Home Blog Page 498

મુંબઈમાં RA સ્ટુડિયોમાં બંધક બાળકોને છોડાવાયાઃ એકની ધરપકડ

મુંબઈઃ શહેરના જાણીતા RA સ્ટુડિયોના પ્રથમ માળ પર ચાલી રહેલા એક્ટિંગ ક્લાસમાં 15થી 20 બાળકોને બંધક બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળતાં આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. આરોપીએ 15–20 બાળકોને સ્ટુડિયોમાં બંધક બનાવી લીધા હતા. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપીની ધરપકડ કરી છે.

મુંબઈ પોલીસે બંધક બનાવાયેલાં બધાં બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા . મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે બધાં બાળકોને ઘટનાસ્થળેથી સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. રોહિત આર્યા નામની વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે તેણે આવું પગલું કેમ ભર્યું અને શું તે ખરેખર માનસિક રીતે અસ્વસ્થ છે?

આરોપી માનસિક રીતે અસ્વસ્થ

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે રોહિત આર્યા નામની એક વ્યક્તિએ મુંબઈના પવઈ વિસ્તારમાં કેટલાક બાળકોને બંધક બનાવી લીધાં છે. તેણે એક વિડિયો જાહેર કર્યો છે જેમાં તે કહેતો નજરે પડે છે કે તેને કેટલાક લોકો સાથે વાત કરવી છે અને જો તેને એવું કરવા નહિ દેવામાં આવે તો તે બધું આગ લગાવી દેશે અને પોતાને તથા બાળકોને નુકસાન પહોંચાડશે. આ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ લાગી રહી છે અને પોલીસ મામલો સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળકોને ઓડિશન માટે બોલાવવામાં આવ્યાં હોવાનું પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું.

આ ઘટનાએ બધાને અચંબામાં મૂકી દીધા, જેને કારણે લોકોમાં ભય ફેલાયો. બાળકો બારીમાંથી બહાર જોતા જોવા મળ્યા, જ્યારે નીચે તેમના પરિવારજનો રોકકળ કરતાં પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી મળતાં પોલીસની અનેક ટીમો સ્થળ પર દોડી આવી અને આખા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી.

ટ્રમ્પ પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરશે, પેન્ટાગોનને તૈયારી કરવાનો આદેશ

યુએસ પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ: યુનાઇટેડ સ્ટેટ્સ ફરીથી પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન) ને પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે રશિયા અને ચીનના સ્તર સુધી પરીક્ષણ કરવા કહ્યું છે. આજે ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા પછી, ટ્રમ્પે પરમાણુ પરીક્ષણના આદેશને યોગ્ય ઠેરવતું નિવેદન બહાર પાડ્યું. દરમિયાન, ટ્રમ્પના આદેશ પછી બહાર પાડવામાં આવેલા યુએસ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે પરમાણુ પરીક્ષણ આગામી 24 થી 36 મહિનામાં પૂર્ણ થશે.

ટ્રમ્પે પરીક્ષણના આદેશ વિશે શું કહ્યું?

એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “જો રશિયા અને ચીન પરમાણુ પરીક્ષણ કરી શકે છે, તો યુનાઇટેડ સ્ટેટ્સ પણ આવું કેમ કરી શકતા નથી? યુનાઇટેડ સ્ટેટ્સ પાસે વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં પરમાણુ શસ્ત્રો છે, છતાં અમે પરીક્ષણો કરીશું કારણ કે અન્ય દેશો પણ કરે છે. પરમાણુ પરીક્ષણો ક્યારે અને ક્યાં કરવામાં આવશે તે હજુ સુધી નક્કી થયું નથી, પરંતુ અમે ટૂંક સમયમાં સ્થળ અને સમય નક્કી કરીશું અને પરીક્ષણની જાહેરાત કરીશું.” પરમાણુ પરીક્ષણો કરવાની યોજના તાજેતરમાં જ ઘડવામાં આવી હતી અને તેની તાત્કાલિક જાહેરાત કરવામાં આવી હતી.

