મુંબઈ: સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું, એવા લોકપ્રિય સાહિત્યકારની સ્મૃતિમાં સ્થપાયેલું હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ વર્ષ ૨૦૦૫થી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરે છે.
વર્ષ ૨૦૨૪ માટે કુલ ત્રણ વિભાગમાં આ પારિતોષિક જાહેર કરવામાં આવે છે. સાહિત્ય વિભાગમાં રાજકોટસ્થિત કવિ લલિત ત્રિવેદી, રાજકોટથી પ્રગટ થતાં વર્તમાનપત્ર ‘ફૂલછાબ’ના તંત્રી જ્વલંત છાયા અને કલા વિભાગમાં મુંબઈસ્થિત નાટ્યકલાકાર મીનળ પટેલની પસંદગી કરવામાં આવી છે. જવલંત છાયાએ આ પહેલાં ‘ચિત્રલેખા’ના રાજકોટ ખાતેના પત્રકાર તરીકે ફરજ બજાવી છે.
આ ત્રણેય પારિતોષિક કથાકાર મોરારિબાપુના હસ્તે એનાયત કરવામાં આવશે. પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂપિયા ૫૧,૦૦૦ (એકાવન હજાર)ના ચેકનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ૨૮ સપ્ટેમ્બરે, સાંજે ૬.૦૦ વાગ્યે હિંદુસ્તાની પ્રચાર સભા હૉલ, મહાત્મા ગાંધી મહાત્મા મેમોરિયલ બિલ્ડિંગ, ચર્ની રોડ, મુંબઈ ખાતે યોજાશે.
હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે નવીનભાઈ દવે, ટ્રસ્ટી તરીકે રોહિત પટેલ, કુન્દન વ્યાસ, રમેશ પુરોહિત તથા કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે ગોપાલ દવે, હિતેન આનંદપરા, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોષી કાર્યરત છે.
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકની જાહેરાત
વિજ્ઞાન સાથેનું અનુભવજન્ય શિક્ષણ ગુજરાત સાયન્સ સિટીમાં
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત કાર્યરત છે. જેના માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.

ગુજરાત સાયન્સ સિટીના એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી, એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્ક સહિતના સાયન્સ સીટીના વિવિધ આકર્ષણો આવેલા છે.


ગુજરાત સાયન્સ સિટીમાં દરરોજ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ સહીત મોટી સંખ્યા માં મુલાકાતીઓ આવે છે. તેઓની આ મુલાકાત ને ‘સાયન્સ સફર’ બનાવવા શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓને જુદા વર્કશોપ્સ વડે વિજ્ઞાનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે.

આ વર્કશોપ્સમાં વિદ્યાર્થીઓને STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) વિષયક શિક્ષણ આપવામાં આવશે. વર્કશોપ્સમાં હેન્ડ્સ ઓન એક્ટિવિટી સાથે સાઉન્ડ, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ, હીટ એન્ડ કેન્ડલ, મશીન્સ, એસ્ટ્રોનોમી, ફોર્સ, પ્રેસર એન્ડ ફ્રિકશન, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ, લિવિંગ સિસ્ટમ, આર્ટ એન્ડ મેથેમેટિક્સ, સ્પોર્ટ્સ એન્ડ મેથેમેટિક્સ, બેઝિક એરિથમેટિક એન્ડ નંબર સીસ્ટમ, એડવાન્સ્ડ એરિથમેટિક એન્ડ કમ્પ્યુટેશનલ થિંકિંગ, થ્રી-ડી વિઝ્યુલાઈઝેશન એન્ડ જીયોમેટ્રી, ફેક્ટર્સ એન્ડ ફ્રેક્શન્સ, અલજેબ્રા એન્ડ મોશન, ICT એન્હેન્સ્ડ લર્નિંગ, પેપરબેઝ્ડ મેથેમેટિક્સ જેવા વિષયો અંગે શિક્ષણ આપવામાં આવશે.
H1B વિઝાની ફીઝમાં વધારોઃ ભારતીયો પાસે હવે શું વિકલ્પો?
અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે H1B વિઝા માટેની ફીઝમાં (એક લાખ ડૉલર કરવાની) અચાનક વધારો કરી દેવાની સૂચના જે રીતે બહાર પાડી છે, તેને કારણે એવા ઘણા H1B visa હોલ્ડર્સ અને અરજદારો છે, જેઓ આ જાહેરાત સમયે ભારતમાં હતા અથવા ભારત આવવાની યોજના ઘડતા હતા અથવા ભારત આવવા નીકળી ચૂક્યા હતા, તેઓ દરેકને તાત્કાલિક પોતાની યાત્રા અટકાવવી પડી અને યુ.એસ. પરત થવું પડયું. જે તેમની માટે આર્થિક અને માનસિક આઘાત હતો, કારણ કે આ બદલાવને કારણે તેમણે ભારતમાં રહેવાથી એક લાખ ડોલર ભરવા પડશે અથવા તેમના વીઝા કેન્સલ થશે એવી મુંઝવણમાં મુકાઈ ગયા હતા.
અમેરિકાનો આ નિર્ણય સ્થાનિક ધોરણે પ્રવર્તતી બેરોજગારીની સમસ્યાને કારણે હોઇ શકે એ સમજી શકાય એવું છે. અમેરિકાનાં નિયમાનુસાર કંપનીઓને એમની જરૂરિયાત અનુસાર સ્થાનિક સ્તરે વ્યક્તિ ન મળતી હોય તો જ એ કંપનીઓ અન્ય દેશના લોકો માટે H1B વિઝાની અરજી કરી શકે છે.
આવા સંજોગોમાં હવે ભારતીયોએ શું કરવું જોઈએ?
- પહેલાં તો એ સમજી લઈએ કે જે અમેરિકન કંપનીઓએ લાયક અને અનુભવી ભારતીયોને નોકરીઓ આપી છે એ લોકોને કોઈ વાંધો નહીં આવે. કેમ કે એમની કંપનીઓએ એક લાખ ડૉલર ભરવા પડશે નહીં. જો ભવિષ્યમાં આ કંપનીઓ ભારતથી કોઈ રિક્રૂટ કરે તો તેમના વિઝાનો પ્રબંધ કંપની પોતે કરશે, કેમ કે કંપનીને તેમની જરૂરિયાત છે અથવા હશે.
- જે વિદ્યાર્થીઓ અમેરિકામાં રહીને ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને અમેરિકામાં નોકરી કરતા હોય તેમની કંપનીઓ એકથી ત્રણ વર્ષ સુધીમાં H1B વિઝાની પ્રક્રિયા કરતી હોય છે. જો આવા વિદ્યાર્થીઓ માટે H1B વિઝાનો પ્રબંધ નહીં થઈ શકે તો તેઓએ ભારત પાછા આવવાની તૈયારી રાખવી પડશે.
- જે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓના રિટાયરમેન્ટ ફંડમાંથી રકમ વાપરીને અથવા મા-બાપના એકમાત્ર રહેઠાણના ઘર સામે અથવા અન્ય કોઈ રીતે લોન લઈને અમેરિકાનું સ્વપ્ન જોતાં હોય, તેમણે અમેરિકા જવાના પોતાના ખ્યાલ વિશે પુનઃ વિચાર કરવો જરૂરી બને છે. શું અમેરિકામાં લીધેલી માસ્ટરની ડિગ્રી તેમને મદદ કરી શકશે? જો તેમને અમેરિકામાં નોકરી ન મળી શકે તો શું તેઓ અમેરિકામાં ટકી શકશે અને એ લીધેલી લોનની ચુકવણી તેઓ કરી શકશે?હકીકતમાં, આમ પણ ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં અમેરિકામાં અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા લગભગ ત્રણ દશકમાં અમેરિકામાં H1 વિઝા ઉપર કામ કરતાં આઇટી પ્રોફેશનલ્સે ભારત પાછા ફરવાની ચિંતા કરવાનું મૂકી દીધું છે. કેમ કે આમાંના ઘણાં યુ.એસ.ના નાગરિક અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર બની ગયા છે, જેથી તેમની લાઈફ યુ.એસ.માં સેટલ્ડ છે.

