Home Blog Page 4969

મુંબઈ મહાપાલિકાના કર્મચારીઓને બે વીક્લી ઓફ્ફ હમણાં નહીં મળે

મુંબઈ : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કર્મચારીઓ નિરાશ થઈ જાય એવા સમાચાર છે. વાત એમ છે, 29 ફેબ્રુઆરીથી મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારી કર્મચારીઓ માટે કામકાજના પાંચ-દિવસના સપ્તાહનો નિયમ લાગુ થવાનો છે, પરંતુ એમાં બીએમસીના કર્મચારીઓ હમણાં સામેલ થઈ નહીં શકે.

રાજ્યના સરકારી કર્મચારીઓને 29 ફેબ્રુઆરીથી દર શનિવાર અને રવિવારે રજા મળશે. એમણે સોમવારથી શુક્રવાર, એમ પાંચ દિવસ જ કામ પર આવવાનું રહેશે. પરંતુ, આ સુવિધા મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓને હમણાં નહીં મળે, પરંતુ પછી મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, બીએમસી કમિશનર આ નિયમને મંજૂરી આપે ત્યારબાદ એને સર્વ સાધારણ સભામાં મોકલવામાં આવશે અને ત્યાં મંજૂરી મળી જાય તે પછી જ આ નિયમ લાગુ કરાશે.

રાજ્યના કર્મચારીઓ માટે પાંચ-દિવસના કામકાજના સપ્તાહની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે બીએમસીના કર્મચારીઓ માટે આશા જાગી હતી. એમણે પણ બીએમસીમાં પાંચ-દિવસના સપ્તાહનો નિયમ લાગુ કરાય એવી માગણી કરી હતી.

બીએમસીના એક અધિકારીના જણાવ્યા મુજબ, બીએમસીમાં પાંચ-દિવસીય કામકાજનું સપ્તાહ લાગુ કરવામાં થોડોક સમય લાગશે, કારણ કે સર્વ સાધારણ સભાએ હજી સુધી આને મંજૂરી આપી નથી.

બીએમસીના કર્મચારીઓને હાલ દર મહિને બીજા અને ચોથા સપ્તાહના શનિવારે રજા મળે છે. પાંચ દિવસના સપ્તાહનો નિયમ લાગુ થયા બાદ એમણે પણ સોમવારથી શુક્રવાર સુધી જ કામ કરવાનું રહેશે. જોકે નવો નિયમ લાગુ કરાયા બાદ કર્મચારીઓએ દરરોજ 45 મિનિટ વધારે કામ કરવાનું રહેશે.

આમ છતાં મહારાષ્ટ્રમાં સ્વાસ્થ્ય, અગ્નિશામક દળ, સ્વચ્છતા કર્મચારીઓ અને શાળાકીય કર્મચારીઓને પાંચ-દિવસના સપ્તાહની સુવિધા નહીં મળે.

પાંચ-દિવસના સપ્તાહનો નિયમ લાગુ કરાયા બાદ મહારાષ્ટ્ર રાજ્ય સરકારી કાર્યાલયોમાં કામકાજનો સમય સવારે 9.05થી સાંજે 6.00 સુધીનો રહેશે.

દિલ્હીમાંઃ 106ની ધરપકડ, 18 સામે FIR, મૃત્યુઆંક વધીને 27

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધિત કાયદાની વિરુદ્ધ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં કોમવાદી તોફાનો ફાટી નીકળ્યાં છે, જેમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 27 થઈ છે. દિલ્હી પોલીસે CAA વિરોધી હિંસા મામલે 106 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું હતું કે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોટા અધિકારીઓ હાજર છે. ડ્રોન કેમેરાથી નિગરાની કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 18 લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવ્યા છે.

