Home Blog Page 5650

કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે, દ્વારકાધિશના મંદિરે દર્શન કરવા જશે

અમદાવાદ – કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં રાજકીય રીતે મહત્વ ધરાવતા સૌરાષ્ટ્ર વિસ્તારના ત્રણ દિવસના પ્રવાસ માટે આજે આવી રહ્યા છે. તેઓ આજે દ્વારકાથી આ પ્રવાસ શરૂ કરવાના છે. ત્યાં તેઓ જગપ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરમાં દર્શન કરવા જશે.

ત્રણ દિવસના રોકાણ દરમિયાન રાહુલ સૌરાષ્ટ્રમાં અનેક જાહેર સભાઓ યોજશે, રોડશો કરશે અને ઉદ્યોગપતિઓ-વેપારીઓ સાથે વિચારવિમર્શ કરશે.

રાહુલ આજે સવારે 11.30 વાગ્યે દ્વારકા નજીકના મીઠાપુર પહોંચશે અને દ્વારકાધિશ મંદિરમાં દર્શન કરશે. ત્યાંથી તેઓ રોડમાર્ગે ખંભાળીયાથી આશરે 45 કિ.મી. દૂર આવેલા ભાટિયા ગામ જશે અને ત્યાં એક રેલીમાં પક્ષના કાર્યકર્તાઓ, સમર્થકોને સંબોધિત કરશે.

ખંભાળીયા તાલુકાના ગામોમાં તેઓ રહેવાસીઓને પણ મળવાના છે અને એમની સમસ્યાઓ સાંભળશે.

બપોરે રાહુલ જામનગર જિલ્લાના ખંભાળીયામાં કિસાનો અને માછીમારોને મળશે.

રાહુલ જામનગર શહેરમાં ચાંદી બજાર ખાતે વેપારીઓને મળવાના છે અને જામનગરમાં જ રાત્રિરોકાણ કરશે.

મંગળવારે તેઓ જામનગર જિલ્લાના ધ્રોલ જશે અને મોરબી જિલ્લાના વાંકાનેર જશે.

મંગળવારે સાંજે રાજકોટમાં તેઓ વેપારીઓને મળશે.

ત્રીજા દિવસે, રાહુલ ચોટિલા જશે અને ત્યાં ચામુંડા માતાનાં મંદિરે દર્શન કરવા જશે અને રાજકોટ જિલ્લાના જસદણમાં પણ જશે. રાજકોટ જિલ્લાના જેતપુર નજીકના કાગવાડ ગામમાં તેઓ કડવા પટેલ સમુદાયના લોકોને મળશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતભાગમાં નિર્ધારિત છે. વિધાનસભામાં સૌરાષ્ટ્રના કૃષિસંપન્ન ભાગની 58 બેઠકો ઘણું મહત્વ ધરાવે છે. 2015માં આ વિસ્તારમાં યોજાઈ ગયેલી જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. તે આ વિસ્તારમાં 11 જિલ્લા પંચાયતમાંથી આઠમાં અંકુશ ધરાવે છે.

ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી વન-ડે મેચમાં પાંચ-વિકેટથી હરાવી, સિરીઝ ૩-૦થી કબજામાં લીધી

ઈન્દોર – વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે તેનો જોરદાર વિજયી દેખાવ ચાલુ રાખીને આજે ઓસ્ટ્રેલિયાને અહીંના હોલ્કર સ્ટેડિયમમાં પાંચ-વિકેટથી પરાસ્ત કરી દીધું છે અને પાંચ-મેચોની સિરીઝને ૩-૦ના માર્જિનથી પોતાના કબજામાં લઈ લીધી છે.

ચોથી વન-ડે મેચ ૨૮ સપ્ટેંબરે બેંગલુરુમાં રમાશે.

આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી અને આરોન ફિન્ચના ૧૨૪ રનની ધરખમ સદીની મદદથી પોતાના હિસ્સાની ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૯૩ રન કર્યા હતા.

ભારતીય ટીમે તેના જવાબમાં રોહિત શર્માના ૭૧, અજિંક્ય રહાણેના ૭૦ અને હાર્દિક પંડ્યાના ૭૮ રનના દાવની મદદથી ૧૩ બોલ ફેંકાવાના બાકી રાખીને પાંચ વિકેટના ભોગે ૨૯૪ રન કરીને મેચ જીતી લીધી હતી.

મનીષ પાંડે ૩૬ રને મહેન્દ્ર સિંહ ધોની ૩ રન સાથે નોટઆઉટ રહ્યો હતો.

કેપ્ટન વિરાટ કોહલીએ ૨૮ રન અને કેદાર જાધવે બે રન કર્યા હતા.

ભારતીય ટીમે આ લગાતાર 9મી વન-ડે ઈન્ટરનેશનલ મેચ જીતી છે.

