Home Blog Page 5651

સુષમાનાં સંબોધનથી પાકિસ્તાન ભડક્યું; કહ્યું, ‘ભારત તો દક્ષિણ એશિયામાં ત્રાસવાદની જનની છે’

ન્યુ યોર્ક – વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ગયા શનિવારે સંયુક્ત રાષ્ટ્રો (યૂએન)ની મહાસમિતિમાં આક્રમક શૈલીમાં કરેલા સંબોધનમાં ત્રાસવાદ મુદ્દે પાકિસ્તાન પર આકરાં પ્રહારો કર્યાં બાદ પાકિસ્તાન રોષે ભરાયું છે અને એવો આરોપ મૂક્યો છે કે ભારત શિકારી રાષ્ટ્ર છે અને દુનિયાના દેશો જો એમ ઈચ્છતા હોય કે અમારા બંને પડોશી દેશો વચ્ચે કોઈ ખતરનાક ઘર્ષણ ન થાય તો દુનિયાએ ભારતને ઉશ્કેરણીજનક અને આક્રમક પગલાં લેતા અટકાવવું જ જોઈએ.

યૂએનમાં પાકિસ્તાનનાં રાજદૂત અથવા સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીએ ભારતને દક્ષિણ એશિયા વિસ્તારમાં ત્રાસવાદની જનની તરીકે ઓળખાવ્યું છે અને એવો આરોપ મૂક્યો છે કે તે અમારાં દેશના અનેક ભાગોમાં ત્રાસવાદને ભડકાવે છે.

ઉલ્લેખનીય છે સુષમા સ્વરાજે એમના શનિવારના સંબોધનમાં પાકિસ્તાનને આતંકવાદને એક્સપોર્ટ કરનાર દેશ તરીકે ગણાવ્યો હતો.

સુષમા સ્વરાજે એમ પણ કહ્યું હતું કે ભારત દેશ દુનિયાને ડોક્ટરો અને એન્જિનીયરો આપે છે જ્યારે પાકિસ્તાન દુનિયાને આતંકવાદીઓ આપે છે.

સુષમા સ્વરાજનાં એ સંબોધનનો પ્રત્યુત્તર આપવાના પોતાનાં અધિકારનો ઉપયોગ કરીને મલીહા લોધીએ ભારત વિરુદ્ધ જોરદાર રીતે ગુસ્સો ઠાલવ્યો છે.

એમણે કહ્યું કે, મોદી સરકારના રાજમાં જાતિવાદી અને ફાસીવાદી વિચારધારા મજબૂત થઈ છે.

લોધીએ કહ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવામાં હસ્તક્ષેપ કરવા અને મદદરૂપ થવાનો યૂએન તથા દુનિયાના દેશોનો અધિકાર છે એટલું જ નહીં, પણ એમની જવાબદારી પણ બને છે.

સુષમા સ્વરાજે એમનાં સંબોધનમાં કશ્મીરનો ઉલ્લેખ કર્યો નહોતો.

અક્ષયે કબડ્ડી મેચ જોઈ…

બોલીવૂડ અક્ષય કુમારે ૨૩ સપ્ટેંબર, શનિવારે નવી દિલ્હીમાં પ્રો કબડ્ડી લીગ સ્પર્ધામાં બેંગાલ વોરિઅર્સ અને બેંગાલુરુ બુલ્સ વચ્ચેની મેચ નિહાળી હતી.

પદવીદાન સમારંભમાં અંબાણી…

દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ૨૩ સપ્ટેંબર, શનિવારે ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટી ખાતે આયોજિત ૬ઠ્ઠા વાર્ષિક પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. એ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત હતા.