અનેક H1B વિઝા ધારકોએ તેમની બચતનું આયોજન કર્યું છે, જેથી જો તેમને ભારત પાછાં ફરવાનું થાય તો તેમને ચિંતા નથી. સદનસીબે મોટાભાગના લોકોએ ઘણી સફળતા મેળવી છે. કેવળ છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓએ પાછા ફરવું પડ્યું છે, જે સિલસિલો હજી સુધી ચાલુ છે. ઘણા લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશો તરફ પણ વિકલ્પ તરીકે નજર ફેરવી રહ્યા છે. એટલે એક વાત તો નક્કી જ છે કે જો તમે અમેરિકાના કાયમી નાગરિક ન બન્યા હો તો તમારે ભારતમાં કાયમી રહેઠાણ અને બચત માટે તૈયારી રાખવી જ પડશે. જો સ્થળાંતર કરવું પડે તો ભારતમાં ઠરીઠામ થાવ ત્યાં સુધીનાં અમુક વર્ષો સુધી આ બચત તમને ઉપયોગી થઈ શકે.
હવે આગળ શું?
અમેરિકા જવાની યોજના ઘડતા અગાઉ જ વિદ્યાર્થીઓએ તેમની આર્થિક પરિસ્થિતિનો યોગ્ય રીતે ક્યાસ કાઢવો પડશે. જે વિદ્યાર્થીઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ એક્સટેન્શન પર હોય તેમણે બચત કરવા ઉપર ભાર આપવો પડશે અને પાછા ફરવાની તૈયારી રાખવી પડશે.
શું ટ્રમ્પ OPT ના નિયમમાં બદલાવ કરી શકે છે?
આ બાબતે કંઈ કહી ન શકાય, પરંતુ એમના આ નિર્ણયથી અમેરિકન યુનિવર્સિટીઓ અને એને સંલગ્ન અન્ય વ્યવસાયો ઉપર એની અવળી અસર અવશ્ય પડશે. H1Bની વધારી છે, જેને કારણે વધુ આઉટસોર્સિંગ કરવું પડશે. પરંતુ ટ્રમ્પ એ મુદ્દે પછીથી ફરી કોઈ આકરો નિર્ણય લઈ શકે છે. વિઝાની ફી એક લાખ ડૉલર છે. એટલે જે લોકોને H1B વિઝા મળશે એ લોકોએ ત્રણથી છ વર્ષમાં વિઝા ફીની આંશિક અથવા પૂરી રકમ તેમની કંપનીને ચૂકવવી પડશે (જો તેમની કંપની ન ચૂકવે તો). અમેરિકન કાયદા હેઠળ આવી માલિક કંપની તેના કર્મચારીઓ પાસે કાનૂની બોન્ડ કરાવી શકે છે.
ટૂંકમાં, આગામી વર્ષોમાં અમેરિકા ઉપરનું અવલંબન ઓછું કરવામાં જ શાણપણ છે. કેમ કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પણ હવે બદલાવ આવી રહ્યા છે. જો H1B વિઝા ફી મંજૂર થઈ જાય તો નોકરિયાતોએ એમના નોકરીદાતાઓ સાથે ફ્લેક્સિબલ રહેવું પડશે. આ સાથે યોગ્ય ગાઈડ-કન્સલટન્ટ પાસેથી માર્ગદર્શન મેળવવું હિતાવહ રહેશે. મહત્વનું એ છે કે ભારત તેમજ અમેરિકાની જીવનશૈલીની સરખામણી કરવાનું છોડી દેવું અને જો તમારે ભારત પાછું ફરવું પણ પડે તો નિરાશ ન થવું કેમ કે ભારત સરકાર વધુ નોકરીઓનું સર્જન કરવા અને સ્ટાર્ટ-અપ શરૂ કરવા માટે કટિબધ્ધ છે.
