સુષમાનાં સંબોધનથી પાકિસ્તાન ભડક્યું; કહ્યું, ‘ભારત તો દક્ષિણ એશિયામાં ત્રાસવાદની જનની છે’

ન્યુ યોર્ક – વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ગયા શનિવારે સંયુક્ત રાષ્ટ્રો (યૂએન)ની મહાસમિતિમાં આક્રમક શૈલીમાં કરેલા સંબોધનમાં ત્રાસવાદ મુદ્દે પાકિસ્તાન પર આકરાં પ્રહારો કર્યાં બાદ પાકિસ્તાન રોષે ભરાયું છે અને એવો આરોપ મૂક્યો છે કે ભારત શિકારી રાષ્ટ્ર છે અને દુનિયાના દેશો જો એમ ઈચ્છતા હોય કે અમારા બંને પડોશી દેશો વચ્ચે કોઈ ખતરનાક ઘર્ષણ ન થાય તો દુનિયાએ ભારતને ઉશ્કેરણીજનક અને આક્રમક પગલાં લેતા અટકાવવું જ જોઈએ.

યૂએનમાં પાકિસ્તાનનાં રાજદૂત અથવા સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીએ ભારતને દક્ષિણ એશિયા વિસ્તારમાં ત્રાસવાદની જનની તરીકે ઓળખાવ્યું છે અને એવો આરોપ મૂક્યો છે કે તે અમારાં દેશના અનેક ભાગોમાં ત્રાસવાદને ભડકાવે છે.

ઉલ્લેખનીય છે સુષમા સ્વરાજે એમના શનિવારના સંબોધનમાં પાકિસ્તાનને આતંકવાદને એક્સપોર્ટ કરનાર દેશ તરીકે ગણાવ્યો હતો.

સુષમા સ્વરાજે એમ પણ કહ્યું હતું કે ભારત દેશ દુનિયાને ડોક્ટરો અને એન્જિનીયરો આપે છે જ્યારે પાકિસ્તાન દુનિયાને આતંકવાદીઓ આપે છે.

સુષમા સ્વરાજનાં એ સંબોધનનો પ્રત્યુત્તર આપવાના પોતાનાં અધિકારનો ઉપયોગ કરીને મલીહા લોધીએ ભારત વિરુદ્ધ જોરદાર રીતે ગુસ્સો ઠાલવ્યો છે.

એમણે કહ્યું કે, મોદી સરકારના રાજમાં જાતિવાદી અને ફાસીવાદી વિચારધારા મજબૂત થઈ છે.

લોધીએ કહ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવામાં હસ્તક્ષેપ કરવા અને મદદરૂપ થવાનો યૂએન તથા દુનિયાના દેશોનો અધિકાર છે એટલું જ નહીં, પણ એમની જવાબદારી પણ બને છે.

સુષમા સ્વરાજે એમનાં સંબોધનમાં કશ્મીરનો ઉલ્લેખ કર્યો નહોતો.