જ્યોર્જ બુશે ૧૯૯૨માં મોરેટોરિયમ લાદ્યું હતું

એ નોંધવું જોઈએ કે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે ૧૯૯૨માં પરમાણુ પરીક્ષણો પર મોરેટોરિયમ લાદ્યો હતો. આ પહેલા, યુએસે ૧૯૪૫ થી ૧૯૯૨ દરમિયાન ૧,૦૫૪ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. યુએસ અને ચીન બંનેએ કોમ્પ્રીહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ પ્રતિબંધ સંધિ (CTBT) હેઠળ પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ પ્રસ્તાવનો ઔપચારિક રીતે અમલ કરવામાં આવ્યો ન હતો. તેથી, જ્યારે ચીન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે, ત્યારે યુએસે પણ કરારમાંથી ખસીને પરમાણુ પરીક્ષણો કરવાનો નિર્ણય લીધો છે.

સરદાર પટેલને સમજવા હોય તો જાણી લો આ પાંચ પુસ્તકો વિશે

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કરવામાં કરેલું કાર્ય આજે પણ ઇતિહાસનો અભિન્ન ભાગ છે. 31 ઓક્ટોબર, 2025 ના રોજ, દેશ તેમની 150મી જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે, તેમના જીવન, વિચારો અને સંઘર્ષને સમજવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમના પર લખાયેલા પુસ્તકો વાંચો.

Sardar Vallabhbhai Patel( haresh jhala)

સરદાર પટેલના આ પુસ્તકો ફક્ત તેમની રાજકીય યાત્રાને જ પ્રકાશિત કરતા નથી, પરંતુ એ પણ જણાવે છે કે તેમણે ભારતને એક રાષ્ટ્ર બનાવવા માટે 562 રજવાડાઓને કેવી રીતે એક કર્યા. જો તમે સરદાર પટેલના વિચાર, નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણની વાર્તાને ઊંડાણપૂર્વક સમજવા માંગતા હો, તો આ 5 પુસ્તકો ચોક્કસપણે વાંચવા યોગ્ય છે.

WOF: વલ્લભભાઈ પટેલ

આ પુસ્તક એવા બધા લોકો માટે છે જેઓ ભારતના સાચા શિલ્પીને નજીકથી જોવા માંગે છે. તે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો અને કાર્યોને સમજવા માટે એક ઉત્તમ માર્ગ તરીકે પણ કામ કરે છે. તેમાં તેમના ભાષણો, વિચારો અને રાષ્ટ્ર માટેના મુખ્ય નિર્ણયોની વિગતો આપવામાં આવી છે. સ્વતંત્રતા પછી, જ્યારે દેશ ભાગલાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પટેલે ભારતને એક કરવા માટે પોતાની શાણપણ અને હિંમતનો ઉપયોગ કર્યો. પુસ્તક વાંચવાથી ખબર પડે છે કે તેઓ કેવી રીતે શાંત રહ્યા અને દરેક પડકારનો ઉકેલ શોધી કાઢ્યો. તે તેમના વ્યક્તિત્વની સાદગી અને દેશભક્તિ બંનેને પ્રતિબિંબિત કરે છે.

સરદાર વલ્લભભાઈ પટેલ અ બાયોગ્રાફી

સરદાર પટેલની આ બાયોગ્રાફી એવા લોકો માટે એક મહાન પ્રેરણા છે જેઓ જાણવા માંગે છે કે કઠોર પરિશ્રમ અને પ્રામાણિકતા દ્વારા ઇતિહાસ કેવી રીતે રચી શકાય છે. આ પુસ્તક સરદાર પટેલના સમગ્ર જીવનચરિત્રનું સરળ અને સ્પષ્ટ વર્ણન પૂરું પાડે છે, જેમાં બાળપણથી લોખંડી પુરુષ બનવા સુધીની તેમની સફરનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. લેખક વર્ણવે છે કે તેઓ કેવી રીતે ખેડૂત પરિવારમાંથી આવ્યા અને સમગ્ર રાષ્ટ્રને એક કર્યું. રજવાડાઓનાં વિલીનીકરણમાં તેમની ભૂમિકા સરળ શબ્દોમાં સમજાવવામાં આવી છે. આ પુસ્તક વાંચીને, વાચક તેમના મજબૂત સ્વભાવ, દેશભક્તિ અને ન્યાયની ભાવનાનો અનુભવ કરે છે.

