Home Blog Page 4970

શાંતિકૂચ કરતાં પ્રિયંકાને અટકાવાયાઃ છેવટે ધરણાં પર બેઠાં

નવી દિલ્હીઃ દિલ્હીના જનપથ રોડ પર શાંતિ માર્ચ કરી રહેલાં કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીને સુરક્ષા કારણોસર અટકાવવામાં આવ્યાં હતાં. શાતિ માર્ચ અટકાવવા બદલ તેઓ પાર્ટીના નેતાઓ સાથે ધરણાં પર બેસી ગયાં હતાં. દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસાને લઈને દિલ્હી હાઇકોર્ટે પણ પોલીસ કમિશનરને ભડકાઉ વિડિયો જોવાનો નિર્દેશ આપ્યો હતો અને ઉચિત કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. દિલ્હી હિંસામાં અત્યાર સુધી 22 લોકોનાં મોત થયાં છે અને 56 પોલીસ સહિત 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.  

આ પહેલાં કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દિલ્હી હિંસા માટે જવાબદાર ઠેરવતાં ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માગ કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલથી માંડીને મનીષ સિસોદિયા અને કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ દિલ્હીવાસીઓને શાંતિ રાખવા અને ધીરજથી કામ લેવા અપીલ કરી હતી. બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને શાંતિ અને ભાઇચારો બનાવી રાખવા અપીલ કરી હતી.   

દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી તોફાનો થઈ રહ્યા છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત બે લોકોનાં મોત થયાં છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં 22 લોકોનાં મોત થયાં છે. જેને લઈને દિલ્હીમાં હાલ તંગદિલીભર્યો માહોલ છે.

દિલ્હી હિંસા પર હાઇકોર્ટે પણ કડક વલણ લેતાં દિલ્હી પોલીસને ભડકાઉ ભાષણ આપવા બદલ ભાજપના નેતા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પરવેશ વર્માની સામે કેસ નોંધવા આદેશ આપ્યો હતો. દિલ્હીમાં તોફાની તત્વોની હિંસા બાદ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવારે પણ સેના બોલાવવાની માગ કરી હતી.

 

 

BSEમાં કમર્શિયલ પેપર્સનું લિસ્ટિંગ રૂ. 3 લાખ કરોડના આંકને વટાવી ગયું

મુંબઈ તા. 26 ફેબ્રુઆરી, 2020:  બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)માં અત્યાર સુધીમાં આઉટસ્ટેન્ડિંગ કમર્શિયલ પેપર્સના 70 ટકા એટલે કે 102 ઈશ્યુઅરોના રૂ.3,00,329 કરોડના કમર્શિયલ પેપર્સના 989 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (26 ફેબ્રુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.5,36,282.92 કરોડ (74.83 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,95,145 કરોડનું ભંડોળ (41.18 અબજ ડોલર) એકત્ર કરી આશરે 59 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (26 ફેબ્રુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.10,01,626 કરોડ (139.76 અબજ ડોલર) એકત્ર કર્યા છે.

દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએઃ હાઇકોર્ટ

નવી દિલ્હી: દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને થયેલી હિંસા મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યુ કે, કોર્ટ અને પોલીસ હોવા છતાં દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ. કોર્ટે કહ્યું કે આ સમય છે લોકોનો ભરોસો જાળવી રાખવાનો. લોકોના મનમાંથી ડટ દૂર કરવો જોઈએ અને લોકોએ ભરોસો આપવો પડશે કે તે સંપૂર્ણ સુરક્ષિત છે. કોર્ટે દિલ્હી પોલીસને કહ્યું કે, હિંસામાં જે લોકોના મોત થયા છે તેમના અંતિમ સંસ્કાર માટે સુરક્ષિત જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે.

સાથે જ દિલ્હી હાઈકોર્ટે સૂચન કરતા કહ્યું કે, ઉચ્ચ પદો પર બેઠેલા લોકોએ પીડિત પરિવારોને મળવુ જોઈએ. કોર્ટે કહ્યું IB ઓફિસર પર થયેલા હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. કોર્ટે દિલ્હી સરકારને હેલ્પલાઈન શરુ કરવા અંગે પણ પૂછયું જેથી તાત્કાલિક ધોરણે લોકોની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. દિલ્હી સરકારે કોર્ટને ભરોસો આપતા કહ્યું કે તેમના તરફથી દરેક સંભવ પ્રયત્નો કરવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, સરકાર અસ્થાઈ સેલ્ટર તૈયાર કરે જેથી પ્રભાવિત લોકોને ચોખ્ખુ પાણી, દવાઓ, અને ખાવાનું ઉપલબ્ધ કરાવી શકાઈ. પીડિતોને સુરક્ષિત માર્ગ મારફતે ખાનગી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ કોર્ટે ડીએલએસએ ને કહ્યું કે, હિંસામાં પીડિતોને વળતર આપવામાં મદદ કરે. સાથે જ દંગા પીડિત લોકોને સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક માટે મોબાઈલ નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. 1091 જેવા હેલ્પલાઈન નંબર દિલ્હી સરકારના છે, પણ સામાન્ય લોકો વચ્ચે તેની વધુ પબ્લિસિટી કરવાની જરૂર છે.

ઝોમેટો, સ્વિગીના ઓનલાઈન ફૂડ પર સરકાર નજર રાખશે; નિયમ કડક બનાવ્યા

મુંબઈઃ લોકોને ઝોમેટો અને સ્વિગી મારફત ડિલીવર કરાનાર ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે એ માટે થર્ડ પાર્ટી ઓડિટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશની ફૂડ રેગ્યૂલેટર FSSAI સંસ્થાએ ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ્સ માટે નિયમોને કડક બનાવ્યા છે અને આવા પ્લેટફોર્મ્સ દ્વારા ડિલીવર કરાતા ફૂડની ગુણવત્તા પર ચાંપતી નજર રાખવામાં આવશે.

ઝોમેટો અને સ્વિગી થર્ડ પાર્ટી ઓડિટર માટે તૈયાર થઈ રહી છે. આ કંપનીઓને સેલ્ફ ઓડિટ કરવાનું તો ગયા વર્ષે જણાવવામાં આવ્યું જ હતું.