ઉગ્રવાદીઓએ ફેંકેલો ગ્રેનેડ પોલીસ જવાને પાછો એમની પર ફેંક્યો

સોપોર (જમ્મુ-કશ્મીર) – જમ્મુ અને કશ્મીર રાજ્યના બારામુલ્લા જિલ્લાના સોપોર નગરમાં આજે એક પોલીસ અધિકારીની સમયસૂચકતાને કારણે એમના પક્ષે મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી. બન્યું એવું હતું કે, ઉગ્રવાદીઓએ એક હાથબોમ્બ ફેંક્યો હતો જે પોલીસ જવાનોની જીપમાં પડ્યો હતો, પણ એક સ્પેશિયલ પોલીસ ઓફિસરે સમયસૂચકતા વાપરીને તરત જ એ બોમ્બને હાથ લઈને ઉગ્રવાદીઓ તરફ પાછો ફેંક્યો હતો.

આમ કરીને તે પોલીસ અધિકારીએ એમની જીપમાં ૧૫ જવાનોનાં મરણ થતા નિવાર્યા હતા.

સિંગાપોરમાં બોક્સિંગ સ્પર્ધામાં મુકાબલા બાદ ભારતીય બોડીબિલ્ડર પ્રદિપ સુબ્રમણ્યનનું નિધન

સિંગાપોર – અહીં ગઈ કાલે સાંજે અહીં મરીના બૅ સેન્ડ્સ ખાતે એશિયા ફાઈટિંગ ચેમ્પિયનશિપ (AFC)માં રમાયેલા એક મ્યુએ થાઈ બોક્સિંગ મુકાબલામાં જાણીતા બોક્સર સ્ટીવન લિમ સાથે મુકાબલો પૂરો થઈ ગયા બાદ ભારતીય મૂળના બોડીબિલ્ડર પ્રદિપ સુબ્રમણ્યનનું નિધન થયું છે. તેઓ 32 વર્ષના હતા.

સુબ્રમણ્યનના નિધનની જાણકારી 41 વર્ષીય લિમે એના ફેસબુક પેજ પર કરી હતી. લિમ જાણીતા યૂટ્યૂબ સેલિબ્રિટી બોક્સર છે.

સુબ્રમણ્યનના પરિવારે પણ સુબ્રમણ્યનના નિધનની સોશિયલ મિડિયા પર જાહેરાત કરી હતી.

પ્રદિપ સુબ્રમણ્યન

પ્રદિપ સુબ્રમણ્યન વર્લ્ડ બોડીબિલ્ડિંગ એન્ડ ફિઝીક સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ હતા. એમના અચાનક મૃત્યુથી પરિવાર આઘાત અને શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પ્રદિપ સુબ્રમણ્યન ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. એમનાથી મોટા બે જોડિયા ભાઈઓ છે – સર્વણન અને શન્મુગમ, એ બંને 43 વર્ષના છે. પરિવારમાં આ ઉપરાંત એમના માતા વી.ટી. દેવી (65) અને પિતા સુબ્રમણ્યન (67) છે.

ગઈ કાલે એશિયા ફાઈટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વેસ્ટર સિમ નામનો એક બોક્સર ઈન્શ્યૂરન્સને લગતી અમુક ગૂંચવણને કારણે છેલ્લી ઘડીએ લિમ સાથેના મુકાબલામાંથી ખસી જતાં એની જગ્યાએ સુબ્રમણ્યન રિંગમાં ઉતર્યા હતા. એમણે આ પહેલી જ વાર મ્યુએ થાઈ બોક્સિંગ ફાઈટમાં ભાગ લીધો હતો.

મુકાબલા વખતે લિમે ઘણીવાર એમને માથામાં પ્રહારો કર્યા હતા.

ફાઈટ પૂરી થયા બાદ સુબ્રમણ્યન બેચેન અને થાકી ગયેલા જમાયા હતા. અમુક મિનિટો સુધી તેઓ રિંગની એક બાજુ બેઠા રહ્યા હતા. બાદમાં એમને સિંગાપોર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં રાતે 9.00 વાગ્યે તેઓ મૃત્યુ પામ્યા હતા.