(અપૂર્વ પરીખ-અમેરિકા)
(લેખક મૂળ ભારતીય છે, તેમણે અમેરિકામાં અને ભારતમાં અમેરિકન કંપનીમાં પણ ઘણાં વરસો સિનીયર લેવલે જોબ કરી છે અને હાલ નિવૃત છે.)
શાહરુખ ખાન, ગૌરી ખાનની કંપની સામે બદનક્ષીનો કેસ
મુંબઈઃ બોલિવુડ એક્ટર શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન કાનૂની ચક્રવ્યૂહમાં ફસાયાં છે. IRS અધિકારી સમીર વાનખેડેએ તેમની વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વાનખેડેનો આરોપ છે કે નેટફ્લિક્સની વેબ સિરીઝ બેડ્સ ઓફ બોલીવુડમાં તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક છબીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ભૂતપૂર્વ નાર્કોટિક્સ અધિકારી સમીર વાનખેડેએ આર્યન ખાન દ્વારા નિર્દેશિત નેટફ્લિક્સ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલીવુડમાં તેમના પાત્રને લઈને, નેટફ્લિક્સ અને શાહરુખ ખાન સામે દિલ્હી હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.
માનહાનિનો કેસ
વાનખેડેએ શાહરુખ ખાન અને તેમની કંપની તેમ જ ધ બેડ્સ ઓફ બોલીવુડના નિર્માતા રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પાસેથી બે કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે, જેને તેઓ કેન્સરના દર્દીઓના સારવાર માટે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાનમાં આપવાનો દાવો કરે છે.
સમીર વાનખેડેનું નિવેદન
સમીર વાનખેડે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે અભિનેતા શાહરુખ ખાન અને ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય લોકો વિરુદ્ધ કાયમી અને જરૂરી રોક, ઘોષણા અને વળતરની માગ કરી છે. તેઓ કહે છે કે રેડ ચિલીઝ દ્વારા બનાવવામાં આવેલી અને નેટફ્લિક્સ પર રજૂ થયેલી ટીવી સિરીઝ ધ બેડ્સ ઓફ બોલીવુડના એક ભાગરૂપે દર્શાવાયેલ વિડિયો ખોટો, દુર્ભાવનાપૂર્ણ અને માનહાનિકારક છે, જેને લઈને તેમને ઠેસ પહોંચ્યા છે.
આ સિરીઝમાં નશાના વિરુદ્ધ કામ કરતી એજન્સીઓને ખોટી રીતે અને ખરાબ રીતે બતાવવામાં આવી છે, જેને કારણે લોકોનો કાયદો અમલમાં લાવતી સંસ્થાઓ પરનો વિશ્વાસ ઓછો થાય છે. એ સાથે જ તેમનું કહેવું છે કે આ સિરીઝમાં એક પાત્રને સત્યમેવ જયતે નારો લગાવ્યા બાદ અશ્લીલ ઇશારો કરતાં બતાવવામાં આવ્યું છે, જે રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન છે.
ભાજપે ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ભાજપ નેતૃત્વએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે. ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર ચૂંટણી માટે પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને આગામી વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने आगामी बिहार विधानसभा चुनाव के लिए केंद्रीय शिक्षा मंत्री श्री @dpradhanbjp को प्रदेश चुनाव प्रभारी, केंद्रीय जल शक्ति मंत्री श्री @CRPaatil को प्रदेश सह प्रभारी और उत्तर प्रदेश के उप-मुख्यमंत्री श्री @kpmaurya1 को प्रदेश सह प्रभारी नियुक्त… pic.twitter.com/i2wZbQ8VWJ
— BJP (@BJP4India) September 25, 2025
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા હસ્તાક્ષરિત પત્રમાં ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂકોની જાહેરાત કરવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી તરીકે, સીઆર પાટીલને અને કેશવ પ્રસાદ મૌર્યને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂકો તાત્કાલિક અમલમાં આવશે.” વધુમાં, બિપ્લબ કુમાર દેબને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બિહારમાં થોડા મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ મુકાબલો NDA અને મહાગઠબંધન વચ્ચે છે, જેના માટે બધા નેતાઓએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વડાપ્રધાન મોદીથી લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુધી, બધાએ તાજેતરમાં બિહારની મુલાકાત લીધી છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ પણ સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. મમતા બેનર્જી 2011 થી બંગાળના મુખ્યમંત્રી છે, અને TMC રાજ્યમાં સત્તામાં છે.
