પાકિસ્તાને આતંકવાદ ખતમ કરવો જ પડશેઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સાંજે પત્રકારો સાથે અનેક મુદ્દે વાતચીત કરી હતી. દિલ્હીમાં CAA વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે એ ભારતનો અંદરનો મામલો છે.

તેમણે કાશ્મીર સહિત વિવિધ મુદ્દે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણું સારું કામ કરી રહ્યા છે. ધાર્મિક સ્વતંત્રતા માટે પણ તેઓ મજબૂતીથી કામ કરી રહ્યા છે. તેઓ મજબૂત નેતા છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે સિરિયામાં કટ્ટરવાદ લગભગ ખતમ થઈ ગયો છે. આતંકવાદ પણ ખતમ થઈ ચૂક્યો છે. ત્યાં ISIS બેકાબૂ થયો હતો. જેના પર કાબૂ મેળવી લેવાયો છે. અમે બગદાદીને અને સુલેમાનીને માર્યા છે.  તે રોડ કિનારે બોમ્બ લગાવીને સૈનિકોને મારતો હતો. અમે લાદેનને પણ માર્યો છે. અમે અલ કાયદાને પણ ખતમ કરી છે. આવાં પગલાં રશિયા, ઇરાન અને સિરિયાએ પણ લેવાં જોઈએ.

પાકિસ્તાનમાં આતંકવાદના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે 100 ટકા કટ્ટરવાદ ખતમ કર્યો છે. અમે અહીં હજ્જારો મીલ દૂર છીએ પણ આતંકવાદીની સામે કાર્યવાહી કરવામાં કચાશ નહીં રાખીએ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો હતો. તેમણે કાશ્મીર મુદ્દે નીચે મુજબના પ્રતિભાવો આપ્યા હતાઃ

  • અમે પાકિસ્તાન મુદ્દે વડા પ્રધાન મોદી સાથે ખાસ્સી વાત કરી હતી
  • ઇસ્લામિક કટ્ટરવાદ પર વધુ વાત કરવાની જરૂર નથી.
  • ઇસ્લામિક કટ્ટરવાદને ખતમ કરવા કાર્યવાહી કરતા રહીશું.
  • પાકિસ્તાને આતંકવાદીઓની હરકતોને અટકાવવી પડશે.
  • અમેરિકા બંને દેશોના સંબંધો સામાન્ય કરવા દરેક સંભવ મદદ કરશે
  • બંને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા તૈયાર છું
  • હું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે પણ સારા સંબંધ ધરાવું છું.
  • પાકિસ્તાન આતંકવાદ 100 ટકા અટકાવવો પડશે.
  • પાકિસ્તાને કાશ્મીરમાં ઘૂસણખોરી બંધ કરવી પડશે.