ગઈ કાલે એએફસીમાં ભાગ લેનાર 19 વર્ષીય મ્યુએ થાઈ બોક્સર બ્રાયન ટીએ કહ્યું કે સુબ્રમણ્યને મુકાબલા પહેલા યોગ્ય તાલીમ લીધી નહોતી. તેઓ સ્પર્ધક બોક્સર નહોતા, પણ બોડીબિલ્ડર હતા. તેઓ બોક્સિંગ મુકાબલો લડવા માટે સજ્જ નહોતા. સામાન્ય રીતે બોડીબિલ્ડર એમની કાર્ડિયો (હૃદયને લગતી) તાલીમ લેતા નથી હોતા, જે અમે બોક્સરો રાબેતા મુજબ લેતા હોઈએ છીએ. પ્રદિપ સુબ્રમણ્યન એક્ઝિબિશન મેચ-અપ ફાઈટર હતા.

સુબ્રમણ્યનનો પરિવાર પ્રદિપના મૃત્યુનું ચોક્કસ કારણ તત્કાળ જાણી શક્યો નહોતો અને તે હોસ્પિટલના ડોક્ટરો સાથે સંપર્કમાં છે.

પ્રદિપ સુબ્રમણ્યન AFC ફિઝિક ચેમ્પિયનશિપના આયોજક હતા. એ સ્પર્ધા આજે 24 સપ્ટેંબરે રવિવારે યોજાવાની હતી, પણ હવે તે સ્પર્ધા રદ કરવામાં આવી છે.

એશિયા ફાઈટિંગ ચેમ્પિયનશિપ અને એશિયા ફિઝિક ચેમ્પિયનશિપને આગામી સમયમાં એશિયા ફિટનેસ એન્ડ હેલ્થ એક્સપો ખાતે પ્રદર્શનિય સ્પર્ધાઓ તરીકે રજૂ કરવામાં આવનાર હતી.

પ્રદિપ સુબ્રમણ્યન અને સ્ટીવન લિમ વચ્ચેના મુકાબલાની ક્લિપ…

httpss://www.facebook.com/straitstimes.stomp/videos/1682318931799542/

હસીના પારકરઃ સરસ તક… જે વેડફાઈ ગઈ

ફિલ્મઃ હસીના પારકર

ડિરેક્ટરઃ અપૂર્વ લાખિયા

કલાકારોઃ શ્રદ્ધા કપૂર, સિદ્ધાંત કપૂર, અંકુર ભાટિયા

અવધિઃ આશરે બે કલાક

(બકવાસ *, ઠીક મારા ભઈ * *, ટાઈમપાસ * * *, મસ્ત * * * *, પૈસા વસૂલ * * * * *)

ફિલ્મોમીટર રેટિંગઃ ★ ★

દુબઈમાં બેસીને મુંબઈને કન્ટ્રોલ કરતા દાઉદ ઈબ્રાહિમની મુંબઈમાં રહેતી બહેન હસીના વિશે એવું માનવામાં આવતું કે એ ભાઈ વતી મુંબઈનું એનું કામકાજ સંભાળે છે અને એ રીતે એ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં ઈન્વૉલ્વ છે. જો કે હસીના આ બધાંથી દૂર રહીને આદર્શ ગૃહિણી, વત્સલ માતા બનાવાના પ્રયાસ કરે છે, પણ સંજોગ એવા સર્જાય છે કે એનો પરિવાર ખેદાનમેદાન થઈ જાય છે અને એણે અંધારી આલમ તરફ વળવું પડે છે. હસીના હવે નાગપાડાની ગૉડમધર છે, આપા (મોટી બહેન) છે. શું એ ખરેખર ભાઈની ગેરહાજરીમાં મુંબઈમાં ‘બિઝનેસ’ સંભાળતી હતી? આ અને આવા અનેક પ્રશ્ર્ન (2014માં) હસીના પારકરનું હાર્ટ ઍટેકથી અવસાન થયું પછી નિરુત્તર રહ્યા.

ડિરેક્ટર અપૂર્વ લાખિયાને 1990ના દાયકામાં પ્રકાશમાં આવેલી હસીના પારકરની લાઈફમાં એક સશક્ત વાર્તા દેખાઈ ને એમણે એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. દાઉદના ભાઈ સબિર કાસકરની હત્યા, જે.જે. હૉસ્પિટલમાં થયેલું શૂટઆઉટ, બાબરી મસ્જિદ તૂટી એ પછી મુંબઈમાં ફાટી નીકળેલાં રમખાણ અને મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાને સર્જકે તથા એમના કથા-પટકથાલેખકે (સુરેશ નાયરે) આવરી લીધા છે.

