રાજઘાટ પર શાંતિ પ્રાર્થના પછી કેજરીવાલ ઘવાયેલાઓની મુલાકાતે

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીના અનેક વિસ્તારોમાં હિંસક પ્રદર્શનોને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રાજધાનીમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે રાજઘાટ ખાતે શાંતિ પ્રાર્થના કરી હતી તેમની સાથે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જે બાદ અરવિંદ કેજરીવાલ અને તેમના નેતાઓ હિંસામાં ઈજાગ્રસ્તોને મળવા જીટીબી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મહત્વનું છે હિંસાને પગલે હોસ્પિટલમાં સવારે 11 વાગ્યાથી અત્યાર સુધી 31 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. જીટીબી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 130 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે.

અરવિંદ કેજરીવાલ તેની પાર્ટીના નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને ત્યાં મનીષ સિસોદિયા, ગોપાલ રાય સાથે ધ્યાન અને પ્રાર્થના પર બેઠા હતા.

શાંતિ પ્રાર્થના બાદ રાજઘાટ પર CM અરવિંદ કેજરીવાલે મીડિયાને જણાવ્યુ કે, સમગ્ર દેશ દિલ્હીની હિંસાને લઈને ચિંતિત છે. છેલ્લા બે દિવસો દરમિયાન થયેલી હિંસાને લઈને સરકાર ચિંતિત છે. આ હિંસામાં જાન-માલ અને સંપત્તિને નુકશાન થયુ છે. જો હિંસા વધશે, તો તેની સીધી અસર બધા પર પડશે. અમે બધા ગાંધીજી સામે શાંતિ પ્રાર્થના કરવામાં આવ્યા હતા જે અહિંસાના પુજારી હતી. હિંસાથી કોઈને ફાયદો નથી

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી વાસીઓને શાંતિની અપીલ કરતા જણાવ્યુ કે, હિંસામાં લોકો સામેલ ના થાય. અગાઉ દિલ્હીની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહ મંત્રી અમિત શાહે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અમિત શાહ સિવાય ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, સીએમ અરવિંદ કેજરીવાલ , પોલીસ કમિશનર અમુલ્ય પટનાયક સામેલ થયા.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, લોકો ઉશ્કેરણીજનક નિવેદનોથી સાવધાન રહે કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહે. અમિત શાહે જણાવ્યુ કે, સ્થિતિ ખરાબ કરનારાઓને દિલ્હી પોલીસ સતત ચેતવણી આપી રહી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.