સરદાર વલ્લભભાઈ પટેલ: આધુનિક ભારતના ચાણક્ય

આ પુસ્તક વાંચીને તમને સમજવામાં મદદ મળશે કે સરદાર પટેલ માત્ર એક નેતા જ નહોતા, પરંતુ એક સાચા રાષ્ટ્રનિર્માતા હતા. દરેક ભારતીયે તેમના યોગદાનને ખરેખર સમજવા માટે તેને વાંચવું જોઈએ. આ પુસ્તકમાં સરદાર પટેલને આધુનિક ભારતના ચાણક્ય કહેવામાં આવ્યા છે. લેખક વર્ણવે છે કે તેમણે કેવી રીતે તેમના શાણપણ અને દૂરંદેશીથી દેશને એક કર્યો. આ પુસ્તક તેમના રાજકીય નિર્ણયો, મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમના મજબૂત કાર્યો અને જનતા સાથેના તેમના જોડાણનું સરળ શબ્દોમાં વર્ણન કરે છે. તે એ પણ સમજાવે છે કે પટેલે રજવાડાઓ વચ્ચે સંકલન કરીને ભારતના નકશાને કેવી રીતે એકીકૃત કર્યો.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ડિયાઝ આઈરન મેન

જે કોઈ ભારતના ઇતિહાસ અને તેના સાચા નાયકોને સમજવા માંગે છે, તેમણે આ પુસ્તક વાંચવું જ જોઈએ. આ પુસ્તક સરદાર પટેલના જીવન અને યોગદાનને સુંદર રીતે રજૂ કરે છે. તેમાં તેમના ભાષણો, દુર્લભ ફોટોગ્રાફ્સ અને ઐતિહાસિક ઘટનાઓનો સંગ્રહ છે. લેખક તેમના વ્યક્તિત્વને શક્તિશાળી અને ભાવનાત્મક રીતે રજૂ કરે છે. આ પુસ્તકમાં વર્ણવવામાં આવ્યું છે કે તેમણે કેવી રીતે રજવાડાઓને એક કરીને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યું. તેને વાંચીને એવું લાગે છે કે જાણે પટેલનું જીવન આપણી નજર સમક્ષ પ્રગટ થઈ રહ્યું છે. આ ફક્ત એક પુસ્તક નથી, પરંતુ ભારતની એકતાની વાર્તા છે.

સરદાર પટેલ:ધ બેસ્ટ પીએમ ઈન્ડિયા નેવર હેડ

આ પુસ્તક એક રસપ્રદ પ્રશ્ન ઉઠાવે છે: જો સરદાર પટેલ વડા પ્રધાન બન્યા હોત તો ભારત કેવું હોત? લેખક સરળ શબ્દોમાં સમજાવે છે કે તેમના મજબૂત નેતૃત્વ અને નિર્ણયોથી દેશને કેવી રીતે ફાયદો થઈ શક્યો હોત. આ પુસ્તક તેમની વિચારસરણી, કાર્યશૈલી અને વહીવટી સમજને સરળ રીતે સમજાવે છે. તેમાં ઘણા તથ્યો છે જે પટેલની દૂરંદેશી અને પ્રામાણિકતા દર્શાવે છે. આ પુસ્તક ખાસ કરીને એવા લોકો માટે મૂલ્યવાન છે જેઓ ઇતિહાસને નવા દ્રષ્ટિકોણથી જોવા માંગે છે અને સાચું નેતૃત્વ કેવું હોય છે તે સમજવા માંગે છે.

ગુજરાતના કચ્છમાં એક જહાજમાં લાગી ભયંકર આગ, જુઓ VIDEO

ગુજરાતના કચ્છમાં એક જહાજમાં ભીષણ આગ લાગી. અહેવાલો અનુસાર, માંડવી જહાજમાં સમુદ્રની વચ્ચે આગ લાગી ગઈ. ફઝલ રબ્બી નામનું જહાજ સોમાલિયા બંદરથી દુબઈ જઈ રહ્યું હતું. તેમાં સવાર 16 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

યુવરાજ સિંહ આ IPL ટીમના બની શકે છે મુખ્ય કોચ

ભૂતપૂર્વ ભારતીય ખેલાડી યુવરાજ સિંહ કોચિંગની દુનિયામાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. અહેવાલ છે કે IPL ફ્રેન્ચાઇઝ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના નવા મુખ્ય કોચ બનવા માટે તેમની સાથે વાતચીત કરી રહી છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેંગર હાલમાં ટીમનું કોચિંગ કરી રહ્યા છે. જોકે, અહેવાલો સૂચવે છે કે ટીમના માલિક સંજીવ ગોએન્કા હવે ટીમની જવાબદારી એક ભારતીયને સોંપવા માંગે છે.

