મમતા બેનરજીનું ચૂંટણી પરિણામોને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું એલાન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામોને લઈને નવી રાજકીય લડત શરૂ થઈ છે. TMCપ્રમુખ મમતા બેનર્જીએ ‘EVMમાં છેડછાડ’ અને હિંસા દ્વારા જનમત ‘ચોરી લેવામાં આવ્યો’ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે અને તેમની પાર્ટીએ જાહેરાત કરી છે કે વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.

મંગળવારે મમતા બેનર્જીએ રાજીનામું નહીં આપવાની વાત કરી હતી અને બુધવારે પણ તેઓ પોતાના આ વલણ પર અડગ રહ્યાં હતાં. ત્યાર બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલે રાજ્યપાલ આર. એન. રવિ સાથે મુલાકાત કરી અને ચૂંટણી પરિણામોની ગેઝેટ અધિસૂચના સોંપી હતી, જેને કારણે ભાજપને સરકાર બનાવવાના આમંત્રણ માટેનો માર્ગ સાફ થયો છે. ભાજપે રાજ્યમાં ભારે બહુમતી મેળવી છે અને 294માંથી 206 બેઠકો પર જીત મેળવી છે.

મનોજ કુમાર અગ્રવાલ ઉપરાંત રાજ્યપાલે મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલા સાથે પણ બેઠક કરી હતી. અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે ભારત ચૂંટણી પંચ (ECI) એ વિજેતા ઉમેદવારોની ગેઝેટ અધિસૂચના પ્રકાશિત કરી દીધી છે. હવે રાજ્યપાલ બંધારણીય જોગવાઈઓ અનુસાર તમામ નિર્ણયો લેશે.

 બંગાળમાં હવે શું શક્ય છે?

રાજભવનના એક વરિષ્ઠ અધિકારીએ બંધારણના કલમ 172નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ છઠ્ઠી મેની મધરાતે પૂર્ણ થતાં જ આપોઆપ વિઘટિત થઈ જશે. ત્યાર બાદ હાલની મંત્રી પરિષદ નવી સરકારના શપથગ્રહણ સુધી કેર ટેકર સરકાર તરીકે કાર્ય કરતી રહેશે.

અધિકારીએ વધુમાં કહ્યું હતું કે જો રાજ્યપાલ ઇચ્છે તો તેઓ હાલની સરકારને બદલીને નવી કેર ટેકર સરકારની નિમણૂક કરી શકે છે, પરંતુ નવી સરકારના મંત્રીઓને પણ શપથ લેવા પડશે. થોડા દિવસો માટે રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ થઈ શકે છે. વિધાનસભા વિઘટિત થયા બાદ રાજ્યપાલ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા આમંત્રિત કરશે. સૌથી મોટી પાર્ટીએ પોતાના વિધાનમંડળ દળના નેતાની પસંદગી કરવી પડશે.