મુખ્ય પ્રધાન કેજરીવાલે પરિસ્થિતિ કાબૂ બહાર જતાં જોતાં શહેરને આર્મી બોલાવવાની વાત કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની સ્થિતિ પર પોલીસ અંકુશમાં લઈ શકે એમ નથી, જેથી સેનાને હવાલે દિલ્હી સોંપી દેવું જોઈએ. રાષ્ટ્રીય સુલાહકાર અજિત ડોભાલે પણ દિલ્હીના CAAવિરોધી હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે મૌજપુર, ઘૌડા અને બ્રહ્મપુરી વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોની સાથે વાત કરી હતી.

દિલ્હી હિંસા બાબતે વડા પ્રધાન મોદીએ તેમનું મૌન ભંગ કરતાં શાંતિ અને ભાઇચારો રાખવાની અપીલ કરી હતી. જોકે આજે નવી હિંસા ભજનપુરા વિસ્તારમાં થઈ હતી, જ્યાં આગ ચાંપવાના, દુકાનો બાળી નાખવાની ઘટના બની હતી. આ ઉપરાંત પથ્થરમારાના બનાવ બન્યા હતા.

 

 

બજેટ એકદમ ચીલાચાલુ અને નિરાશાજનક: પરેશ ધાનાણી

ગાંધીનગર: વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક અને છેવાડાના માનવીને કોઈ લાભ ન આપનારું ગણાવ્યું.

ખેડૂતોની આવક બમણી કરવાની માત્ર વાતો

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે રજૂ થયેલ બજેટમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ દેખાય છે. રાજ્યમાં ખેડૂતોને પોતાની ખેતપેદાશોના પૂરતા ભાવ મળતા નથી. સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાતો થાય છે પરંતુ અહીં ખેડૂતોની સ્થિતિ દયનીય છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેતીમાં ઉત્પાદન ખર્ચ બમણો થઈ ગયો છે અને આવક અડધી થઈ ગઈ છે. ખેડૂતો દિન-પ્રતિદિન દેવાના ડુંગર નીચે દબાતા જાય છે અને આત્મહત્યા કરવા પ્રેરાય છે.

ભાજપ સરકાર દ્વારા મેળાઓ અને ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરી શકતા નથી. આજના બજેટથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તથા સંપૂર્ણ દેવા માફીની અપેક્ષા ઠગારી નીવડી છે. પાક વીમા કંપનીઓને જવાબદાર બનાવવાના બદલે પાક વીમા યોજનાને મરજીયાત બનાવીને ખેડૂતોને ભગવાન ભરોસે છોડવાનું જોખમી પગલું ભાજપ સરકારે ભર્યું છે.

ભાજપ શાસનમાં ૫૫,૦૦૦ કરતાં વધુ નાના-મોટા ઉદ્યોગોને તાળા લાગી ગયા છે કે મૃતઃપાય થઈ ગયા છે. સરકાર દ્વારા વાયબ્રન્ટ ઉત્સવો કરીને અબજો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૩થી નવ-નવ વાયબ્રન્ટ‍ સમિટમાં અબજો રૂપિયાના મુડીરોકાણના અને લાખોની સંખ્યાંમાં રોજગારી ઉભી કરવાના દાવા પછી આજે ગુજરાતમાં બેરોજગારીનો આંક દિન-પ્રતિદિન રોકેટ ગતિએ વધતો જાય છે. રાજ્ય ના યુવાનોએ રોજગારી માટે દર-દર ભટકવું પડે છે, આંદોલનો કરવા પડે છે, પરંતુ રોજગારી મળતી નથી. આજના બજેટમાં યુવાનોના કૌશલ્ય વર્ધન અને રોજગારની તકો પ્રત્યેપ દુર્લક્ષ સેવવામાં આવ્યું છે.

રાજ્યમમાં ૨૫ વર્ષથી ભાજપનું શાસન છે. રાજ્યમાં ભુમાફીયાઓનું પ્રમાણ વધતું જાય છે. રાજ્યમાં જલ અભિયાનના નામે મોટાપાયે રેતી અને માટીની ચોરી થઈ રહી છે. જમીન વિકાસ નિગમનું કરોડોનું કૌભાંડ ભાજપ સરકારની ઓળખ બની છે. ભાજપ સરકાર ૨૫ વર્ષના શાસન બાદ પણ ૨૨ ટકા ઘરોમાં પીવાનું પાણી પહોંચાડી શકી નથી. રાજ્યમાં દલિત-પછાત અને આદિવાસીઓના ૪૬,૨૫૦ પરિવાર સહિત હજારો ઘરોમાં વીજ કનેકશન આપવામાં સરકાર સદંતર નિષ્ફતળ રહી છે.