આ બંને કંપનીઓએ આશરે 10 હજાર જેટલી રેસ્ટોરન્ટ્સને ડિલીસ્ટ કરી હતી. આ વખતે ઓડિટનું ફોકસ રહેશે આરોગ્ય (હાઈજીન). તે ઉપરાંત ક્લાઉડ કિચનને પણ ફોકસમાં રાખવામાં આવશે. હાઈજીન માટે 1-5નું રેટિંગ પણ રાખવામાં આવશે.

ચીનની ઈન્ટરનેટ કંપની અલીબાબાની પેટા-કંપની એન્ટ ફાઈનાન્સિયલે ઝોમેટોમાં 15 કરોડ ડોલર (આશરે રૂ. 1,050 કરોડ)નું મૂડીરોકાણ કર્યું છે. આ ઈન્વેસ્ટમેન્ટ માટે ઓનલાઈન ફૂડ ડિલીવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર પ્લેટફોર્મ ઝોમેટોનું વેલ્યુએશન 3 અબજ ડોલર (આશરે રૂ. 2,100 કરોડ)નું ગણાયું છે.

ગ્રાહકોને ફૂડ ડિલીવર કરનાર ઝોમેટો અને સ્વિગી કંપનીઓએ છેલ્લા છ મહિનામાં ડિલીવરીના ચાર્જિસમાં વધારો કર્યો છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, આ કંપનીઓએ ડાઈનેમિક ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. સાથોસાથ, આ કંપનીઓએ ઓર્ડર રદ કરવાના નિયમો પણ કડક બનાવ્યા છે.

ઝોમેટોએ થોડાક દિવસો પહેલાં ઉબર ઈટ્સ કંપનીને ખરીદી લીધી હતી. એ સોદા અનુસાર, ઉબરને ઝોમેટોના 9.99 ટકા શેર મળ્યા છે. ઝોમેટોના હિસાબે આ શેરની કિંમત 2,500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

નાણાપ્રધાનનું ફૂલગુલાબી બજેટઃ ખેડૂતો પર નીતિનભાઇની નજર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે રૂપાણી સરકારનું વર્ષ 2020-21નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નીતિન પટેલ આ પહેલાં આઠ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. નાણાપ્રધાન ગયા વર્ષ રૂ. 2.40 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જ્યારે આ વર્ષે બજેટનું કદ રૂ. 2,17,287 કરોડનું છે. નાણાપ્રધાને ગુજરાતનું બજેટ રજૂ કર્યું એ પહેલાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિધાનસભામાં કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. નાણાપ્રધાન આ વખતના બજેટમાં ખેડૂતો પર વરસી પડી છે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે છોટા ઉદેપુરના છ તાલુકામાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું છે. જેમાં 2,461 ખેડૂતોને અતિવૃષ્ટિને લીધે કૃષિમાં નુકસાન થયું છે.  નાણાપ્રધાને પંચાયતો અને કોર્ટોરેશનની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં અને જીએસટીના અમલીકરણ પછી સરકારની આવક ઘટી હોવા છતાં રૂ. 605 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતુ.રાજ્ય સરકારના બજેટમાં નીચેની બાબાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રૂપાણી સરકારના નાણાપ્રધાન નીતિન પટેલે વર્ષ 2020-21નું બજેટ રજૂ કરતી વખતે શેરથી શરૂઆત કરી હતી. 

 

તેમણે  કહ્યું હતું કે

કામ કરતા આવ્યા છીએ કામ કરતા રહીશું

ઋણી છીએ ગુજરાતના ઋણ ચૂકવતા રહીશું

ધન્ય ધરા ગુજરાતની ચરણ ચૂમતા રહીશું

 

આમ કહી તેમણે બજેટનો પ્રારંભ કર્યો હતો. તેમણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે અમદાવાદમાં 30 ટકા સ્ટાફની અછત છે. બજેટના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ રજૂ કર્યા હતાઃ

