સિંગાપોરમાં બોક્સિંગ સ્પર્ધામાં મુકાબલા બાદ ભારતીય બોડીબિલ્ડર પ્રદિપ સુબ્રમણ્યનનું નિધન

સિંગાપોર – અહીં ગઈ કાલે સાંજે અહીં મરીના બૅ સેન્ડ્સ ખાતે એશિયા ફાઈટિંગ ચેમ્પિયનશિપ (AFC)માં રમાયેલા એક મ્યુએ થાઈ બોક્સિંગ મુકાબલામાં જાણીતા બોક્સર સ્ટીવન લિમ સાથે મુકાબલો પૂરો થઈ ગયા બાદ ભારતીય મૂળના બોડીબિલ્ડર પ્રદિપ સુબ્રમણ્યનનું નિધન થયું છે. તેઓ 32 વર્ષના હતા.

સુબ્રમણ્યનના નિધનની જાણકારી 41 વર્ષીય લિમે એના ફેસબુક પેજ પર કરી હતી. લિમ જાણીતા યૂટ્યૂબ સેલિબ્રિટી બોક્સર છે.

સુબ્રમણ્યનના પરિવારે પણ સુબ્રમણ્યનના નિધનની સોશિયલ મિડિયા પર જાહેરાત કરી હતી.

પ્રદિપ સુબ્રમણ્યન

પ્રદિપ સુબ્રમણ્યન વર્લ્ડ બોડીબિલ્ડિંગ એન્ડ ફિઝીક સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ હતા. એમના અચાનક મૃત્યુથી પરિવાર આઘાત અને શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પ્રદિપ સુબ્રમણ્યન ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. એમનાથી મોટા બે જોડિયા ભાઈઓ છે – સર્વણન અને શન્મુગમ, એ બંને 43 વર્ષના છે. પરિવારમાં આ ઉપરાંત એમના માતા વી.ટી. દેવી (65) અને પિતા સુબ્રમણ્યન (67) છે.

ગઈ કાલે એશિયા ફાઈટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વેસ્ટર સિમ નામનો એક બોક્સર ઈન્શ્યૂરન્સને લગતી અમુક ગૂંચવણને કારણે છેલ્લી ઘડીએ લિમ સાથેના મુકાબલામાંથી ખસી જતાં એની જગ્યાએ સુબ્રમણ્યન રિંગમાં ઉતર્યા હતા. એમણે આ પહેલી જ વાર મ્યુએ થાઈ બોક્સિંગ ફાઈટમાં ભાગ લીધો હતો.

મુકાબલા વખતે લિમે ઘણીવાર એમને માથામાં પ્રહારો કર્યા હતા.

ફાઈટ પૂરી થયા બાદ સુબ્રમણ્યન બેચેન અને થાકી ગયેલા જમાયા હતા. અમુક મિનિટો સુધી તેઓ રિંગની એક બાજુ બેઠા રહ્યા હતા. બાદમાં એમને સિંગાપોર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં રાતે 9.00 વાગ્યે તેઓ મૃત્યુ પામ્યા હતા.

ગઈ કાલે એએફસીમાં ભાગ લેનાર 19 વર્ષીય મ્યુએ થાઈ બોક્સર બ્રાયન ટીએ કહ્યું કે સુબ્રમણ્યને મુકાબલા પહેલા યોગ્ય તાલીમ લીધી નહોતી. તેઓ સ્પર્ધક બોક્સર નહોતા, પણ બોડીબિલ્ડર હતા. તેઓ બોક્સિંગ મુકાબલો લડવા માટે સજ્જ નહોતા. સામાન્ય રીતે બોડીબિલ્ડર એમની કાર્ડિયો (હૃદયને લગતી) તાલીમ લેતા નથી હોતા, જે અમે બોક્સરો રાબેતા મુજબ લેતા હોઈએ છીએ. પ્રદિપ સુબ્રમણ્યન એક્ઝિબિશન મેચ-અપ ફાઈટર હતા.

સુબ્રમણ્યનનો પરિવાર પ્રદિપના મૃત્યુનું ચોક્કસ કારણ તત્કાળ જાણી શક્યો નહોતો અને તે હોસ્પિટલના ડોક્ટરો સાથે સંપર્કમાં છે.

પ્રદિપ સુબ્રમણ્યન AFC ફિઝિક ચેમ્પિયનશિપના આયોજક હતા. એ સ્પર્ધા આજે 24 સપ્ટેંબરે રવિવારે યોજાવાની હતી, પણ હવે તે સ્પર્ધા રદ કરવામાં આવી છે.

એશિયા ફાઈટિંગ ચેમ્પિયનશિપ અને એશિયા ફિઝિક ચેમ્પિયનશિપને આગામી સમયમાં એશિયા ફિટનેસ એન્ડ હેલ્થ એક્સપો ખાતે પ્રદર્શનિય સ્પર્ધાઓ તરીકે રજૂ કરવામાં આવનાર હતી.

પ્રદિપ સુબ્રમણ્યન અને સ્ટીવન લિમ વચ્ચેના મુકાબલાની ક્લિપ…

httpss://www.facebook.com/straitstimes.stomp/videos/1682318931799542/