યુવરાજ સિંહ અને LSG વચ્ચે વાતચીત ચાલી રહી છે

મીડિયા અહેવાલો સૂચવે છે કે યુવરાજ સિંહ અને LSG વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જો આ સોદો અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો તે IPL ઇતિહાસમાં એક મોટો કોચિંગ પગલું હશે. જોકે યુવરાજે કોઈપણ વ્યાવસાયિક ટીમ સાથે મુખ્ય કોચ તરીકે કામ કર્યું નથી, તેમણે અબુ ધાબી T10 લીગમાં માર્ગદર્શક તરીકે સેવા આપી છે. વધુમાં, તે લાંબા સમયથી યુવા ખેલાડીઓને તાલીમ આપી રહ્યો છે, જેમાં શુભમન ગિલ અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. તે હવે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ જેવા યુવાનો સાથે પણ કામ કરી રહ્યો છે.

આ પહેલી વાર નથી જ્યારે યુવરાજ સિંહનું નામ IPL ટીમ સાથે જોડાયું હોય. ગયા સિઝનમાં, એવા અહેવાલો હતા કે જો ગુજરાત ટાઇટન્સ (GT) આશિષ નેહરાથી અલગ થઈ જાય, તો યુવરાજને તેના સ્થાને લાવવામાં આવી શકે છે. તેવી જ રીતે, દિલ્હી કેપિટલ્સ (DC) એ પણ રિકી પોન્ટિંગના સ્થાને યુવરાજને સામેલ કરવાની ચર્ચા કરી હતી, પરંતુ અંતે, હેમાંગ બદાનીને કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

LSG, જે 2022 માં IPL માં પ્રવેશ્યું હતું, તેણે તેની પ્રથમ બે સિઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ ત્યારબાદ બે વાર સાતમા સ્થાને રહ્યું. આના કારણે મેનેજમેન્ટમાં ઘણા ફેરફારો થયા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચીન પરનો ટેરિફ 10 ટકા ઘટાડ્યો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચીન પર લાગુ કરેલા ટેરિફમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. હવે દર 57 ટકા પરથી ઘટીને 47 ટકા રહ્યો છે. ટ્રંપે જણાવ્યું છે કે બંને દેશો વેપાર અને રેર અર્થ એલિમેન્ટ્સ જેવા મુદ્દાઓ પર કેટલાક મહત્વપૂર્ણ પોઈન્ટ્સ પર સહમતી સધાઈ છે. ટ્રંપ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દક્ષિણ કોરિયામાં બેઠક થઈ હતી.

અમેરિકાએ ચીન પર ફેન્ટેનાઇલ સંબંધિત ટેરિફને 20 ટકા પરથી ઘટાડીને 10 ટકા કરી દીધો છે. ફેન્ટેનાઇલ એક ખતરનાક અને અત્યંત લત લગાડનાર ડ્રગ છે. અમેરિકાનું કહેવું છે કે આ ડ્રગનો મોટો હિસ્સો ચીનમાં ઉત્પાદિત થાય છે અને ત્યાંથી સપ્લાય થાય છે.

ટ્રંપે જણાવ્યું છે કે ચીન સાથે રેર અર્થ એલિમેન્ટ્સનો મુદ્દો પણ ઉકેલાઈ ગયો છે. અમેરિકાએ ચીન સાથે એક વર્ષની વેપાર સંધિ કરી છે. હવે રેર અર્થ એલિમેન્ટ્સ પર કોઈ અવરોધ નથી. આ પહેલાં ચીને પહેલી નવેમ્બરથી રેર અર્થ એલિમેન્ટ્સના નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અમેરિકાએ આ જ તારીખથી ચીન પર 100 ટકા વધારાના ટેરિફ અને અન્ય વેપારી પ્રતિબંધો લગાવવાની ધમકી આપી હતી.

