
બંગાળમાં શુભેન્દુ અધિકારીના નજીકના સાથીની ગોળી મારી હત્યા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાએ વધુ એક ભયાનક વળાંક લીધો છે. બુધવારની મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના સાથી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના મધ્યગ્રામ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. હુમલાખોરોએ ચંદ્રનાથની કારને અધવચ્ચે રોકીને તેના પર ચાર રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.

પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રનાથ રથ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે અન્ય એક વાહને તેમનો પીછો કર્યો હતો. હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઈલમાં કારને ઓવરટેક કરીને રસ્તો રોક્યો અને તક મળતા જ તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો. ચંદ્રનાથને છાતી અને માથાના ભાગે ગોળીઓ વાગી હતી, જ્યારે તેમના ડ્રાઈવર પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા જ શુભેન્દુ અધિકારી પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા અને ચંદ્રનાથના અવસાનની પુષ્ટિ કરી હતી. આ હત્યાને ૨૦૨૬ની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ થઈ રહેલી રાજકીય હિંસા સાથે જોડવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપે ૨૯૪માંથી ૨૦૭ બેઠકો જીતીને મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત આણ્યો છે. શુભેન્દુ અધિકારીએ પોતે મમતા બેનર્જીને તેમના ગઢ ગણાતા ભવાનીપુરમાં પરાજય આપ્યો છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે ચૂંટણીમાં કારમી હારથી લઘુતાગ્રંથિ અનુભવતી તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે હિંસાનો સહારો લઈ રહી છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે આ હત્યા પાછળ TMC ના ગુંડાઓનો હાથ છે. બીજી તરફ, સાઉથ ૨૪ પરગણાના કેનિંગ અને નારાયણપુર જેવા વિસ્તારોમાં પણ હિંસાના અહેવાલો છે, જ્યાં પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
SRH vs PBKS : હૈદરાબાદે પંજાબને હરાવ્યું, ટેબલ ટોપર બન્યું
IPL 2026 ની 49મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ પંજાબ કિંગ્સ (PBKS) ને 33 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. બુધવારે રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 235 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 202 રન જ બનાવી શકી હતી. પંજાબ માટે કૂપર કોનલીએ શાનદાર સદી ફટકારી હોવા છતાં તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો પંજાબનો નિર્ણય હૈદરાબાદના બેટ્સમેનોએ ખોટો સાબિત કર્યો હતો. હૈદરાબાદની શરૂઆત તોફાની રહી હતી; અભિષેક શર્માએ માત્ર 13 બોલમાં 4 છગ્ગા સાથે 35 રન ફટકારીને પાયો નાખ્યો હતો. ઓપનર ટ્રેવિસ હેડે 38 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ ઈશાન કિશન અને હેનરિક ક્લાસેનનો દબદબો જોવા મળ્યો હતો. ઈશાન કિશને આક્રમક અર્ધસદી (55 રન) ફટકારી હતી, જ્યારે ક્લાસેને માત્ર 43 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ આક્રમક બેટિંગના દમ પર હૈદરાબાદે 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા.

236 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ અને અય્યર સસ્તામાં આઉટ થઈ જતા પંજાબની ઇનિંગ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. માર્કસ સ્ટોઈનિસ અને સુયષે રન ગતિ જાળવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ લાંબુ ટકી શક્યા નહીં. જોકે, એક છેડે કૂપર કોનલીએ હૈદરાબાદના બોલરો પર આક્રમણ ચાલુ રાખ્યું હતું. કોનલીએ માત્ર 59 બોલમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ 107 રન બનાવ્યા હતા, પરંતુ સામે છેડે યોગ્ય સાથ ન મળતા પંજાબ 202 રન સુધી જ પહોંચી શક્યું હતું.
આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ હવે 11 મેચમાં 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. બીજી તરફ, સિઝનની શરૂઆતમાં અજેય જણાતી પંજાબ કિંગ્સની ટીમ હવે સતત હારનો સામનો કરી રહી છે અને 10 મેચમાં 13 પોઈન્ટ સાથે બીજા ક્રમે સરકી ગઈ છે. હૈદરાબાદની આ જીતે પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવી દીધી છે.
તમિલનાડુમાં સત્તાનો પેચ ફસાયો: વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો
તમિલનાડુમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પણ થલપતિ વિજય માટે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચવાનો માર્ગ કાંટાળો સાબિત થઈ રહ્યો છે. ગુરુવારે, 7 May ના રોજ યોજાનારો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજય પાસે 118 ધારાસભ્યોના સમર્થન પત્રોની માંગ કરી છે, જે આંકડો મેળવવામાં TVK અત્યારે નિષ્ફળ રહી છે. પરિણામે, રાજધાની ચેન્નાઈમાં શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે હવે રાજકીય ખેંચતાણ તેજ બની છે.

તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં એક નવો અધ્યાય લખવા જઈ રહેલા સુપરસ્ટાર વિજયને અત્યારે બંધારણીય પ્રક્રિયાઓના અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પરિણામોમાં વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) એ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ સત્તાના જાદુઈ આંકડા 118 થી તે હજુ પણ 10 બેઠક દૂર છે. વિજયે આશા વ્યક્ત કરી હતી કે 7 May ના રોજ તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લેખિતમાં બહુમતીનું સમર્થન રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી સરકાર બનાવવાની મંજૂરી આપી શકાય નહીં.
રાજ ભવનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિજયે મંગળવારે અને બુધવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો. વિજયે દાવો કર્યો હતો કે તેમની પાસે જરૂરી સમર્થન છે, પરંતુ જ્યારે રાજ્યપાલે દરેક ધારાસભ્યના વ્યક્તિગત સમર્થન પત્રોની માંગ કરી ત્યારે TVK પૂરતા દસ્તાવેજો રજૂ કરી શકી ન હતી. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ જાહેર મંચ પરથી વિજયને ટેકો આપવાની વાત કરી છે, છતાં પણ આ આંકડો 113 પર જ અટકી જાય છે. હજુ પણ 5 ધારાસભ્યોનું સમર્થન મેળવવું વિજય માટે અનિવાર્ય છે.
આ રાજકીય ગડમથલ વચ્ચે એવી પણ ચર્ચા છે કે વિજય અત્યારે અપક્ષ ધારાસભ્યો અને અન્ય નાના પ્રાદેશિક પક્ષો સાથે સઘન ચર્ચા કરી રહ્યા છે. ખાસ કરીને VCK અને ડાબેરી પક્ષોના વલણ પર સૌની નજર છે. જોકે, DMK અને AIADMK ના સંભવિત ગઠબંધનની અટકળોએ વિજયની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જો આ બંને પક્ષો સાથે મળીને અન્ય નાના પક્ષોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહે, તો વિજય માટે સરકાર બનાવવી અશક્ય બની શકે છે. આ જ કારણ છે કે રાજ્યપાલે ઉતાવળમાં શપથ લેવડાવવાને બદલે વિજયને બહુમતી સાબિત કરવા માટે વધુ 1 થી 2 દિવસનો સમય આપ્યો છે.
હવામાનમાં મોટો ફેરફાર: આવતા અઠવાડિયે ફરી આકરા તેવર બતાવશે કુદરત
ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, આવનારા અઠવાડિયે ભારતના હવામાનમાં અનેક મોટા ઉલટફેર જોવા મળવાના છે. એક તરફ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ પશ્ચિમ રાજસ્થાનમાં કાળઝાળ ગરમી અને હીટવેવ (લૂ) નો પ્રકોપ વધવાની ચેતવણી આપવામાં આવી છે. IMD ના જણાવ્યા અનુસાર, 10 થી 12 મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે. કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આગામી 6 થી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં કેરળના કેટલાક ભાગોમાં 11 થી 20 સેન્ટિમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વોત્તર ભારતમાં અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ વ્યાપક વરસાદ અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદી માહોલને કારણે ગરમીમાંથી થોડી રાહત મળશે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા ઉમસનો અનુભવ થશે.

