અમદાવાદ: ભારત મોસમ વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા દૈનિક વરસાદી આંકડા મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ ૧૧.૦ મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ (૮.૧ મીમી) કરતાં ૩૫% વધુ છે. જોકે, રાજ્યના જુદા જુદા પ્રદેશોમાં વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું છે.
દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જળબંબાકાર
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન ૨૨૭.૨ મીમી (આશરે ૯ ઇંચ) વરસાદ ખાબક્યો છે. જે સામાન્ય (૨૬.૪ મીમી) કરતાં ૭૬૧% વધુ છે. આ સિવાય ડાંગમાં ૧૪૯.૮ મીમી (+૬૩૪%), નવસારીમાં ૧૪૯.૧ મીમી (+૫૦૧%), સુરતમાં ૭૭.૬ મીમી (+૨૯૨%) અને તાપીમાં ૬૮.૯ મીમી (+૨૧૬%) ભારે વરસાદ નોંધાયો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ૨૯૪.૬ મીમી (૧૧.૫ ઇંચથી વધુ) અને દાદરા અને નાગર હવેલીમાં ૨૩૩.૬ મીમી વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની ખેંચ
એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે ધોધમાર વરસાદ છે, ત્યારે બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી અછત વર્તાઈ રહી છે. મહીસાગર જિલ્લો સંપૂર્ણપણે કોરો (૦ મીમી) રહ્યો છે. ગાંધીનગરમાં -૯૬%, મહેસાણામાં -૯૪%, પાટણમાં -૯૩% અને બનાસકાંઠામાં -૯૨% ની ભારે વરસાદી ખાધ જોવા મળી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોરબી (૧૫.૪ મીમી, +૯૦%) અને ભાવનગર (૧૦.૬ મીમી, +૧૦૪%) ને બાદ કરતાં બાકીના મોટાભાગના જિલ્લા જેવા કે કચ્છ (-૬૮%), જામનગર (-૫૭%) અને અમરેલી (-૫૨%) માં વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી છે.
18 જિલ્લામાં ‘રેડ એલર્ટ’
હવામાન વિભાગના રેડ એલર્ટની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.