  • 47 લાખ ખેડૂતોને તેમના બેન્ક ખાતામાં સહાય આપી રૂ. 3186 કરોડ જમા કરાવ્યા
  • માવઠામાં ગુજરાત સરકારે અત્યાર સુધી સૌથી મોટી સહાય આપી છે.
  • અમારી સરકાર હંમેશાં ખેડૂતોની પડખે છે અને રહેશે
  • નીતિન પટેલે ખેડૂતો માટે રૂ. 3,795 કરોડનું પેકેજ જાહેર કરાયું
  • સરકાર સર્વસમાવેશી સરકાર છે અને સૌનો સાથ અને સૌનો વિકાસ
  • આ વર્ષે રૂ. 3.44 લાખના મૂડીરોકાણના એમઓયુ થયા
  • અત્યાર સુધી સ્ટેચ્યુ યુનિટીના 40 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો
  • દરરોજ 15,000 લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં દર્શન કરે છે.
  • ખેડૂત કલ્યાણ યોજના માટે રૂ. 7,423 કરોડની જોગવાઈ
  • ખેડૂતો માટે ઝીરો ટકાના વ્યાજના ધિરાણ માટે રૂ. 1,000 કરોડની જોગવાઈ
  • પાક વીમા માટે રૂ. 1190 કરોડની સકરારી સહાય કરાશે
  • મુખ્ય પ્રધાન પાક સંગ્રહ યોજનાની જાહેરાત
  • નાના ગોડાઉન અને ફાર્મ સ્ટોરેજ ઊભા કરવા માટે સરકાર સહાય કરશે
  • એકમદીઠ રૂ. 30,000ની સહાતની જાહેરાત
  • ઓનલાઇન ફાર્મ સ્ટોરેજ માટે NAની જરૂર નહીં પડે
  • સરકારે પાક સહાય યોજના માટે રૂ. 300 કરોડની ફાળવ્યા
  • ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા રૂ. 45થી રૂ. 60,000ની મદદ
  • એક ગાયદીઠ સરકાર માસિક રૂ. 900ની સહાય કરશે
  • ગાયદીઠ દર વર્ષે સરકાર આપશે રૂ. 10,800ની સહાય
  • કિસાન પરિવાર યોજનાની સરકારની જાહેરાત
  • કુલ 29,000 ખેડૂતોને થશે લાભ
  • પ્રાકૃત્રિક ખેતી તરફ વધારવાનો પ્રયાસ
  • 5000 ખેડતોને રૂ. 30 કરોડની સહાય અપાશે
  • એક માસ માટે 150 કિલો પશુધાનની ખરીદીએ 50 ટકા મદદ
  • પાંજરાપોળોને સહાય યોજના અંતર્ગત સહાય
  • લારીમાં છૂટક શાકભાજી વેચનારને સરકાર આપશે મોટી છત્રીની સહાય કરશે
  • નાના માછીમારોને એન્જિનની સહાય યોજના હેઠળ સેફ્ટીના સાધનો ખરીદવા રૂ. બે કરોડની સહાય
  • ખેડૂતોને હળવા ભાર વાહનો માટે રૂ. 75,000ની સહાય
  • એપીએમસીને ખેતપેદાશોના રક્ષણ માટે ગોડાઉન બનાવવા સહાય
  • યુનિટદીઠ  50 ટકા સુધીની સહાય
  • જળસંપદા માટે રૂ. 7,200 કરોડની જોગવાઈ
  • સૌની યોજના માટે રૂ. 1710 કરોડની જોગવાઈ
  • કેન્દ્ર સરકારની સહાયથી ભૂગર્ભ જળ યોજના
  • ભૂગર્ભ જળ ઊંચું લાવવા માટે પ્રયાસો કરાશે
  • અટલ ભૂજલ યોજના માટે કચ્છ અને ઉ.ગુજરાતના 24 તાલુકાઓમાં આયોજન
  • બનાસકાંઠા માટે મોટા થરાદથી સીપુ ડેમ વચ્ચે મોટી પાઇપલાઇન જેથી થરાદ લાખાણી, ડીસા, દાંતીવાડાને લાભ
  • જમીનની ખારાશ અટકાવવા માટે ભાડભૂત યોજના
  • શિક્ષણ વિભાગ માટે રૂ. 31,995 કરોડની જોગવાઈ
  • રાજ્યની 500 સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સેલેન્સ તરીકે વિકસાવાશે
  • શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે વિશેષ પ્રયાસો
  • પ્રાથમિક શાળાઓમાં 7,000 નવા વર્ગ ખંડો બાંધવામાં આવશે
  • સૌની યોજનાથી 32 જળાશયો અને 48 તળાવો ભરાયાં
  • સુગર મિલોને સહાય કરવા રૂ. 25 કરોડની જોગવાઈ
  • હિંમતનગરમાં રૂ. 43 કરોડના ખર્ચે નવી વેટરનરી કોલેજ શરૂ કરાશે
  • સૌની યોજના માટે રૂ. 1710 કરોડની જોગવાઈ
  • પાણીપુરવઠા માટે રૂ. 4317 કરોડ
  • ઘાસ સંગ્રહ માટે 40 નવાં ગોડાઉનો બનાવાશે
  • 40 નવા ગોડાઉન માટે રૂ. 24 કરોડની જોગવાઈ
  • વન સંરક્ષણ અને વન સંવર્ધન માટે રૂ. 281 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. 11,243 કરોડ
  • સામાજિક ન્યાય અધિકારિતા માટે રૂ. 4,321 કરોડ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે માટે રૂ. 387 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળવિકાસ માટે રૂ. 3150 કરોડની જોગવાઈ
  • જમીનની માપણી માટે રૂ. 27 કરોડ ખર્ચાશે
  • ગાંધીનગરમાં નવી પોલીસ કમિશનરની કચેરી બનશે
  • કૃષિ ખેડૂત કલ્યાણ રૂ. 7,423 કરોડ
  • પાકવીમાનું પ્રીમિયમ ભરવા રૂ. 1190 કરોડની સહાય
  • ડેરી ફાર્મ અને પશુ એકમ સ્થાપવા માટે રૂ. 81 કરોડની સહાય
  • શિક્ષણમાં ગુણવત્તા સુધારવા ઓનલાઇન રિયલ મોનિટરિંગ
  • પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવાશે
  • આદિજાતિ વિકાસ માટે રૂ. 2675 કરોડની ફાળવણી
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ .7017 કરોડની ડજોગવાઈ
  • પ્રવાસન વિભાગ માટે રૂ. 480 કરોડ
  • મહેસૂલ વિભાગ માચટે રૂ. 4473 કરોડ
  • કલ્યાઇમેન્ટ ચેન્જ માટે રૂ. 1,019 કરોડ
  • સામાજિક ન્યુ અધિકારિતા માટે રૂ. 4,321 કરોડ
  • સાસ્કૃતિક વિભાગ માટે રૂ. 560 કરોડની જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે રૂ. 7053 કરોડની ફાળવણી
  • કાયદા વિભાગ માટે રૂ. 1,681 કરોડ ફાળવણી
  • અન્ન અને પુરવઠા માટે રૂ. 1271 કરોડ જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રોદ્યોગિકરણ માટે રૂ. 497 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ માટે રૂ. 4,150 કરોડ
  • કાયદા વિભાગ માટે રૂ. 1681 કરોડ
  • વન અને પર્યાવરણ માટે રૂ. 1781 કરોડની જોગવાઈ
  • શ્રમ અને રોજગાર માટે રૂ. 1461 કરોડની જોગવાઈ
  • અર્બન હેલ્થ સેન્ટર ઊભા કરવા માટે રૂ. 80 કરોડની જોગવાઈ
  • ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ. 9,491 કરોડ
  • શઙેરી ગૃહ નિર્માણ માટે રૂ. 13,440 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા રૂ. 4,317 કરોડ
  • કાયદા વિભાગ માટે રૂ. 1,681 કરોડ
  • સામાન્ય વિભાગ માટે રૂ. 1766 કરોડ
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 13,917 કરોડ
  • માર્ગ અને મહકાન વ્યવહાર માટે રૂ. 10,200 કરોડની જોગવાઈ
  • મહેસૂલ વિભાગ માટે રૂ. 4,473 કરોડ
  • 3710 કરોડના ખર્ચે 25 લાખ લોકોને મેડિક્લેમ મળ્યા
  • તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી અમૃતમ મા વાત્સ્લ્ય યોજના હેઠળ 77 લાખ પરિવારોની  નોધણી
  • એએસજીમાં નવી હોસ્પિટલ કાર્યરત કરાશે
  • 108ની નવી 150 એમ્બ્યુલન્સો ખરીદાશે
  • જસદણ, ધ્રોલ માણાવદર, સોનગઢની હોસ્પિટલોને અપગ્રેડ કરાશે
  • પોરબંદર રાજપીપળા અને નવસારીમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે્
  • રાજ્યમાં 32 નવી કોલેજો બનાવાશે
  • વડોદરામાં 180 કરોડના ખર્ચે નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે
  • એમબીબીએસની સીટોમાં સરકાર વધારો કરશે
  • સૌરાષ્ટ્ર-કચ્છ પાણી માટે સરકારની મોટી યોજના
  • જળજીવ ન મિશન માટે 17 લાખ ઘરોમાં નળનું જોડાણ
  • ચાવંડ-લાઠી યોજના માટે સરકારની જાહેરાત
  • ગંદા પાણીને શુદ્ધ કરવા માટે યોજના
  • ગાંધીનગરને 24 કલાક પાણ પૂરું પાડવા પૂ. 240 કરોડની યોજના
  • કડાણા, ભિલાડ, મોડાસામાં છોકરીઓ માટે હોસ્ટેલ બનાવાશે
  • 50,000 વિદ્યાર્થિઓને વિદ્યા સાધના યોજના હેઠળ સાઇકલ અપાશે
  • ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને સ્કૂલનો ગણવેશ અપાશે
  • 80 ટકાથી વધુ દિવ્યાંગ વ્યક્તિન્ે રૂ. 600ને બદલે રૂ. 1000ની સહાય અપાશે
  • અનુસૂચિત જાતિના બાળકો માટે વિશેષ યોજના
  • સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં સહાયમા વધારો
  • અનુસૂચિત યુગલની સહાયમાં વધારો
  • યુગલદીઠ રૂ. 3000નની સહાય
  • નિરાધાર વૃ્દ્ધોને પેન્શનમાં વધારો રૂ. 750ને બદલે રૂ. 1000 અપાશે
  • સરકાર માદરે વતન યોજના શરૂ કરશે
  • સ્વદેશમાં વિકાસ કરવા માગતા એનઆરજી જેટલી રકમ સરકાર પણ આપશે