બજેટમાં મોંઘવારીનો દર ઘટશે એવી આશાઓ ઠગારી નીવડી છે. શિક્ષણ ક્ષેત્રે નવી શાળાઓ કે કોલેજો ખોલવામાં તથા ગ્રાન્ટ કે, સહયોગ વધારવામાં ઉદાસીનતા ઉભરી છે. આરોગ્યે ક્ષેત્રે નવા સામુહિક અને પ્રાથમિક આરોગ્યન કેન્દ્રોજ અને નવી હોસ્પિટલો ખોલવામાં તથા હયાત સુવિધામાં વધારો કરવા માટે સરકારે સદંતર નિષ્કાળજી દાખવી છે.

આજરોજ પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન પેટાપ્રશ્ન કરતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કુટીર ઉદ્યોગ મંત્રીને જણાવ્યું  હતું કે, રાજ્ય-માં બેરોજગારોને રોજગારી મળી રહે તેવા હેતુથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો મારફત બેન્કો દ્વારા લોન આપવાની યોજના છે. તે મુજબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અરજદારની અરજી મંજુર કરે અને બેન્કમાં ભલામણ કરી દીધા પછી બેન્ક દ્વારા લોન મંજુર કરવામાં આવતી નથી. તો શિક્ષિત બેરોજગાર યુવાનોને આવી ભલામણો થયેલ અરજીની બેન્કોએ ૧૦૦ ટકા લોન મંજુર કરવી જોઈએ અને જો બેન્ક લોન આપવા નનૈયા ભણે તો એની સામે પણ સરકારે લાલ આંખ કરવી જોઈએ.

મારિયા શારાપોવા (32)એ ટેનિસને ‘ગુડબાય’ કહી દીધું

મોસ્કો: રશિયાની પાંચ વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનેલી મારિયા શારાપોવાએ ટેનિસની રમતમાંથી નિવૃત્તિ લેવાની આજે જાહેરાત કરી છે.

32 વર્ષીય શારાપોવાએ vanityfair.com વેબસાઈટ પર એક લાગણીભર્યો સંદેશ મૂકીને પોતાની આ પ્રિય રમતને તિલાંજલિ આપવાની જાહેરાત કરી છે.

એણે આ માટે એવું કારણ આપ્યું છે કે ઈજાને લગતી સમસ્યાઓ વધી જતાં એનું શરીર રમત રમવામાં સાથ આપતું નહોવાથી તે નિવૃત્તિ લઈ રહી છે.

શારાપોવા 2005ની 22 ઓગસ્ટે તેની કારકિર્દીમાં પહેલી વાર વર્લ્ડ નંબર-વન બની હતી ત્યારે એની ઉંમર માત્ર 18 વર્ષ હતી. મહિલા ટેનિસના સિંગલ્સ રેન્કિંગ્સમાં નંબર-વન બનનાર એ પહેલી રશિયન ખેલાડી બની હતી.

એણે પાંચ વખત નંબર-વન રેન્ક મેળવી હતી. છેલ્લે, 2012ની 11 જૂનથી 2012ની 8 જુલાઈ સુધી, એમ ચાર અઠવાડિયા સુધી નંબર-1 પર રહી હતી.

શારાપોવાએ એની કારકિર્દીમાં બે વખત ફ્રેન્ચ ઓપન તથા એક વખત ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન ટાઈટલ જીત્યું હતું. કારકિર્દીમાં એણે કુલ 36 સિંગલ્સ વિજેતાપદ જીત્યા હતા. સેરેના વિલિયમ્સ અને વીનસ વિલિયમ્સ પછીના નંબરે શારાપોવા આવે છે.