કમનસીબે નબળી પટકથા અને ગોથાં ખવડાવી દે એવું કથાકથન (નેરેશન) ફિલ્મને એક તબક્કે કંટાળાજનક બનાવી દે છે. એક્સટોર્શન (ખંડણી) માટે પકડાયેલી આપા પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એણે વાર્તાનો પાયો રચી આપ્યો છે. પણ આ કોર્ટરૂમ ડ્રામા એક તબક્કે નિરર્થક બની જાય છે. એ હદે કે જજ કપાળ કૂટતાં કહે છેઃ

‘નૉવેલ નહીં લિક્ખ રહે હૈં હમ ઈન પર!’

શ્રદ્ધા કપૂરે ગાલનાં ગલોફાંમાં રૂના ડૂચા ખોસીને આપા બનવાનો પ્રયાસ કર્યો છે, પણ એ બિલકુલ ફિટ થતી નથી, જ્યારે એનો ભાઈ સિદ્ધાંત કપૂર ખતરનાક ડૉન જેવો જરાયે લાગતો નથી. જો કે હસીનાના ખાવિંદ ઈબ્રાહિમ પારકરની ભૂમિકામાં અંકુર ભાટિયા સરસ.

ટૂંકમાં, હસીના પારકર બનાવીને અપૂર્વે એક સરસ વાર્તા વેડફી નાખી. કોર્ટમાં હસીનાની કેફિયત સાંભળીને જજને પ્રભાવિત થતાં જોઈને લાગ્યા વગર રહે નહીં કે એ શા માટે ગુનાખોરી તરફ એનું દિગ્દર્શક જસ્ટિફિકેશન આપવા માગે છે.

બોલ્ડ ઍન્ડ મીનિંગફુલ!

ફિલ્મઃ ન્યૂટન

ડિરેક્ટરઃ અમિત મસુરકર

કલાકારોઃ રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અંજલિ પાટીલ, રઘુબીર યાદવ

અવધિઃ 105 મિનિટ્સ

(બકવાસ *, ઠીક મારા ભઈ * *, ટાઈમપાસ * * *, મસ્ત * * * *, પૈસા વસૂલ * * * * *)

ફિલ્મોમીટર રેટિંગઃ સાડા ત્રણ ★ ★ ★

કંઈ કરી બતાવવાના મનસૂબા લઈને સરકારી નોકરી લેનારા સેંકડો યુવાનોમાંનો એક નૂતન કુમાર (રાજકુમાર રાવ)નું હેલિકૉપ્ટર છત્તીસગઢના જંગલવિસ્તારમાં લેન્ડ થાય છે. નૂતન કુમાર, જેણે પોતાનું નામ બદલીને ન્યૂટન કુમાર કરી નાખ્યું છે, આવ્યો છે અહીંનાં બે ગામમાં લોક સભાની ચૂંટણી યોજવા. બે ગામના મતદારોની કુલ વસતી છેઃ 76. પ્રજા બિચારી ઈન્ડિયન આર્મી, માઓવાદી નક્સલાઈટ્સ અને રાજકારણીઓ વચ્ચે પીસાતી રહી છે. આ પહેલાંની ચૂંટણીહિંસામાં 19નાં મોત થયેલાં. જો ન્યૂટન કુમાર મક્કમ ન હોત તો ઈલેક્શન કમિશનનો અહીં ચૂંટણી યોજવાનો કોઈ ઈરાદો નહોતો. ઈલેક્શન કમિશનર પોતે માંદો છું કહીને છેલ્લી ઘડીએ ઘેર બેસી ગયેલા. ન્યૂટન ઈચ્છે છે કે લોકશાહીનાં મધમીઠાં ફળ અહીંના રહેવાસીઓને પણ ચાખવા મળે. એ તો જ શક્ય બને જ્યારે મતદાન થાય, નક્સલવાદીથી ગ્રસ્ત ગામવાસીઓ પોતાનો નેતા ચૂંટે. આ ધીમી, પણ મક્કમ પ્રક્રિયા છે લોકશાહી સ્થાપવાની.