ગરમીના મોરચે વાત કરીએ તો, દેશના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. તેલંગાણા, રાયલસીમા અને મહારાષ્ટ્રના વિદર્ભમાં ગરમીનું જોર વધ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રના વર્ધામાં દેશનું સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મૌસમ વિભાગના મતે 9 થી 11 મે દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં ભીષણ લૂ ફૂંકાશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ગોવા-કોંકણમાં પણ અસહ્ય ગરમી અને બફારાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
દિલ્હી-NCR ના હવામાનની વાત કરીએ તો, તાજેતરમાં થયેલી કરા અને વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને હવા પણ શુદ્ધ નોંધાઈ હતી. જોકે, 9 મે સુધીમાં અહીં તાપમાન ફરી વધીને 38 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ આગામી 7 દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને 6 મેના રોજ બિહારમાં કેટલીક જગ્યાએ કરા પડી શકે છે, જ્યારે પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારોમાં 9 મેના રોજ 60 થી 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે.
ચૂંટણી પરિણામ બાદ સંજય રાઉતનું મમતા દીદીને સમર્થન…જાણો શું કહ્યું?
પશ્ચિમ બંગાળમાં હાર છતાં, મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કરીને લડાઈને લોકશાહી વિરુદ્ધ સરમુખત્યારશાહીની લડાઈમાં ફેરવી દીધી છે. શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે દીદીના નિર્ણયને ટેકો આપ્યો છે.જાણો સંજય રાઉતે શું કહ્યું?

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે. શિવસેના-યુબીટી નેતા સંજય રાઉતે રાજીનામું ન આપવાના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્ણયને જોરદાર ટેકો આપ્યો છે. રાઉતે કહ્યું કે મમતા બેનર્જીનું આ પગલું કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચના કાર્યપદ્ધતિ સામે નોંધપાત્ર વિરોધ દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે આ ફક્ત સત્તાની લાલસા નથી, પરંતુ લોકશાહી બચાવવાની લડાઈ છે.
રાઉતે ચૂંટણી પંચ પર તાનાશાહીનો આરોપ લગાવ્યો. સંજય રાઉતે કહ્યું કે કેન્દ્ર સરકારની તાનાશાહી અને ચૂંટણી પંચના પક્ષપાતી વર્તન સામે દેશે એક થવું હવે અનિવાર્ય છે. તેમણે ચૂંટણી પંચની ખૂબ જ કઠોર શબ્દોમાં ટીકા કરી. રાઉતે આરોપ લગાવ્યો કે ચૂંટણી સંસ્થા હવે સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની આધીન બની ગઈ છે. તેમણે વિપક્ષી પક્ષોને ભવિષ્યની ચૂંટણી લડવી કે નહીં તે નક્કી કરવા હાકલ કરી.
આ કોઈ જનાદેશ નથી, એક ઊંડું ષડયંત્ર છે: મમતા બેનર્જી
મંગળવારે મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. તેમણે બંગાળ ચૂંટણી પરિણામોને લોકોના ચુકાદા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બેનર્જીએ દાવો કર્યો હતો કે ષડયંત્રના ભાગ રૂપે ટીએમસીનો પરાજય થયો હતો. ભાજપે 294 સભ્યોની વિધાનસભામાં 207 બેઠકો જીતી હતી, જ્યારે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. મમતાએ કહ્યું કે તેમની લડાઈ ભાજપ સાથે નહીં, પરંતુ પક્ષપાતી ચૂંટણી પંચ સાથે છે.