દિલ્હી: રતનલાલના પરિવારને એક કરોડની મદદ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ત્રણ દિવસથી ફેલાયેલી હિંસા મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ હિંસા દિલ્હીવાસીઓ નહીં પણ બહારના લોકો અને કેટલાક રાજકીય લોકોએ ફેલાવી છે જે નફરતની રાજનીતિ કરવા માગે છે. આ હિંસામાં સૌથી વધુ નુકસાન દિલ્હીવાસીઓનું થયું છે, એથી એમણે હિંસા નહીં પણ નવી રાજધાનીના વિકાસને પસંદ કરવો જોઈએ. દિલ્હી વિધાનસભામાં ચર્ચા દરમ્યાન કેજરીવાલે હિંસામાં શહીદ થયેલા હેડ કોન્સ્ટેબલ રતન લાલાના પરિવારના એક સભ્યને નોકરી તેમજ પરિવારને એક કરોડ રુપિયાની આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

કેજરીવાલે કહ્યું કે, આ હિંસામાં હિન્દુ અને મુસલમાન બંનેને નુકસાન થયું છે એટલા માટે હિંસા નહીં પરંતુ વિકાસના રસ્તે આગળ વધવુ જોઈએ. કેજરીવાલે પોલીસની પ્રશંસા કરતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, આખી રાત હું જાગી રહ્યો હતો અને અમારા સાથીઓ પણ કામ કરી રહ્યા હતા. અમે પ્રયત્ન કરી રહ્યા હતા કે, પોલીસની મદદથી દંગામાં ફસાયેલા પરિવારોને બહાર કાઢવામાં આવે.

સીએમ કેજરીવાલે દિલ્હીવાસીઓને અપીલ કરી છે કે, રાજધાનીનું સુંદર ભવિષ્ય નિર્માણ કરવા માટે એકજૂથ થવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે, સમગ્ર દેશને કહેવાની જરૂર છે કે, બસ હવે બોવ થયું. નફરતની રાજનીતિ સહન નહીં થાય. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, હિંસા દરમ્યાન કેટલીક સારી તસવીરો પણ સામે આવી છે જેમાં હિન્દુ વિસ્તારોમાં મુસલમાનોને બચાવવામાં આવ્યા તો મુસ્લિમ વિસ્તારમાં એક હિન્દુ પરિવારને બચાવવામાં આવ્યો.

હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં: અજીત ડોભાલ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી હિંસાની આગમાં સળગી રહ્યું છે. નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઇને શરૂ થયેલી હિંસાએ દિલ્હી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ હિંસામાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને હિંસા રોકવાની જવાબદારી સોંપવામા આવી.

અજીત ડોભાલે આજે સીલમપુર વિસ્તારમાં ડીસીપી ઓફિસ ગયા બાદ ફરી હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. ડોભાલે મૌજપુર, જાફરાબાદ, ઘોંડાની મુલાકાત લીધી. આ પહેલા પણ જાફરાબાદ, સીલમપુર સહિત નોર્થ-ઇસ્ટ દિલ્હીના કેટલાક વિસ્તારોની ડોભાલ મુલાકાત લીધી હતી.

હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પછી એનએસએ અજીત ડોભાલે કહ્યું કે પોલીસ ઉતાવળથી કામ કરી રહી છે. સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. લોકો સંતુષ્ટ છે. મને કાયદો અને વ્યવસ્થા એજન્સીઓ પર ભરોસો છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.

આ દરમ્યાન ડોભાલે નોર્થ-ઈસ્ટના સ્થાનીક લોકો સાથે વાતચીત પણ કરી. લોકો સાથે વાત કરતા ડોભાલે કહ્યું કે, પ્રેમની ભાવના બનાવી રાખો. આપણો એક દેશ છે. આપણે સૌએ મળીને રહેવાનું છે. દેશમાં સૌએ સાથે મળીને આગળ વધવાનું છે.

