રાજસ્થાનના બુંદી શહેરમાં બસ-દુર્ઘટનામાં 24 લોકોનાં મોત

બુંદીઃ રાજસ્થાનના બુંદી જિલ્લામાં પાપડી ગામની પાસે સવારે જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 24 લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે. બસમાં માર્યા ગયેલા લોકોમાં 10 પુરુષ, 11 મહિલાઓ અને ત્રણ બાળકો સામેલ છે.  આ ઘટના કોટા-દૌસા મેગા હાઇવે પર થઈ હતી. આ બસમાં 30 જાનૈયાઓ સવાર હતા. આ દુર્ઘટનામાં પાંચ જણ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. જેમને હોસ્પિલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે કોટાના દાદીબાડીથી જાનૈયાઓથી ભરેલી બસ સવાઈ માધોપુર જઈ રહી હતી, ત્યારે કોટા-લાલસોટ મેગા હાઇવે પર નદીના પુલ પર બસ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ નદીમાં પડી હતી. સ્થાનિક ગ્રામીણ લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બસમાં સવાર લોકોને બચાવવાના કાર્યમાં લાગ્યા હતા. તેમણે પોલીસ અને વહીવટી તંત્રને પણ સૂચના આપી હતી.

રાજ્ય સરકારે વળતરની જાહેરાત કરી

બુંદી જિલ્લાના કોટા-દૌસા મેગા હાઇવે પર બનેલી આ ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે ગહલોત સરકારે તત્કાળ મદદ પહોંચાડવાના નિર્દેશ આપ્યા હતા. સરકારે આ બસ દુર્ઘટનામાં રૂ. બે-બે લાખ વળતર આપવાનો આદેશ આપ્યો હતો. જોકે ઘટનાસ્થળે NDRFની ટીમ પહોંચી ચૂકી છે અને કસાયેલા લોકોને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.