મહારાષ્ટ્રમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરતા
રાઉતે મમતાના નિર્ણયને યોગ્ય ઠેરવવા માટે 2022ના મહારાષ્ટ્ર રાજકીય સંકટનો ઉલ્લેખ કર્યો. તેમણે યાદ કર્યું કે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે જો ઉદ્ધવ ઠાકરે રાજીનામું ન આપ્યું હોત, તો તેમની સરકાર પુનઃસ્થાપિત થઈ શકી હોત. રાઉતે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ ફોન કરીને મમતા બેનર્જીને ટેકો આપ્યો હતો. ઓલ ઈન્ડિયા એલાયન્સના લગભગ તમામ ટોચના નેતાઓએ મમતા બેનર્જી સાથે એકતા વ્યક્ત કરી છે.
ઇરાન યુદ્ધ ખતમ થવાના અહેવાલે સેન્સેક્સમાં 941 પોઇન્ટનો ઉછાળો
અમદાવાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની દિશામાં લગભગ સહમતી બનવાના સમાચારની સીધી અસર ક્રૂડ ઓઈલ પર જોવા મળી હતી. જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે છ ટકા જેટલો ઘટાડો થયો હતો. ક્રૂડના ભાવ ઘટતાં જ ભારતીય બજારોમાં ફરી લેવાલી જોવા મળી હતી. ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે સસ્તું ક્રૂડ મોટી રાહત માનવામાં આવે છે, કારણ કે તે મોંઘવારી ઘટાડે છે, કંપનીઓના ખર્ચમાં કાપ લાવે છે અને અર્થતંત્રને સહારો આપે છે. રોકાણકારોની સંપત્તિમાં છ લાખ કરોડનો વધારો થયો હતો.
BSE સેન્સેક્સ 941 પોઇન્ટ વધીને 77,959 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 298 પોઇન્ટ ઊછળી 24,331ના પાર પહોંચી ગયો હતો. આજે સૌથી વધુ તેજી બેન્કિંગ શેરોમાં જોવા મળી હતી. બેંક નિફ્ટી 1434 અંકના જંગી ઉછાળા સાથે 55,981 પર બંધ થયો. ભારતી એરટેલ, ફાઇનાન્શિયલ શેરો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બજારને ઉપર ખેંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાએ પણ બજારમાં નવું જોમ ભર્યું હતું. બ્રેન્ટ ક્રૂડ 102 ડોલર પ્રતિ બેરલથી નીચે સરકી ગયો હતો. મિડકેપ શેરોમાં તો જાણે ઉત્સવ જેવો માહોલ રહ્યો. કોફોર્જે સારા ત્રિમાસિક પરિણામોને આધારે 10 ટકાનો ઉછાળો નોંધાવ્યો. વોકહાર્ટમાં સતત બીજા દિવસે જોરદાર ખરીદી જોવા મળી અને શેર 13 ટકા ચઢ્યો. ફર્સ્ટસોર્સ 12 ટકા અને અરવિંદ ફેશન 10 ટકા વધ્યા હતા.

બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાથી બજારમાં તેજી આવી છે. ચીનની કૂટનીતિનો પણ લાભ થયો છે. મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાની આશાથી ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જોકે અનિશ્ચિતતા હજુ પણ યથાવત્ છે. બીજી તરફ, અમેરિકામાં AI કંપનીઓના વધતા નફાની સકારાત્મક અસર બજારો પર પડી છે. ભારતમાં ચૂંટણી પરિણામો અને ECLGS 5.0ને મંજૂરી મળવાથી સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.
BSE પર કુલ 4437 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 3825 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 505 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 99 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 70 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 198 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 15 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 23 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
મોટા પાયે મૂડીરોકાણ આકર્ષવા માટે ઓડિશા CM ગુજરાતની મુલાકાતે
અમદાવાદઃ ઓડિશાના CM મોહન ચરણ માંઝી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં મોટા મૂડીરોકાણને આકર્ષિક કરવાનો અને ઓદ્યૌગિક વિકાસને વેગ આપવાનો છો. તેઓ આ દરમ્યાન વિવિધ ઉદ્યોગપતિઓ અને વેપારી સંગઠનો સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે.
