દિલ્હીમાં હિંસાનું તાંડવ; 17નાં મોત, અમિત શાહના રાજીનામાની માગણી

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રાષ્ટ્રીય પાટનગરમાં નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના મામલે ગયા રવિવારથી ફાટી નીકળેલી હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 17 જણનાં મોત થયા છે.

હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

દિલ્હી પોલીસ લોકોને સંયમ જાળવવાની સતત અપીલ કરી રહી છે.

હિંસાખોરીમાં 56 પોલીસ જવાનો સહિત 200થી વધારે લોકો ઘાયલ થયા છે.

ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ, મૌજપુર, બાબરપુર અને ચાંદબાગમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.

હિંસાખોરી ફાટી નીકળ્યા બાદ દિલ્હીમાં જે મેટ્રો રેલવે સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યા હતા તે હવે ફરી ખોલી દેવામાં આવ્યા છે. જાફરાબાદ, મૌજપુર, શિવ વિહાર અને બાબરપુર મંડી હાઉસ મેટ્રો સ્ટેશનોને ખોલી દેવામાં આવ્યા છે.

NSA અજીત ડોવાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

દરમિયાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલે ગઈ રાતે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. એમણે દિલ્હીના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક સહિત અન્ય ટોચના પોલીસ અધિકારીઓ સાથે લગભગ 20 મિનિટ સુધી બેઠક કરી હતી.

ડોવાલે જાફરાબાદ, મૌજપુર, ભજનપુરા અને ચાંદ બાગ વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ગઈ કાલે રાતે સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. એમાં સ્પેશિયલ પોલીસ કમિશનર (લૉ એન્ડ ઓર્ડર) એસ.એન. શ્રીવાસ્વ સહિત ટોચના અધિકારીઓ હાજર હતા.

કેજરીવાલના નિવાસની બહારથી લોકોને દૂર કરાયા

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર એકત્ર થયેલા અને ધરણા પર બેસી ગયેલા લોકોને પોલીસે હટાવી દીધા છે.

દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં થયેલી હિંસામાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવા તેમજ શાંતિ સ્થાપવાના પગલાં લેવાની માગણી માટે આ લોકો એકત્ર થયા હતા.

રાહુલ ગાંધીએ કરી અમિત શાહના રાજીનામાની માગણી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં થયેલી હિંસાના મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાખેલા મૌનની ટીકા કરી છે અને માગણી કરી છે કે શાહ એમના હોદ્દા પરથી રાજીનામું આપે.

રાહુલે લોકોને અપીલ કરી છે કે હિંસા કરવા માટે અમુક તત્ત્વો લોકોને ભડકાવતા હોવા છતાં પણ નાગરિકો સંયમ, કરૂણા અને સમજદારી જાળવે.

રાહુલે કહ્યું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં દિલ્હી પોલીસ નિષ્ફળ ગઈ છે.

મુખ્ય પ્રધાન કેજરીવાલની પણ ટીકા કરતાં રાહુલે કહ્યું કે એ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને દોષનો ટોપલો બીજાના માથે નાખી રહ્યા છે.

કોંગ્રેસે ટ્વીટ કરીને માગણી કરી છે કે ગૃહ પ્રધાન અમિત શાહ ચૂપ છે. એમણે જવાબદારી લેવી જોઈએ અને તરત જ રાજીનામું આપવું જોઈએ.