જિનપિંગ ટફ નેગોશિયેટર

ટ્રમ્પે દક્ષિણ કોરિયાના બુસાનમાં શી જિનપિંગ સાથે થયેલી મુલાકાતને ‘અદ્ભુત’ ગણાવી હતી. તેમણે જિનપિંગને મહાન નેતા અને ‘કઠોર વાટાઘાટકાર’ (ટફ નેગોશિયેટર) ગણાવ્યા હતા. આ ચર્ચા દરમિયાન ઘણા નિર્ણયો લેવામાં આવ્યા અને બંને પક્ષોએ વેપાર અને સહકાર પર અનેક મહત્વપૂર્ણ કરારો કર્યા. ચીન સાથેના સંબંધો અંગે ટ્રંપે કહ્યું કે મને લાગે છે લાંબા સમય સુધી અમારા વચ્ચે ઉત્તમ સંબંધો રહેશે.

નૂતન વર્ષમાં બનો સંબંધીનાં સુખ-દુઃખના સંગાથી…

થોડા દિવસ પહેલાં વિક્રમ સંવત 2081એ વિદાય લીધી અને 2082નો ઉદય થયો. એકની વિદયા ને બીજાના ઉદય વચ્ચે તમારા મોબાઈલ પર અસંખ્ય મેસેજ આવ્યા હશેઃ નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષમાં તમને અને તમારા પરિવારને સુખ-સમૃદ્ધિ મળે…

-પણ સાચા સુખની અથવા સમૃદ્ધિની વ્યાખ્યા શું?

સાવ નાની ઉંમરે, એક સામાન્ય, ગરીબ આફ્રિક્ન પરિવારનાં દસ બાળકોમાંનું આઠમું સંતાન માઈકલ જેક્સન… સતત અછતમાં ઉછરનારાં દુનિયાનાં લાખ્ખો બાળકોમાંના એક સામાન્ય બાળકમાંથી વિશ્વપ્રસિદ્ધ પૉપસિંગર તરીકેની યાત્રા કરનાર કલાકાર એટલે માઈકલ જેક્સન. એ માઈકલ જેક્સન, જેનાં અત્યાર સુધી બહાર પડેલાં આલબમ્સની 75 કરોડથી વધુ રેકર્ડ વેચાયેલી. એ માઈકલ જેક્સન, જેની પાસે આશરે સાડાપાંચસો કરોડ ડૉલરનું બેન્ક બૅલેન્સ હતું. અઢી હજાર એકરમાં ફેલાયેલા એના નેવરલેન્ડ નામના ભવ્ય નિવાસમાં 12 તો ડોક્ટર હતા, જે ખડેપગે માઈકલની નાની-મોટી શારીરિક સમસ્યાનો ઉપચાર કરતા. આટલાં બધાં સુખ, સંપત્તિ, સાધન અને સમૃદ્ધિ હોવા છતાં તેના ઉદગારો હતા, એક્ચ્યુઅલી આઈ એમ વન ઓફ ધ લોન્લિએસ્ટ પર્સન ઓન ધ અર્થઃ પૃથ્વી પરનો સૌથી એકલવાયો માણસ છું હું. 2009માં પચાસ વર્ષની વયે દવાના ઓવરડોઝથી માઈકલ જેક્સનનું મૃત્યુ થયું ત્યારે એની બાજુમાં એના પર્સનલ ફિઝિશિયન સિવાય કોઈ નહોતું.

દોમ દોમ સાહ્યબી, સફળતા જો કોઈ પોતીકા સાથે વહેંચી ન શકાય તો એ શા કામની? જીવનમાં સરિયામ નિષ્ળતાના સમયે પોતાના મજબૂત ખભા તમારી પડખે ઊભા હોય તો માની લેજો કે તમે આ પૃથ્વી પરની સૌથી સુખી વ્યક્તિ છો. ના, આપણે ફેસબુક, ઈન્સ્ટા ફ્રેન્ડની વાત નથી કરતા. કપરા સમયે પડખે ઊભા રહેનારા સાચા મિત્રની વાત કરીએ છીએ.