ગુજરાતે ભારતના પશ્ચિમ ભાગને ગતિ આપી છે. હવે ઓડિશા ભારતના પૂર્વ ભાગને શક્તિ આપવા તૈયાર છે—અમે વ્યાપકતા, ઝડપ અને આગામી વિકાસના મંચ સુધી વ્યૂહાત્મક પહોંચ પ્રદાન કરીએ છીએ. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધતા ઉદ્યોગો માટે ઓડિશા માત્ર તક નહીં, પરંતુ લાંબા ગાળાનો સ્પર્ધાત્મક લાભ છે. આ મજબૂત અને આગાહીભર્યા સંદેશ સાથે ઓડિશાના CM મોહન ચરણ માંઝીએ અમદાવાદમાં યોજાયેલા ઓડિશા ઇન્વેસ્ટર્સ મીટ રોડશો દરમિયાન સંબોધન કરતાં જણાવ્યું હતું..
મુખ્ય મંત્રીના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે ઉદ્યોગપતિઓ, વેપારી સંસ્થાઓ અને સંસ્થાગત હિતધારકોની મોટી હાજરી જોવા મળી હતી, જે ઓડિશાની વિકસતી ઔદ્યોગિક વ્યવસ્થામાં વધતા વિશ્વાસને દર્શાવે છે. 500થી વધુ ઉપસ્થિતોને સંબોધતાં મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતના આગામી આર્થિક વિકાસનો તબક્કો પૂર્વીય ભારતના ઉદય સાથે વધુ મજબૂત અને સંતુલિત બનશે, જેમાં ઓડિશા કેન્દ્રસ્થાને રહેશે. “અમે સ્પષ્ટ સંદેશ સાથે આવ્યા છીએ—ઓડિશા દેશના ઔદ્યોગિક વિકાસના આગામી અધ્યાય માટે તૈયાર છે. અમે ઉદ્યોગોને આમંત્રિત કરીએ છીએ કે તેઓ અમારી સાથે સંશોધન, મૂડીરોકાણ અને વિકાસ કરે, એમ તેમણે કહ્યું હતું.
તેમની સાથે પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ મંત્રી સંપદ ચંદ્ર સ્વૈન, મુખ્ય સચિવ અનુ ગર્ગ, ACS ઇન્ડસ્ટ્રીઝ, હોમ અને I&PR) હેમંત શર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. આ રોડશોમાં કેન્દ્રિત ચર્ચાઓ અને બે સેક્ટરલ રાઉન્ડટેબલ—ખાસ કરીને ટેક્સટાઇલ રાઉન્ડટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગ નેતાઓ સાથે સીધી વાતચીત થઈ. મુખ્ય મંત્રીએ 26 એક-ટુ-વન મીટિંગ્સનું અધ્યક્ષસ્થાન પણ કર્યું, જે રોકાણકારોને કેન્દ્રમાં રાખી કામગીરી કરવાની રાજ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણની ચર્ચાઓ થઈ, જે ઓડિશાની વધતી ક્ષમતાઓને ઉજાગર કરે છે.
ટેક્સટાઇલ ક્ષેત્રમાં ખાસ કરીને મુખ્યમંત્રીએ ઓડિશા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને પર પ્રકાશ પણ ફેંક્યો હતો. પુરીમાં ભગવાન જગન્નાથની પવિત્ર ભૂમિથી લઈને ગુજરાતના દ્વારકા સુધી અમારાં રાજ્યો વચ્ચે સદીઓથી સાંસ્કૃતિક જોડાણ છે. ગુજરાત લાંબા સમયથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં આગેવાન રહ્યું છે, અને ઓડિશા પણ હવે મજબૂત નીતિઓ, કુશળ માનવબળ અને સહાયક પરિસ્થિતિ સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
જો આ મુલાકાત સફળ રહી તો ઓડિશામાં મોટા પાયે ઉદ્યોગોની સ્થાપના થવાની શક્યતા છે, જેથી રોજગાર અને આર્થિક વિકાસને નવી દિશા મળશે.





