Ahmedabad Rain: શહેરમાં વહેલી સવારથી જ સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ સવારના સમયે નોકરી-ધંધે અને સ્કૂલ-કોલેજે જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારે વાડજ, ઉસ્માનપુરા, નારણપુરા અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં શરૂ થયેલા ધીમીધારના વરસાદ વચ્ચે સવારે 6:00થી 9:00 વાગ્યા દરમિયાન સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે, સવારે 9:00 વાગ્યા પછી હવામાનમાં અચાનક પલટો આવતાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી અને સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેમાં બોપલ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને સુરક્ષાના ભાગરૂપે વિવિધ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે. વરસાદી પાણીના નિકાલના અભાવે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થતાં પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદ-મુંબઈ રૂટની 7 ટ્રેનો રદ, અનેક ટ્રેનો રી-શેડ્યૂલ કરાઈ
વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડતી 7 જેટલી મુખ્ય ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, નવસારીથી મુંબઈ અને નવસારીથી અમદાવાદ તરફ જતી મોટાભાગની મહત્વપૂર્ણ ટ્રેનો સમયસર ન દોડતાં મોડી ચાલી રહી છે. ટ્રેનોના વિલંબ અને કેન્સલેશનના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.




