યો: હેરોમાં મંદિર નહીં બની શકે.

ચુકાદો આવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજ વડોદરામાં હતા. એમને ફોન આવ્યો: “સ્વામી, ખરાબ સમાચાર છે. હેરોમાં આપણે મંદિર નહીં બાંધી શકીએ.”

સમાચાર સાંભળીને પણ સ્વામીજી અડગ રહ્યા. તેમણે માત્ર ત્રણ વાક્યો કહ્યા:

  1. “આ ભગવાનની ઇચ્છા છે.” 2. “આપણે પૂરો પ્રયત્ન કર્યો, હવે ભગવાનની ઈચ્છા સ્વીકારી લઈએ.” 3. “લંડનમાં મંદિર બનાવવાનું નક્કી કર્યું છે એટલે બનાવીશું જ. હવે, બીજી જગ્યા શોધો.”

તે પછી શું થયું એ આપણે જાણીએ જ છીએ. લંડનના નીઝડન વિસ્તારમાં ભવ્ય મંદિર ઊભું થયું. મહાન લોકો આમ જ કરે છે. જો તમે પણ તેમની જેમ વિચારો, તો તમે ક્યારેય નિરાશ નહીં થાઓ. એક સરળ મંત્ર યાદ રાખો:

જીવનમાં કંઈ સારું બને તો એનો આનંદ માણો. ખરાબ થાય તો એમાંથી શીખો, કેમ કે દરેક નિષ્ફળતા એક પાઠ લઈને આવે છે અને દરેક ઘટના પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે. જો આ દષ્ટિકોણ રાખશો તો ગમે તેવા સંજોગોમાં તમે ખુશ રહી શકશો અને સફળતા સુધી પહોંચશો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સુવિચાર – ૦૭ મે ૨૦૨૬

૦૭ મે ૨૦૨૬