રેસ્ટોરન્ટના ઉદઘાટન પ્રસંગે સયાની, રાધિકા…

મુંબઈમાં ૨૪ સપ્ટેંબર, રવિવારે એક રેસ્ટોરન્ટના ઉદઘાટન પ્રસંગે બોલીવૂડ અભિનેત્રીઓ સયાની ગુપ્તા, શ્રુતિ શેઠ, કોંકણા સેન-શર્મા, રાધિકા આપ્ટેએ હાજરી આપી હતી.

સયાની ગુપ્તા

શ્રુતિ શેઠ

રાધિકા આપ્ટે

કોંકણા સેન-શર્મા

ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી વીકમાં વાણી અને દિયા…

મુંબઈમાં ૨૩ સપ્ટેંબર, શનિવારે ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી વીક (IIJW 2017)ની ૭મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બોલીવૂડ અભિનેત્રીઓ વાણી કપૂર અને દિયા મિર્ઝાએ જુદા જુદા જ્વેલરી ડિઝાઈનર્સનાં ઝવેરાતમાં સજ્જ થઈને રેમ્પ પર વોક કર્યું હતું.

વાણી કપૂર

વાણી કપૂર

વાણી કપૂર

વાણી કપૂર

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

કોંગ્રેસ છોડી દેનાર નારાયણ રાણે સોમવારે દિલ્હીમાં ભાજપપ્રમુખ અમિત શાહને મળશે

મુંબઈ – કોંગ્રેસની મહારાષ્ટ્રની નેતાગીરીથી નારાજ થઈને એ પાર્ટીમાંથી રાજીનામું આપનાર નારાયણ રાણે આવતીકાલે સોમવારે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહને મળવાના છે.

રાણે ભાજપમાં જોડાશે એવી ઘણા વખતથી ચર્ચા ચાલે છે અને તેઓ સોમવારે અમિત શાહને મળવાના છે એ અહેવાલોથી એ વાત પાકી જણાય છે.

નારાયણ રાણેએ અમિત શાહને મળવા માટે અપોઈન્ટમેન્ટ માગી હતી અને એ તેમને સોમવારની મળી છે.

રાણે સાથે એમનો પુત્ર નિલેશ રાણે પણ અમિત શાહને મળશે. નિલેશે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

ભાજપની બે દિવસીય કાર્યકારી સમિતિની બેઠક દિલ્હીમાં આજથી શરૂ થઈ છે અને એ બેઠકમાં જ રાણેના ભાજપપ્રવેશને થપ્પો મારી દેવામાં આવે એવી ધારણા છે.

નારાયણ રાણે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ વિસ્તારના વગદાર નેતા છે.

રાણે સિંધુદુર્ગમાં એમના દ્વારા સંચાલિત એક હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે હાજર રહેવાનું અમિત શાહને આમંત્રણ આપે એવી પણ માહિતી છે.

કોઈનાં મોબાઈલ ફોનના સિરિયલ (IMEI) નંબર સાથે ચેડાં કરનારને ૩ વર્ષની જેલ થશે

નવી દિલ્હી – દેશભરમાં મોબાઈલ ફોનની થતી ચોરીની ઘટનાઓ બંધ કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે એક નવો કાયદો ઘડ્યો છે. સરકારે કોઈનાં પણ મોબાઈલ ફોનના IMEI નંબર એટલે કે, મોબાઈલ ફોનના ૧૫-આંકડાવાળા સિરિયલ નંબર સાથે ચેડાં કરવાને સજાપાત્ર ગુનો ગણવાનો નિર્ણય લીધો છે અને એ ગુનેગારને ત્રણ વર્ષ સુધીની જેલ થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

સરકારના આ પગલાથી દેશમાં નકલી IMEI નંબરોને કારણે સર્જાતા અનેક પ્રશ્નોનું પણ નિવારણ થશે, તેમજ ગુમાઈ જતા મોબાઈલ ફોનને શોધી કાઢવાનું પણ સરળ થશે.

ટેલિકોમ વિભાગના એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્પાદક સિવાય જો કોઈ પણ વ્યક્તિ ઈરાદાપૂર્વક મોબાઈલ ડિવાઈસ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબરમાં ફેરફાર કરશે કે કોઈ સોફ્ટવેર દ્વારા એની સાથે ચેડાં કરશે કે એને કાઢી નાખશે તો એ ગેરકાયદેસર ગણાશે.