ગ્રીન ટોક્સમાં ઉદ્યોગ સાહસિકોની સફળતાની વાત શેર કરી ગૌતમ અદાણીએ
અમદાવાદઃ અદાણી ગ્રુપે આજે અદાણી ગ્રીન ટોક્સની ચોથી આવૃત્તિનું આયોજન કર્યું હતું, જેમાં ટકાઉ અને સમાવિષ્ટ ભવિષ્યને આકાર આપતા પરિવર્તનશીલ સામાજિક ઉદ્યોગસાહસિકો અને નવીનતાઓને એકસાથે લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા ભારતના “બીજા સ્વતંત્રતા સંગ્રામ”ને આકાર આપવામાં યુવા ઉદ્યોગસાહસિકોની ભૂમિકા પર મુખ્ય ભાષણ સાથે કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક સંબોધનમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કેવી રીતે ચાર વર્ષ પહેલાં શરૂ કરાયેલ ગ્રીન ટોક્સ, સમાજને બદલવાની ક્ષમતા ધરાવતા વિચારો માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. તેમણે ભૂતકાળના સહભાગીઓ જેમા હજારો લોકોને મેન્યુઅલ સ્કેવેન્જિંગની અપમાનમાંથી મુક્તિ અપાવનાર GenRobotics, પ્રતિ કિલોમીટર માત્ર ચાર પૈસા પ્રતિ મુસાફરોના ભાવે કાર્યરત સૌર-ઇલેક્ટ્રિક ફેરી Navalt, અને Marut Drones જેમણે “Drone Didis of Kashi” નામે રાષ્ટ્રીય નમો ડ્રોન દીદી કાર્યક્રમ હેઠળ મહિલાઓને આત્મવિશ્વાસ કૃષિ-ઉદ્યોગસાહસિકોમાં પરિવર્તન લાવ્યા – તેમની યાત્રાઓને યાદ કરી હતી.
વર્ષ 2025ની આવૃત્તિમાં પાંચ અગ્રણી ઉદ્યોગસાહસિકો રજૂ કરવામાં આવ્યા હતા જેમણે હિંમત, નવીનતા અને સામાજિક ઉદ્દેશ્યની તેમની સફર શેર કરી હતી.
આ વર્ષે તેમના પરિવર્તનશીલ ઉકેલો માટે સેંકડો અરજીઓમાંથી પસંદ કરાયેલા અદાણી ગ્રીન ટોક્સ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ્સ અને ભારત બાયોટેકના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન ડો. કૃષ્ણા એલ્લાને પ્રથમ લોક કલ્યાણ એવોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો.
ગૌતમ અદાણીએ કોવિડ-૧૯ મહામારી દરમિયાન લાખો લોકોને સુરક્ષિત કરતી કોવેક્સિન સહિત સ્વદેશી રસીઓ દ્વારા વૈશ્વિક જાહેર આરોગ્યમાં ડો. એલાના યોગદાનને બિરદાવતા આ એવોર્ડ એનાયત કર્યોં હતો. ડૉ. એલાએ આ પુરસ્કાર ભારતના વૈજ્ઞાનિકો અને નવીનતાઓને સમર્પિત કર્યો હતો જેઓ સામાજિક હેતુ સાથે વિજ્ઞાનને આગળ ધપાવે છે.
અભિનેતા વિક્રાંત મેસી, જેમની ફિલ્મ 12મી ફેઇલને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, તેમણે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અદાણીએ મેસીની વાર્તાને દરેક અવરોધને પાર કરીને સ્થિતિસ્થાપકતા અને દ્રઢતાનું પ્રતીક ગણાવ્યું હતું.

ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે NDTV સાથે ભાગીદારીથી ગ્રીન ટોક્સ હવે ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પરિવર્તન લાવનારાઓની શોધને વિસ્તૃત કરશે, તે દેશના અંતરિયાળ વિસ્તારોમાંથી તેજસ્વી લોકોને બહાર લાવશે. તેમણે ગ્રીન ટોક્સને વૈશ્વિક સહયોગનું જીવંત પ્લેટફોર્મ બનાવવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી.અદાણીએ જણાવ્યું હતું કે, ગ્રીન ટોક્સના લીલા અંકુર કઠિન માટીમાંથી ફૂટીને આશાના નવા કિરણ બનવાની શક્યતાનું ધરાવે છે. તે અસમાનતા, જડતા અને ઉદાસીનતાથી મુક્ત સમાજ માટે હિંમતભેર સ્વપ્ન જોવા અને ભારતના બીજા સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાનું આમંત્રણ છે.
સંરક્ષણ મંત્રાલયે HAL સાથે ₹62,370 કરોડની ડિલ કરી, 97 ફાઇટર જેટ ખરીદશે
સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 તેજસ જેટ ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે ₹62,370 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 97 તેજસ જેટ ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, સરકારે જણાવ્યું હતું કે જેટની ડિલિવરી 2027-28 માં શરૂ થશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે નવા કરાર હેઠળ ખરીદવામાં આવનારા તેજસ જેટમાં 64 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી હશે.

કેબિનેટની મંજૂરીના એક મહિના પછી સોદો થયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) દ્વારા આ મોટી ખરીદીને મંજૂરી આપ્યાના એક મહિના કરતાં વધુ સમય પછી આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ રાજ્યની માલિકીની એરોસ્પેસ જાયન્ટને આપવામાં આવેલો આ બીજો કરાર છે. ફેબ્રુઆરી 2021 માં, સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 83 તેજસ Mk-1A જેટ ખરીદવા માટે HAL સાથે રૂ. 48,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા.
મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના માટે 97 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ-Mk1A અને સંલગ્ન સાધનો માટે HAL સાથે રૂ. 62,370 કરોડ (કર સિવાય) ના ખર્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
માતા–પિતાએ જ દીકરીનું કર્યું અપહરણ, જાણો…
હૈદરાબાદઃ તેલંગાણાના મેડચલ મલ્કાજગિરી જિલ્લામાં માતા–પિતાએ દીકરીનું અપહરણ કર્યું હતું. ચાર મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવતી શ્વેતાને તેનાં માતા–પિતાએ જબરદસ્તી ઉઠાવી લઈ ગયાં હતાં. આ હુમલામાં શ્વેતાનાં સગાંસંબંધીઓએ પ્રવીણના પરિવાર પર મરચાં પાઉડર ફેંકી ને આંખોમાં મરચાં નાખી હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદને આધારે કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી છે.
કિસરા પાસેના એક જ ગામમાં રહેતા પ્રવીણ (25) અને શ્વેતા (23) એકમેકને પ્રેમ કરતાં હતાં અને મે, 2025માં તેમણે પ્રેમ લગ્ન કર્યાં હતાં. જોકે આ લગ્નને શ્વેતાનાં માતા–પિતા બાલ નરસિંહા (50) અને મહેશ્વરી (48)એ વિરોધ કર્યો હતો. જાતિ મતભેદ અને કુટુંબ પરંપરાને કારણે તેઓ આ લગ્ન સ્વીકારવા તૈયાર નહોતાં. આ કારણસર શ્વેતાને જબરદસ્તી પાછી લઈ જવાના ઇરાદાથી તેઓ પ્રવીણના ઘેર પહોંચ્યા હતા.