કોઈએ સાચું જ કહ્યું છે કે, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ ઈઝ ધ કન્વિક્શન ધેટ વી આર લવ્ડ બાય અધર અર્થાત્ બીજા બધા મને ખૂબ ચાહે છે, પ્રેમ કરે છે, એની પ્રતીતિ થવી એ જ જીવનનું શ્રેષ્ઠ સુખ છે. બાકી હૂંફાળા સંબંધો વગરનાં ભૌતિક સુખ-સગવડો સુગંધ વગરના ગુલાબ જેવાં છે. બાહ્ય વૈભવ અને સુખ-સગવડ વ્યક્તિને આરામદાયક જીવન જરૂર પૂરું પાડશે, પરંતુ સાથે આંતરિક હૂંફ, સંતોષ અને શાંતિ માટે પોતાના કહી શકાય એવા માણસોનો સંગાથ મળે તો આપણું જીવન સોનામાં સુગંધ ભળ્યા જેવું બની જાય.

અમેરિકામાં કાર્નેગી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી નામની એક પ્રખ્યાત શિક્ષણ સંસ્થા છે. તેના અધિકારીઓએ માણસની સફળતા-નિષ્ફળતા જેવા એક વિષય પર અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આ માટે અધિકારીઓએ દસ હજાર વ્યક્તિઓની મુલાકાત લીધી અને તારણ આપ્યું કે, વ્યક્તિની સફળતાનો પંદર ટકા આધાર તેની બુદ્ધિ, કામ કરવાની આવડત અને કૌશલ પર છે, પરંતુ પંચ્યાશી ટકા આધાર એ માણસના અન્યો સાથેના લોકસંબંધો કેવા છે તેના પર નિર્ભર રહે છે.

જો કે સંબંધોનું એક કડવું સત્ય એ છે કે જીવન-નૈયા સુખના પ્રદેશમાંથી પસાર થતી હોય ત્યારે તો સૌનો સાથ અવશ્ય મળી રહે, પણ દુઃખના દિવસોમાં સંગાથ આપે એ જ સાચો સંબંધ કહી શકાય.

અમરેલી જિલ્લાના ખડાધાર ગામમાં રહેતા રવજીભાઈના પરિવારમાં બીમારી અને ગરીબી અડિંગો જમાવીને બેઠેલી. પતિ-પત્ની બંને એ વખતે અસાધ્ય ગણાતા ટીબીનાં દર્દી. ઘરના રોટલા માંડ નીકળે ત્યાં ઈલાજના પૈસા ક્યાંથી હોય? બંનેએ સ્વીકારી લીધેલું કે દીકરા રમણીકને એ મોટો થતો જોઈ નહીં શકે. રવજીભાઈએ પોતાની વ્યથા પત્રમાં ઠાલવી પ્રમુખસ્વામી મહારાજને મોકલી. પત્ર વાંચતા જ તેમની પરિસ્થિતિથી વાકેફ સાચા સ્વજન સમા સ્વામીશ્રીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે પતિ-પત્નીના ઉપચાર કરાવ્યા. થોડા સમયમાં તબિયત સારી થવા લાગી. પછી તો સુરત નજીક આવેલા કીમમાં એમણે રમકડાંનો વ્યવસાય શરૂ કર્યો, એમાં પણ પ્રમુખસ્વામીએ એમને સહાય કરી.

જે યુગમાં સ્વાર્થ સોળે કળાએ ખીલ્યો હોય, જે સમયમાં સગાં પણ વહાલાને બદલે દવલા બની જતા હોય, જ્યારે વ્યક્તિગત લાભ અને મહાત્ત્વાકાંક્ષાના કારણે રક્ષક પણ ભક્ષક બની જતા હોય, એવા યુગમાં પ્રમુખસ્વામી મહારાજ સુખમાં સંગાથ અને દુઃખમાં હાથ આપવાનું ક્યારેય ભૂલ્યા નથી. આવા મહાપુરુષોનાં જીવનથી પ્રેરિત થઈ આપણે આપણા સંબંધીનાં સુખદુઃખના સંગાથી બનીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોંગ્રેસ, RJDએ છઠ્ઠી મૈયાનું અપમાન કર્યુઃ PM મોદી