આમ નાણાપ્રધાન નીતિન પટેલે  રૂ. 605 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું હતું જોકે હજી બજેટની રજૂઆત ચાલુ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શેફાલી વર્માના આવવાથી ભારતીય ટીમ સંતુલિત થઈ ગઈ છેઃ સ્મૃતિ મંધાના

મુંબઈ: સ્મૃતિ મંધાના ભારતની મહિલા ક્રિકેટ ટીમની બેટિંગનો એક આધાર બની રહી છે અને હવે સગીર વયની શેફાલી વર્મા હાલની મહિલા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં જે રીતે ફટકાબાજી કરી રહી છે એ જોઈને સ્મૃતિ બહુ જ પ્રભાવિત થઈ છે.

શેફાલી વર્મા

23 વર્ષની મંધાના છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય ટીમની કરોડરજ્જુ સમાન ખેલાડી રહી છે. એનું કહેવું છે કે શેફાલી વર્મા એકદમ મારી જેમ જ રમે છે.

‘હું છેલ્લા બે-ત્રણ વર્ષથી ઢગલાબંધ રન કરતી રહી છું, ખાસ કરીને પાવરપ્લેમાં, પરંતુ હવે શેફાલી આવી ગઈ છે અને તે પણ મારી જેમ જ રમી રહી છે. એના આવવાથી ટીમ વધારે સંતુલિત થઈ ગઈ છે,’ એમ મંધાનાએ કહ્યું.

સ્મૃતિ મંધાના

‘આપણી ટ્વેન્ટી-20 ટીમમાં શેફાલીનું આગમન મોટી સકારાત્મક વાત બની છે. એ જે રીતે બેટિંગ કરી રહી છે એ જોતાં લાગે છે કે એની સાથે રહીને બેટિંગ કરવાનું કેટલું આસાન છે,’ એમ મંધાનાએ ન્યૂઝીલેન્ડ સામે મેલબોર્નમાં ગુરુવારની ભારતની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ મેચ પૂર્વે આમ કહ્યું છે.

શેફાલી વર્મા એની આક્રમક બેટિંગ સ્ટાઈલને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગઈ છે. આ 16 વર્ષની છોકરીએ આ વર્લ્ડ કપમાં બે મેચમાં 68 રન કર્યા છે. એ પાંચ સિક્સ અને સાત બાઉન્ડરી ફટકારી ચૂકી છે.

શેફાલી વર્માઃ બાંગ્લાદેશ સામેની મેચમાં બની ‘પ્લેયર ઓફ ધ મેચ’

બાંગ્લાદેશ પર ભારતના વિજયવાળી મેચમાં વર્માને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવી હતી. એ મેચમાં એણે 39 રન કર્યા હતા. એ મેચ સ્મૃતિ મંધાના વાઈરલ તાવને કારણે ચૂકી ગઈ હતી.

મંધાનાએ કહ્યું કે, હું પાવરપ્લેઝ વખતે ઝડપથી રન કરીને ટીમ માટે મહત્ત્વની ભૂમિકા ભજવતી રહી છું, પણ શેફાલી દાવની શરૂઆતની ઓવરોમાં ફટકાબાજી કરતી હોય છે. એણે ટીમમાં મોટી અસર ઊભી કરી છે અને એને કારણે ટીમ વધારે સંતુલિત બની ગઈ છે. મંધાનાએ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ત્યારે એ 16 વર્ષની હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે, પછી કરાવશે ફાયદો

બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પોઝિટિવ નોટ પર પૂરી થઈ. તેમણે સીએએ અને કાશ્મીર મુદ્દે ભારતને તકલીફ થાય તેવું કોઈ નિવેદન આપ્યું નહિ. મંગળવારે તેમણે એકલાએ પત્રકાર પરિષદ કરી તેમાં કેટલાક પ્રશ્નોના ઉત્તરો આપીને સ્પષ્ટ કર્યું કે તેઓ વર્તમાન મોદી સરકારને મુશ્કેલીમાં મૂકવા માગતા નથી. સીએએને તેમણે આંતરિક મામલો જ ગણાવ્યો અને દરેક રાષ્ટ્રને પોતાની સરહદોની સુરક્ષા કરવાનો હક છે તે વાતનો પુનરોચ્ચાર કર્યો.