CCTV ફુટેજ મુજબ શ્વેતાનાં માતા–પિતા સાથે તેનો ભાઈ અને અન્ય સગાંસંબંધીઓએ પ્રવીણના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલો અટકાવવાના પ્રયાસ કરનાર પ્રવીણની મા લક્ષ્મી (48) અને ભાઈ રાજુ (22) પર મરચાં પાઉડર ફેંકાયો અને મારપીટ કરવામાં આવી. આ હુમલામાં લક્ષ્મીની આંખોમાં ગંભીર ઇજા પહોંચી અને રાજુના હાથમાં ઇજા પહોંચી હતી. એ ડરથી પ્રવીણનો પરિવાર પાછળ હટી ગયો. ત્યાર બાદ શ્વેતાને કપડાં બાંધીને સ્કોર્પિયો કારમાં જબરદસ્તી લઈ જવામાં આવી.
પોલીસે નોંધ્યો કેસ
પ્રવીણના પિતા રમેશ (52)એ સ્થાનિક કિસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રમેશ સરકારી કર્મચારી છે. તેમની ફરિયાદને આધારે બાલ નરસિંહા, મહેશ્વરી, શ્વેતાના ભાઈઓ કૃષ્ણા (28), વિજય (26) અને અન્ય સામે IPC કલમ 365 (અપહરણ), 323 (ઇજા), 506 (ધમકી) અને 34 (સામૂહિક ગુનો) ઉપરાંત અનુસૂચિત જાતિ/જનજાતિ અધિનિયમ હેઠળ કેસ નોંધાયો છે. કિસરા ઈન્સ્પેક્ટર એ. અંજનેયુલુએ કહ્યું હતું કે “અમે સીસીટીવી ફુટેજને આધારે તરત કેસ નોંધ્યો છે. આરોપી કુટુંબના સભ્યોને જલદી જ ધરપકડ કરી લેવામાં આવશે.
વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત
વેસ્ટ ઇન્ડીઝ સામે આવતા મહિને રમાનાર બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ગુરુવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે રવિન્દ્ર જાડેજાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બે મેચની શ્રેણીની પહેલી મેચ 2 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણી પછી આ ભારતની પહેલી ટેસ્ટ મેચ હશે.
🚨 Presenting #TeamIndia‘s squad for the West Indies Test series 🔽#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/S4D5mDGJNN
— BCCI (@BCCI) September 25, 2025
ધ્રુવ જુરેલ વેસ્ટ ઇન્ડીઝ સામે વિકેટકીપિંગ કરશે. અનુભવી વિકેટકીપર ઋષભ પંત તેની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, જેના કારણે તેને આ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો નથી. પંત ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ ઉપ-કેપ્ટન તરીકે સેવા આપી રહ્યો હતો, અને તેની ગેરહાજરીમાં, રવિન્દ્ર જાડેજાને આ જવાબદારી સોંપવામાં આવી છે. પહેલાથી જ એવું માનવામાં આવી રહ્યું હતું કે પંત વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણીનો ભાગ નહીં બને. આવી સ્થિતિમાં, જવાબદારી જુરેલ પર આવશે, જેમણે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પંતની ગેરહાજરીમાં વિકેટ પાછળની ફરજો પણ સંભાળી હતી. જુરેલ પ્રથમ પસંદગીનો વિકેટકીપર છે, જ્યારે એન. જગદીશનને પણ ટીમમાં બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
બુમરાહને આરામ આપવામાં આવ્યો નથી
એશિયા કપમાં ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરનાર જસપ્રીત બુમરાહને વેસ્ટ ઇન્ડીઝ સામે આરામ આપવામાં આવ્યો નથી. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બુમરાહના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું, અને તે પાંચમાંથી ફક્ત ત્રણ મેચ રમ્યો હતો. આ જોતાં, એવું માનવામાં આવતું હતું કે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલને કારણે આ શ્રેણી માટે બુમરાહને આરામ આપવામાં આવી શકે છે, પરંતુ એવું બન્યું નહીં. એવી પણ શક્યતા છે કે બુમરાહ પ્લેઇંગ ઇલેવનનો ભાગ હશે. મોહમ્મદ સિરાજ અને પ્રખ્યાત કૃષ્ણા તેની સાથે ફાસ્ટ બોલિંગ ફરજો સંભાળશે.