એનએસએ અજીત ડોભાલ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને પરિસ્થિતિની માહિતી આપશે. એનએસએએ સ્પષ્ટ કરી દીધું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં અરાજકતા સહ્નન કરવામાં નહીં આવે. જરૂરી સંખ્યામાં પોલીસ દળ અને અર્ધસૈનિક દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

બ્યુટી ક્વીન ઉર્વશીએ મુંબઈ એરપોર્ટ પર પ્રશંસકો સાથે જન્મદિવસ ઉજવ્યો…

બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ 25 ફેબ્રુઆરી, મંગળવારે પોતાનો 26મો જન્મદિવસ ઉજવ્યો હતો. એ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.


મંગળવારે એ માલદીવ ટાપુઓ ખાતે જવા માટે મુંબઈથી રવાના થઈ હતી. એરપોર્ટ પર એ જન્મદિવસના અભિનંદન આપવા માટે કેટલાક પ્રશંસકો તથા પ્રેસ ફોટોગ્રાફરો પહોંચી ગયા હતા. એમની સાથે મળીને ઉર્વશીએ મીઠાઈ અને કેડબરી ચોકલેટ ખાધી હતી.




ઉર્વશી જિમ વેરમાં સજ્જ હતી. સાથે આંખો પર કાળા રંગના એકદમ ટચૂકડા કદના સનગ્લાસીસ પહેર્યાં હતાં.


પ્રશંસકો ઉર્વશી માટે કેક લઈને આવ્યા હતા. જે પણ એમણે સાથે મળીને ખાધી હતી.


જન્મદિવસે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉર્વશીએ પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. એની કેપ્શનમાં એણે લખ્યું કે, 'આજે સૂરજ મારા માટે થોડોક વધારે ચમકે. આ ધરતી પરની સૌથી સુંદર વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા, જે હું છું. જન્મદિવસ માટે મને શુભેચ્છા આપનાર સૌનો આભાર. એને કારણે હું આપની માનીતી હોવાનો મને એહસાસ કરાવ્યો. મારા જન્મદિવસે તો રજા જાહેર કરવી જોઈએ.'


2015માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ઉર્વશી બોલીવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક ગણાય છે અને એની ફેશન પસંદગી પણ ધ્યાનાકર્ષક રહે છે.


ઉર્વશી ઉત્તેજક ડાન્સ પરફોર્મન્સ, મારકણી અદા અને સ્માઈલને માટે દર્શકોમાં પ્રિય બની છે.


'સિંઘ સાબ ધ ગ્રેટ'માં એ સની દેઓલ સાથે ચમકી હતી. તે ઉપરાંત 'ભાગ જોની', 'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી', 'કાબિલ', 'હેટ સ્ટોરી 4' તેમજ હાલમાં જ એ 'પાગલપંતી'માં જોન અબ્રાહમ, કૃતિ ખરબંદા, અર્શદ વારસી, સૌરભ શુક્લા, ઈલિયાના ડીક્રુઝ સાથે જોવા મળી હતી.






નવાઝ શરીફ હવે પાકિસ્તાનમાં ‘સત્તાવાર’ રીતે ભાગેડુ છે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભાગેડુ જાહેર કર્યા છે. સરકારે શરીફ પર મેડિકલ રિપોર્ટ નહીં મોકલવા બદલ અને જામીનની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાડ્યો હતો. આ સાથે તેમના જામીન પણ રદ કરી દીધા છે. નવાઝ શરીફ ભ્રષ્ટાચારના મામલે સાત વર્ષની જેલની સજા કાપી રહ્યા છે. હાઇકોર્ટે  29 ઓક્ટોબર, 2019એ શરીફને નાદુસ્ત તબિયતનાં કારણોસર આઠ સપ્તાહના જામીન મંજૂર કર્યા હતા. તેઓ 19 નવેમ્બરે સારવાર માટે લંડન ગયા હતા, પણ હજી સુધી પાછા નથી ફર્યા.