અમિત વી. મસુરકર દિગ્દર્શિત બ્લેક કૉમેડી ‘ન્યૂટન’માં આ છે મૂળ વાત. ‘સુલેમાની કીડા’ નામની સ-રસ ફિલ્મના સર્જક અમિતે અહીં ફેફસાંમાં આત્મવિશ્ર્વાસ અને ખભા પર આશાઅપેક્ષા લઈને ચાલતા એક આદર્શવાદી જુવાનને રજૂ કર્યો છે. ‘ન્યૂટન’ની વાર્તાનો સમયકાળ એક દિવસ અથવા કહો કે થોડા કલાકની જ છે. આટલા સમયમાં સર્જકે અહીં કેટલા મુદ્દા ઉઠાવ્યા છે? બાળવિવાહથી લઈને દહેજ, લાંચ-ભ્રષ્ટાચાર, જાતિવાદ, અંગ્રેજી ભાષા માટેનું આપણું પાગલપન, વગેરે વગેરે.

ડિરેક્ટરે અહીં એક સવાલ આપણી સામે રમતો મૂક્યો છે કે આપણે આપણા દેશ વિશે કેટલું જાણીએ છીએ? અમદાવાદ, મુંબઈ કે અન્ય મહાનગરોમાં મજ્જેની લાઈફ જીવનારા આપણે દેશના એક ભાગની પ્રજા પર શું વીતી રહી છે એ વિશે સાવ બેખબર છીએ. રાઈટ? જેમ કે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા નીકળેલા ન્યૂટન કુમારને છત્તીસગઢનાં ઈતિહાસ, ભૂગોળ, સામાજિક પરિસ્થિતિ, ભાષા વિશે કંઈ જ ખબર નથી અને આપણા બધાની જેમ, એ પોતાના જ દેશમાં એક અજનબી બનીને રહી જાય છે.

ફિલ્મ જોઈને હું બહાર નીકળ્યો ત્યારે આ સવાલો મને ઘેરી વળ્યા અને અહીં જ ડિરેક્ટરની જીત છેઃ ધી એન્ડ બાદ એક ફિલ્મ પ્રેક્ષકના મગજમાં શરૂ થાય છે. પ્રેક્ષકને વિચારવા પર મજબૂર કરવો એ આજના સર્જક સામે મોટો પડકાર છે. મસુરકરે આ પડકાર સુપેરે ઝીલ્યો છે. રેટિંગમાં વધારાનો અડધો સ્ટાર પણ આ માટે જ આપ્યો છે.

ફિલ્મનું લેખન કશાયે આડંબર વિનાનું, રોજિંદી જીવનમાં બોલાતી ભાષાવાળું છે. ઉદાહરણઃ આદિવાસી વિસ્તારમાં શિક્ષિકા, જેને બૂથ લેવલ ઑફિસરની કામગીરી સોંપવામાં આવી છે એ માલ્કો (અંજલિ પાટીલ)ને સવાલ થાય છેઃ “તું આશાવાદી છો”? ત્યારે એ જવાબ આપે છેઃ “સાહેબ, નિરાશાવાદી નહીં… હું તો આદિવાસી છું.”

‘સુલેમાની કીડા’ની જેમ અહીં પણ લેખક-દિગ્દર્શકે (મયંક તિવારી-મસુરકર) વચ્ચે વચ્ચે ડાર્ક હ્યુમર ઈસ્તેમાલ કરી છે. જેમ કે ફોરેનના પત્રકારને રીઝવવા માગતો સ્થાનિક અધિકારી. અમિતને સજ્જડ ટેકો મળ્યો છે સપોર્ટિંગ કાસ્ટમાં. જેમ કે સંજય મિશ્રા, રઘુબીર યાદવ, અંજલિ પાટીલ. રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી (આર્મી ઑફિસર) માટે એક જ શબ્દ સૂઝે છેઃ અદભુત. પ્લીઝ, જઈને જુવો આ ફિલ્મ.