સંબંધો હંમેશા પરસ્પરની ગરજથી ટકે છે, અને અમેરિકા અને ભારતના કિસ્સામાં પણ વાત કંઈ ખોટી નથી. અત્યારે બંનેને એકબીજાની વધારે ગરજ છે. અત્યારના સમયે ડોનાલ્ડ ટ્રમ્પને વધુ ગરજ છે. અમેરિકાથી રવાના થતા પહેલાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તાલિબાનો હવે થાક્યા છે અને સમજૂતિ થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભારતથી પરત ફરતી વખતે પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમણે એ જ આશા વ્યક્ત કરી હતી. સાથે જ ભારત અફઘાન સમજૂતિથી ખુશ છે તેવી વાત પણ કરી.

સાચી વાત એ છે કે ભારત અફઘાન સમજૂતિથી ખુશ નથી. 22 તારીખથી ત્યાં શસ્ત્રવિરામ અને શાંતિનું અઠવાડિયું શરૂ થયું છે. 29 તારીખ સુધી કોઈ મોટો બનાવ ના બને અને હિંસા ના થાય ત્યાર પછી અમેરિકા અફઘાનમાં સમજૂતિ કરાર કરી લેવા માગે છે. હક્કાની નેટવર્ક સાથે સમજૂતિ થઈ જાય તો અમેરિકા પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવી શકે. ગત ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાયદો કર્યો હતો. 19 વર્ષથી અફઘાનિસ્તાનમાં રહેલા સૈનિકોને પોતે વતન પાછા લાવશે તેમ કહ્યું હતું. તે કામ હજી સુધી પાર પડ્યું નથી અને બીજી મુદતની ચૂંટણી આવી ગઈ છે. તેથી વચનપૂર્તિ કરવી ડોનાલ્ડ ટ્રમ્પ માટે જરૂરી હતી. ભારત આ ગરજ જાણતું હતું અને ભારતે ભારે દબાણ કર્યું હતું. આખરે ટ્રમ્પે સીએએ, એનઆરસી, કાશ્મીરના ત્રણ એક્કા ઉતાર્યા. ભારતે હુકમનો એક્કો કાઢ્યો. અફઘાનિસ્તાનમાં અમેરિકા કરાર કરી શકે તેમાં સહમતી અને અડચણ ના કરવાની ખાતરી પછી ટ્રમ્પે પણ ત્રણેય એક્કાને હેઠે મૂકી દીધા. ભારત માટે અફઘાનિસ્તાનમાં થોડી ઘણી મુશ્કેલી થશે, પણ તે માટે અન્ય ઉપાયો વિચારાશે, જ્યારે અત્યાર પુરતી અમેરિકાની ગરજનો લાભ લઈ લેવાયો છે.

આવતા નવેમ્બરમાં ચૂંટણી યોજાશે, ત્યાં સુધીમાં અમેરિકાના ઘણા બધા સૈનિકો વતન પરત ફરે તો ટ્રમ્પને ફાયદો થઈ શકે. તેઓ કહી શકે કે મેં ચૂંટણીનો વાયદો પાળ્યો છે. બીજી બાજુ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં મોટી મેદની એકઠી થઈ હતી તેમને ભારતના બહુ વખાણ કરીને ખુશ કરી હતી. સાથે જ બીજીવાર રેડિકલ ઇસ્લામિક ટેટરિઝમ શબ્દનો ઉચ્ચાર પણ કરીને ભારતીયો અને એનઆરઆઈને અને ઇન્ડિયન અમેરિકન્સને ખુશખુશાલ કરી દીધા. 40 લાખથી વધુ ભારતીયો અમેરિકા છે અને તેમાં 8થી 10 લાખ ગુજરાતીઓ છે. તેમાંથી જેટલા મતો મળ્યા તેટલા ટ્રમ્પને હાંસલ જ છે. હાઉડી મોદી કાર્યક્રમ પછી ઇન્ડિયન અમેરિકન્સમાં ટ્રમ્પનો એપ્રૂવલ રેટ વધ્યાનું સર્વે કહે છે. કેટલાક સ્વિંગ સ્ટેટમાં બે-પાંચ ટકા વધુ મતો ઇન્ડિયન અમેરિકન્સના ટ્રમ્પને મળી જાય એટલે તેમને ભયોભયો છે.
તેમના હરિફ બર્ની સેન્ડર્સના કેટલાક સાથીઓ પાકિસ્તાન તરફી છે અને ભારતને શસ્ત્રો કેમ વેચો છો એવી ટીકા પણ સેન્ડર્સે કરી છે. આ વાત તેમની વિરુદ્ધ જાય તેમ છે. તેથી ટ્રમ્પ બીજીવાર જીતીને આવે તે પછી ભારત પોતાની ગરજનો હિસ્સો તેમની પાસેથી લેવાની આશા રાખી શકે છે. વેપાર અંગેની બાબતોમાં ભારત થોડો ઘણો ફાયદો લેવાની આશા રાખી શકશે છે. શસ્ત્રો અને ગેસની બાબતમાં તો આ વખતે જ કરાર થયો છે. ભવિષ્યમાં સંરક્ષણ ક્ષેત્રે વધુ ડીલ થઈ શકે છે.

ભારત શસ્ત્રોમાં સ્વાવલંબી થાય તે ઉત્તમ, પણ તે રાતોરાત થવાનું નથી. તેથી ભારતે શસ્ત્રો ખરીદ્યા સિવાય છુટકો નથી. ભારતે પૈસા ખર્ચવાના જ હોય ત્યારે અમેરિકા પાસેથી પણ ખરીદવાનો વધુ એક વિકલ્પ મળે તેમાં કંઈ ખોટું નથી. રશિયા, ફ્રાન્સ, બ્રિટન, ઇઝરાયલની જેમ અમેરિકામાંથી મળતા હોય તો ત્યાંથી પણ શસ્ત્રો લઈ શકાય. બીજું કે શસ્ત્રોનો વેપાર 20 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. 3 અબજનો હેલિકોપ્ટર્સનો સોદો આ વખતે થયો છે. ભવિષ્યમાં બીજા સોદા થશે અને તે સાથે જ નજીકના વર્ષોમાં બંને દેશો વચ્ચોનો વેપારી 200 અબજને પાર થઈ જશે.