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીપ્રચારમાં આજે PM મોદી મુઝફ્ફરપુર પહોંચ્યા અને જનસભાને સંબોધી હતી. તેમણે ફરી એક વાર લોકોને NDA સરકાર બનાવવા અપીલ કરતાં  કહ્યું હતું કે NDA એટલે સુશાસન, NDA એટલે જનસેવા અને NDA એટલે વિકાસની ખાતરી.. છઠ્ઠ પર્વને લઈને PM મોદીએ કોંગ્રેસ,RJDને આડે હાથ લેતાં કહ્યું હતું કે છઠ્ઠી મૈયાનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે હું બિહારનો બહુ મોટો ઋણી છું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કે અમે છઠ્ઠ પર્વને UNESCOની હેરિટેજ સૂચીમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

કોંગ્રેસ,RJDએ છઠ્ઠી મૈયાનું અપમાન કર્યું

વિપક્ષી મહાગઠબંધન પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ, RJDએ છઠ્ઠી મૈયાનું અપમાન કર્યું છે, તેઓ છઠ્ઠને ડ્રામા કહે છે. છઠ્ઠી મૈયાનું અપમાન હવે બિહાર સહન નહીં કરે. કોંગ્રેસ, RJDના લોકો નિર્લજ્જતાથી બોલી રહ્યા છે. સદીઓ સુધી બિહારી લોકો આ અપમાન ભૂલશે નહીં. કોંગ્રેસ, RJD ક્યારેય બિહારને વિકાસશીલ બનાવી શકતા નથી. મને બિહારની જનતાનો સાથ જોઈએ છે. જંગલરાજની પાંચ ઓળખ છે — કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુશાસન અને કરપ્શન.

બિહારના મારા ભાઈ–બહેનો, બિહારના મારા માલિકો… હું તમારો બહુ મોટો ઋણી છું. અહીં એટલા બધા યુવાનો આવ્યા છે, હું બહુ મોટી સંખ્યામાં માતા–બહેનોનાં દર્શન કરી રહ્યો છું. આ વિશાળ જનસાગર કહી રહ્યો છે, ફરી એક વાર NDA સરકાર, બિહારમાં ફરી સુશાસન સરકાર.

બિહારમાં છઠ્ઠના મહાપર્વ બાદ આ મારી પ્રથમ જનસભા છે. છઠ્ઠ મહાપર્વ બિહાર અને દેશનું ગૌરવ છે. દેશ–વિદેશમાં છઠ્ઠ મહાપર્વ ઊજવાય છે. જ્યારે અમે છઠ્ઠનાં ગીતો સાંભળીએ છીએ ત્યારે ભાવવિભોર થઈ જઈએ છીએ. છઠ્ઠી મૈયાની પૂજામાં માતાની ભક્તિ છે, સમતા છે, મમતા છે અને સામાજિક સમરસતા છે. તમારો આ બેટો દુનિયામાં છઠ્ઠી મૈયાની જય–જયકાર કરાવવામાં લાગેલો છે.

બિહારનું ગૌરવ વધારવું, બિહારની મીઠી બોલીને દુનિયામાં પહોંચાડવી, બિહારની સંસ્કૃતિને વિશ્વના ખૂણેખૂણે લઇ જવી અને બિહારનો વિકાસ— એ NDA અને ભાજપાની સૌથી મોટી પ્રાથમિકતા છે.

સરદાર પટેલ એક વ્યક્તિ નહીં વિચારધારા છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારની રાજધાની પટનામાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ પત્રકાર પરિષદ મુખ્યત્વે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત કરવામાં આવી હતી, જે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આજે પટનામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પરિષદને સંબોધિત કરી હતી, તેમની સાથે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય પણ હતા. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સરદાર પટેલ કોઈ વ્યક્તિ નહીં, પરંતુ એક વિચારધારા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરદાર પટેલ આઝાદીના કરોડરજ્જુ હતા અને રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ હતું.

