કેરીના ગુલાબજાંબુ પણ બને છે! કેરીની સિઝન પૂરી થાય તે પહેલાં બનાવી જુઓ!
સામગ્રીઃ પાકી કેરી 1 નંગ, ઝીણો રવો ½ કપ, ઘી ½ ટી.સ્પૂન, દૂધ ½ કપ, મિલ્ક પાઉડર 2 ટે.સ્પૂન, તેલ, સાકર ½ કપ,
રીતઃ કેરીને છોલીને ટુકડા મિક્સીમાં પીસીને પલ્પ તૈયાર કરી લો.
ગેસ ઉપર કઢાઈમાં ½ ટી.સ્પૂન ઘી લઈ તેમાં રવો શેકી લો. હવે તેમાં ½ કપ દૂધ ઉમેરીને ચમચા વડે સતત હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં કેરીનો પલ્પ ઉમેરી દો. ફરીથી મિશ્રણ ઢીલું થયું હશે. તેથી આ મિશ્રણને ચમચા વડે ચારવતા રહો. જેવું મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને એક થાળીમાં કાઢી લઈ ઠંડું થવા દો.
ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી દો. હાથમાં ઘી લગાડીને આ મિશ્રણમાંથી ગોળા વાળી લો.
કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ સરસ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ કરીને તેમાં ગુલાબજાંબુ માટે તૈયાર કરેલા ગોળા ગુલાબી સોનેરી રંગના તળી લો.
ચાસણી માટે એક તપેલીમાં સાકર લઈ તેમાં 1 કપ પાણી રેડીને ગરમ કરવા મૂકો. સાકર ઓગળીને પાણી ઉકળવા આવે અને સહેજ ચિપચિપું થાય એટલે એલચી પાઉડર મેળવીને ગેસ બંધ કરી દો. ચાસણી સહેજ ઠંડી થાય એટલે ઠંડા થયેલા તળેલા ગુલાબજાંબુ તેમાં મેળવીને 10 મિનિટ બાદ વાસણ ફ્રીજમાં મૂકીને કેરીના ગુલાબજાંબુ ઠંડા કરી લીધા બાદ ખાવા માટે પીરસો.