વડા પ્રધાન ઇમરાન ખાનનાં સલાહકાર ડો. ફિરદૌસ આશિક અવાને કેબિનેટ બેઠક પછી કહ્યું હતું કે શરીફ મેડિકલ રિપોર્ટ મોકલવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે એક મેડિકલ સર્ટિફિકેટ મોકલ્યું હતું, જે પર્યાપ્ત નથી. એને આધારે તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. હજી તેઓ લંડનથી પાછા નહીં ફર્યા તો તેમને અપરાધી માનવામાં આવશે.

ઇસ્લામાબાદની હાઇકોર્ટે પંજાબ સરકારથી આ મામલે નજર રાખવા કહ્યું છે. નવાઝ શરીફને અનેક વાર પત્ર લખીને લંડનની કોઈ પણ હોસ્પિટલની મેડિકલ રિપોર્ટ મોકલવા કહેવામાં આવ્યું હતું, પણ તેમણે એક સર્ટિફિકેટ મોકલ્યું હતું, જેનો મેડિકલ બોર્ડે અસ્વીકાર કર્યો છે. જો નવાઝ શરીફ ગંભીરરૂપે બીમાર છે તો તેમને વિગતવાર મેડિકલ રિપોર્ટ મોકલવા માટે વાંધો શો છે?

 

 

દિલ્હીઃ ભાઈચારો અને શાંતિ જાળવવા વડા પ્રધાનની અપીલ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ભડકેલી હિંસા પર લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું કે, મેં દિલ્હીની સ્થિતિ અંગે માહિતી મેળવી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ શાંતિ જળવાય અને સ્થિતિ ફરી સામાન્ય બને તે માટે કામ કરી રહી છે.

મહત્વનું છે કે, નોર્થ ઈસ્ટ દિલ્હીમાં જાફરાબાદ, મોજપુર-બાબરપુર અને ચાંદબાગમાં ભડકેલી હિંસાના કારણે 20 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયા છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, શાંતિ અને સુમેળ આપણો સ્વભાવ છે. હું દિલ્હીના ભાઈઓ અને બહેનોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા માટે અપીલ કરું છું. જલ્દીમાં જલ્દી શાંતિ અને સામાન્ય સ્થિતિ થાય તે જરૂરી છે.

અમદાવાદના 609મા જન્મદિવસની ઉજવણી અને હેરિટેજ વૉક

ધ દૂરબીન દ્વારા 26મી ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ હેરિટેજ સીટી  અમદાવાદના 609માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના મુખ્ય હેરિટેજ સ્થળોને દર્શાવતી કેક બનાવવામાં આવેલી જેમાં સીદી સૈયદની જાળી, ત્રણ દરવાજા, એલિસબ્રીજ પણ બનાવવામાં આવ્યા હતા. અમદાવાદના જન્મદિવસની ઉજવણીમાં 40 જેટલા અમદાવાદના જાગૃત નાગરિકોએ ભાગ લીધો હતો.

609માં જન્મદિવસ નિમિતે ધ દૂરબીન દ્વારા ખાસ માણેક ટુ માણેક હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યા હતું. જેમાં 15થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને અમદાવાદને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે “ધ દૂરબીન” એ અમદાવાદ તથા ગુજરાતના ઐતિહાસિક વારસા, માતૃભાષા અને સંસ્કૃતિને જનજન સુધી પહોચાડવાનું કાર્ય કરી રહી છે. આ સંસ્થા સાથે જોડાયેલા યુવા વર્ગ અમદાવાદ તથા ગુજરાતના વિવિધ શહેરોના ગૌરવવંતા વારસાને આજની તથા આવનારી યુવા પેઢી સુધી પહોચાડવા માંગે છે અને તે અંગે સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે.

“ધ દૂરબીન” દ્વારા અમદાવાદ ખાતે રવિવારના રોજ અલગ અલગ પ્રકારની હેરીટેજ વોક થકી અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યો, હેરિટેજ ફૂડ, સાબરમતી આશ્રમ, વગેરે જેવા સ્થળો અને તેમાં રહેલા ઐતિહાસિક વારસાને જનજન સુધી પહોચાડવાનું કાર્ય કરવામાં આવે છે.