એકતા નગર કેવડિયા કોલોનીમાં ભવ્ય પરેડ

આ દરમિયાન તેમણે કહ્યું કે પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે એકતા નગર કેવડિયા કોલોનીમાં યોજાઈ રહેલી ભવ્ય પરેડમાં હાજરી આપવા માટે દરેકને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું,”આપણે બધા જાણીએ છીએ કે સ્વતંત્રતા પછી દેશને એક કરવામાં અને આજે આપણે જે ભારત જાણીએ છીએ તેના નિર્માણમાં સરદાર પટેલે કેટલું મોટું યોગદાન આપ્યું છે.”

સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર ખાસ કાર્યક્રમ

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, અને ગૃહ મંત્રાલયે પણ નિર્ણય લીધો છે કે આજથી દર 31 ઓક્ટોબરે આવી જ ભવ્ય પરેડ યોજવામાં આવશે.” દેશની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે આ પરેડનું આયોજન દરેક રાજ્યના તમામ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને પોલીસ દળોના સન્માન માટે કરવામાં આવે છે, અને દેશની એકતા અને અખંડિતતાના મૂર્ત સ્વરૂપ સરદાર પટેલની પ્રતિમા સામે યોજવામાં આવશે.

રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ વર્ષે રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરના દરેક રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, જિલ્લા, પોલીસ સ્ટેશન, શાળા અને યુનિવર્સિટીમાં રન ફોર યુનિટીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની એકતા અને અખંડિતતા માટે પ્રતિજ્ઞા લેવા માટે દરેક નાગરિક માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે એકતા નગરમાં ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, જે 1 નવેમ્બરથી 15 નવેમ્બર, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ સુધી ચાલશે અને 15 નવેમ્બરે આદિવાસી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દર્શાવતા ભવ્ય કાર્યક્રમ સાથે સમાપ્ત થશે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની સરકાર બનવાની શક્યતાઃ સર્વે

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત-હારને લઈને દાવ લગાવતા રાજસ્થાનના ફલોદી સટ્ટાબજારના પણ અંદાજ મુજબ આ વખતે પણ બિહારમાં NDAની સરકાર બનવાની શક્યતા છે. સટ્ટા બજારના તાજા અનુમાન મુજબ NDA ગઠબંધનને 135-138 બેઠકો મળશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ચૂંટણી સર્વેની તુલનાએ ઘણી વધુ છે.

બીજી તરફ મહાગઠબંધનની વાત કરીએ તો સટોડિયાના અનુમાન મુજબ તેમને માત્ર 93થી 96 બેઠકો મળવાની શક્યતા  છે. જોકે ફલોદી સટ્ટા બજારના સટોડિયાએ વ્યક્તિગત ઉમેદવારની જીત-હારને લઈને કોઈ ભાવ જાહેર નથી કર્યો.

આ પહેલાં વોટ વાયબના સર્વેમાં મહાગઠબંધનને આગળ બતાવવામાં આવ્યું હતું. જ્યારે બિહારમાં લોકો પાસે પૂછવામાં આવ્યું કે આ વખત કયું ગઠબંધન જીતશે, ત્યારે 34.7 ટકા લોકોએ કહ્યું કે મહાગઠબંધન જીતશે. જ્યારે 34.4 ટકાએ કહ્યું હતું કે આ વખતે પણ NDA જીતશે. 12.3 ટકા લોકોએ જનસુરાજની જીતની વાત કરી. 10.1 ટકા લોકોએ કહ્યું કે તેઓ કંઈ કહી શકતા નથી.

વોટ વાયબના ફાઉન્ડરએ શું કહ્યું

વોટ વાયબના ફાઉન્ડર અમિતાભ તિવારીએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જન સુરાજને કારણે આ વખત ત્રિકોણીય ચૂંટણી થઈ રહી છે. પ્રશાંત કિશોરની પાર્ટી કોના વધુ મત કાપશે તે અંગે હજી અસ્પષ્ટતા છે. તેમણે જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના “દરેક ઘરમાં સરકારી નોકરી”ના વચનથી ક્યાંક ને ક્યાંક મહાગઠબંધનને ફાયદો થતો નજરે પડે છે. તેમણે એ પણ કહ્યું કે આ વખતની બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો પ્રવેશ આ મુકાબલાને સંપૂર્ણપણે ત્રિકોણીય બનાવી રહ્યો છે. એવામાં લોકોમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવણની સ્થિતિ જોવા મળી રહી છે.