2018માં 142 અબજ ડૉલરનો દ્વિપક્ષી વેપાર હતો અને આ વર્ષે 160 અબજ ડૉલર સુધી પહોંચી શકશે. દ્વિપક્ષી વેપારમાં ભારત હજીય થોડા ફાયદામાં છે. છેલ્લે 2018માં ભારત 22.3 અબજ ડૉલર પ્લસમાં હતું. આ ગાળો કદાચ ઓછો થાય, પણ કુલ વેપાર વધે તેનાથી નુકસાન ઓછું છે એમ કહી શકાય. ભારતનો મુખ્ય ફાયદો સર્વિસીઝમાં છે, જેમાં આઈટી સર્વિસીઝનો સમાવેશ થઈ જાય છે. ઉત્પાદનોની બાબતમાં અમેરિકાનો હાથ ઉપર છે. પરંતુ ભવિષ્યમાં અમેરિકામાંથી ખરીદવામાં આવતા શસ્ત્રોનું થોડું ઉત્પાદન ભારતમાં થાય ત્યારે ભારતને ફાયદો થઈ શકે છે. બોઈંગે લડાયક વિમાનો વેચવા માગે છે, તેણે ભારતમાં ઉત્પાદન માટે સંયુક્ત સાહસ માટે તૈયારી બતાવી પણ છે. બોઈંગ કમર્શિયલ વિમાનો પણ ભારતમાં બનાવે તો ફાયદો છે. તેથી ભવિષ્યનો એ ફાયદો પણ ભારતે વિચારવાનો રહ્યો.
ટ્રમ્પ બીજીવાર જીતીને આવશે તે પછી તેમને આગામી ચૂંટણીની ચિંતા રહેવાની નથી. અમેરિકામાં ત્રીજીવાર પ્રમુખ બની શકાતું નથી. તેથી બીજી મુદતમાં પ્રમુખ બને તે પોતાનું સ્થાન ઇતિહાસમાં જમા કરાવી દેવા માટે કોશિશમાં લાગે છે. ટ્રમ્પ અત્યારે જ એવો દાવો કરે છે કે અમેરિકાના અર્થતંત્રને પોતે સૌથી વધુ મજબૂત બનાવ્યું છે. તેમાં અર્ધસત્ય છે ખરું, કેમ કે બેકારીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ઇમિગ્રેશન પર ચોકીપહેરો બેસાડી દીધો હોવાથી સ્થાનિક લોકોને રોજગારી મળતી થઈ છે. અમેરિકન કંપનીઓ ચીન જેવા દેશોમાં પોતાનું ઉત્પાદન કરાવી રહી છે તેની સામે ફરીથી અમેરિકામાં ઉત્પાદન માટેનો ટ્રેન્ડ શરૂ કરાવવામાં તેમને રસ છે.

અમેરિકાના અર્થતંત્રની તબિયત ફાંકડી બનાવી દેનારા પ્રમુખ તરીકે યાદ રહેવા માટેની તેમની ઇચ્છા બીજી મુદતમાં સક્રિય બનશે. તેમણે 12 દેશોને જનરલ સિસ્ટમ ઑફ પ્રેફરન્સીઝ (જીએસપી)માંથી દૂર કર્યા છે. તેમાંથી ત્રણ દેશો બ્રાઝીલ, દક્ષિણ કોરિયા અને સિંગાપોર અલગથી વેપાર કરાર માટે તૈયાર થઈ ગયા છે. પોતાને વિકાસશીલ દેશના બદલે વિકસિત દેશ ગણીને અમેરિકા સાથે આ દેશો વેપાર કરાર કરશે. ભારત હજી તે માટે તૈયાર થયું નથી. ભારતે પણ પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કડક વલણ લીધું છે. તેનો અર્થ એ થયો કે અત્યારે કરાર ના થયો તે ભારતના પણ હિતમાં છે. ટ્રમ્પ બીજીવાર જીતીને આવે તે પછી તેમને બાકીના દેશો સાથે પણ વેપાર સમજૂતિ કરી લેવામાં રસ પડશે. તેમના માટે ચૂંટણી જીતવાનું પ્રેશર પણ નહિ હોય. તેથી એક વર્ષ પછી ભારત વેપાર કરાર કરે તેમાં કંઈ ખોટું પણ લાગતું નથી.

ભારતને શસ્ત્રો વેચવા માટેની પ્રક્રિયા પણ તેમણે સહેલી બનાવવાનું શરૂ કરી દીધું છે. બીજી મુદતમાં તેઓ ભારત સાથે વધારે ઉદારતાથી શસ્ત્ર સોદા કરી શકે છે. અમેરિકન શસ્ત્ર ઉત્પાદક કંપનીઓને રસ છે કે ભારત સાથે શસ્ત્ર સોદા થાય અને મર્યાદિત ટેક્નોલૉજી ટ્રાન્સફર સાથે ભારતમાં શસ્ત્ર ઉત્પાદન થાય. ટ્રમ્પની આવતી મુદતમાં આ બાબતમાં એક કદમ આગળ વધવામાં આવશે તો ભારતને ફાયદો થશે. સ્પેસ પ્રોગ્રામમાં પણ સહયોગની વાત અમેરિકાએ કરી છે. મંગળ મિશન અને મૂન મિશનમાં પણ કેટલીક ટેક્નોલૉજીનો ફાયદો ભારતને મળી શકે છે.

