મારિયા શારાપોવા (32)એ ટેનિસને ‘ગુડબાય’ કહી દીધું

મોસ્કો: રશિયાની પાંચ વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનેલી મારિયા શારાપોવાએ ટેનિસની રમતમાંથી નિવૃત્તિ લેવાની આજે જાહેરાત કરી છે.

32 વર્ષીય શારાપોવાએ vanityfair.com વેબસાઈટ પર એક લાગણીભર્યો સંદેશ મૂકીને પોતાની આ પ્રિય રમતને તિલાંજલિ આપવાની જાહેરાત કરી છે.

એણે આ માટે એવું કારણ આપ્યું છે કે ઈજાને લગતી સમસ્યાઓ વધી જતાં એનું શરીર રમત રમવામાં સાથ આપતું નહોવાથી તે નિવૃત્તિ લઈ રહી છે.

શારાપોવા 2005ની 22 ઓગસ્ટે તેની કારકિર્દીમાં પહેલી વાર વર્લ્ડ નંબર-વન બની હતી ત્યારે એની ઉંમર માત્ર 18 વર્ષ હતી. મહિલા ટેનિસના સિંગલ્સ રેન્કિંગ્સમાં નંબર-વન બનનાર એ પહેલી રશિયન ખેલાડી બની હતી.

એણે પાંચ વખત નંબર-વન રેન્ક મેળવી હતી. છેલ્લે, 2012ની 11 જૂનથી 2012ની 8 જુલાઈ સુધી, એમ ચાર અઠવાડિયા સુધી નંબર-1 પર રહી હતી.

શારાપોવાએ એની કારકિર્દીમાં બે વખત ફ્રેન્ચ ઓપન તથા એક વખત ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન ટાઈટલ જીત્યું હતું. કારકિર્દીમાં એણે કુલ 36 સિંગલ્સ વિજેતાપદ જીત્યા હતા. સેરેના વિલિયમ્સ અને વીનસ વિલિયમ્સ પછીના નંબરે શારાપોવા આવે છે.