IMEI દરેક મોબાઈલ હેન્ડસેટનો એક યૂનિક આઈડી હોય છે. જ્યારે કોઈ યૂઝર કોલ કરે છે ત્યારે કોલ રેકોર્ડ પરમાં કોલ કરનારનો નંબર અને જે હેન્ડસેટ પરથી કોલ કરાયો હોય એનો IMEI નંબર દર્શાઈ જાય છે. કોઈ હેન્ડસેટમાં મોબાઈલ નંબર SIM કાર્ડ બદલીને ચેન્જ થઈ શકે છે, પણ IMEI નંબર તો કોઈ ટેકનિકલ જાણકાર વ્યક્તિ સ્પેશિયલ ઈક્વિપમેન્ટ (સોફ્ટવેર) વાપરીને જ બદલી શકે છે.

મોબાઈલ ડિવાઈસીસને યૂનિક નંબર જાગતિક ઈન્ડસ્ટ્રી સંસ્થા GSMA દ્વારા ફાળવવામાં આવે છે. જ્યારે કોઈ મોબાઈલ ફોન ગુમ થઈ જાય છે ત્યારે એના માલિકે તે શોધી શકાય એ માટે હેન્ડસેટનો IMEI નંબર આપવો જરૂર પડે છે.

IMEI નંબર સાથે ચેડાં કરાતા હોવાને કારણે પોલીસ કે અન્ય સુરક્ષા એજન્સીઓ માટે મોબાઈલ ફોનને શોધવાનું બહુ મુશ્કેલ બનતું હોય છે, તેથી ટેલિકોમ વિભાગે આ યૂનિક નંબરને લગતા કાયદા હવે કડક બનાવી દીધા છે અને એની સાથે ચેડાં કરવાને સજાપાત્ર ગુનો ગણવાનું નક્કી કર્યું છે.

‘ટોઈલેટ: એક પ્રેમકથા’ના દિગ્દર્શકની નવી ફિલ્મનો હિરો હશે શાહિદ કપૂર

મુંબઈ – આ વર્ષે બોક્સ ઓફિસ પર હિટ થયેલી ફિલ્મોમાંની એક અને દર્શકોએ વખાણેલી હિન્દી ફિલ્મ ‘ટોઈલેટ: એક પ્રેમકથા’ના દિગ્દર્શક શ્રીનારાયણ સિંહે નવી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. એ ફિલ્મનું ટાઈટલ હજી એમણે નક્કી નથી કર્યું, પણ અભિનેતા તરીકે શાહિદ કપૂરને પસંદ કરી લીધો છે.

નવી ફિલ્મનો વિષય વીજળીની ચોરીનો હશે. ફિલ્મમાં શાહિદ વકીલની ભૂમિકા કરશે.

શ્રીનારાયણ સિંહનો દાવો છે કે એમની નવી ફિલ્મ દર્શકોને જરૂર ગમશે. નવી ફિલ્મ વિશે શાહિદ કપૂરને મળ્યો ત્યારે પાંચ મિનિટમાં જ મેં નક્કી કરી લીધું હતું કે ફિલ્મના હિરો તરીકે શાહિદ એકદમ ફિટ છે.

નવી ફિલ્મ મહત્વના સામાજિક સંદેશવાળી ડ્રામા ફિલ્મ હશે, જેમાં માનવમૂલ્યોની પણ વાત હશે.

દિગ્દર્શક હાલ ફિલ્મની પટકથા પર કામ કરી રહ્યા છે.

અગાઉ એવા અહેવાલો હતા કે શાહિદ કપૂર રોશની ફિલ્મમાં કામ કરવાનો છે અને એમાં એ વકીલની ભૂમિકા કરશે.

રૂપાણી સોમવારે દિલ્હીમાં નવા ગુજરાત સદનનું ભૂમિપૂજન કરશે

અમદાવાદ – ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સોમવારે, 25 સપ્ટેમ્બરે સવારે નવી દિલ્હીમાં અકબર રોડ ખાતે 7066 ચોરસ મીટર જમીન પર નિર્માણ પામનારા નવા ગુજરાત સદનનું ભૂમિપજન કરશે.

આ નવું નિર્માણ થનારું ગુજરાત સદન કેન્દ્ર સરકારના મંત્રાલયો અને સંસદભવનની નજીક હશે.

ગુજરાત સરકારે નવું ભવન બાંધવા કેન્દ્ર સરકાર પાસે જમીન ફાળવવા અગાઉ વખતો વખત કરેલી રજૂઆતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળતા જ સ્વીકાર કરીને દેશના પાટનગરમાં પ્રાઈમ એરિયા ગણાતા 25, B, અકબર રોડ ખાતે જમીન ફાળવી આપી છે.

આ નવા ગુજરાત સદનની ભૂમિપૂજન વિધિમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરા, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલ અને કેન્દ્ર સરકારમાં સેવા બજાવતા ગુજરાતના પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે.

69 રૂમ્સ, બેઠકરૂમ સહિતની આધુનિક સુવિધા સાથેનું આ ગુજરાત સદન ૧૮ મહિનામાં તૈયાર થવાની ધારણા છે.