જોકે ભારત પ્રતિબંધો છતાંય પોતાની રીતે આગળ વધે જ છે, પરંતુ પ્રતિબંધો ઓછા થાય તેટલી આ દિશામાં ગતિ તેજ બને. એનર્જી એટલે કે ક્રૂડ અને ગેસની બાબતમાં પણ અમેરિકાને રસ છે, પણ ભારતને તેમાં ઓછો રસ હોઇ શકે છે. ભારત માટે ઇરાન અને અખાતમાંથી જ ક્રૂડ લાવવું વધારે સરળ છે. ભારત તેમાં જુદા પ્રકારની નીતિ અપનાવી શકે છે. આગામી બે દાયકા હવે વૈકલ્પિક ઉર્જાના બની રહેવાના છે. સૂર્ય અને પવન ઉર્જા ઉપરાંત સૌથી અગત્યની બાબત બની રહેશે તેનું સ્ટોરેજ એટલે કે બેટરી. બેટરી ટેક્નોલૉજીમાં જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, સિંગાપોર, ચીન પણ આગળ વધી રહ્યા છે, પણ અમેરિકન કંપનીઓ તેના પર ધ્યાન કેન્દ્રીત કરી છે. ભારતે તેમાંથી લાભ લેવાનો રહેશે.

ભારત આ પ્રકારના લાભ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી પ્રમુખ તરીકેની તેમની બીજી મુદતમાંથી વધારે લઈ શકે છે. નવેમ્બરમાં તેઓ જીતીને આવે તે પછી 2024 સુધીના ચાર વર્ષ સુધી નરેન્દ્ર મોદી પણ અહીં વડા પ્રધાન હશે. ચાર વર્ષો દરમિયાન ભારતે વાવેલું લણી લેવાનું રહેશે. H-1B સહિતના મુદ્દામાં પણ ભારતે સમયની જ રાહ જોવાની છે. અમેરિકાની આઈટી અને હાઈટેક કંપનીઓ બધા જ સ્તરે ભારતીયોની સંખ્યા પ્રભુત્વ ધરાવતી થઈ ગઈ છે. ટ્રમ્પની એન્ટી ઇમિગ્રેશનની નીતિના કારણે વેપારી અને કામદારી વર્ગને ઓછો પ્રવેશ મળશે, પણ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો જ રહેવાનો છે. ભારતીય વિદ્યાર્થીઓમાંથી ત્યાંની યુનિવર્સિટીઓને અઢળક કમાણી થાય છે અને ભારતના આ બુદ્ધિધનનો લાભ અમેરિકાની આઈટી અને હાઈટેક કંપનીઓને મળી રહ્યો છે. તે લાભ ટ્રમ્પ જીતે કે ના જીતે તોય મળતો રહેવાનો છે.

આ વખતની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન્સનો દબદબો બંને પક્ષમાં રહેવાનો છે. સંસદની ચૂંટણીમાં આ વખતે ભારતીય મૂળના ઉમેદવારો વધારે જોવા મળશે. અમેરિકાના રાજ્યોના ધારાગૃહોમાં, નગરપાલિકાઓમાં પણ ભારતીય મૂળના ઉમેદવારોની સંખ્યા વધી રહી છે. રાજકીય ગતિવિધિમાં એક મહત્ત્વના જૂથ તરીકે ઇન્ડિયન અમેરિકન્સની હાજર હોવાથી નીતિ વિષયક નિર્ણયોમાં પણ તેમનો થોડો ઘણો પ્રભાવ નકારી શકાય નહિ. નગરસેવકથી શરૂ કરીને, ધારાસભ્ય, સંસદસભ્ય અને અમેરિકાના પ્રમુખપદે પણ સાનુકૂળ નેતા હશે તેનો ફાયદો ભારતે આગામી ચૂંટણી પછી ઉઠાવવાનો રહેશે.

રાજસ્થાનના બુંદી શહેરમાં બસ-દુર્ઘટનામાં 24 લોકોનાં મોત

બુંદીઃ રાજસ્થાનના બુંદી જિલ્લામાં પાપડી ગામની પાસે સવારે જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 24 લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે. બસમાં માર્યા ગયેલા લોકોમાં 10 પુરુષ, 11 મહિલાઓ અને ત્રણ બાળકો સામેલ છે.  આ ઘટના કોટા-દૌસા મેગા હાઇવે પર થઈ હતી. આ બસમાં 30 જાનૈયાઓ સવાર હતા. આ દુર્ઘટનામાં પાંચ જણ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. જેમને હોસ્પિલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે કોટાના દાદીબાડીથી જાનૈયાઓથી ભરેલી બસ સવાઈ માધોપુર જઈ રહી હતી, ત્યારે કોટા-લાલસોટ મેગા હાઇવે પર નદીના પુલ પર બસ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ નદીમાં પડી હતી. સ્થાનિક ગ્રામીણ લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બસમાં સવાર લોકોને બચાવવાના કાર્યમાં લાગ્યા હતા. તેમણે પોલીસ અને વહીવટી તંત્રને પણ સૂચના આપી હતી.

રાજ્ય સરકારે વળતરની જાહેરાત કરી

બુંદી જિલ્લાના કોટા-દૌસા મેગા હાઇવે પર બનેલી આ ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે ગહલોત સરકારે તત્કાળ મદદ પહોંચાડવાના નિર્દેશ આપ્યા હતા. સરકારે આ બસ દુર્ઘટનામાં રૂ. બે-બે લાખ વળતર આપવાનો આદેશ આપ્યો હતો. જોકે ઘટનાસ્થળે NDRFની ટીમ પહોંચી ચૂકી છે અને કસાયેલા લોકોને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

એક અમદાવાદીએ કેવી રીતે ઉજવ્યો શહેરનો બર્થ ડે?

અમદાવાદ: ગુજરાતનું એક એવું શહેર કે જેની વિશ્વના ફલક પર નોંધ લેવાઈ ચૂકી છે એ અમદાવાદનો આજે 609મો જન્મદિવસ છે. હેપ્પી બર્થ ડે અમદાવાદ…

અમદાવાદ અત્યારે માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પણ એશિયાના એક મહત્વનું શહેર તરીકે ઉભરી આવ્યું છે. પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ પણ તેને મળી ચૂક્યું છે એ વાત હવે નવી નથી. તાજેતરમાં જ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો એથી વિશ્વભરના પ્રવાસીઓ તેની તરફ આર્ષિત થશે એ દેખીતું છે. આ ઉપરાંત અમદાવાદ અનેક વિશ્વ ફલકીય ઘટનાઓનું સાક્ષી રહ્યું જ છે.

