કોઈનાં મોબાઈલ ફોનના સિરિયલ (IMEI) નંબર સાથે ચેડાં કરનારને ૩ વર્ષની જેલ થશે

નવી દિલ્હી – દેશભરમાં મોબાઈલ ફોનની થતી ચોરીની ઘટનાઓ બંધ કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે એક નવો કાયદો ઘડ્યો છે. સરકારે કોઈનાં પણ મોબાઈલ ફોનના IMEI નંબર એટલે કે, મોબાઈલ ફોનના ૧૫-આંકડાવાળા સિરિયલ નંબર સાથે ચેડાં કરવાને સજાપાત્ર ગુનો ગણવાનો નિર્ણય લીધો છે અને એ ગુનેગારને ત્રણ વર્ષ સુધીની જેલ થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

સરકારના આ પગલાથી દેશમાં નકલી IMEI નંબરોને કારણે સર્જાતા અનેક પ્રશ્નોનું પણ નિવારણ થશે, તેમજ ગુમાઈ જતા મોબાઈલ ફોનને શોધી કાઢવાનું પણ સરળ થશે.

ટેલિકોમ વિભાગના એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્પાદક સિવાય જો કોઈ પણ વ્યક્તિ ઈરાદાપૂર્વક મોબાઈલ ડિવાઈસ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબરમાં ફેરફાર કરશે કે કોઈ સોફ્ટવેર દ્વારા એની સાથે ચેડાં કરશે કે એને કાઢી નાખશે તો એ ગેરકાયદેસર ગણાશે.

IMEI દરેક મોબાઈલ હેન્ડસેટનો એક યૂનિક આઈડી હોય છે. જ્યારે કોઈ યૂઝર કોલ કરે છે ત્યારે કોલ રેકોર્ડ પરમાં કોલ કરનારનો નંબર અને જે હેન્ડસેટ પરથી કોલ કરાયો હોય એનો IMEI નંબર દર્શાઈ જાય છે. કોઈ હેન્ડસેટમાં મોબાઈલ નંબર SIM કાર્ડ બદલીને ચેન્જ થઈ શકે છે, પણ IMEI નંબર તો કોઈ ટેકનિકલ જાણકાર વ્યક્તિ સ્પેશિયલ ઈક્વિપમેન્ટ (સોફ્ટવેર) વાપરીને જ બદલી શકે છે.

મોબાઈલ ડિવાઈસીસને યૂનિક નંબર જાગતિક ઈન્ડસ્ટ્રી સંસ્થા GSMA દ્વારા ફાળવવામાં આવે છે. જ્યારે કોઈ મોબાઈલ ફોન ગુમ થઈ જાય છે ત્યારે એના માલિકે તે શોધી શકાય એ માટે હેન્ડસેટનો IMEI નંબર આપવો જરૂર પડે છે.

IMEI નંબર સાથે ચેડાં કરાતા હોવાને કારણે પોલીસ કે અન્ય સુરક્ષા એજન્સીઓ માટે મોબાઈલ ફોનને શોધવાનું બહુ મુશ્કેલ બનતું હોય છે, તેથી ટેલિકોમ વિભાગે આ યૂનિક નંબરને લગતા કાયદા હવે કડક બનાવી દીધા છે અને એની સાથે ચેડાં કરવાને સજાપાત્ર ગુનો ગણવાનું નક્કી કર્યું છે.