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનાર કરુણ નાયરને વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં અપેક્ષા મુજબ સારું પ્રદર્શન ન કરનાર કરુણ ખાનની શરૂઆત બધી જ ઇનિંગ્સમાં સારી રહી હતી. તે ખરાબ ફોર્મમાં નહોતો, પરંતુ તે વધારે રન બનાવી શક્યો ન હતો. ત્યારબાદ તેને આંગળીમાં ઈજા થઈ અને તે દુલીપ ટ્રોફી ચૂકી ગયો. દરમિયાન, સરફરાઝ ખાનને ફરી એકવાર ટેસ્ટ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. સરફરાઝ ખાન છેલ્લા કેટલાક સમયથી તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે અને તેણે ઘરેલુ ક્રિકેટમાં રન બનાવ્યા છે, પરંતુ પસંદગીકારોએ તેને આ શ્રેણી માટે પસંદ કર્યો નથી.
શ્રેયસ ઐયરે રેડ બોલ ક્રિકેટમાંથી બ્રેક લીધો
વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી માટે ટીમની જાહેરાત કરતા પહેલા, BCCI એ પુષ્ટિ આપી હતી કે શ્રેયસ ઐયરે રેડ બોલ ક્રિકેટમાંથી છ મહિનાનો બ્રેક લીધો હતો. કદાચ આ જ કારણ હોઈ શકે છે કે પસંદગીકારોએ તેના પર વિચાર કર્યો ન હતો. BCCI એ જણાવ્યું હતું કે શ્રેયસ ખાનની યુકેમાં સર્જરી થઈ હતી અને તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો હતો. તેને તાજેતરમાં રેડ બોલ મેચ રમવામાં સમસ્યાઓનો અનુભવ થયો હતો. શ્રેયસ આ સમયગાળાનો ઉપયોગ તેની ફિટનેસ સુધારવા માટે કરવા માંગે છે. શ્રેયસના નિર્ણયને ધ્યાનમાં રાખીને, BCCI એ તેને ઈરાની કપ માટે પસંદ કર્યો નથી.
શાંતિ બિઝનેસ સ્કૂલમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી
અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)માં એક રાત્રી માટે ભવ્ય નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટીસ અને અન્ય સ્ટાફ સહિત લગભગ 800 જેટલા લોકો પરંપરાગત પોશાક પહેરી ભક્તિભાવપૂર્વક ગરબે ઘૂમ્યા હતા.
એકતા, આનંદ અને ભક્તિની આ ઉજવણી વિદ્યાર્થીઓને ઘડવામાં કોલેજની ભૂમિકા દર્શાવે છે, જે વિદ્યાર્થીઓને ફક્ત શૈક્ષણિક રીતે નિપુણ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ જાગ્રત બનાવે છે.
આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડિરેક્ટર ડો. નેહા શર્માએ જણાવ્યું કે શાંતિ બિઝનેસ સ્કૂલમાં અમે માનીએ છીએ કે ભવિષ્યના નેતાઓ બૌદ્ધિક સૂઝ અને ઊંડા સાંસ્કૃતિક જોડાણના સંયોજન દ્વારા ઘડાય છે. અમારી નવરાત્રી ગરબા રાત્રિ ફક્ત એક ઉત્સવ કરતાં વધુ છે, તે એક એવું વાતાવરણ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ છે જ્યાં વિદ્યાર્થીઓ સહાનુભૂતિશીલ, જાગ્રત બની એકબીજા સાથે સંકળાયેલા રહી વિકાસ પામે છે. સહિયારા આનંદ અને પરંપરાની આ ક્ષણોમાં જ આપણી સમુદાયની ભાવના ખરેખર ચમકે છે, જે આપણા વિદ્યાર્થીઓને યોગ્યતા અને ચારિત્ર્ય બંને સાથે નેતૃત્વ કરવા માટે તૈયાર કરે છે.