સાથે સાથે, આ શહેરનો ઈતિહાસ પણ એટલો જ રોચક અને જાણવાલાયક છે.

હજી બે દિવસ પહેલાજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવ્યા અને આ શહેરને વધુ એક વૈશ્વિક ઓળખ અપાવી. આ શહેર અનેક ઈતિહાસ સાચવીને બેઠું છે. સાબરમતીના નીરમાં ડોકિયા કરીને એ પોતાની વીતેલી યાદોને તાજી કરવા મથામણ કરી રહ્યું છે…..

અમદાવાના આ જન્મદિવસની ઉજવણી કરવા એક અનેખો અમદાવાદ પ્રેમીએ શહેરનો એક વિડિયો બનાવ્યો છે. આ વિડિયોમાં તેમણે તેના અમદાવાદ પ્રત્યેના પ્રેમને દર્શાવ્યો છે. 42 વર્ષના રાકેશ ગોસ્વામી ઘણાં વરસો યુરોપમાં રહ્યા. 2017માં અમદાવાદ માટેનો એમનો અસીમ પ્રેમ એમને પાછો પોતાના શહેરમાં અને પોતાના પરિવાર પાસે ખેંચી લાવ્યો, એનું ઉદાહરણ એમના પોતાના હાથમાં ચિતરેલું કાયમી આઈ લવ અમદાવાદનું ટેટુ છે. એમની મોટાભાગની ટિશર્ટ-શર્ટ પર પણ અમદાવાદપ્રેમ છલકતો રહે છે.

ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં એ કહે છે કે હું દર વરસે અમદાવાદનો બર્થડે સેલિબ્રેટ કરું છું. છેલ્લાં પાંચ-છ વરસમાં જ આપણા આ શહેરમાં આવેલો મોટા-મોટા પરિવર્તનોને દર્શાવવા આ વર્ષે મેં એક વિડિયો બનાવવાનો વિચાર કર્યો જે અત્યારે યુટ્યુબ પર છે. આ વિડિયોમાં મેં જૂના ને નવા અમદાવાદની જૂની ને નવી ખાસિયતો બતાવવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદની ભૂગોળ પણ સતત વિસ્તરતી રહી છે એટલે બહારથી શહેરમાં ઘણો ફેરફાર આવ્યો હોય એમ દેખાય છે, પણ અંદરથી અમદાવાદનો મિજાજ તો એવો ને એવો જ રહ્યો છે મારે આ વિડિયો દ્વારા એટલું જ કહેવું છે.

રાકેશભાઈએ આ અગાઉ અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવા માટે પિટિશન પણ ફાઈલ કરી હતી. એ એમના જેવા જ અમદાવાદપ્રેમી મિત્રો સાથે મળી અમદાવાદ રોકેટ્સ નામનું ગ્રુપ પણ ચલાવે છે જે શહેર માટે વિવિધ કામો કરે છે.

 

દિલ્હીમાં હિંસાનું તાંડવ; 17નાં મોત, અમિત શાહના રાજીનામાની માગણી

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રાષ્ટ્રીય પાટનગરમાં નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના મામલે ગયા રવિવારથી ફાટી નીકળેલી હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 17 જણનાં મોત થયા છે.

હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

દિલ્હી પોલીસ લોકોને સંયમ જાળવવાની સતત અપીલ કરી રહી છે.

હિંસાખોરીમાં 56 પોલીસ જવાનો સહિત 200થી વધારે લોકો ઘાયલ થયા છે.

ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ, મૌજપુર, બાબરપુર અને ચાંદબાગમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.

હિંસાખોરી ફાટી નીકળ્યા બાદ દિલ્હીમાં જે મેટ્રો રેલવે સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યા હતા તે હવે ફરી ખોલી દેવામાં આવ્યા છે. જાફરાબાદ, મૌજપુર, શિવ વિહાર અને બાબરપુર મંડી હાઉસ મેટ્રો સ્ટેશનોને ખોલી દેવામાં આવ્યા છે.

NSA અજીત ડોવાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

દરમિયાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલે ગઈ રાતે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. એમણે દિલ્હીના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક સહિત અન્ય ટોચના પોલીસ અધિકારીઓ સાથે લગભગ 20 મિનિટ સુધી બેઠક કરી હતી.

ડોવાલે જાફરાબાદ, મૌજપુર, ભજનપુરા અને ચાંદ બાગ વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ગઈ કાલે રાતે સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. એમાં સ્પેશિયલ પોલીસ કમિશનર (લૉ એન્ડ ઓર્ડર) એસ.એન. શ્રીવાસ્વ સહિત ટોચના અધિકારીઓ હાજર હતા.

કેજરીવાલના નિવાસની બહારથી લોકોને દૂર કરાયા

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર એકત્ર થયેલા અને ધરણા પર બેસી ગયેલા લોકોને પોલીસે હટાવી દીધા છે.

દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં થયેલી હિંસામાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવા તેમજ શાંતિ સ્થાપવાના પગલાં લેવાની માગણી માટે આ લોકો એકત્ર થયા હતા.

રાહુલ ગાંધીએ કરી અમિત શાહના રાજીનામાની માગણી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં થયેલી હિંસાના મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાખેલા મૌનની ટીકા કરી છે અને માગણી કરી છે કે શાહ એમના હોદ્દા પરથી રાજીનામું આપે.

રાહુલે લોકોને અપીલ કરી છે કે હિંસા કરવા માટે અમુક તત્ત્વો લોકોને ભડકાવતા હોવા છતાં પણ નાગરિકો સંયમ, કરૂણા અને સમજદારી જાળવે.

રાહુલે કહ્યું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં દિલ્હી પોલીસ નિષ્ફળ ગઈ છે.

મુખ્ય પ્રધાન કેજરીવાલની પણ ટીકા કરતાં રાહુલે કહ્યું કે એ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને દોષનો ટોપલો બીજાના માથે નાખી રહ્યા છે.

કોંગ્રેસે ટ્વીટ કરીને માગણી કરી છે કે ગૃહ પ્રધાન અમિત શાહ ચૂપ છે. એમણે જવાબદારી લેવી જોઈએ અને તરત જ રાજીનામું આપવું જોઈએ.