ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી વન-ડે મેચમાં પાંચ-વિકેટથી હરાવી, સિરીઝ ૩-૦થી કબજામાં લીધી

ઈન્દોર – વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે તેનો જોરદાર વિજયી દેખાવ ચાલુ રાખીને આજે ઓસ્ટ્રેલિયાને અહીંના હોલ્કર સ્ટેડિયમમાં પાંચ-વિકેટથી પરાસ્ત કરી દીધું છે અને પાંચ-મેચોની સિરીઝને ૩-૦ના માર્જિનથી પોતાના કબજામાં લઈ લીધી છે.

ચોથી વન-ડે મેચ ૨૮ સપ્ટેંબરે બેંગલુરુમાં રમાશે.

આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી અને આરોન ફિન્ચના ૧૨૪ રનની ધરખમ સદીની મદદથી પોતાના હિસ્સાની ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૯૩ રન કર્યા હતા.

ભારતીય ટીમે તેના જવાબમાં રોહિત શર્માના ૭૧, અજિંક્ય રહાણેના ૭૦ અને હાર્દિક પંડ્યાના ૭૮ રનના દાવની મદદથી ૧૩ બોલ ફેંકાવાના બાકી રાખીને પાંચ વિકેટના ભોગે ૨૯૪ રન કરીને મેચ જીતી લીધી હતી.

મનીષ પાંડે ૩૬ રને મહેન્દ્ર સિંહ ધોની ૩ રન સાથે નોટઆઉટ રહ્યો હતો.

કેપ્ટન વિરાટ કોહલીએ ૨૮ રન અને કેદાર જાધવે બે રન કર્યા હતા.

ભારતીય ટીમે આ લગાતાર 9મી વન-ડે ઈન્ટરનેશનલ મેચ જીતી છે.